REWARD DEFICIENCY SYNDROME – મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરશો તો એનો ભોગ બની જશો – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

REWARD DEFICIENCY SYNDROME
મોબાઇલનો વધુ પડતો ઉપયોગ
કરશો તો એનો ભોગ બની જશો

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

લોકોમાં સોશિયલ મીડિયા અને રીલ્સ જોવાની આદતો વકરતી જાય છે.
રીલ્સ જોતી વખતે ડોપામાઇનનો સ્રાવ થાય છે.
લોકોને લત લાગે છે. તેના કારણે બીજાં કામોમાં ધ્યાન આપી શકાતું નથી.
દુનિયામાં જેની અત્યારે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે એ આરડીએસ એટલે કે
રિવોર્ડ ડેફિશિયન્સી સિન્ડ્રોમ અને તેની અસરો વિશે જાણવા જેવું છે


———–

આપણા દેશમાં લોકોનો સ્ક્રીન ટાઇમ સતત વધી રહ્યો છે. લોકો મિનિમમ ૪થી ૫ કલાક મોબાઇલ સાથે ચોંટેલા હોય છે. મોબાઇલમાં પણ સૌથી વધુ જોખમી કંઇ હોય તો એ રીલ્સ છે. એક વખત રીલ્સ જોવાનું શરૂ થાય પછી સમય ક્યાં પસાર થઇ જાય છે એની ખબર જ નથી રહેતી. કોઇ કામ માટે મોબાઇલ હાથમાં લીધો હોય અને લોકો રીલ જોવા લાગે છે. મોબાઇલની લતના કારણે લોકો નવી નવી માનસિક બીમારીનો ભોગ બની રહ્યા છે. હમણાં થયેલા એક રિસર્ચ બાદ નિષ્ણાતોએ લોકોને વધુ એક વખત ચેતવ્યા છે કે, ધ્યાન રાખજો, નહીંતર તમે રિવોર્ડ ડેફિશિયન્સી સિન્ડ્રોમનો ભોગ બની જશો. તમે ક્યારેય માર્ક કર્યું છે કે, તમે દિવસના કેટલા કલાકો મોબાઇલ વાપરો છો? આમ તો હવે દરેક મોબાઇલ સ્ક્રીન ટાઇમ યુસેઝની વિગતો આપે જ છે. એવું બિલકુલ નથી કે, માણસને ખબર પડતી નથી. લોકોને સમજ પડે જ છે કે, સોશિયલ મીડિયામાં અને રીલ્સ જોવામાં સમય વેડફાય છે. આમ છતાં મોબાઇલનું વળગણ છૂટતું નથી. આવું થવાનું સૌથી મોટું કારણ એ છે કે, મોબાઇલની લત લાગી જાય છે. મોબાઇલ એક વ્યસન બની જાય છે. માણસને મોબાઇલ વગર ચાલતું નથી. ઘડીએ ઘડીએ મોબાઇલ જોવાનું મન થયા રાખે છે. માણસ જરાકેય ફ્રી પડે એટલે તરત જ મોબાઇલ હાથમાં લઇ લે છે. કદાચ તમે પણ આવું કરતા હશો. કાર ડ્રાઇવ કરીને જતા હોવ અને સિગ્નલ આવે ત્યારે જે થોડી ઘણી સેકન્ડ હોય એમાં પણ માણસ મોબાઇલ જોઇ લે છે. લિફ્ટની રાહ જોતી વખતે અને લિફ્ટમાં હોય ત્યારે પણ માણસને મોબાઇલ જોયા વગર ચાલતું નથી. ક્યાંય લાઇનમાં ઊભા હોઇએ તો પણ તરત જ મોબાઇલ જોવા લાગીએ છીએ. ગમે એવા કામમાં હોઇએ અને એમાંથી જરાકેય નવરા પડીએ કે, તરત જ મોબાઇલ હાથમાં લઇ લઇએ છીએ.
મોબાઇલનું વ્યસન થઇ જવાનું સૌથી મોટું કારણ એ છે કે, જ્યારે આપણે મોબાઇલ જોઇએ છીએ ત્યારે મગજમાં ડોપામાઇનનો સ્રાવ થાય છે. ડોપામાઇન હેપિનેસ હોર્મોન્સ છે. એ આપણને ખુશી આપે છે. માણસ સતત મોબાઇલ વાપરે એટલે ડોપામાઇનનો સ્રાવ થતો રહે છે. એક તબક્કે એવું થાય છે કે, બોડી ડોપામાઇનની ડિમાન્ડ કરવા લાગે છે. તેને ડોપામાઇન વગર ચાલતું નથી. એના કારણે માણસ મોબાઇલ જોવા લલચાતો રહે છે. મોબાઇલની લત તો લાગી જ જાય છે એની સાથોસાથ માણસ બીજી પ્રવૃત્તિથી દૂર થતો જાય છે. જે થ્રિલ એને મોબાઇલથી મળે છે એ બીજાં કામોમાં નથી મળતી. સતત ડોપામાઇનનો સ્રાવ માણસની સંવેદનશીલતાને ઘટાડી દે છે. મોબાઇલ માણસને સતત ઉત્તેજનામાં રાખે છે. માણસને વાંચનમાં, મિત્રો સાથે વાતો કરવામાં કે કુદરતી વાતાવરણને માણવામાં રોમાંચ થતો નથી. માણસ ગમે ત્યાં હોય એને મોબાઇલ વગર ચાલતું નથી.
મોબાઇલના વ્યસનના કારણે લોકોનું ધ્યાન કામમાં રહેતું નથી. માણસ એકાગ્રતા ગુમાવતો જાય છે. જે કામ કરતા હોય એમાં એનું ફોકસ રહેતું નથી. મોબાઇલ વગર માણસને સતત એવું લાગે છે જાણે કશુંક ખૂટે છે. કેટલાક લોકોને એવો માનસિક ભય લાગે છે કે, જો હું મોબાઇલ નહીં વાપરું, સોશિયલ મીડિયા પર એક્ટિવ નહીં રહું, રીલ્સ નહીં જોઉં તો હું પાછળ રહી જઇશ. હવે યંગસ્ટર્સના ગ્રૂપમાં જે થોડી ઘણી વાતો થાય છે એ પણ મોબાઇલ અને રીલ્સની જ હોય છે. હવે કોઇ પણ ઇવેન્ટ હોય એ પણ કોઇ ને કોઇ રીતે રીલ્સમાં કન્વર્ટ થઇ જાય છે. તેનું સૌથી મોટું ઉદાહરણ થોડા દિવસ પહેલાં રમાઇ ગયેલી ટી-20 વર્લ્ડકપની ફાઇનલ છે. મેચ પૂરી થઇ ગઇ. ઇન્ડિયા જીતી ગયું એ પછી ખેલાડીઓએ જે મોજ મસ્તી કરી તેની રીલ્સ મોબાઇલ પર ફરવા લાગી હતી. ખુદ ઇન્ડિયન પ્લેયર્સ પણ ગ્રાઉન્ડ પર રીલ્સ બનાવતા હતા. હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ સાથે મસ્તી કરતો હતો તેની ઘણી બધી રીલ્સ ફરવા લાગી હતી. જરાકેય વિચાર કર્યો છે કે, હાર્દિક પોતાની ગર્લફ્રેન્ડ સાથે મસ્તી કરે એનાથી આપણી લાઇફમાં શું ફેર પડવાનો છે? કંઇ લાગતુંવળગતું ન હોવા છતાં પણ આપણે જોતા રહીએ છીએ. એની ચર્ચા પણ કરીએ છીએ કે, હાર્દિક કપ લઇને જ ફરતો હતો, બીજાના હાથમાં પણ આવવા દેતો નહોતો! મેચ જેવું જ આપણે બીજા બધામાં કરીએ છીએ. કોઇ સેલિબ્રિટીના મેરજ હોય તો પણ કોણ આવ્યુંથી માંડીને કોણે શું પહેર્યું હતું ત્યાં સુધીનું બધું આપણે જોતા રહીએ છીએ. એનું કારણ એ જ છે કે, એ કન્ટેન્ટ આપણામાં ડોપામાઇનનો સ્રાવ કરે છે, આપણને મજા આવે છે અને નયા ભારનો ફાયદો ન હોવા છતાં આપણે એ બધું જોતા રહીએ છીએ.
મોબાઇલની લતના કારણે કામથી માંડીને સંબંધો સુધીનું બધું બગડી રહ્યું છે. એક્સપર્ટ્સ કહે છે કે, હજુ સમય છે ત્યાં સમજી જાવ. મોબાઇલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરો. અતિ સર્વત્ર વર્જયેત. વધુ કંઇ સારું નથી. સાઇકોલોજિસ્ટ કહે છે કે, મોબાઇલના કારણે માણસ પોતાના લોકોથી તો દૂર થઇ રહ્યો છે, હવે એ નોબત આવી છે કે, માણસ પોતાનાથી પણ દૂર થતો જાય છે. માણસ પોતે એ નથી વિચારતો કે, હું શું કરું છું? શા માટે કરું છું? હું જે કરું છું એનાથી મને શું મળી જવાનું છે? કેટલાક કિસ્સામાં તો એને ખબર હોય છે કે, હું જે કરું છું એનો કોઇ ફાયદો નથી તો પણ એ કરતો રહે છે. મોડે સુધી મોબાઇલ લઇને પડ્યો રહે છે. સ્લીપ સાઇકલ ડિસ્ટર્બ થાય છે. સવારે ઊઠે ત્યારે ફ્રેશ ફીલ કરવાના બદલે થાકેલા હોય એવો અનુભવ કરે છે. લોકો પોતાની હેલ્થ સાથે પોતે જ ચેડાં કરી રહ્યા છે.
મોબાઇલથી સેફ ડિસ્ટન્સ એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. નિષ્ણાતો કહે છે કે, તમારું ભલું ઇચ્છતા હોવ તો ડિજિટલ ડિટોક્સ તરફ વળો. આ ઉપવાસ કરવા જેવો છે. નક્કી કરો કે, દિવસમાં આટલો સમય જ મોબાઇલ વાપરવો છે. સોશિયલ મીડિયા વાપરો એમાં કશો વાંધો હોય ન શકે, પણ એના માટે પણ એક સમય નક્કી કરો કે આનાથી વધારે નહીં. સૌથી વધુ જેનાથી બચવા જેવું છે એ રીલ્સ છે. ફાલતુ રીલ્સ પાછળ સમય ન બગાડો. રીલ્સ સમય તો બગાડે જ છે, સમયથી પણ વધારે આપણું મગજ બગાડે છે. પોતાની જાતને સમય આપો. મોબાઇલનો ઉપયોગ ઘટાડશો તો કંઇ અટકી જવાનું નથી. જો નહીં સમજીએ તો આપણે જ ક્યાંક ભટકી જઈશું.
તમે રોજ સવારે જાગીને પહેલું કામ મોબાઇલ જોવાનું કરો છો? રાતના સૂતી વખતે છેલ્લું કામ મોબાઇલ જોવાનું કરો છો? રાતે ઊંઘ ઊડે તો પણ મોબાઇલ જોઇ લો છો? સમય જોવા માટે કે બીજા કોઇ કામ માટે મોબાઇલ હાથમાં લીધા પછી રીલ્સ જોવા લાગો છો? જરાકેય નવરા પડો કે તરત જ મોબાઇલ હાથમાં લઇ લો છો? મોબાઇલ જોતા હોવ ત્યારે તમને કોઇ બોલાવે તો તમે ઇરિટેટ થઇ જાઓ છો? સોશિયલ મીડિયા પર કંઇ અપલોડ કર્યા પછી કેટલી લાઇક મળી અને કોણે કેવી કમેન્ટ કરી એ જોવાની તમને ચટપટી જાગે છે? જો આવું બધું હોય તો તમારે સાવધાન થઇ જવાની જરૂર છે. જો તમારો સ્ક્રીન ટાઇમ ૪થી ૫ કલાકનો છે તો સમજજો કે, તમે મોબાઇલનો ઉપયોગ નથી કરતા, પણ મોબાઇલ તમારો ઉપયોગ કરી રહ્યો છે. તમે તમારા કામમાં આગળ વધવા માંગતા હોવ અને ધાર્યું પરિણામ મેળવવા ઇચ્છતા હોવ તો મોબાઇલના ઉપયોગમાં સંયમ વર્તો.
મોબાઇલથી પોતાની જાતને બચાવવાના જે ઉપાયો બતાવવામાં આવે છે એમાં સૌથી મોખરે ડિજિટલ ડિટોક્સ છે. નક્કી કરો કે, હવે એક કલાક મોબાઇલને ટચ નથી કરવો. પહેલાં એક કલાક, પછી દોઢ કલાક, પછી બે કલાક, એમ ધીમે ધીમે સમય વધારતા જાવ. શરૂઆતમાં થોડુંક અનઇઝી લાગશે, પણ એક વખત મોબાઇલ વગર રહેવાની આદત પડશે પછી મજા આવવા લાગશે. શું વધુ મહત્ત્વનું છે એ સમજાશે. મોબાઇલના અતિરેક વિશે કેટલાક નિષ્ણાતો ત્યાં સુધીની વાત કરે છે કે, વહેલા કે મોડા, માણસે મોબાઇલથી દૂર થઇને પોતાની જાત તરફ વળવું જ પડશે. એના વગર છૂટકો જ નથી. માણસને સમજાવાનું જ છે કે, પોતે જે કરી રહ્યા છે એ ખોટું છે. એ જેટલું વહેલું સમજાય એટલું સારું છે. આપણે પણ સમય વર્તે સાવધાન થઇ જવાની જરૂર છે જ. સાચી વાત કે નહીં?


————

પેશ-એ-ખિદમત
હર એક શખ્સ કી અપની હી એક મંઝિલ હૈ,
કોઇ કિસી કા યહાં હમસફર નહીં હોતા,
તમામ ઉમ્ર ગુજર જાતી હૈ કભી પલ મેં,
કભી કૌ એક હી લમ્હા બસર નહીં હોતા.
– અખ્તર અમાન


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 18 માર્ચ 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *