તવારીખ બની ગયેલી કેટલીક
તારીખો તડપાવતી રહે છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઘટના હતી કે અવસર, કોને ખબર?
ઈશ્વર હતો કે પથ્થર, કોને ખબર?
એનો ઇશારો ના હું સમજી શક્યો,
પ્રશ્નો હતા કે ઉત્તર, કોને ખબર?
– ભરત દેસાઈ `સ્પંદન’
દરેક માણસની જિંદગી બે ભાગમાં વહેંચાયેલી હોય છે. એક તો જે વીતી ગયું હોય છે એ અને એક હજુ જે થવાનું છે એ. આ બંનેમાં માણસ વહેંચાયેલો હોય છે. જે બાકી છે એની તો કોઇને ખબર નથી. જિંદગીની બીજી જ ક્ષણે કંઇ પણ થઇ શકે છે. એ સારું પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે. શું થશે એવું માણસ સતત વિચારતો હોય છે. પોતાનું ધાર્યું થાય એવું પણ દરેક માણસ ઇચ્છતો હોય છે. આપણા દરેકના પ્રયાસો સરવાળે એવા જ હોય છે કે, જિંદગી આપણા ઇશારે ચાલે. આપણે લાંબા લાંબા પ્લાનિંગ કરીએ છીએ. ગણતરીઓ માંડીએ છીએ. ભવિષ્ય માટે આપણાથી થાય એ તમામ કરી છૂટીએ છીએ. એ વાત જુદી છે કે આપણું ધાર્યું ક્યારેય થતું નથી. સમય ક્યારે આપણા મનસૂબા ઉથલાવી દે એની ખબર હોતી નથી. ભવિષ્ય માટે લોકો પોતાનાથી બને એ બધું કરે છે અને છેલ્લે એવું પણ વિચારે છે કે, બાકી જે થશે એ જોયું જશે. જે આવવાનું છે એ તો આવે ત્યારે, પણ જે વીતી ગયું છે એ માણસને વધુ કનડતું રહે છે. જિંદગીની પાછળ ફરીને જોઇએ તો જ્યાંથી આપણે પસાર થયા હોઇએ એ રસ્તામાં ક્યાંક ખાડા ખબડા તો ક્યાંક ઉતાર ચડાવ નજરે પડે છે. કેટલાક રસ્તા તો રીતસરના કાંટાળા જોયા હોય છે. અમુક નજીકના લોકોએ જ આઘાતો આપ્યા હોય છે. જિંદગીમાં એટલું બધું થયું હોય છે કે, લાંબો વિચાર કરીએ તો આંખોના ખૂણા ભીના થઇ જાય છે. એક તબક્કે તો ત્યાં સુધીનો વિચાર આવી જાય છે કે, જે થઇ ગયું એના વિશે કંઇ વિચારવું જ નથી. આપણે ભલે એવું કહેતા હોઇએ કે, ગયું એ ગયું પણ ગયેલું ક્યારેય પૂરેપૂરું જતું નથી, એ આપણા અસ્તિત્ત્વમાં રહી જતું હોય છે. ક્યારેક એ જીવતું થઇ જાય છે અને વેદના પણ આપતું રહે છે.
આપણી વેદના, પીડા અને દર્દનું એક કારણ આપણા જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓ હોય છે. એક સાવ સાચી વાત છે. એક છોકરીનાં લગ્ન થયાં. જિંદગી અને સુખી દાંપત્યનાં સપનાં જોઇને સાસરે ગયેલી છોકરીને અંદાજ નહોતો કે, સાસરે જઇને તેના શું હાલ થવાના છે. છોકરીનો પતિ વિકૃત માનસિકતા ધરાવતો હતો. પત્ની પર હાથ ઉપાડતો હતો અને જાતજાતના અત્યાચાર કરતો હતો. પત્ની બધું સહન કર્યે જતી હતી. એક વખત તે પિયર ગઇ. તેના ચહેરા અને હાથ પર ઇજાનાં નિશાન હતાં. પિતાએ લાડકી દીકરીને બાજુમાં બેસાડીને સાચી વાત પૂછી. દીકરીએ રડતાં રડતાં તેની સાથે સાસરીમાં શું વીતી રહ્યું છે તેની વાત કરી. દીકરીની વાત સાંભળીને પિતાએ કહ્યું કે, તને કંઇ સાસરે માર ખાવા માટે લાડકોડથી ઉછેરી નથી. દીકરીને તેમણે ડિવોર્સ લેવા સમજાવી. આખરે તેણે પતિ સાથે છૂટાછેડા લઇ લીધા. જુદા પડ્યા પછી પણ પતિ સાથેની ઘટનાઓ તેનો પીછો છોડતી નહોતી. રાતે ઊંઘમાં તે ઝબકીને જાગી જતી હતી. એક ફડકો તેના મનમાં પેસી ગયો હતો. એ ધ્રાસકો બનીને બહાર આવતો હતો. એક ડર કેમેય કરીને ખતમ થતો નહોતો. તેણે માતાને કહ્યું કે, ખબર નહીં ક્યારે આનાથી મુક્તિ મળશે? આપણા બધાના જીવનમાં આવી કોઇ ને કોઇ ઘટના બની જ હોય છે, જે ભૂતની જેમ આપણને વળગેલી રહે છે અને વેદના આપતી રહે છે.
ક્યારેક એવું પણ બને છે કે, બધું સારું હોય છે, પણ કોઇ અભાવ સતત સતાવતો રહે છે. એક યુવાનની આ વાત છે. એને માતાનો પ્રેમ મળ્યો નહોતો. જન્મ થયો એ સાથે જ માતાએ આ દુનિયામાંથી વિદાય લઇ લીધી હતી. તેને સતત એવું થતું કે, મા હોત તો કદાચ મારી જિંદગી જુદી હોત. માની યાદ આવે ત્યારે તેની આંખો ભીની થઇ જતી હતી. એ મોટો થયો. તેના મનમાં એક સવાલ ઊઠ્યે રાખતો હતો કે, હું મરી જઇશ પછી મારી મા મન સ્વર્ગમાં મળશે? એક વખત તેને એક સંતનો ભેટો થઇ ગયો. તેણે સંતને આવો જ સવાલ કર્યો. સંતે તેનું દિલ રાખવા માટે કહ્યું કે, હા તારું મિલન સ્વર્ગમાં માતા સાથે થશે. એ યુવાને પછી એક માર્મિક સવાલ પૂછ્યો. તેણે કહ્યું કે, મેં તો મારી માને ક્યારેય જોઇ જ નથી, હું તેને કેવી રીતે ઓળખીશ? સંતે બહુ સહજતાથી જવાબ આપ્યો, તું એને ન ઓળખી શકે તો કંઇ નહીં, એ તને ઓળખી જશે. આખરે એ મા છે. તેણે તને પેટમાં નવ મહિના ઉછેર્યો છે. સંતે પછી કહ્યું કે, ઘણી વખત આપણાં નસીબ આપણી જિંદગીમાં કેટલાક અભાવ સર્જતાં હોય છે. કેટલાક અભાવનો અફસોસ ન કરવો એ જ ઉપાય હોય છે. જો એવું ન કરીએ તો એ પીડા સતત વર્તાતી રહે છે. જિંદગીમાં પણ ઘણું એવું બનતું હોય છે જેનો અફસોસ ટાળવો જોઇએ.
સૌથી વધુ પેઇન સંબંધો જ આપે છે. આપણી જિંદગીમાં કેટલાક એવા લોકો આવતા હોય છે, જે આવે ત્યારે આપણને સુખનું કારણ લાગતા હોય છે. એ જાય છે ત્યારે એવું ફીલ થાય છે કે, સૌથી વધુ વેદના તો તેમણે જ આપી છે. એ મિત્ર, પ્રેમીથી માંડીને કોઇ પણ હોઈ શકે છે. કેટલાકને તો મા-બાપ કે ભાઇ-બહેન સામે જ ફરિયાદો હોય છે. એક બીજો કિસ્સો છે. એક છોકરીને તેની માતા નાની હતી ત્યારે જ છોડી ગઇ હતી. દીકરીને પિતા પાસે મૂકીને તેણે બીજી વ્યક્તિ સાથે મેરેજ કરી લીધા હતા. દીકરીને માતા સામે પહેલેથી ફરિયાદ હતી કે, તેણે મારી સાથે આવું કેમ કર્યું? માતા-પિતાને બનતું નહોતું એમાં મારો શું વાંક હતો? મને છોડી ગઇ એ પછી એણે ક્યારેય મારા વિશે તપાસ પણ કરી નથી કે હું કેમ છું, કેવી છું અને શું કરું છું? એને ક્યારેય મારો વિચાર નહીં આવ્યો હોય? એક વખત એ છોકરી એક ફિલોસોફર પાસે ગઇ. છોકરીએ ફિલોસોફરને સવાલ કર્યો કે, મારે આ પેઇનમાંથી મુક્ત થવા શું કરવું જોઇએ? ફિલોસોફરે કહ્યું, તું એને માફ કરી દે. એની પણ કોઇ મજબૂરી હશે. તારી લાઇફમાં શું થયું એ એમને જેમ ખબર નથી એમ એની લાઇફમાં પણ શું થયું એની તને જાણ નથી. સંબંધોમાં બ્લાઇન્ડ રમાતું નથી. ખુલ્લી આંખો બધું જોવું પડતું હોય છે. આપણા પેઇનમાંથી આપણે જ બહાર નીકળવું પડતું હોય છે. એનો બેસ્ટ વિકલ્પ માફ કરી દેવામાં જ છે. આપણે જો આપણને વેદના આપનારને માફ કરી શકીએ તો આપણે જ એનાથી મુક્ત થતા હોઈએ છીએ. તવારીખ બની ગયેલી તારીખોને ભૂંસી શકાતી નથી, પણ એને તાજી રાખવી કે નહીં એ આપણા હાથની વાત હોય છે.
જિંદગી સાથે અમુક વેદનાઓ રહેવાની જ છે. હાથ છૂટી જતા હોય છે. સાથ સમાપ્ત થતો હોય છે. પોતાના ધાર્યા હોય એ જ એવું કરે છે જે સહન કરવું અઘરું હોય છે. આપણે એ પણ નક્કી કરવું પડતું હોય છે કે, આપણે આપણી કંઇ લાગણીઓને પેમ્પર કરવી છે અને કોને અવગણવી છે. બધાં સ્મરણો સારાં હોતાં નથી. કેટલાંક સ્મરણો સમયે સમયે ઘા મારતાં રહે છે. એક છોકરીની આ વાત છે. એ તેની ફ્રેન્ડ્સ સાથે ફરવા ગઇ હતી. બધા મસ્તીમાં હતા પણ એ છોકરી ઉદાસ હતી. તેની ફ્રેન્ડે પૂછ્યું કે, શું વાત છે? એ છોકરીએ કહ્યું, જે વીતી ગયું છે એ પીછો છોડતું નથી. તેની ફ્રેન્ડે કહ્યું, અત્યારે મજા કરવાનો સમય છે. એને તું તો જ માણી શકીશ જો જૂની યાદોમાંથી મુક્ત થઇશ. આપણો વર્તમાન સારો હોય ત્યારે આપણા ભૂતકાળને વાગોળીને તેને બરબાદ ન કરવો જોઇએ. આપણા દુ:ખનું એક મોટું કારણ આપણી આજ નહીં, પણ આપણી વીતી ગયેલી કાલ હોય છે. આપણે ગઇ કાલ પરથી નજર ફેરવીને આજ પર માંડીએ તો જ આજનો આનંદ માણી શકીએ છીએ. ચોઇસ આપણી પાસે હોય જ છે. જો સાચી ચોઇસને ન સમજીએ અને ન સ્વીકારીએ તો વેદનામાંથી મુક્તિ મળતી નથી. આપણે નક્કી કરવું પડે છે કે, મારે મારી જિંદગી સારી રીતે જીવવી છે. ભૂતકાળના ભૂતને કોઇ પણ સંજોગોમાં વળગેલું રહેવા દેવું નથી. મુક્તિ માટે ઘણું બધું ખંખેરવું પડે છે. નવાં કપડાં પહેરવા માટે જૂનાં ઉતારવાં પડે એના જેવી જ આ વાત છે. સુખ માટે દુ:ખ, વેદના, પીડા, દર્દ અને ઉદાસીથી મુક્તિ મેળવવી પડે છે. ગાલ પર સરકતાં આંસુને ન લૂછીએ તો એ ચચરતું જ રહેવાનું છે.
છેલ્લો સીન :
જિંદગીની ઘટનાઓના પડઘાઓ સતત પડતા રહે છે. એના કારણે જ ચહેરા પર ક્યારેક ખુશી તો ક્યારેક ઉદાસી છલકાઈ જતી હોય છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 08 ફેબ્રુઆરી 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
