BROKEN WINDOWS THEORY : લોકો ટેકન ફોર ગ્રાન્ટેડ ન લે એ માટે સતર્ક રહેવું પડે છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

BROKEN WINDOWS THEORY
લોકો ટેકન ફોર ગ્રાન્ટેડ ન લે
એ માટે સતર્ક રહેવું પડે છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

આપણું મહત્ત્વ છે. આપણું વજૂદ છે. એ વાત સાબિત
કરતા રહેવું પડે છે. લોકોને જરાકેય નક્કામા લાગ્યા
એટલે એ અવગણવાનું શરૂ કરી દેશે. બ્રોકન વિન્ડો
થિયરી જિંદગી માટે પણ સમજવા જેવી છે

———–

દરેક માણસ એવું ઇચ્છતો હોય છે કે, બધા એને ઓળખે. માન આપે. આદર કરે. સમાજમાં મારી ઇજ્જત હોય. રુત્બો હોય. ઇજ્જત ક્યારેય એમ જ મળી જતી નથી. દરેક માણસે પોતાની ઓળખ સાબિત કરતા રહેવું પડે છે. ભલે આપણે જે કોઇ કક્ષાએ હોઇએ, જે કંઇ કરતા હોઇએ, આપણે આપણું વજૂદ બનાવવું પડતું હોય છે. બનાવ્યા પછી એને જાળવવું પણ પડતું હોય છે. માણસ પોતે જરાયે બેદરકાર રહે તો તેને ઇમ્પોર્ટન્સ મળતું તો બંધ થઇ જાય છે, ઊલટું લોકો તેને ઇગ્નોર કરવા લાગે છે. દુનિયામાં આજકાલ વધુ એક વખત બ્રોકન વિન્ડોઝ થિયરી ચર્ચામાં છે. પોતાનું મહત્ત્વ જાળવવા માટે આ થિયરી સમજવા જેવી છે. 1982માં અમેરિકાના સોશિયલ સાયન્ટિસ્ટ જેમ્સ ક્યૂ. વિલ્સન અને જ્યોર્જ એલ. કેલિંગે આ બ્રોકન વિન્ડોઝ થિયરી આપીને એવું કહ્યું હતું કે, નાની નાની અવ્યવસ્થા કે ઊણપને જો સમયસર સુધારવામાં ન આવે તો એ અરાજકતા તરફ દોરી જાય છે. આ વાત વ્યક્તિગત રીતે પણ અસર કરે જ છે. પોતાની ખામીઓ અને ઊણપો જો સુધારવામાં ન આવે તો એ મુશ્કેલી નોતરે છે. કેટલાક કિસ્સામાં જિંદગી બરબાદ પણ કરી નાખે છે.
સૌથી પહેલાં તો આ બ્રોકન વિન્ડોઝ થિયરી શું છે એ સમજવા જેવું છે. તૂટેલી બારીને આખી ઘટનામાં ઉદાહરણ તરીકે લેવામાં આવી છે. એક બિલ્ડિંગ છે. તેની એક બારી તૂટેલી છે. જો આ બારીને રિપેર કરવામાં ન આવે તો નજીકથી પસાર થનારા લોકો ધીમે ધીમે એવું માનવા લાગે છે કે, આ બિલ્ડિંગની સંભાળ લેવાવાળું કોઇ નથી. કોઇને તેની પરવા નથી. તૂટેલી બારી લોકોને એક નેગેટિવ મેસેજ આપે છે. એ મેસેજનો પોતાની રીતે મતલબ કાઢીને લોકો બિલ્ડિંગને નુકસાન પહોંચાડવા લાગે છે. તોફાની તત્ત્વો બીજી બારીઓ પણ તોડી નાખશે. ચોર લોકો જે હાથમાં આવશે એ ઉઠાવી જશે. કેટલાક લોકો બિલ્ડિંગની દીવાલો પર લખાણો લખી જશે અથવા તો ચીતરામણ કરી જશે. આવી અવાવરું પડેલી એકાદ બિલ્ડિંગ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક જોઇ જ હોય છે. બિલ્ડિંગની દરકાર લેવામાં ન આવે તો લોકો ધીમે ધીમે ત્યાં કચરો ફેંકવા લાગશે. અસામાજિક તત્ત્વો પણ પોતાના મનસૂબા પાર પાડવા માટે એ બિલ્ડિંગનો ઉપયોગ કરવા માંડશે.
આ થિયરીમાં ખરેખર કેટલો દમ છે, વાત સાચી છે કે ખોટી, એના વિશે પણ પ્રયોગો કરવામાં આવ્યા છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના જાણીતા મનોવૈજ્ઞાનિક ફિલિપ ઝિમ્બાર્ડોએ કરેલો એક પ્રયોગ ખૂબ જ રસપ્રદ છે. તેમણે એક જ સરખી બે કાર ખરીદી હતી. બેમાંથી એક કાર તેમણે અસામાજિક તત્ત્વો માટે જાણીતા ન્યૂયોર્કના બ્રોન્ક્સ રોડ પર મૂકી દીધી. બીજી કાર પાલો અલ્ટો નામના પોશ વિસ્તારમાં મૂકી. બ્રોન્ક્સ વિસ્તારમાં મૂકેલી કારને એક તોફાનીએ નુકસાન પહોંચાડ્યું. કારની સંભાળ લેવાવાળું કોઇ નથી એની ખબર પડતાં લોકો કારનાં ટાયર, અરીસાથી માંડીને જે ચીજ નીકળી શકે એમ હતી એ કાઢીને લઇ ગયા. બીજી તરફ જે કાર પોશ એરિયામાં મૂકી હતી ત્યાં એક અઠવાડિયું થઇ ગયું છતાં કોઇએ કંઇ કર્યું નહોતું. એક વીક પછી ફિલિપ ઝિમ્બાર્ડો કાર પાસે ગયા અને એક હથોડો લઇને કારનો એક કાચ ફોડી નાખ્યો. બારીનો કાચ તૂટ્યા પછી લોકો એ કારને ઉપેક્ષિત નજરથી જોવા લાગ્યા. ધીમે ધીમે એ કારમાંથી પણ ચોરીઓ થવા લાગી. તેના આધારે એવું કહેવાયું કે, તોફાની લોકો તો બગાડે જ છે, જો કોઇ ધ્યાન રાખનાર નથી એવા સંકેત મળે તો સજ્જન માણસો પણ નિયમો તોડવા લાગે છે અને ગમે તે કરી શકે છે.
બીજો એક રસપ્રદ પ્રયોગ 2008માં ગ્રોનિગન યુનિવર્સિટીના રિસર્ચર કેરોન કીઝરે કર્યો હતો. એક દીવાલ હતી. એ દીવાલ પર થોડુંક ચીતરામણ કરવામાં આવ્યું. જ્યારે દીવાલ થોડી સાફ હતી ત્યારે 33 ટકા લોકોએ ત્યાં કચરો ફેંક્યો હતો. દીવાલ જેવી ગંદી થઇ કે 69 ટકા લોકોએ ત્યાં કચરો ફેંકવાનું શરૂ કરી દીધું હતું. આ આખી ઘટનાનો ખૂબ જ રસપ્રદ રીતે પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 1990માં ન્યૂયોર્કના તત્કાલીન મેયર રૂડી ગિલાની અને પોલીસ કમિશનર વિલિયમ બ્રેટને મોટા ગુનાઓ રોકવા માટે એક નવો પ્રયોગ હાથ ધર્યો. તેમણે મોટા ગુનેગારોને પકડવાના બદલે સબવેમાં ટિકિટ વગર મુસાફરી કરનારા, નાની-મોટી ચોરી કરનારા, લોકોનાં ખિસ્સાં કાપનારા, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા અને સામાન્ય ઝઘડામાં મારામારી કરનારા લોકોને પકડવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાનું ચોંકાવનારું પરિણામ એ મળ્યું હતું કે, ન્યૂયોર્કમાં ખૂન અને લૂંટ જેવા મોટા ગુનાઓમાં જબરદસ્ત ઘટાડો થઇ ગયો હતો. એ વખતે પણ એ સાબિત થયું હતું કે, નાની નાની વાતોની દરકાર લેશો તો મોટી બાબતો આપોઆપ સુધરી જશે.
માણસની જિંદગીને પણ આ વાત એટલી જ લાગુ પડે છે. આપણે જો આપણી આદતો, માનસિકતા, ભૂલો અને બેદરકારીઓને ગંભીરતાથી ન લઇએ તો એ આપણું પતન નોતરે છે. લોકો આપણને ગંભીરતાથી લેવાનું બંધ કરી દે છે. જિંદગીમાં નાની નાની વાતોનું પણ ધ્યાન રાખો. આપણે એવા કિસ્સાઓ પણ જોયા છે કે, ઘરે જમતા હોઇએ ત્યારે આપણે જો આપણી થાળી ઉપાડી લઇએ તો બીજા લોકો પણ એવું કરશે. થાળી જો એમ જ મૂકી દેશો તો બીજા લોકો પણ ઊભા થઇ જશે. તમારું વર્તન એવું હોવું જોઇએ કે, બીજા લોકો તમને અનુસરવા લાગે.
અંગત જિંદગીમાં બ્રોકન વિન્ડોની થિયરી એ રીતે પણ કામ કરે છે કે, સો રૂપિયા વાપરવામાં કંઇ વાંધો નથી, એવું વિચારીને માણસ જો સો સો રૂપિયા વાપરતો રહે તો ક્રેડિટ કાર્ડના મોટા દેવામાં ફસાઇ જાય છે. પહેલી જ વખતે વાપરતી વખતે જો એ વિચારે કે મારે આની ખરેખર જરૂર છે તો એ ખોટા ખર્ચથી બચી શકે છે. સંબંધમાં પણ તૂટેલી બારીને સમજવા જેવી છે. એક વખત અપમાન કર્યા પછી જો સતત એવું ચાલુ રહે તો એ સંબંધ લાંબો ટકવાનો નથી. કોઇ સંબંધ એક દિવસમાં નથી તૂટતો, એક લાંબી પ્રક્રિયા બાદ સંબંધનો અંત આવતો હોય છે. પાર્ટનર સાથે નાની નાની વાતમાં અણબનાવ થવો, ગુસ્સામાં વારેવારે કંઇ પણ કહી દેવું, ભૂલ થઇ ગયા પછી પણ માફી ન માંગવી એ બધું જ બ્રોકન વિન્ડોઝની જેમ એક દિવસ સંબંધનો અંત લાવે છે.
આપણે પોતાની જાત સાથે પણ ઘણી વખત બ્રોકન વિન્ડોઝની માફક છૂટછાટો લઇએ છીએ. સવારે વહેલા ઊઠવાનું હોય, એલાર્મ મૂક્યું હોય, એ પછી એલાર્મ વાગે ત્યારે બંધ કરીને પાછા સૂઇ જવું, નક્કી કરેલું કામ ન કરવું, આદતો અને દાનતોમાં છૂટછાટ લીધા રાખવી એ સરવાળે નિષ્ફળતા તરફ ધકેલે છે. બારી તૂટે અને લોકો અવગણવાનું શરૂ કરે એ પહેલાં જ ઘણી ભૂલો સુધારી લેવાની હોય છે. કોર્પોરેટ કલ્ચરમાં પણ આ થિયરીનાં ઉદાહરણ આપવામાં આવે છે. કસ્ટમરની પહેલી ફરિયાદ આવે અને જો તેને અવગણવામાં આવે તો ધીમે ધીમે ગ્રાહક દૂર થઇ જાય છે. કંપનીમાં કોઇ મોડું આવે અને એને કંઇ કહેવામાં ન આવે તો ધીમે ધીમે બધા મોડા આવવા લાગશે. એક સમયે ઓફિસનું કલ્ચર જ મોડા આવવાનું થઇ જશે.
બ્રોકન વિન્ડોઝ થિયરીનું અંતિમ સત્ય એ છે કે, મોટી આફતો હંમેશાં નાની નકારાત્મક શરૂઆતનું પરિણામ હોય છે. પહેલી જ વખતે જો એને સુધારી લેવામાં આવે તો વાંધો આવતો નથી. પહેલી કે એક ભૂલ બધા સ્વીકારી શકે છે, સમજી શકે છે કે માણસથી ભૂલ થઇ જાય. જો વારંવાર ભૂલો કરીએ તો લોકો કહેશે કે એ છે જ એવો કે એ છે જ એવી. આખરે ઇમ્પોર્ટન્સ આપવાનું બંધ થશે અને ઇગ્નોર કરવાનું શરૂ થશે. આપણું મહત્ત્વ જળવાઇ રહે એની કાળજી આપણે જ રાખવી પડે છે. બારી તૂટે તો તરત બદલાવી નાખવી પડે છે. દરેક વ્યક્તિએ સમયે સમયે એ ચેક કરતા રહેવું જોઇએ કે, આપણી બધી બારીઓ તો સલામત છેને? કોઇ બારીના કાચમાં ક્રેક નથી પડીને? કોઇ બારી તૂટી ગઇ નથીને? સંકટથી બચવા માટે એ જરૂરી છે કે, સમય વર્તે સાવધાન થઇ જઇએ.


———-

પેશ-એ-ખિદમત
દેખ કર દિલકશી જમાને કી,
આરજૂ હૈ ફરેબ ખાને કી,
એ ગમ-એ-ઝિંદગી ના હો નારાજ,
મુઝકો આદત હૈ મુસ્કુરાને કી.
– અબ્દુલ હમીદ અદમ


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 19 ઓગસ્ટ 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *