આમ તો બધા જ છે પણ મારું કોઈ નથી
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
મિલનમાં એ જુદાઈનો હવે સંકેત આપે છે,
હવે એ મારી સાથે પણ બીજાની જેમ વર્તે છે.
– પરિમલ
દરિયાની જેમ જિંદગીમાં પણ ભરતી અને ઓટ આવતા રહે છે. ક્યારેક બધું જ સારું હોય છે અને ક્યારેક આપણું ક્યાંય ધ્યાન નથી પડતું. જિંદગીમાં સારો સમય હોય ત્યારે આપણી પાસે દરેક સવાલના જવાબ હોય છે. પણ જિંદગી જ્યારે પલટી મારે ત્યારે આપણી પાસે કોઈ જવાબ હોતા નથી, માત્ર સવાલો હોય છે. જ્યારે આપણી પાસે કંઈ જ નથી હોતું ત્યારે પણ જે બચી રહેતું હોય છે એ સંબંધો છે.
જિંદગી વિશે એવું કહેવાય છે કે તમારે તમારી જિંદગી સારી રીતે જીવવી છે? તો તમારા સંબંધો કેવા છે એ તપાસતા રહો. તમારી પાસે એવી કેટલી વ્યક્તિઓ છે જે તમારી છે? ઘણી વખત આપણે ઓળખાણને સંબંધો સમજી લેતાં હોઈએ છીએ. પાર્ટી કરવાની હોય કે કોઈ પ્રસંગ ઊજવવાનો હોય ત્યારે મિત્રો અને સ્નેહીઓની યાદી લાંબી હોય છે પણ જ્યારે મુસીબત પડે ત્યારે જેની પાસે જઈ શકાય એવાં બે ચાર નામ પણ આપણને સૂઝતાં નથી. એટલે જ કદાચ ઉદાસ હોય ત્યારે માણસ એકલા રહેવાનું પસંદ કરતો હશે.
સંબંધો તો દરેક માણસ પાસે હોય જ છે પણ એ સંબંધો કેવા છે તેના ઉપર ખુશી અને ગમનો મોટો આધાર હોય છે. સંબંધનો નિયમ સીધો અને સટ છે. તમે જેવા સંબંધ રાખશો એવા સંબંધ તમને મળશે. તમારા સંબંધમાં જેટલી હળવાશ અને મોકળાશ હશે એટલા જ તમે ખુશ અને સુખી રહી શકશો. જે સંબંધમાં તણાવ લાગે એ સંબંધ ગમે એટલો નજીકનો હોય તોપણ અઘરો લાગે છે.
સંબંધોને સમય અને અંતરની મર્યાદાઓ નડતી નથી. ઘણી વખત એક જ ઘરમાં રહેતા લોકો એકબીજાથી જોજનો દૂર હોય છે અને ઘણી વખત સાત સમંદર પાર બેઠેલી વ્યક્તિ પણ પોતાની લાગે છે. રડવા માટે ઘણી વખત આપણે આપણા ઘરમાં જ ખૂણો શોધતા હોઈએ છીએ. કેવું છે, આપણે રડવા માટે પણ મોઢું સંતાડવું પડે છે. બધા હોય છતાં કોઈ જ ન હોય ત્યારે રડવું વધારે અઘરું બની જતું હોય છે. તમે માર્ક કરજો, મોટા ભાગે લોકો એવું જ કહેતા હોય છે કે, છે તો બધા જ પણ કોઈ મારું નથી. તમારી પાસે કોણ તમારું છે? કોની સાથે વાત કરતી વખતે તમારે કંઈ જ વિચારવું પડતું નથી? એને કેવું લાગશે કે એ મારા વિશે શું વિચારશે, એવો વિચાર જેના માટે ન કરવો પડે એવી વ્યક્તિ જો તમારી પાસે હોય તો માનજો કે એ ‘તમારી’ છે.
હવે તો આપણે કોઈની પણ સાથે કંઈ પણ વાત કરવી હોય તો ભૂમિકા બાંધીએ છીએ. ઘણા સમય અગાઉથી વિચારવું પડે છે કે એ વાત એને કેવી રીતે કરું? એ મને સમજી શકશે કે નહીં? સંબંધ એટલે જ્યાં શબ્દો ગોઠવ્યા વગર વાત કરી શકાય, સંબંધ એટલે જ્યાં આંસુ છુપાવ્યા વગર રડી શકાય, સંબંધ એટલે જ્યાં સંકોચ વગર મદદ માગી શકાય. સંબંધો કોઈની પણ સાથે હોઈ શકે છે પણ સંબંધો કેવા છે તેનો આધાર માત્ર ને માત્ર તમારા ઉપર રહેલો છે. આપણા સંબંધો માટે જો કોઈ જવાબદાર હોય તો એ માત્ર ને માત્ર આપણે જ હોઈએ છીએ. જો આપણે સારો સંબંધ રાખ્યો નહીં હોય તો સમય આવ્યે આપણને જ એવું ફીલ થશે કે તેની પાસે શું મોઢું લઈને જવું?
એક વ્યક્તિ પોતાના બાળકને સંત પાસે લઈ ગઈ. સંતને કહ્યું કે, મારા બાળકને તમે સુખી થવાની અને સંબંધો જાળવવાની કોઈ શીખ આપો. સંતે બાળકને બાજુમાં બેસાડીને કહ્યું કે જિંદગીમાં એક જ વાત યાદ રાખજો. તારો સમય સારો હોય ત્યારે સૌથી વધુ સાવચેત રહેજે. સારો સમય તું સાચવી લઈશ તો ખરાબ સમયમાં તું સચવાઈ જઈશ. સારો સમય હોય ત્યારે તું ખરાબ લોકો સાથે પણ સારો જ રહેજે.
માણસના સંબંધોની સાચી ઓળખ ખરાબ સમયમાં જ થતી હોય છે અને આ ઓળખનો આધાર આપણે સારા સમય વખતે કેવી રીતે રહ્યા હોઈએ છીએ તેના પરથી જ નક્કી થતી હોય છે. અલબત્ત, કેટલાંક સંબંધો એવા પણ હોય છે, જેને તમારો સમય કેવો છે એની સાથે કોઈ જ મતલબ હોતો નથી, એ લોકો સમય મુજબ બદલાતા નથી, કોઈ પણ સંજોગોમાં એવા ને એવા રહે છે. તમારી પાસે જો એવા લોકો હોય તો તમે લકી છો. અને હા, સાથોસાથ એ પણ વિચારજો કે તમે કોઈ માટે એવી વ્યક્તિ છો જેનાથી એ માણસ પોતાને લકી સમજે?
આપણે નાનકડી ચીજવસ્તુની જેટલી પરવા કરીએ છીએ એટલી પરવા પણ આપણા સંબંધોની કરતાં હોતા નથી. થોડુંક સોનું કે બીજી કોઈ સંપત્તિ હોય તો આપણે લોકરમાં મૂકી આવીએ છીએ અને આપણા સંબંધોને રેઢા મૂકી દઈએ છીએ. જેના સંબંધો રઝળતા હોય છે એને જ્યારે સંબંધની જરૂર હોય ત્યારે જ એ સંબંધ મળતાં હોતા નથી. સાચા સંબંધોને દિલના લોકરમાં જતનપૂર્વક સાચવી રાખવાના હોય છે.
સારા અને સાચા સંબંધ એ અત્યારના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. ડાહી ડાહી વાતો તો આપણને દરરોજ ઊઠીએ એ પહેલાં સવારના પહોરમાં એસએમએસ અને ઈ-મેલ દ્વારા મળી જતી હોય છે. થોટ ઓફ ધ ડે રોજેરોજ બદલાય છે. કેટલા વિચાર, સંકલ્પ કે નિર્ણય એવા હોય છે, જેને આપણે થોટ ઓફ ધ લાઇફ કહી શકીએ?
જિંદગી સારી જ હતી, જિંદગી સારી જ છે અને સારી જ રહેવાની છે. સવાલ માત્ર એટલો જ હોય છે કે આપણે કેવા છીએ?જિંદગીમાં તો મોકળાશ અને હળવાશ છે જ આપણે જ એ સ્પેસને આપણા ઈગો અને ઇર્ષાથી ભરી દેતા હોઈએ છીએ. તમારા સંબંધોમાં હળવાશ કે મોકળાશ નથી? તમને તમારા સંબંધો સૂકા ભઠ લાગે છે? જો આવું હોય તો એ પણ વિચારવાની જરૂર છે કે આમાં તમારી પોતાની ખામી ક્યાં રહી ગઈ? સંબંધો સાચવવા માટે માણસે બીજાનું ધ્યાન રાખતા પહેલાં સૌથી પહેલાં તો પોતાનું ધ્યાન રાખવાનું હોય છે કે હું જે કરું છું એ બરાબર તો છેને? કારણ કે સરવાળે તો તમે જેવા હશો એવા જ સબંધો તમારી સામે આવવાના છે.
છેલ્લો સીન :
હોશિયારમાં હોશિયાર ભાષા જ્યાં નિષ્ફળ જાય છે ત્યાં સારો વ્યવહાર ઘણું કાર્ય કરી જાય છે. – મૈગૂન
(‘સંદેશ’. તા.16મી ડિસેમ્બર,2012. રવિવાર. સંસ્કાર પૂર્તિ. ‘ચિતનની’ પળે કોલમ)
email : kkantu@gmail.com