હે ભગવાન, મને કેમ આવો
ખરાબ વિચાર આવી ગયો?

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
જેવી મળી આ જિંદગી, તેવી ગમી હતી,
તો પણ હંમેશાં લાગતું, થોડી કમી હતી,
આધાર એનો ક્યાં હશે, એ જાણતી હશે,
થોડીક ડાળો મૂળ તરફ પણ નમી હતી.
– મનસુખ નારિયા
વિચારો છુટ્ટા ઘોડા જેવા હોય છે. એને લગામ બાંધવી પડે છે. વિચારોને જો કાબૂમાં ન રાખીએ તો એ આપણી જ બરબાદી નોતરે છે. વિચારો જ માણસને ઘડે છે. વિચારો જ પતન પણ નોતરે છે. દરેક માણસને ક્યારેક તો ખરાબ વિચારો આવ્યા જ હોય છે. જો કોઇ માણસ એમ કહે કે, એને ક્યારેય કોઇ ખરાબ વિચાર નથી આવ્યો તો એ એક નંબરની જુઠ્ઠી વ્યક્તિ છે. ખરાબ વિચારો બધાને આવે જ છે. સારો માણસ એ છે જે ખરાબ વિચારોને પોતાના પર હાવી થવા દેતો નથી. આપણી અંદર જ દેવ અને દાનવ વસેલા છે. એક નાનકડો સંત અને એક શેતાન પણ આપણામાં જ બિરાજમાન છે. આપણે કોને જીવતો રાખીએ છીએ અને કોને મારી નાખીએ છીએ તેના પર આપણા વિચારોનો આધાર રહે છે. આપણા વિચારો ક્યારેક ખૂબ જ સારા હોય છે. બધાનું ભલું ઇચ્છતા હોઇએ છીએ. આખા જગતમાં શાંતિ હોવી જોઇએ. બધું જ સારું વિચારતા હોઇએ છીએ. ક્યારેક કોઇ કડવો અનુભવ થાય ત્યારે એવા વિચારો પણ આવી જાય છે કે, બધા જ નાલાયક છે. મારા સારાપણાનો ફાયદો ઉઠાવે છે. સારા અને સાચા થવામાં કંઇ ભલાઇ નથી. હવે મારેય બધા જેવું થઇ જવું છે. જ્યારે થવાનું હોય છે ત્યારે આપણે ખરાબ થઇ શકતા નથી. આપણું સારાપણું, આપણા સંસ્કારો આપણને રોકે છે. મારાથી આવું ન થાય. હું કંઇ બધા જેવો નથી કે બધા જેવી નથી. નુકસાન જવું હોય તો ભલે જાય, પણ મારે ખોટું કરવું નથી. મારે કોઇનું દિલ દુભાવવું નથી. આપણા વિચારો જ આપણે કેવા છીએ એ સાબિત કરે છે.
વિચારોના પણ વાઇબ્રેશન હોય છે. આપણે જેવા વિચારો કરીએ એવું પ્રતિબિંબ આપણા ચહેરા પર રચાતું હોય છે. કોઇ ખૂબ જ ગુસ્સે થયેલા માણસને જોજો. એનો ચહેરો તમતમી ગયો હશે. શ્વાસ ફૂલી ગયા હશે. એનું કારણ એના વિચારોની ઉગ્રતા છે. કેટલાક લોકો અત્યંત શાંત હોય છે. ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ તેઓ પોતાનું મગજ ગુમાવતા નથી. એના ચહેરા પર શાંતિ નજરે પડે છે. એક સંત હતા. એક માથાભારે માણસ દરરોજ તેના આશ્રમમાં આવીને ધમાલ કરે. સંત તેને કંઇ ન કહે. ઊલટું એમ કહે કે, આવ બેસ. ચા-પાણી પીશ? ધીમે ધીમે પેલા માથાભારે માણસમાં બદલાવ આવવા લાગ્યો. એક વખત તેણે સંતને સવાલ કર્યો, હું આટલી ધમાલ કરતો હતો તો પણ તમને ગુસ્સો નહોતો આવતો? સંતે કહ્યું, ગુસ્સો આવત તો શું થાત? હું તારી સાથે ઝઘડ્યો હોત. તેના પરિણામ ખરાબ જ હોત. કેટલીક વખત આપણી પાસે ચોઇસ હોય છે કે, તારે સંઘર્ષ પસંદ કરવો છે કે શાંતિ? હું સાધુ એટલે જ થયો કે મારે કોઇની સાથે સંઘર્ષમાં પડવું નહોતું. સંત થઇને સંઘર્ષ કરું તો મને ડાહી ડાહી વાતો કરવાનો કોઇ અધિકાર જ નથી. તારામાં પણ એક સંત છે. એને તેં દબાવી દીધો છે એટલે શેતાન તારા પર સવાર થઇ જાય છે. દરેક માણસે એ નક્કી કરવાનું હોય છે કે, મારે શું કરવું છે? મારે કેવા રહેવું છે? આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે સામેવાળી વ્યક્તિ જે કરે એવું જ કરીને એના જેવા થઇ જઇએ છીએ. આપણે આપણા જેવું કરીએ તો સામેવાળી વ્યક્તિ પણ આપણા જેવી થઇ જાય છે. આપણે એના જેવું થવું છે કે એને આપણા જેવા કરવા છે એ આપણે નક્કી કરવાનું હોય છે. કોઇના જેવા થઇ જવું બહુ આસાન છે, પોતાના જેવા થવાનું સહેલું નથી. સારું હોય છે એ ક્યારેય સહેલું હોવાનું નથી.
વિચારો ક્યારેક આપણી સામે જ સવાલો પેદા કરે છે. વિચારો અમુક સમયે આપણને જ મૂંઝવી નાખે છે. ક્યારેક આપણને એવા વિચાર આવી જાય છે જેનું આપણને જ દુ:ખ થાય છે. એક સાવ સાચી ઘટના છે. એક છોકરી હતી. તેના અરેન્જ મેરેજ થયા હતા. પતિ સાથે સરસ જિંદગી જતી હતી. બધું બરાબર હતું, પણ સાસુ સાથે કંઇ ને કંઇ પ્રોબ્લેમ થતો હતો. એક વખતે સાસુ વહુ વચ્ચે કોઇ સામાન્ય બાબતે ઝઘડો થયો. વહુને એવો વિચાર આવી ગયો કે, આ મરતી પણ નથી. વિચાર આવતા તો આવી ગયો, પણ પછી તરત જ તેને ગીલ્ટ થવા લાગ્યું. તેને થયું કે, મને આવો ખરાબ વિચાર કેમ આવી ગયો? હે ભગવાન, મને માફ કરજે, મારે આવો વિચાર ન કરવો જોઇએ. મનોમન સાસુની પણ માફી માંગી. આપણા બધાથી પણ ક્યારેક આવું થતું હોય છે. કોઇ વિચાર આવી ગયા પછી આપણને જ અફસોસ થતો હોય છે કે, મને આવો વિચાર કેમ આવી ગયો? આ ગીલ્ટ પણ છેલ્લે તો એ જ વાત સાબિત કરે છે કે, તમારે ખરાબ વિચાર કરવા નથી.
ખરાબ વિચારને ખસેડતા અને હડસેલી દેતા પણ આવડવું જોઇએ. જો આપણે ખરાબ વિચારને હટાવી ન દઇએ તો એ જ વિચાર ક્યારેક સાચો સાબિત થઇ જતો હોય છે. વિચાર વિશે એવું જ કહેવાયું છે કે, જેવા વિચાર કરશો એવું થશે. સારા વિચાર કરશો તો સારું થશે અને ખરાબ વિચાર કરશો તો ખરાબ પણ થવાનું જ છે. ગુનેગાર માણસ કોઇ એક વિચારે ક્રાઇમ કરી નાખતો નથી. ક્યારેક ઉશ્કેરાટમાં કંઇ થઇ જાય તો જુદી વાત છે, બાકી વિચારોની હારમાળા જ માણસ પાસે ન કરવાનું કરાવે છે. ખૂની માણસે જેને મારવી હોય એ વ્યક્તિને મારવા વિશે ઘણા વિચારો કર્યા હોય છે. મોકા શોધ્યા હોય છે. એ પછી જ એ એવું કરે છે અથવા તો કરી બેસે છે. ક્રાઇમ કર્યા પછી મોટાભાગના લોકોને એવું થતું હોય છે કે, મારાથી આ શું થઇ ગયું?
વિચારો પર કાબૂ ન રાખીએ તો ક્યારેક આખી જિંદગી અફસોસ કરવો પડે એવું પણ થઇ જતું હોય છે. એક માણસ હતો. એ ક્યારેય ખોટું ન કરતો. સાચું જ બોલતો. એક વખત તેના મિત્રએ તેને સવાલ કર્યો, સાચું કહેજે, તને ક્યારેય ખરાબ વિચારો નથી આવતા? એ માણસે કહ્યું, બિલકુલ મને પણ ક્યારેક ખરાબ વિચાર આવે છે. ખરાબ વિચારને ખંખેરતા પણ મને આવડે છે. આપણા વિચારો જ આપણને સુખી કે દુ:ખી કરે છે. મારી જિંદગીમાં એવી ઘટનાઓ બની હતી જે મને ખૂબ પીડા આપતી હતી. એના વિચારો છૂટતા જ નહોતા. મને એક સંતે કહ્યું કે, સુખી થવાનો સૌથી મોટો ઉપાય એ છે કે દુ:ખી થવાય એવા વિચારો જ ન કરવા. આપણે વિચારો કરીને એક ને એક દુ:ખમાંથી વારેવારે પસાર થઇએ છીએ. કોઇ ગાળ દઇને ચાલ્યું ગયું એ પછી આપણે એ ગાળને યાદ કરીને કેટલી વાર ગાળ ખાતા હોઇએ છીએ. ગુસ્સો કરતા હોઇએ છીએ. જે વ્યક્તિમાં જૂના વિચારો ન કરવાની આવડત છે એ જ વ્યક્તિ વર્તમાનમાં સારી રીતે જીવી શકે છે અને જિંદગીને માણી શકે છે.
આપણે ક્યારેય એ વિચાર કરીએ છીએ કે, મને કેવા વિચારો આવે છે? સારા રહેવા માટે એ જરૂરી છે કે, આપણે આપણા વિચારો પર નજર રાખીએ. ખરાબ કે હતાશ કરે એવા વિચારોથી બચીએ. ડિપ્રેશન પણ કંઇ પહેલા જ નબળા વિચાર સાથે નથી આવી જતું. નકારાત્મક વિચારોની હારમાળા માણસને હતાશામાં ધકેલી દે છે. એક પછી એક આવતા વિચારો એવા ઘૂંટાતા રહે છે કે પછી તેને હટાવવા મુશ્કેલ બની જાય છે. મજા ન આવતી હોય, જીવ મૂંઝાતો હોય, ક્યાંય ગમતું ન હોય, કોઇ સાથે વાત કરવાનું મન થતું ન હોય ત્યારે માની લેવું કે આપણા વિચારો માર્ગ ભટકી ગયા છે. ક્યારેક ખરાબ વિચાર આવી જાય તો ચિંતા ન કરવી, પણ જો સતત ખરાબ વિચાર આવે તો સાવધાન થઇ જવું પડે છે. જો એલર્ટ ન થઇએ તો આપણા વિચારો આપણને જ ડુબાડી દે છે. વિચારોને કાબૂમાં ન રાખીએ તો વિચારો આપણા પર કાબૂ જમાવી લે છે. મુક્ત રહેવા માટે વિચારોની માવજત કરતા રહેવું પડે છે.
છેલ્લો સીન :
આપણે જો આપણું ભલું ઇચ્છતા હોઇએ તો કોઇનું ક્યારેય બૂરું ન ઇચ્છવું જોઇએ. કોઇના માટે વિચારીએ એવું જ આપણી સાથે થવાનું છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 13 સપ્ટેમ્બર 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
