સાચી મજા `રૂટિન
લાઇફ’માં જ છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
માણસ રોજિંદી લાઇફથી ટેવાયેલો હોય છે.
બ્રેક અને હોલિડે સ્પેશિયલ છે,
એ ચોક્કસપણે ગમે પણ છેલ્લે તો
માણસને રૂટિનમાં જ આવી જવાનું મન થાય છે
———–
સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, જિંદગી યૂં હી તમામ હોતી હૈ. આપણને બધાને ક્યારેક ને ક્યારેક આવું થતું હોય છે કે, રોજ એનું એ જ કામ અને એની એ જ જિંદગી. સવારે ઊઠો, ફ્રેશ થાવ, કામે જાવ, રાતે વળી કંઇક ને કંઇક હોય, સૂવા પામીએ ત્યાં સુધીમાં તો થાકીને ઠુસ્સ થઇ જવાય છે. મહિલાઓ હાઉસ વાઇફ હોય કે વર્કિંગ વુમન હોય, આખા દિવસમાં શ્વાસ લેવાનો પણ સમય મળતો નથી. માંડ માંડ રવિવારની એક રજા મળે છે. એ દિવસે પણ આખા અઠવાડિયાનાં પેન્ડિંગ કામ કરવાનાં હોય છે. સોશિયલ લાઇફ જેવું કંઇ રહેતું જ નથી. ક્યારેક એવો વિચાર આવી જાય છે કે, આમ ને આમ એક દિવસ જિંદગી પતી જશે. ઘણાં સપનાં હોય છે. આમ કરવું છે. ત્યાં જવું છે. એ તો નથી થઇ શકતું, ઘરે શાંતિથી બેસીને થોડુંક વાંચવાની કે વેબસીરિઝ જોવાની ફુરસદ પણ નથી મળતી. ક્યારેક રાતે મોડે સુધી જાગીએ તો પણ ગિલ્ટ થાય છે કે, ઊંઘ પૂરી નહીં થાય તો કાલે સરખું કામ કરી નહીં શકાય. કામના પણ કંઇ ઓછા ટેન્શન હોય છે. ગોલ અને ટાર્ગેટ પૂરા કરવામાં નાકે દમ આવી જાય છે. પીપીટી બનાવીને રિપોર્ટ્સ આપવાના હોય છે. અગાઉના સમયમાં નોકરીએથી આવીએ પછી શાંતિ થઇ જતી હતી. હવે મોબાઇલ અને લેપટોપના કારણે ગમે ત્યારે અને ગમે ત્યાં કામ કરવું પડે છે. બહાર ફરવા જઇએ તો પણ લેપટોપ સાથે રાખવું પડે છે. ડિજિટલ ડિટોક્સની બહુ વાતો થાય છે, પણ ઓફિસ કે બિઝનેસનાં કામ જ એટલાં હોય છે કે, ધારીએ તો પણ મોબાઇલ મૂકી ન શકીએ. દરેક માણસને એમ થાય છે કે, કોણ જાણે ક્યારે આ બધામાંથી છુટકારો મળશે.
રોજિંદી ઘટમાળમાંથી બ્રેક લેવા માટે લોકો ફરવાના પ્લાનિંગ કરે છે. સમથિંગ સ્પેશિયલ પ્લાન કરે છે. એ બહાને થોડાક ફ્રેશ થઇ જવાય છે. સાચી વાત છે. રૂટિનને બ્રેક કરવા માટે ચેન્જ જરૂરી છે. અલબત્ત, હમણાં થયેલું એક સંશોધન એવું કહે છે કે, જિંદગીની ખરી મજા સ્પેશિયલમાં નહીં પણ રૂટિનમાં જ છે. આમ તો આ વાતનો આપણને બધાને અનુભવ થયો હોય જ છે. ફરવા માટે શોર્ટ ટર્મ વેકેશનમાં જઇએ ત્યારે સારું લાગે છે. થોડાક વધુ દિવસો હોય ત્યારે એવું થયા વગર નથી રહેતું કે, હવે ઘરે પહોંચી જઇએ. ફરવા ગયા પછી પણ સાચી શાંતિ તો ઘરે આવીને જ થાય છે. થોડાક દિવસ બહારગામ જઇને પોતાના શહેરમાં પગ મૂકીએ ત્યારે હાશ સાથે એક અનોખી ફિલિંગ થયા વગર નથી રહેતી. કોઇ હિલસ્ટેશન કે બિચ પર ફરવા જઇએ ત્યારે એમ થાય કે, હજુ થોડોક સમય હોત તો મજા આવત. ચાર દિવસનું પ્લાનિંગ કરીને ગયા હોઇએ ત્યારે રોજ દિવસ ગણતા હોઇએ છીએ. એક દિવસ ગયો, હવે તો ત્રણ જ દિવસ રહ્યા. છેલ્લા દિવસે એવું થાય છે કે, હવે કાલે જવાનું? ફરીથી એ જ ઘટમાળ, એ જ કામ અને એ જ રૂટિન. એમાં પણ એવું કહેવાયું છે કે, કોઇ સ્થળે તમને એમ કહેવામાં આવે કે તમારું મન થાય ત્યાં સુધી રોકાવ, તો તમને થોડા દિવસોમાં જ એવું થશે કે બસ બહુ થયું, હવે ઘરે જઇએ અને કામે ચડીએ. ફરવા જવામાં પેલો નિયમ લાગુ પડે છે કે, થોડું છે એટલે મીઠું લાગે છે. ફરવાના દિવસો થોડા છે, એટલે જ મજા આવે છે. એવું થાય છે કે, ફૂલ ટુ મજા કરવી છે. કંઇ બાકી રાખવું નથી. જેને બીજું કોઇ કામ નથી, એ એક હદ બાદ મજા કરીને પણ કંટાળી જાય છે. અમેરિકામાં તેનાં કેટલાંક રસપ્રદ ઉદાહરણો પણ ટાંકવામાં આવે છે.
ટેક્નોલોજીનો વિકાસ થયો એ પછી કેટલાય લોકોએ વ્યક્તિગત રીતે પોતાની આઇટી કંપનીઓ ઊભી કરીને કંઇક નવું કરી બતાવ્યું હતું. એનું કામ જાયન્ટ આઇટી કંપનીઓને પણ પસંદ આવ્યું હતું. એવા કેટલાય કિસ્સા છે જેમાં જાયન્ટ કંપનીઓએ જે તે નાની કંપનીઓ ખરીદવા માટે તગડી ઓફર કરી હોય. માણસને એમ થાય કે, આખી જિંદગી કૂચે મરીશ તો પણ આટલું ભેગું નહીં થાય. એક તબક્કે એ પોતાની કંપની વેચી દે છે. કંપની વેચતી વખતે તેણે એવો વિચાર કર્યો હોય છે કે, હવે કંઇ કરવું નથી. કોઇ સુંદર જગ્યાએ કે બીચ પર સરસ મજાનો બંગલો બનાવીને શાંતિથી જિંદગી પસાર કરવી છે. ખૂબ મોજ મજા કરવી છે. આવું વિચારીને એ કોઇ સરસ જગ્યાએ બંગલો તો બનાવી લે છે, પણ થોડા જ સમયમાં તેને સવાલ થવા લાગે છે કે, રોજ કરવાનું શું? પાર્ટી કરી કરીને કેટલી કરવાની? આરામ કરી કરીને કેટલો કરવાનો? રોજ સવારે ઊઠીને કરવાનું શું? દિવસનું કોઇ પ્લાનિંગ જ ન હોય, કોઇ કામ કરવાનું ન હોય, ક્યાંય જવાનું ન હોય, કોઇ જવાબદારી પૂરી કરવાની ન હોય, કોઇ રાહ જોતું ન હોય. માણસ એક તબક્કે થાકી જાય છે અને ફરીથી કામ શોધવા લાગે છે. માણસ કોઇ કામ કરતો ન હોય તો લોકો તેને યાદ કરવાનું અને ફોન કરવાનું પણ બંધ કરી દે છે. કંઇ કામ હોય તો માણસ ફોનેય કરે, કામ ન હોય તો કોઇ શા માટે યાદ કરે?
માણસને રજાની મજા એટલે આવે છે, કારણે કે ફરીથી કામે ચડવાનું છે. રોજિંદા દિવસમાં ઊઠીએ એ પછી પરફેક્ટ શિડ્યુલ હોય છે. ઓફિસે કે કામધંધે પહોંચવા માટે ઘરેથી નિશ્ચિત સમયે નીકળવાનું અને ચોક્કસ સમયે પહોંચવાનું હોય છે. બીજા એક અભ્યાસમાં એવું સાબિત થયું છે કે, મહાનતા રૂટિનથી જ સાબિત થાય છે. જે લોકોએ કંઇક નવું અને વિશિષ્ઠ કરી બતાવ્યું છે એ લોકો કોઇ એક જગ્યાએ રહીને સતત કામ કરતા રહ્યા છે. એ લોકો રખડતા નહોતા. કેટલાય વૈજ્ઞાનિકો આખો દિવસ લેબોરેટરીમાં જ રહીને રિસર્ચ કરતા રહ્યા છે. કોઇ પણ ક્ષેત્ર હોય માણસ વર્ષોની સાધના બાદ જ સિદ્ધિ પામતો હોય છે. કેટલાક લોકોને તો એ પણ ભાન નથી હોતું કે, હું કેટલા સમયથી મારા શહેરની બહાર નથી ગયો.
બીજો એક અભ્યાસ એવું પણ કહે છે કે, માણસ ફરવા જાય ત્યારે ભલે ગમે એવી ફાઇવસ્ટાર હોટલમાં રોકાયો હોય, પણ તેને આરામ અને ચેનની ઊંઘ તો પોતાના ઘરમાં જ્યાં એ રોજ સૂતા હોય ત્યાં જ આવે છે. એનું કારણ એ જ છે કે, આપણને એ રૂટિનની આદત પડી ગઇ હોય છે. એ પલંગ, ગાદલું, ઓશીકું અને ઓઢવાનું આપણું પરિચિત હોય છે. એ જ આપણું સાચું કમ્ફર્ટ હોય છે. આપણી પથારીમાં પડીએ પછી જ આપણને ખરી હાશ થાય છે. બહારનું ખાવાનું પણ થોડાક દિવસ ભાવે. બે-ચાર દિવસ થાય ત્યાં ઘરનું રૂટિન ખાવાનું યાદ આવવા લાગે છે. એવું લાગે કે, સાચી મીઠાશ તો ઘરે રોજ બનતા જમણમાં જ છે. ખાવાના સંતોષનો ઓડકાર ઘરના ખાવાથી જ આવે છે.
માણસં રૂટિન લાઇફમાંથી ચોક્કસપણે બ્રેક લેવો જોઇએ. ક્યાંક ફરવા જવું જોઇએ. ઘરની વેલ્યૂ થાય એ માટે પણ બહાર જવું જરૂરી છે. ઘરે આવ્યા પછી આપણને સમજાય છે કે, સુખ અને શાંતિ તો અહીં જ છે. ઘર ભલે નાનું હોય, ઓછી સુવિધાવાળું હોય પણ ઘર એ ઘર છે. ઘરનો પર્યાય હોય જ ન શકે. કેટલાક લોકોને તો ઘરેથી બહાર જાય પછી ઊંઘ જ નથી આવતી. એવા કેટલાય કિસ્સાઓ છે કે, જ્યારે માણસ બહાર જાય ત્યારે પોતાનું ઓઢવાનું સાથે લેતા જતા હોય. માણસ રૂટિનને વખોડતો હોય છે. કામને વગોવતો હોય છે. વખોડવા અને વગોવવા માટે પણ રૂટિન જરૂરી છે. નિષ્ણાતો, સાઇકોલોજિસ્ટો અને સમાજશાસ્ત્રીઓ એમ કહે છે કે, રૂટિન વિશે ક્યારેય ખરાબ ન બોલો, એનું કારણ છે કે, રૂટિન છે તો જ જિંદગી છે. જે માણસ પોતાના રૂટિનને એન્જોય કરી શકે છે એ માણસને જિંદગીથી ક્યારેય ફરિયાદ રહેતી નથી. રૂટિનને પણ એવું બનાવો કે એ ક્યારેય કંટાળાજનક કે થકાવનારું ન લાગે. આવું કરશો તો જિંદગી જીવવાની વધુ મજા આવશે.
————
પેશ-એ-ખિદમત
ઔર ઇસ સે પહલે કિ સાબિત હો જુર્મ-એ-ખામોશી,
હમ અપની રાય કા ઇઝહાર કરના ચાહતે હૈં,
યહાં તક આ તો ગયે આપ કી મોહબ્બત મેં,
અબ ઔર કિતના ગુનહગાર કરના ચાહતે હૈં.
– સલીમ કૌસર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 29 એપ્રિલ 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
