મને તારા મરી જવાની
બહુ બીક લાગે છે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
તારી યાદોનાં હરણ લઇ જાવ,
પીઠ પર નાખીને રણ લઈ જાવ,
ખૂબ લાંબો છે મરણનો રસ્તો,
જિંદગીભરનાં સ્મરણ લઈ જાવ.
– આદિલ મન્સૂરી
તું છે તો બધું છે. તું નથી તો કંઇ નથી. તારા વગર જિંદગીની કલ્પના જ નથી થતી. તું જિંદગી છે. તું શ્વાસ છે. તું જ મારા અસ્તિત્વનો આધાર છે. તું મારા સારા નસીબની નિશાની છે. દુનિયામાં એવા લોકોની કમી નથી જે એકબીજાને અનહદ પ્રેમ કરે છે. આજના સમયમાં અફેરથી માંડીને બ્રેકઅપ અને મેરેજથી માંડીને ડિવોર્સની વાતો બહુ થાય છે. એવા લોકોની વાતો ઓછી થાય છે જે ખરેખર એકબીજા માટે જ જીવે છે. લવમેરેજ હોય કે અરેન્જ મેરેજ, એના માટે પોતાની વ્યક્તિ જ સર્વસ્વ છે. પ્રેમથી રહેનારાં કપલને હંમેશાં એવું થતું હોય છે કે, તું મને વહેલી મળી ગઇ હોત કે તું મને વહેલો મળી ગયો હોત તો કેવું સારું હતું! જિંદગીના બે અઢી દાયકા પછી મળેલી વ્યક્તિ અચાનક જ જનમોજનમની સાથી લાગવા માંડે છે. કુંડળીના મેળાપની તો ખબર નથી, મનના મેળાપ હોય તો જિંદગી જન્નતથી કમ નથી હોતી. કામ ધંધે ગયા હોય તો જલદી ઘરે જવાનું મન થાય એ સારા નસીબની નિશાની છે. રજા સ્વર્ગ જેવી લાગે છે. સાથ આહ્લાદક લાગે છે અને શ્વાસ પણ સોળે કળાએ ખીલેલા હોય છે.
પ્રેમ વિશે એવું પણ કહેવાય છે કે, નવું નવું હોય ત્યાં સુધી બધું સારું લાગે. જેમ જેમ સમય જાય એમ એમ પ્રેમનો રંગ ઊતરતો જાય છે. આવું ભલે કહેવાતું હોય, પણ આખી જિંદગી એકમય થઇને જીવનારા લોકો પણ છે. એક મોટી ઉંમરના કપલની આ સાવ સાચી વાત છે. બંનેના અરેન્જ મેરેજ હતા. શરૂઆતનો સમય બંને માટે એકબીજાને સમજવામાં જ ગયો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ પ્રેમ વધતો ગયો. એક સમય એવો આવ્યો કે, એકબીજા વગર ચાલે જ નહીં. જ્યાં જવું હોય ત્યાં બંને સાથે જ જાય. પતિ જોબ કરતો હતો. એ મજાકમાં એવું કહેતો કે, તારા વગર જોબ કરવા જાઉં છું એ ઘણું છે. મારું ચાલે તો ત્યાં પણ તને લઇ જાઉં. આજની તારીખે પત્નીને પિયર ન જવા દેનારા પુરુષો પણ પડ્યા છે. એમાં એવું નથી હોતું કે, પત્નીને જવા દેવી હોતી નથી. પત્ની વગર રહેવું નથી હોતું એટલે જવા નથી દેતા. પત્નીથી છુટકારાની વાતો અને મજાક બહુ થાય છે, પણ પત્ની વગરની પીડાની વાતો ભાગ્યે જ કરવામાં આવે છે. માણસને માણસનું પણ વ્યસન થઇ જતું હોય છે. પોતાની વ્યક્તિની પણ આદત પડી જતી હોય છે. ઘરકામમાં વ્યસ્ત પત્નીને પતિ એવું કહેતા હોય છે કે, શાંતિથી બેસને અહીં, આખો દિવસ શું કામ કામ કરે છે? થઇ રહેશે બધું! પતિ એવું ઇચ્છતો હોય છે કે, પત્ની એની પાસે બેસે. ભલે કંઇ વાત થાય કે ન થાય, સાંનિધ્ય હોય એટલું પૂરતું છે. દરેક વખતે સંવાદ શબ્દોથી જ નથી થતો. હાજરીનો અહેસાસ પૂરતો છે. બસ એ સામે જોઇએ.
એક કપલની આ સાવ સાચી વાત છે. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે. દરેકેદરેક વાત એકબીજાને કહેવા જોઇએ. અચાનક પત્ની ડિસ્ટર્બ રહેવા લાગી. પહેલાં તો પતિને કંઇ સમજાયું નહીં કે આને શું થયું છે? એક વખતે પતિએ શાંતિથી પત્નીને પૂછ્યું કે, તને શું થાય છે? કેમ આમ સૂનમૂન રહેવા માંડી છે. પત્ની ધ્રૂસકે ધૂસકે રડી પડી. એ પછી તેણે કહ્યું કે, મને તારા મરી જવાનો બહુ ડર લાગે છે. એવો વિચાર આવી જાય છે કે, તને કંઇ થઇ જશે તો હું કેવી રીતે જીવીશ? મને ત્યાં સુધીના વિચાર આવે છે કે, કદાચ તું મરી જશે તો હું પણ આપઘાત કરી લઇશ. પતિએ ખૂબ સમજાવી કે, આવા બધા ડર મનમાંથી કાઢી નાખ. એમ કંઇ થવાનું નથી. પત્નીની સ્થિતિમાં તો પણ કોઇ સુધારો થયો નહીં. આખરે તેને સાઇકિયાટ્રિસ્ટ પાસે લઇ જવી પડી હતી. જે કપલ એકબીજામાં ઓતપ્રોત હોય છે તેને એક વખત તો આવો ડર લાગ્યો જ હોય છે કે, આને કંઇ થઇ જશે તો? પતિ કે પત્ની બીમાર હોય ત્યારે ઊંઘ નથી આવતી. એક ફડકો રહે છે કે, બધું બરાબર છેને? પડખું ફરે તો પણ ઊંઘ ઊડી જાય છે. રાતે દસ વખત કપાળે હાથ મૂકીને ચેક કરી લે છે કે, તાવ તો નથીને?
આપણે ઘણી વખત એવું માની લેતા હોઇએ છીએ કે, એ તો સાથે જ છેને! આના જેવો ભ્રમ બીજો કોઇ નથી. હકીકત એ છે કે, કોણ ક્યાં સુધી સાથે છે એનું કંઇ જ નક્કી નથી હોતું. કાળના કરતૂત કારમા હોય છે. એ ઘડીકમાં સમજાતા નથી અને સમજાય ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ગયું હોય છે. એક ભાઇની આ સાવ સાચી વાત છે. પત્ની સાથે ખૂબ જ સારી જિંદગી જીવતા હતા. એક દિવસ અચાનક પત્ની બીમાર પડી. નિદાન થયું કે, એને ગંભીર બીમારી છે. થોડા દિવસોમાં તો એણે વિદાય લઇ લીધી. પત્નીની વિદાયથી પતિનું મગજ સુન્ન મારી ગયું. તેણે પોતાના મિત્રને કહ્યું કે, હું તો એવું જ માનતો હતો કે, એની પહેલા હું ચાલ્યો જઇશ. મારા પહેલાં એ ચાલી જશે એવો તો મને ક્યારેય વિચાર જ નહોતો આવ્યો. હું ન હોઉં ત્યારે એને જરાયે વાંધો ન આવે એ માટે મેં પરફેક્ટ પ્લાનિંગ કરી રાખ્યું હતું. હવે શું કરું એ બધા પ્લાનિંગનું? મેં તો એના વગર જીવવાનું કોઇ પ્લાનિંગ જ નહોતું કર્યું. હવે મારાથી સહન નથી થતું. એણે પછી એવું કહ્યું, હવે હુંયે લાંબું ખેંચું એવું લાગતું નથી. એના વગરનો ખાલીપો મને ખાઇ જશે. એવોય વિચાર આવી જાય છે કે, જો ઉપરવાળો હવે બોલાવી લે તો સારું. જિંદગીમાં જીવવા જેવું જ કંઇ લાગતું નથી. કોની સાથે વાત કરવી? શું વાત કરવી? એ બધું મને પૂછીને કરતી. હું પણ એને પૂછ્યા વગર કંઇ ન કરતો. હજુયે પૂછું છું પણ જવાબ નથી મળતો. એક નિસાસો છૂટી જાય છે. એ માણસ ચોધાર આંસુએ રડી પડ્યો.
બીજો એક કિસ્સો પણ મમળાવવા જેવો છે. એક પતિ-પત્ની હતાં. પતિ પોતાના બિઝનેસમાં બિઝી રહેતો. બંને વચ્ચે કોઇ પ્રોબ્લેમ નહોતો. બસ એકબીજાની સાથે રહેવું જોઇએ એટલું નહોતાં રહેતાં. અચાનક પત્ની બીમાર પડી. ડોક્ટરે કહ્યું કે, હવે તેમની પાસે વધુ સમય નથી. વધુમાં વધુ એકથી દોઢ વર્ષ. પતિએ નક્કી કર્યું કે, હવે મારો બધો જ સમય હું પત્નીને આપીશ. એનું ધ્યાન રાખીશ. પતિએ બિઝનેસ છોડી દીધો. દિવસ-રાત પત્નીની સાથે જ રહેવા લાગ્યો. એક દિવસ પત્નીએ કહ્યું કે, તેં છેલ્લા સમયમાં મારી સાથે રહીને મારું મોત સુધારી દીધું છે. એ પછી એ એટલું બોલી કે, અત્યારે જે સમય આપે છે એનાથી પા ભાગનો સમય પણ પહેલાં આપ્યો હોત તો મારી જિંદગી સુધારી શક્યો હોત. આપણે એ નક્કી કરવાનું હોય છે કે, મોત સુધારવું છે કે જિંદગી? કેટલીક વખત આપણે જાણે કંઇ જ થવાનું નથી એવું સમજીને જિંદગી જીવતા હોઇએ છીએ. જિંદગી કરવટ લઇને સામે ઊભી રહી જાય ત્યારે મતિ મૂંઝાઇ જાય છે. બધું કરો પણ પ્રેમ કરવાનું અને જિંદગી જીવવાનું પેન્ડિંગ ન રાખો. એવા ડરથી નહીં કે, કંઇક થઇ જશે તો, એવી ખુશીથી કે તારી સાથેની એકેય ક્ષણ વેડફવી નથી. જિંદગીની દોડધામ, ઉપાધિઓ, ચિંતાઓ, ફિકરો ચાલતી જ રહેવાની છે. જો પ્રેમથી જિંદગી જિવાતી હશે તો ટેન્શન સહન કરવાની શક્તિ પણ વધી જશે. તું સાથે છેને, મને કશાનીયે કમી નથી. પ્રેમ જ સર્વસ્વ છે, એની જેને ખબર છે એ જ ખરો સમજુ અને સુખી માણસ છે. બે દિલ મળેલાં હોય એ જ ખરું દાંપત્ય છે.
છેલ્લો સીન :
સંબંધની એક કરુણતા એ છે કે, આપણી વ્યક્તિ જ્યારે આપણી સાથે હોય છે ત્યારે આપણે એની કદર કરતા નથી. એ ન હોય ત્યારે એના નામનાં આંસુ સારીએ છીએ. સંબંધનું સૌથી મોટું સત્ય એ છે કે, જેની સાથે છો એની સાથે ભરપૂર જીવી લો, જેથી કોઇ અફસોસ ન રહે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 02 ઓગસ્ટ 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
