આખરે માણસે કેટલા સંવેદનશીલ બનવું જોઈએ?

ભૂલી જવાના જેવો હશેએ બનાવ પણક્યારેક તમને સાલશે,મારો અભાવ પણ,
કહેવાતી હા‘ થી નીકળે, ‘ના‘ નાયે ભાવ પણમાણસની સાથે હોય છેએનો સ્વભાવ પણ.
– કૈલાસ પંડિત

કેટલી સંવેદના હોય તો માણસ સંવેદનશીલ કહેવાય? સંવેદનાનું કોઈ માપ નથી. સંવેદનાની તીવ્રતા માપી શકાતી નથી. માણસનું બ્લડપ્રેશર માપી શકાય છે, સંવેદનાનો સરવાળો કરી આપે એવું કોઈ મશીન નથી. સંવેદના માપવાની કે ગણવાની ચીજ પણ નથી. સંવેદના તો અનુભવવાની વસ્તુ છે. ‘ઇક અહેસાસ હૈ યે, રૂહ સે મહેસૂસ કરો.’ આંખો સુકાઈ જવાનાં કારણો હોઈ શકે, આંખો ભીની થવાનાં ઘણી વખત કોઈ કારણો નથી હોતાં. કોઈ યાદ, કોઈ સ્મરણ, કોઈ પ્રસંગ, કોઈ ઘટના, કોઈ સંવાદ કે કોઈ સ્પર્શ અચાનક તાજાં થઈ જાય છે, આકાશમાં એક વાદળ રચાઈ જાય છે અને પછી આંખ વરસી પડે છે. આંખમાં મેઘધનુષ રચાય એવી યાદો કેટલી હોય છે?
સંવેદના ક્યારેક એવી છંછેડાઈ જાય છે કે એ ચેન લેવા દેતી નથી. સળ પડી ગયેલી પથારી અને ભીનું થઈ ગયેલું ઓશિકું સંવેદનાને મેગ્નિફાઇંગ ગ્લાસથી મોટી કરી દે છે. સંવેદના ક્યારેક તીણી થઈ જાય છે અને કરવતની જેમ કંઈક ચીરતી રહે છે. સંવેદના ક્યારેક કોમળ પાંખડીઓના સ્પર્શ જેવી બની જાય છે. સંવેદના સજીવન થાય ત્યારે ટેરવાંઓમાં શીતળતાનો થનગનાટ થાય છે, તો ક્યારેક આપણી સંવેદના જ ટેરવે ટેરવે હોળી પ્રગટાવે છે. આંખોના બદલાતા રંગ ઘણી વખત સંવેદનાની ચાડી ફૂંકે છે. સંવેદના સુકાય ત્યારે પીળી અને ફિક્કી પડી જતી આંખો વધારે ગહેરી લાગે છે. ઊંડાણમાં કંઈક ખોવાઈ જાય છે અને એટલે જ ઘણી વખત રોવાઈ જાય છે. લાલ આંખોની ઝાંયમાં ઘણી વખત સંવેદના તરફડતી હોય છે અને ઘણી વખત સફેદ ચાદર ઓઢીને આંખો સંવેદનાનો માતમ મનાવતી રહે છે.
દરેક માણસ પોતાની સંવેદનાનો માલિક છે. માણસની સંવેદના જ છેવટે એ કેવો માણસ છે એ છતું કરતી હોય છે. સંવેદના માણસના દરેક કામમાં અને તમામ વર્તનમાં પ્રગટે છે. માણસના વિચારો એ બીજું કંઈ નથી પણ પોતાનામાં જીવતી સંવેદનાનું પ્રતિબિંબ છે. સંવેદના વરતાઈ આવે છે અને સંવેદનહીનતા પણ પરખાઈ જાય છે. કલાકારની સંવેદના એના શબ્દોમાં, એના ટાંકણામાં કે એની પીંછીમાં પ્રગટ થાય છે. સંવેદના ક્યારેક ખીલી જાય છે અને ક્યારેક મૂરઝાઈ જાય છે.
તમારી સંવેદના કેવી છે? એક માણસ હતો. તેણે કહ્યું કે બધા લોકોએ મારી સંવેદનાનો ગેરફાયદો જ ઉઠાવ્યો છે. મારો લાભ જ લીધો છે. તેને કહ્યું કે કેવડી મોટી વાત છે. આટલું થયું છતાં તમે તમારી સંવેદનાને મરવા દીધી નથી. સાચું પૂછો તો આપણી સંવેદનાનો ફાયદો કે ગેરફાયદો કોઈ ઉઠાવતું હોતું નથી પણ આપણે જ આપણી સંવેદનાનો ઉપયોગ કે દુરુપયોગ થવા દેતા હોઈએ છીએ. છેવટે સવાલ એ જ હોય છે કે આપણે આપણી સંવેદનાનો કેવો અને કેટલો ઉપયોગ થવા દઈએ છીએ.
સંવેદનશીલ હોવું સારું છે પણ સંવેદના ત્યાં જ સજીવન થવી જોઈએ. જ્યાં તેની અસર હોય. ન્યોછાવર થઈ જવામાં ગૌરવ છે પણ અયોગ્ય વ્યક્તિ માટે સમર્પણની ભાવના ઘણી વખત મૂર્ખામીમાં ખપતી હોય છે. ઇમોશનલ ફૂલ બનવા કરતાં ઇન્ટેલિજન્ટ ઇડિયટ બનવાનું ઘણી વખત વધુ જરૂરી બની જાય છે. તમારી સંવેદના સાર્થક કરવા માટે એ પણ જરૂરી છે કે સંવેદના સાથે રમત થવા ન દો. તમારી સંવેદના છેતરપિંડી માટે નથી. ઘણી વખત પ્રેમ, લાગણી, સ્નેહ, આત્મીયતા અને ઋજુતા પણ સ્વાર્થ અને મતલબનો અંચળો ઓઢીને આપણી સામે આવતી હોય છે, એને પારખતા આવડે નહીં તો સંવેદના જ વેદના બની જાય છે. ચંદન માટે ઘસાવવામાં કોઈ વાંધો ન હોય પણ પથ્થર સાથે પથ્થર ઘસાય તો તણખા જ મળે.
કુદરતે દરેક સૌંદર્યમાં સંવેદના ભરી છે, પ્રકૃતિની તમામ સંવેદના યોગ્ય સમયે જ પ્રગટ થાય છે. દરિયામાં મોટી ભરતી પૂનમે જ આવે છે, મેઘધનુષ વરસાદની ટાઢક પછી જ રચાય છે. ઉનાળામાં દેખાય એ ઝરણાં નથી હોતાં પણ મૃગજળ જ હોય છે. આપણે મૃગજળને ઝરણું માની લઈએ તો એમાં વાંક મૃગજળનો નહીં પણ આપણો હોય છે. સુકાઈ જવાનું પણ એક સૌંદર્ય હોય છે જો તમે કોઈ યોગ્ય કારણ માટે સુકાતા હો. પાનખરનું સૌંદર્ય એટલે જ છે કે ત્યાં વસંત પાછી આવવાની છે. પાનખર અને વસંતનો વિરહ છે,કંઈક ઊગવાનું હોય તો ખરવાની અને ખમવાની પણ મજા હોય છે. વિરહનો મતલબ તો જ છે જો કોઈ આવવાનું હોય, બાકી પેલી ગઝલની પંક્તિ જ વાજબી છે કે, જિસને પૈરો કે નિશા ભી નહીં છોડે પીછે ઉસ મુસાફિર કા રાસ્તા નહીં દેખા કરતે.
તમારી ઇમોશન્સ કેટલી કન્ટ્રોલ્ડ છે? હા, સ્વાર્થી ન થાવ પણ સાથોસાથ સ્વાર્થીને સમર્પિત પણ ન થઈ જાવ. શિકારી પણ અનાજના દાણા વેરે છે અને ખેડૂત પણ ખેતરમાં અનાજના દાણા જ વેરતો હોય છે. દાનત દાનતમાં જ ફેર હોય છે. આથમતાં સૂર્યનું સૌંદર્ય એટલે જ સારું લાગે છે, કારણ કે એ બીજા દિવસે પાછો ઊગવાનો છે. અંધારાનું પણ સૌંદર્ય છે જો પ્રકાશ પાછો આવવાનો હોય. રાહ પણ એની જ જુઓ જેના પાછા ફરવાનો વિશ્વાસ હોય.
દરેક માણસને જિંદગીમાં એક વખત તો એવું થયું જ હોય છે કે હું મૂર્ખ છું, મારી મૂર્ખાઈ જ મારી વેદના માટે જવાબદાર છે. કોઇ વ્યક્તિ ડીચ કરે ત્યારે આપણને આવી લાગણી થતી હોય છે. આવા સમયે માણસ ઘણી વખત બદલાઈ જતો હોય છે. હવે હું પણ જોઈ લઈશ. એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે સંવેદનાનો પડઘો સંવેદનાથી ન પડયો હોય ત્યારે પણ તમારી સંવેદનાને બુઠ્ઠી ન થવા દો. સંવેદનાનું વેર દુશ્મનીથી ન વાળી શકાય. સારું જ એ જ હોય છે કે તમારી સંવેદનાને બીજી તરફ વાળી દો. દુશ્મની કરીને પણ સરવાળે તો આપણે આપણો સમય, શક્તિ અને સંવેદના જ બરબાદ કરતાં હોઈએ છીએ.
તમારી સંવેદના તમારું ગૌરવ છે. સંવેદના ગુમાવો નહીં, કારણ કે માણસની સંવેદના જ એનું સાચું સૌંદર્ય છે. સંવેદનામાં માત્ર એટલી જ સમજદારીની જરૂર હોય છે કે કોઈ તેને છંછેડી ન જાય, છેતરી ન જાય. સંવેદના છંછેડાય તેમાંય વાંધો નથી, પણ એમાંથી સંગીતનું સર્જન થવું જોઈએ. વરસો તેનો વાંધો નથી પણ કોઈ તૃપ્ત થતું હોવું જોઈએ.
છેલ્લો સીન :
વિશ્વાસ માટે કોઈ સંગીન આધાર હોવો જોઈએ, અન્યથા તે ફક્ત અંધ વિશ્વાસ હોય છે.
(‘સંદેશ’ તા.28મી ઓકટોબર,2012, રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *