લોકોનું હસવાનું સતત ઘટી
રહ્યું છે! તમે કેટલું હસો છો?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
જાતજાતનાં ટેન્શન અને ઉપાધિઓમાં ઘેરાયેલા
લોકો હસવાનું ભૂલતા જાય છે. ખડખડાટ હસતા
લોકો હવે ભાગ્યે જ જોવા મળે છે. માનસશાસ્ત્રીઓ
આને વૈશ્વિક સંકટ ગણાવી રહ્યા છે
———–
માણસ ધીમે ધીમે હસવાનું ભૂલતો જાય છે. તમે યાદ કરો, છેલ્લે તમે ક્યારે ખડખડાટ હસ્યા હતા? ખડખડાટ હસવાની વાત પણ બાજુએ મૂકો, આખા દિવસમાં તમે કેટલી વાર હસો છો? તમારી આસપાસ જે લોકો હોય છે એના ચહેરા પર કેટલી વખત હાસ્ય ફરકતું હોય છે? હળવાશ નામની ચીજ ગુમ થતી જાય છે. દરેકના ચહેરા પર અજાણ્યો અંજપો અને ઉચાટ જોવા મળે છે. કેટલાકના ચહેરા જોઇને તો એવું લાગે કે, આને જરાકેય વતાવીશું તો ફાટશે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલે વિશ્વની સંસ્થાઓ સાથે મળીને કરેલા રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં લોકોનું હસવાનું ઘટી રહ્યું છે. આપણે હવે એક ગંભીર સમાજ તરફ ધકેલાઇ રહ્યા છે. સોગિયા મોઢાવાળા સમાજમાં આપણે જીવવા લાગ્યા છીએ. લોકોનું હસવાનું ઔપચારિક બનતું જાય છે. લોકોએ હસવું પડે ત્યારે જ હસે છે. કોઇને સારું લગાડવા માણસ ખોટું હસે છે. ફોટો પડાવતી વખતે ક્લિક થાય ત્યાં સુધી જ માણસ હસતું મોઢું રાખે છે. સાચું હાસ્ય એ છે જે અંદરથી ઊગે છે. અગાઉના સમયમાં લોકો વાતો કરતી વખતે ટીકા, ટિપ્પણી, વ્યંગ કરીને હસતા હતા, હવેના સમયમાં સંવાદ જ ઘટી ગયો છે. લોકોને હસવા માટે પણ હવે રીલ્સનો સહારો લેવો પડે છે. રીલ પૂરી થાય એ સાથે હસવાનું ખતમ થાય છે. એક સમય હતો જ્યારે લોકો હાસ્યલેખ વાંચીને પણ ખડખડાટ હસતા હતા. હવે કોમેડી શો જોઇને પણ ખૂલીને હસી શકતા નથી. સ્ટેન્ડઅપ કોમેડી હસવા કરતાં ચિચિયારી પાડવાની ઘટના વધુ બની ગઇ છે.
હસવા વિશેના ગેલેપ સરવેની વિગતો જાણવા જેવી છે. 166 દેશોના 14 લાખ લોકો પર થયેલો આ ઐતિહાસિક સરવે એવું કહે છે કે, માણસ જેમ જેમ મોટો થતો જાય એમ એમ એનું હસવાનું ઘટતું જાય છે. ચાર વર્ષનું બાળક એક દિવસમાં સરેરાશ 300થી 450 વખત હસે છે અથવા સ્મિત આપે છે. બાળકો ઊંઘમાં પણ મુસ્કુરાતા હોય છે. માણસની ઉંમર વધે એમ હસવું ઘટે છે. માણસ પુખ્ત વયનો થાય ત્યારે દિવસમાં માંડ 4થી 15 વખત હસે છે. મતલબ તેની જિંદગીમાંથી 400 સ્માઇલ દૂર થઇ જાય છે. એમાંયે 23 વર્ષની ઉંમરે માણસનું હાસ્ય લગભગ ગુમ થઇ જાય છે. સંશોધકો આ ઘટનાને `ધ હ્યુમર ક્લિફ’ કહે છે. `ધ હ્યુમર ક્લિફ’ એ આજના આધુનિક માનવીની માનસિક સ્થિતિ અને બદલાતી જીવનશૈલીને સમજવા માટેનો મનોવૈજ્ઞાનિક કન્સેપ્ટ છે. `ધ હ્યુમર ક્લિફ’ શબ્દ સ્ટેનફર્ડ યુનિવર્સિટીના બે પ્રોફેસર જેનિફર આકર અને નાઓમી બગ્ડોનાસ દ્વારા આપવામાં આવ્યો છે. જેનિફર અને નાઓમીએ વર્ષો સુધી આખી દુનિયામાં હાસ્ય, રમૂજ અને માનવીની વર્તણૂક પર સંશોધન કરીને `હ્યુમર સિરિયસલી : વ્હાય હ્યુમર ઇઝ અ સિક્રેટ વેપન ઇન બિઝનેસ એન્ડ લાઇફ’ નામના પુસ્તકમાં `ધ હ્યુમર ક્લિફ’નો સિદ્ધાંત દુનિયા સમક્ષ મૂક્યો છે. ગ્રાફની ભાષામાં ક્લિફને અઘરો ઢાળ અથવા ખીણ કહે છે. હસવાનો ગ્રાફ માણસની જિંદગીમાં 23 વર્ષની ઉંમરે ખીણમાં ખાબકે છે. આમાં પણ રસપ્રદ વાત એ છે કે, માણસ પચાસનો થાય એ પછી તેનું હસવાનું થોડુંક વધે છે. આ ઉંમરે માણસ પોતાની જવાબદારીઓમાંથી થોડોક મુક્ત થયો હોય છે. આ ઉપરાંત પચાસ વર્ષની જિંદગીમાં એને એ પણ સમજાઇ ગયું હોય છે કે, વધુ પડતી હૈયાહોળી કરવાનો કોઇ અર્થ નથી.
માણસ યુવાન થાય એ સાથે તેને એવું લાગવા માંડે છે કે, ગંભીર કામ કરવા માટે ગંભીર રહેવું અને દેખાવું જરૂરી છે. વીસથી ત્રેવીસની ઉંમર એવી છે જ્યારે માણસ પર નોકરી, કરિયર, આર્થિક આત્મનિર્ભરતા, લગ્ન, ઘર અને સામાજિક અપેક્ષાઓ જેવા સવાલો સામે આવીને ઊભા રહી જાય છે. જવાબદારીના બોજ નીચે માણસ એટલો દબાઇ જાય છે કે એ હસવાનું જ ભૂલી જાય છે. `ધ હ્યુમર ક્લિફ’ સિદ્ધાંતને છ વર્ષ જેટલો સમય થયો છે. એ પછી સ્થિતિ વધુ ખરાબ થતી જાય છે. લોકોની હવે પોતાના પાસેથી જ અપેક્ષાઓ વધી ગઇ છે. સોશિયલ મીડિયાએ દેખાદેખી સર્જી છે. યંગસ્ટર્સને એમ થાય છે કે, બધા આગળ નીકળી ગયા છે અને હું હજુ ખાસ કંઇ કરી શક્યો નથી. કોઇના ફોલોઅર્સ, લાઇક્સ અને કમેન્ટ્સ જોઇને પણ એવું વિચારે છે કે, આપણે તો કંઇ નથી. કોઇના ફોટો જોઇને એવું વિચારે છે કે, બધા મજા કરે છે અને મારા નસીબમાં ઢસરડા જ લખ્યા છે. મોબાઇલ લઇને લોકો ચૂપચાપ એક ખૂણામાં બેઠા રહે છે અને મગજ બગડે એવું જોતા રહે છે. એને ખબર જ નથી પડતી કે, ક્યારે એ હતાશામાં સરી ગયા અને ક્યારે તેનું હસવાનું ગાયબ થઇ ગયું.
હાસ્ય વિશે મનોવૈજ્ઞાનિકો કહે છે કે, અત્યારનો માણસ વર્ક કલ્ચર અને લાઇફ સ્ટાઇલના કારણે રોબોટ જેવો બનતો જાય છે. કોઇ પણ ઓફિસમાં તમે માર્ક કરજો, લોકો એવી રીતે કામ કરી રહ્યા છે જાણે હસવાની મનાઇ ન ફરમાવી હોય. ક્લાયન્ટ સાથે બોલીને સારું લગાડે છે, પણ હસીને વાત કરતા નથી. માણસ હસવાનું ભૂલી ગયો છે એના કારણે એની ક્રિએટીવિટી પણ ખતમ થતી જાય છે. એક સંશોધનથી એ સાબિત થયું છે કે, જે માણસ હસતો રહે છે એની વિચારવાની ક્ષમતા અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલમાં વધારો થાય છે. ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ હવે પોતાના કર્મચારીઓ હળવા રહીને કામ કરી શકે એ માટેનું વાતાવરણ તૈયાર કરી રહ્યા છે. માણસ પ્રેશરમાં કામ કરે એના કરતા હળવાશમાં કામ કરે તો કામ વધુ સારું થાય છે. મોટી મોટી કંપનીઓ હવે નવા કર્મચારીઓને નોકરીએ રાખતી વખતે એ પણ ચેક કરે છે કે, એની સેન્સ ઓફ હ્યુમર કેવી છે?
હસવા વિશે મેડિકલ સાયન્સ પણ કહે છે કે, હસવું એ માત્ર મનને હળવું કરવાની પ્રક્રિયા નથી, પણ એ શરીરના ઇન્ટરનલ જોગિંગ જેવું છે. હસવાની સાથે શરીરમાં અનેક હેપી હોર્મોન્સનો સ્રાવ થાય છે અને તેનાથી મૂડ સુધરે છે. જેને હસવાની આદત છે એની રોગપ્રતિકારક શક્તિ વધુ રહે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક સંશોધનમાં તો ત્યાં સુધીની વાત બહાર આવી છે કે, હાસ્ય એ નેચરલ પેઇન કિલર છે. જે લોકો હસી કાઢવાનું જાણે છે એ પીડા અને વેદનાથી દૂર રહે છે. જેને હસવાની ફાવટ છે એના સંબંધો પણ સારા રહે છે. માર્ક કરજો, જે લોકો હળવા રહેતા હોય, રમૂજ કરતા હોય એને મળવાની અને એની સાથે વાત કરવાની આપણને પણ મજા આવે છે. એક બીજી વાત પણ સાબિત થઇ છે કે, જે પતિ-પત્ની એકબીજા સાથે કોઇ ને કોઇ વાતે હસતાં રહે છે એનું દાંપત્યજીવન વધુ સારું, સજ્જ અને સક્ષમ રહે છે. ઘણાં કપલ એવાં છે જે રમૂજી વાત એકબીજા સાથે શેર કરતાં રહે છે.
હાસ્ય કુદરતી હોવું જોઇએ. હાસ્ય એ પ્રકૃતિ બનવું જોઇએ. છેલ્લાં થોડાં વર્ષોથી લાફ્ટર ક્લબનો કન્સેપ્ટ પણ બહુ ચાલ્યો છે. હાસ્ય ક્લબનો ખયાલ હવે આગળ વધીને હાસ્ય યોગા સુધી પહોંચ્યો છે. ઘણા લોકો લાફિંગ ક્લબને પ્લાન્ડ હાસ્ય કહે છે. લાફિંગ ક્લબના પણ ચોક્કસપણે ઘણા ફાયદા છે. આર્ટિફિશિયલ હાસ્ય પણ ગ્રૂપ અને વાતાવરણને કારણે કુદરતી અને સાચા હાસ્ય તરફ દોરી જાય છે. સરવાળે જિંદગીનું એક સત્ય એ છે કે, હસતા રહો. ઉપાધિઓનાં પોટલાં લઇને ફરવાનો કોઇ અર્થ નથી. ખોટી ચિંતા, ઉપાધિઓ છોડો અને હસવા જેવી વાત હોય એમાં હસો. માણસની બધી જ સેન્સ સાબૂત રહેશે જો એની સેન્સ ઓફ હ્યુમર અકબંધ હશે. અપસેટ ફીલ કરતા હોવ ત્યારે ખાસ હસો. એક મનોચિકિત્સક એમના પેશન્ટ્સને હંમેશાં એક વાત કહેતા હતા કે, માનસિક સમસ્યાઓમાંથી બહાર આવવું હોય તો હસવાનું થોડુંક વધારી દો. બાય ધ વે, ચેક કરજો, તમે દિવસમાં કેટલી વાર હસો છો? ન હસતા હોવ તો હસવાનું થોડું થોડું વધારતા રહેજો. જિંદગી બહેતર થશે અને જીવવાની વધુ મજા આવશે.
————
પેશ-એ-ખિદમત
મુંહ અપની રિવાયાત સે ફેરા નહીં કરતે,
દુશ્મન કો અચાનક કભી ઘેરા નહીં કરતે,
આંખોં સે ન પઢ લે કોઇ ચેહરે કી ઉદાસી,
ઉસ ડર સે કભી જિક્ર વો મેરા નહીં કરતે.
– હસન રિઝવી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 27 મે 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
