સારા હોવું સહેલું છે, સારા રહેવું અઘરું છે – કૃષ્ણકાંત ઉનડકટ

સારા હોવું સહેલું છે,
સારા રહેવું અઘરું છે

– કૃષ્ણકાંત ઉનડકટ


દુ:ખ ભૂલી જા, દીવાલ ભૂલી જા,
થઈ જશે તું ન્યાલ, ભૂલી જા,
જો સુખી થવું હોય તારે તો,
જે થતા તે સવાલ, ભૂલી જા.
– મનોજ ખંડેરિયા


આજના સમયમાં સારા માણસ હોવું બહુ સ્વાભાવિક છે, પણ સારા રહેવું બહુ અઘરું છે. સારા માણસને ડગલે ને પગલે સમાધાનો કરવાં પડે છે. મન મારવું પડે છે. ખોટા અને ખરાબ લોકોની વચ્ચે ટકવું પડે છે. પહોંચેલા અને ધાક જમાવનારા લોકોનો પડ્યો બોલ ઝિલાય છે. સારા માણસે આજીજીઓ કરવી પડે છે. સૌથી ખરાબ વસ્તુ એ છે કે, સારા માણસોને લોકો નબળા સમજે છે. કોઇ એને કહેતું નથી કે, તું ખરેખર સારો માણસ છે. દરેક ઝંઝાવાતોનો સામનો કરવા છતાંયે તેં તારી સારપ નથી છોડી. તને ધન્યવાદ છે. ઊલટું એવું કહે છે કે, સારા રહીને તેં શું મેળવી લીધું? તારું કંઇ ઊપજે છે? કોઇ તારો ભાવ પૂછે છે? તને તો બધા ટેકન ફોર ગ્રાન્ટેડ જ લે છે. એને નહીં કહીએ તો ચાલશે. એ જે કહીશું એ માની લેશે. કેટલાક કિસ્સાઓમાં તો એવું પણ કહે છે કે, એને કંઇ પૂછવાની જરૂર નથી. આ દુનિયામાં સૌથી ખરાબ જો કંઇ હોય તો એ સારા માણસના સારાપણાની હત્યા છે. સારો માણસ ખરાબ થઇ જાય એવું કરવું કે બોલવું એના જેવું પાપ બીજું કોઇ નથી. જે સારા છે એને સારા રહેવા દેવા એ પણ સારી અને મોટી વાત છે. એક સમયે સજ્જનોનો આદર થતો હતો. હવે દુર્જનોની બોલબાલા છે. સાચા માણસો સાઇડમાં હોય છે અને ખોટા માણસો પહેલી હરોળમાં ગોઠવાઇ ગયા હોય છે. આ બધા છતાં હકીકત એ છે કે, સારો માણસ સારો જ રહે છે. એને કોઇ શું કહેશે એનાથી કોઇ ફેર પડતો નથી. એણે નક્કી કર્યું હોય છે કે, મેં જે રસ્તે ચાલવાનું નક્કી કર્યું છે એને હું નહીં છોડું.
એક યુવાન હતો. બહુ સાચો અને સારો. એને ઘણી વખત સવાલ થતો કે, સારા રહીને મેં શું મેળવી લીધું? ક્યારેક તેને એવો પ્રશ્ન પણ થતો કે, હું જે કરી રહ્યો છું એ સાચું તો છેને? દુનિયા તો ઊંધા જ ધંધા કરે છે. એક વખત તેને એક સંત મળ્યા. સંતને તેણે સવાલ કર્યો કે, સારા શા માટે રહેવું જોઇએ? સંતે કહ્યું કે, જ્યારે આપણે આપણી જાત સામે જોઇએ ત્યારે નીચું ન જોવું પડે એ માટે સારા રહેવું જોઇએ. આપણે આપણી જાતને જવાબ આપવાનો હોય છે કે, હું કેવો છું? આ જવાબ પણ સાચો હોવો જોઇએ. ખોટા લોકો પાસે સાચા જવાબ હોતા નથી. કરુણતા એ વાતની પણ છે કે, હવે દરેક વ્યક્તિ પોતાના ખોટા જવાબને પણ સાચા માનવા લાગ્યા છે. બધા આવું જ કરે છે. દુનિયામાં સીધા રહેવામાં બહુ માલ નથી. તમારામાં તાકાત હોય તો જ દુનિયા સલામ કરે છે. આવું બધું વિચારીને માણસ એવું જ માની લે છે કે, હું જે માનું છું એ જ સાચું છે. માણસ બીજાને તો છેતરે છે, સૌથી વધુ આસાનીથી તો પોતાની જાતને છેતરતો હોય છે. ખોટું કરનારને ખબર હોય છે કે, હું ખોટું કરું છું. એને એની પણ જાણ હોય છે કે, આવું ન કરાય. એના પછી પોતાની જાતને છેતરવાનું શરૂ થાય છે. થોડુંક કરી લેવા દેને, આવો સમય વારે વારે આવતો નથી.
એક સાવ સાચો કિસ્સો છે. એક ઓફિસમાં બે મિત્રો કામ કરતા હતા. એક બહુ જ પ્રામાણિક હતો અને બીજો એક નંબરનો કરપ્ટ હતો. સારો મિત્ર તેને હંમેશાં સમજાવતો કે, આવું બધું રહેવા દે, સારી વાત નથી. પેલો મિત્ર તેની વાત માનવાને બદલે એમ કહેતો કે, તારે સારા રહેવું હોય તો તું સારો રહે, મારે નથી રહેવું. બીજાને જો, કેવી મસ્તીથી જીવે છે. તારી પાસે શું છે? ખોટો ભગત થાય છે તે ખબર છે. થયું એવું કે, એક વખત એ મિત્ર લાંચ કેસમાં પકડાઇ ગયો. નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. તેના સારા મિત્રએ કહ્યું, હું તને ના પાડતો હતો, પણ તું માન્યો જ નહીં. પેલા મિત્રએ કહ્યું, મને કંઇ ફેર નથી પડતો. તને ખબર છે, તું આખી જિંદગી નોકરી કરીને કમાઇશ એના કરતાં મેં વધુ ભેગા કરી લીધા છે. તું તારે તારા પગારમાં જીવ. આખરે સારા મિત્રએ કહ્યું, દુ:ખ એ વાતનું છે કે, તેં જે કર્યું એ તને ખોટું કે ખરાબ પણ નથી લાગતું. ખોટો રસ્તો જ જ્યારે સાચો લાગવા માંડે ત્યારે માણસ અધોગતિમાં જ ધકેલાય છે.
દુનિયામાં ખરાબ, બૂરા અને બદમાશ લોકોની ભલે બોલબાલા હોય, પણ સારા લોકોની પણ કમી નથી. આપણે ઘણાની વાત સાંભળીને એવું કહીએ છીએ કે, આવા લોકોના કારણે જ દુનિયા ટકી રહી છે. એક વખત એક પૌત્રએ તેના દાદાને પૂછ્યું, આ દુનિયામાં બધા જ લોકો સારા કેમ નથી? દાદાએ કહ્યું, જો બધા જ સારા હોત તો સારા લોકોની જે કદર હોવી જોઇએ એ ન હોત. ખરાબ લોકો છે એટલે જ સારા લોકોને દુનિયા સારો કે સારી કહે છે. બીજી વાત એ પણ છે કે, દુનિયામાં અત્યારે જ ખરાબ લોકો છે એવું બિલકુલ નથી. જ્યારથી માણસજાત બની છે ત્યારથી બદમાશ લોકોની હાજરી રહી જ છે. અગાઉના સમયમાં રાક્ષસો હતા, દુષ્ટો હતા, હવે માફિયાઓ અને આતંકવાદીઓ છે. બદમાશોનાં નામ બદલાય છે, ઓળખ બદલાય છે, એમની પ્રકૃતિ નથી બદલાતી. એ તો એની એ જ રહે છે. આપણે એવું માનતા હોઇએ છીએ કે, એ બધાને તો જલસા છે, પણ એવું હોતું નથી. પોતાને બહાદુર ગણાવતા અને દાદા થઇને ફરતા લોકો અંદરથી કેટલા ફફડતા હોય છે એની એમને જ ખબર હોય છે.
એક માફિયા હતો. તેનું નામ પડે એટલે ભલભલા ધ્રૂજવા લાગે. એ જે કહે એ બધાને કરવું પડે. એ આખો દિવસ બોડીગાર્ડ્સની વચ્ચે જ રહે. એક વખત એક બાળકે તેને સવાલ કર્યો, બધા જ તમારાથી ડરે છે, તમે કોનાથી ડરો છો? એ માફિયાએ કહ્યું, સાવ સાચું કહું, હું મારાથી જ ડરું છું. મારાં કરતૂતો જ મને ડરાવે છે. મેં કામો જ એવાં કર્યાં છે કે, દુશ્મનોને મળે પડશે એટલે મને ઉડાવી દેવાના છે. બરાબર એ જ વખતે એક સાધુ ત્યાંથી પસાર થયા. માફિયાએ બાળકને કહ્યું, પેલા સાધુને જો, એમને કોઇનો ભય નથી. એકલા જાય છે. બધા ભયમાંથી મુક્ત હોવાનું એક સૌથી મોટું કારણ આપણે સાચા અને સારા હોય એ જ છે.
દરેક માણસે એ જ વિચારવાનું હોય છે કે, હું સાચો છુંને? જો આપણે સાચા હોઇએ તો કોઇ વાતથી ડરવાની જરૂર નથી. એક વાત એ પણ યાદ રાખવાની કે, સત્યનો માર્ગ ક્યારેય સરળ રહેવાનો નથી. તેની સાથે એક હકીકત એ પણ છે કે, અસત્યનો માર્ગ ભલે સહેલો લાગતો હોય, એ છેલ્લે તો સંતાપ જ આપે છે. સત્યનો માર્ગ શાંતિ આપે છે. અસત્યનો માર્ગ ઉચાટ અને ઉત્ત્પાત જ આપવાનો છે. દુનિયા કેવી છે એની ચિંતા કે એના વિશે બહુ વિચાર કરવા જેવો નથી. વિચાર એ જ કરવાનો હોય છે કે, હું કેવો છું અથવા તો હું કેવી છું? માણસે એ પણ ચેક કરતા રહેવું પડે છે કે, હું જે કરી રહ્યો છું એ સાચું તો છેને? હવેના સમયમાં લલચાઇ જવાય અને લસરી જવાય એવું બહુ બને છે. જરાકેય વાતમાં આવી ગયા કે તરત જ માર્ગ બદલાઇ જાય છે. સારા હોવાની સાથે નમ્ર હોવું પણ એટલું જ જરૂરી છે. સચ્ચાઇ અને સાદાઇનો ભાર પણ ન રહેવો જોઇએ. ઘણા લોકોને સારા હોવાનું પણ અભિમાન હોય છે. સારાપણું નમ્રતા વગર અધૂરું છું. નમ્રતાનું હંમેશાં સન્માન થાય છે. લોકો ભલે બોલે નહીં, લોકો ભલે જાહેરમાં કે ખાનગીમાં એપ્રિસિએટ ન કરે, લોકોને ખબર જ હોય છે કે, કોણ સારું છે અને કોણ ખરાબ છે. સારા માણસનું વ્યક્તિત્ત્વ જ તેજમય હોય છે. સાચા સંતનો ચહેરો જોજો, તેમાં એક નૂર અને નિર્દોષતાનાં દર્શન થશે. કોઇ બદમાશ માણસને તમે સૌમ્ય જોયો છે? છેલ્લે તો જે આપણી અંદર હોય એ જ બહાર દેખાવાનું હોય છે. સારા હશો તો પણ અને ખરાબ હશો તો પણ, લોકો ઓળખી જ જવાના છે કે, આ માણસ કેવો છે. આપણે દુનિયા ઓળખે એની ચિંતા કરવાની પણ બહુ જરૂર નથી. આપણને આપણી સાચી અને સારી ઓળખ હોય એ પૂરતું છે.
છેલ્લો સીન :
ભલે કોઈને બટકું ન ભરીએ કે કોઈને ઉઝરડા ન પાડીએ, પણ આ જગતમાં જીવવા માટે દાંત અને નહોર તેજ અને તીક્ષ્ણ રાખવા પડે છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 09 ઓગસ્ટ 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *