કાશ, આ સમય અહીં જ રોકાઈ જાય તો કેવું સારું! – કૃષ્ણકાંત ઉનડકટ

કાશ, આ સમય અહીં જ
રોકાઈ જાય તો કેવું સારું!

-કૃષ્ણકાંત ઉનડકટ


એકેક વેંત ઊંચા બધા ચાલતા હતા,
તારી ગલીમાં કોઈનાં પગલાં પડ્યાં નહીં,
રસ્તા મૂકી દીધાનો ફક્ત વાંક ના જુઓ,
એની કદર કરો કે કોઇને નડ્યાં નહીં.
– બરકત વિરાણી `બેફામ’



સમયની ફિતરત સતત ચાલતા રહેવાની છે. સમય અમર છે. સમય ખૂટતો કે મરતો નથી. સમય સતત જીવતો અને સરકતો રહે છે. સૃષ્ટિમાં જો કંઇ શાશ્વત હોય તો એ માત્ર ને માત્ર સમય છે. ઘડિયાળની શોધ નહોતી થઇ ત્યારે પણ સમય ચાલતો હતો. બધીયે ઘડિયાળોનો નાશ કરી દો તો પણ સતત ચાલતો જ રહેવાનો છે. સમયનું માપ માણસે નક્કી કર્યું છે. ચોવીસ કલાક ગણીને ઘડિયાળો બનાવી છે. કેલેન્ડરોનું સર્જન કર્યું છે. માણસે પોતાની રીતે સમયના હિસાબકિતાબ નક્કી કર્યા છે. સમયને એનાથી કંઇ ફેર પડતો નથી. સમય વિશે અમુક લોકો એવું પણ માને છે કે, સમય તો છે ત્યાંનો ત્યાં જ રહેવાનો છે. માણસ પસાર થઇ જાય છે. પેઢીઓ બદલાતી રહે છે, સમય બદલાતો નથી. હા, માણસની જિંદગી દરમિયાન એનો સમય ચોક્કસ બદલાતો રહે છે. એ બદલાવ પણ આપણે આપણી સાથે જે બની રહ્યું હોય એના આધારે આપણે જ નક્કી કરતા હોઇએ છીએ. આ સારો સમય અને આ ખરાબ સમય, આ સહેલો સમય અને આ આકરો સમય. આપણે આપણી સ્થિતિ અને સમજ મુજબ સમયને સારા કે ખરાબનું લેબલ મારીએ છીએ. સમય વિશે તમે પેલી વાત સાંભળી જ હશે કે, ખરાબ સમયના પણ ચોવીસ કલાક જ હોય છે. સાચી વાત, પણ એ ચોવીસ કલાક ઘણી વખત ચોવીસ દિવસ જેવા લાગે છે. તેની સામે કેટલીક વખત એક કલાક હવાની જેમ પસાર થઇ જાય છે. સમયના સદ્ઉપયોગની બહુ વાતો થતી રહે છે, પણ સદ્ઉપયોગની કોઇ ચોખ્ખી વ્યાખ્યા નથી. શું સતત કામ કરવું એ જ સમયનો સદ્ઉપયોગ છે? પોતાના માટે સમય કાઢવો એ સદ્ઉપયોગ છે? કોઇ છાતી ઠોકીને કંઇ કહી શકે એમ નથી એટલે જ ટાઇમ મેનેજમેન્ટની વાતોનો જન્મ થયો છે. અલબત્ત, એક વાતથી કોઇ ઇનકાર કરી શકે એમ નથી કે, આપણે આપણા સમયનો જે રીતે ઉપયોગ કરીએ તેના આધારે જ આપણી જિંદગી બનતી કે બગડતી હોય છે.
દરેકની જિંદગીમાં એક સમય એવો આવતો હોય છે જ્યારે બધું જ એકદમ પરફેક્ટ હોય. જિંદગી ખરા અર્થમાં સોળે કળાએ જિવાતી હોય. કંઇ જ ખૂટતું ન હોય. એક સાવ સાચો કિસ્સો છે. એક પતિ-પત્ની હતાં. બંને બહુ જ સરસ રીતે રહે. એક વખત પત્નીના પિતા તેમના ઘરે આવ્યા. બધા સાથે મળીને ખૂબ જ મજાથી રહ્યા. સાથે ફરવા ગયા. એ સમયે દીકરીએ કહ્યું, પપ્પા એવું લાગે છે કે, આ સમય અહીંયાં જ રોકાઇ જાય તો કેવું સારું! જિંદગી ખરા અર્થમાં જિવાતી હોય એવું લાગે છે. એ સમયે પિતાએ કહ્યું, હા દીકરા, મને પણ એવું જ થાય છે. એની સાથે એ પણ ખબર છે કે, આ સમય કાયમી રહેવાનો નથી. હમણાં પૂરો થઇ જશે. આપણે બધા પાછા પોતપોતાના કામે લાગી જઈશું. માત્ર સ્મરણો રહી જશે. એ પછી પિતાએ દીકરીને જે વાત કરી એ ખૂબ જ સરસ હતી. પિતાએ કહ્યું, સારો સમય હોય એની યાદોને લંબાવવી, એ સમય ભલે પૂરો થઇ ગયો હોય પણ એને આપણી અંદર જીવતો રાખવો. જિંદગીમાં ક્યારેક ખરાબ અને અઘરો સમય પણ આવવાનો છે. એ સમયને સંકોચી નાખવો. ટૂંકાવી દેવો. આપણા દુ:ખનું એક કારણ એ હોય છે કે, આપણે આપણી જિંદગીની ખરાબ ઘટનાઓને વધુ વાગોળતા રહીએ છીએ અને સારા સમયને ભૂલી જઇએ છીએ. જિંદગીની કઇ યાદોને સ્ટ્રેચ કરવી અને કોને સંકોચવી એના પર આપણાં સુખ અને દુ:ખનો મોટો આધાર રહેતો હોય છે. ફૂલ ભલે કરમાઇ જાય, એની સુગંધનો અહેસાસ તો આપણે ટકાવી શકીએને? જિંદગી પણ આપણને શું ડિલીટ કરવું અને શું સેવ કરવું તેની ચોઇસ આપતી જ હોય છે. આપણે ઘણી વખત જે સેવ કરવા જેવું હોય એને ડિલીટ કરી નાખીએ છીએ અને જે ડિલીટ કરવા જેવું હોય એને સેવ કરી રાખીએ છીએ. ખોટું જ ભરી રાખીએ તો એનો ભાર લાગવાનો જ છે. હળવા રહેવા માટે થોડુંક ખાલી રહેવું પણ જરૂરી છે.
સમયના મામલે બીજી એક વાત પણ યાદ રાખવા જેવી છે. જિંદગીમાં કોને કેટલો સમય આપવો એની સમજ હોવી જોઇએ. દુનિયામાં સૌથી મોંઘી વસ્તુ જો કંઇ હોય તો એ સમય છે. સમય અમૂલ્ય છે. આપણે થોડાક રૂપિયાની પણ એવી રીતે બચત કરીએ છીએ કે, તેનું વળતર મળે. સમયનું ઇન્વેસ્ટમેન્ટ પણ ત્યાં જ કરવું જોઇએ જેના માટે એ વ્યક્તિ લાયક હોય. આપણે જેની સાથે સમય વિતાવીએ છીએ એ એના માટે લાયક છે ખરા કે કેમ એ ક્યારેય વિચાર્યું છે? અત્યારના સમયમાં માણસ મોબાઇલને વધુ સમય આપે છે અને પોતાની વ્યક્તિને ઓછો સમય આપે છે. જેને આપણી પરવા છે, જેને આપણી ચિંતા છે, જે આપણા માટે કંઇ પણ કરી છૂટવા તૈયાર છે એની આપણે અવગણના કરતા હોઇએ છીએ. જેની સાથે કંઇ લેવાદેવા નથી એની રીલ્સ જોતા રહીએ છીએ. તમારી સૌથી નજીકની અને સૌથી પ્રિય વ્યક્તિ સાથે તમે છેલ્લે ક્યારે એક કલાક સાથે બેઠા હતા? જેને સંવાદ કહી શકાય એવી ક્ષણો તમે કેટલી જીવ્યા છો? મોબાઇલના બદલે પોતાની વ્યક્તિનો હાથ હાથમાં હોય એવો કેટલો સમય તમે માણ્યો છે? પોતાની વ્યક્તિ સાથે વાત કરતા હોઇએ ત્યારે પણ આપણું ધ્યાન મોબાઇલમાં હોય છે. સંબંધો તૂટવાનું અને હાથ છૂટવાનું એક સૌથી મોટું કારણ સંવાદનો અભાવ છે. આપણને એટલી સમજ નથી કે, કોને કેટલો સમય આપવો!
આપણે જિંદગી જીવવાનો રસ્તો ક્યાંય ભટકી ગયા છીએ. જીવવાની રીત જ બદલાઈ ગઈ છે. આપણે સ્ક્રીનના વ્યસની થઇ ગયા છીએ. લોકોનો મિનિમમ સ્ક્રીન ટાઇમ ચારથી પાંચ કલાકનો થઇ ગયો છે. એ વિશે પણ એક વાત કહેવાનું મન થાય છે. તમારો સ્ક્રીન ટાઇમ પાંચ કલાકનો છે? કંઇ વાંધો નહીં. ભલે રહ્યો. ફક્ત એટલું નક્કી કરો કે, જેટલો મારો સ્ક્રીન ટાઇમ છે, એટલિસ્ટ એટલો સમય હું મોબાઇલથી દૂર રહીશ. મોબાઇલને હાથ નહીં લગાડું. એક વખત ટ્રાય કરી જોજો. મોબાઇલમાં ચેક કરજો કે કેટલો સમય તમે એને આપો છો? જેટલો આપતા હોવ એના જેટલો જ સમય મોબાઇલને હાથમાં નહીં લેતા. બીજો એક પ્રયોગ પણ કરવા જેવો છે. જેટલો સમય તમે સોશિયલ મીડિયા વાપરો છો, રીલ્સ જુઓ છો એના જેટલો નહીં પણ એનાથી અડધો સમય તમે તમારી વ્યક્તિને આપો. તમે જેની સાથે જીવો છે એને સમય આપો. સંબંધમાં ચોક્કસ ફેર પડશે. આપણે વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ પર કોઇ મેસેજ આવશે તો એને તરત જવાબ આપશું, પણ આપણી સાથે અને આપણી સામે જે હોય છે એને જવાબ આપવામાં વાર લગાડીએ છીએ. સંબંધોમાં સત્ત્વ જો ઓછું લાગતું હોય તો એના માટે આપણે પણ ઓછા જવાબદાર હોતા નથી.
અત્યારના સમયમાં સ્થિતિ એ સર્જીઇ છે કે, માણસ પાસે પોતાના માટે પણ સમય નથી. મોબાઇલ જોવા માટે છે પણ પોતાના માટે નથી. માણસની વિચાર કરવાની પેટર્ન પણ બદલાઈ ગઇ છે. વિચાર કરવાની ક્ષમતા પણ ઘટી ગઇ છે. એનું કારણ એ છે કે, માણસ નવરો પડે કે તરત જ મોબાઇલ હાથમાં લઇ લે છે. એનું ધ્યાન સતત મોબાઇલમાં હોય છે. વિચાર કરવા માટે માઇન્ડ ફ્રી હોવું જોઇએ. આપણે જો સ્ક્રીન સાથે જ ઓક્યુપાઇ હોઇએ તો વિચારવાનો મોકો જ નથી મળતો. મોટાભાગનો સમય સારો જ હોય છે. આપણને બસ એ માણતા આવડવું જોઇએ. ઘણી વખત તો સામાન્ય ચિંતાને આપણે ખરાબ સમયનું લેબલ મારી દેતા હોઇએ છીએ. અમુક સમયે સમય ખરાબ નથી હોતો, આપણી સમજ સાચી હોતી નથી. જિંદગીની જેટલી ક્ષણો માણી શકાય એમ હોય એટલી માણો, કારણ કે જે ક્ષણો ચાલી ગઇ એ ફરીથી આવવાની નથી. જિંદગી સમયની બનેલી છે, ક્ષણોની બનેલી છે. કઇ ક્ષણને કેવી રીતે જીવવી એ દરેક માણસે નક્કી કરવાનું હોય છે. એ નક્કી કરવાનો અધિકાર અને વિકલ્પ કુદરતે આપણને આપ્યો જ છે. આપણે પસંદગી કરવામાં થાપ ખાઇએ તો એમાં વાંક સમયનો નહીં, આપણો હોય છે.
છેલ્લો સીન :
માણસે દરરોજ થોડોક સમય વિચાર કરવા માટે પણ કાઢવો જોઇએ. એ સમયે એ જ વિચારવાનું હોય છે કે, હું મારો સમય યોગ્ય રીતે તો પસાર કરું છુંને? -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 05 જુલાઇ 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *