DEPRESSION
લોકો નાની નાની વાતોમાં
હતાશ થવા લાગ્યા છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
ડિપ્રેશન નવી બીમારી નથી. અગાઉ પણ લોકો ડિપ્રેશનનો ભોગ
બનતા જ હતા. હવે હતાશામાં નવાં કારણો ઉમેરાયાં છે.
નાની વયનાં બાળકોથી માંડી તમામ લોકો સાવ સામાન્ય
કારણોસર હતાશાનો ભોગ બનવા લાગ્યા છે
———–
ડિપ્રેશન કોઇ નવી બીમારી નથી. હતાશા પહેલાં પણ માણસ પણ ત્રાટકતી હતી અને અત્યારે પણ હતાશાના હુમલાઓ ચાલુ છે. ફેર માત્ર એટલો છે કે, હવે ડિપ્રેશનનું પ્રમાણ અત્યંત વધી ગયું છે. ડિપ્રેશનના નવાં નવાં કારણો પેદા થયાં છે. હમણાંનો એક અભ્યાસ એવું કહે છે કે, દુનિયામાં કદાચ એવો કોઇ માણસ નહીં હોય, જેણે ડિપ્રેશનનો અનુભવ ન કર્યો હોય. જે લોકો અત્યાર સુધી ડિપ્રેશનથી બચી રહ્યા છે તેઓ પણ ગમે ત્યારે તેનો શિકાર બની શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, લોકો હવે તદ્દન ક્ષુલ્લક કારણોથી ડિપ્રેશ થવા લાગ્યા છે. અગાઉના સમયમાં ડિપ્રેશનનાં કારણોમાં સૌથી મહત્ત્વનાં કારણો કરિયર અને સંબંધો હતાં. વેપાર ધંધામાં કે નોકરીમાં જ્યારે નિષ્ફળતા મળતી ત્યારે લોકો હતાશામાં સરી જતા હતા. સંબંધોમાં જ્યારે સમસ્યાઓ સર્જાય ત્યારે માણસ મૂંઝાઇ જતો હતો. હવે સ્થિતિ બદલાઈ ગઇ છે. હવે તો સોશિયલ મીડિયા પર પૂરતી લાઇક્સ ન મળે તો પણ માણસ ડિપ્રેશ થઈ જાય છે. સુરતમાં થોડા સમય અગાઉ એક ઘટના બની હતી. એક યુવાન રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતો હતો. અનેક રીલ્સ અપલોડ કર્યા પછી પણ તેના ફોલોઅર્સમાં જે વધારો થવો જોઇતો હતો એ થયો નહીં. છેલ્લે તેણે આપઘાત કરી લીધો. સ્યુસાઇડ નોટમાં તેણે લખ્યું હતું કે, મારા ફોલોઅર્સ વધતા નથી એટલે હું આવું પગલું ભરું છું. બીજી એક ઘટનામાં પિતાએ નવો મોબાઇલ અપાવવાની ના પાડી એના કારણે દીકરી ડિપ્રેશનમાં સરી ગઇ હતી. યંગસ્ટર્સના સંબંધો પણ હવે રોજેરોજ બદલાય છે. દોસ્તી અને પ્રેમ થાય છે, પણ એ લાંબા ટકતા નથી. નાની નાની વાતોમાં બ્રેકઅપ થઇ જાય છે. બધા લોકો બ્રેકઅપ સહન કરી શકતા નથી. કેટલાક હાંફી જાય છે અને ડિપ્રેશનમાં સરી જાય છે. લોકોના ફેમિલી ઇશ્યૂઝ પણ વધી રહ્યા છે. મોટા ભાગના લોકોના કોઇ ને કોઇ સંબંધો દાવ પર લાગેલા છે. દાંપત્યજીવનમાં પણ સમસ્યાઓ સર્જાતી રહે છે. એ બધાં કારણે લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે.
દુનિયાના એક્સપર્ટ સાઇકોલોજિસ્ટની હમણાં મળેલી એક કોન્ફરન્સમાં જણાવાયું હતું કે, શારીરિક બીમારીઓ કરતાં માનસિક બીમારીઓ વધુ ચિંતાજનક રીતે વકરી રહી છે. શારીરિક બીમારીઓનાં લક્ષણો તો મેડિકલ રિપોર્ટ્સમાં પકડાઇ જાય છે, પણ માનસિક બીમારીઓ આસાનીથી પકડાતી નથી. લોકોને સામાન્ય તાવ આવે તો એ તરત જ દવા લેવા પહોંચી જાય છે, પણ ક્યાંય ગમતું ન હોય તો તેઓ એ વિચારતા નથી કે મને આવું કેમ થાય છે. વર્ચ્યુઅલ વર્લ્ડમાં ખોવાયેલો આજનો માણસ વધુ ને વધુ એકલો પડતો જાય છે. સારી સારી વાતો તો સોશિયલ મીડિયા પર લખી દેવાય છે, પણ વેદના આપે એવી વાતો કોઇને કહી શકાતી નથી. માણસ અંદર ને અંદર શોષવાતો રહે છે અને સરવાળે ડિપ્રેશનમાં સરી જાય છે.
એક મહત્ત્વની વાત એ પણ બહાર આવી છે કે, ડિપ્રેશનની ઉંમરમાં હવે ઘટાડો થઇ ગયો છે. હવે તો નાનાં નાનાં બાળકો પણ ડિપ્રેશનનો ભોગ બની રહ્યાં છે. જેને હજુ જિંદગી વિશે પૂરી સમજ નથી એ પણ ઉદાસી ઓઢી લે છે. બાળકો હવે ગુમસૂમ રહેવા લાગ્યાં છે. તેના મનમાં શું ચાલી રહ્યું છે એ તેનાં મા-બાપ પણ કળી શકતાં નથી. યંગસ્ટર્સના પોતાના પ્રોબ્લેમ્સ છે. એક રીતે જોવા જઇએ તો દરેક ઉંમરની વ્યક્તિ કોઇ ને કોઇ ભાર લઇને ફરે છે અને એક તબક્કે પોતે જ લાદેલા ભાર નીચે દબાઇ જાય છે.
આજકાલ સોશિયલ મીડિયા પર જિંદગી વિશેની વાતો સૌથી વધુ થઇ રહી છે. લાઇફ ઇઝ બ્યૂટીફૂલથી માંડીને જિંદગીની દરેક ક્ષણ જીવી લો ત્યાં સુધીની વાતો લોકો કરે છે. માનસશાસ્ત્રીઓ એ વિશે પણ એવું કહે છે કે, સરવાળે માણસ પોતાની હતાશાથી બચવા માટે જિંદગી વિશેની સારી સારી વાતો કરવા લાગ્યો છે. કોઇ ન હોય તો કંઇ નહીં, આપણે જિંદગી જીવી લેવાની. કોઇ કાયમ સાથે રહેતું નથી, બધા આવતા જતા રહે છે. સુખી રહેવું કે દુ:ખી એ આપણે નક્કી કરવાનું છે. સોશિયલ મીડિયા પર આવું બધું લખનાર લોકો આડકતરી રીતે પોતાનું પેઇન જ પ્રગટ કરતા હોય છે. પોતાના વિચારો લખીને પોતાની જાતને જ સાંત્વના આપતા હોય છે. શાંતિ અને સુખની શોધ દિવસે ને દિવસે વધુ ને વધુ અઘરી બનતી જાય છે.
ડિપ્રેશનમાં વધારો થવાનું એક બીજું કારણ દેખાદેખી છે. સોશિયલ મીડિયા પર લોકોની મજા કરતી પોસ્ટ જોઇને એમ થાય છે કે, બધા સુખી છે અને હું જ દુ:ખી છું. બધા હરેફરે છે અને મોજ કરે છે, મારા નસીબમાં ઢસરડા જ લખ્યા છે. કોઇ નવી કાર કે ઘર લે તો એના ફોટા મૂકે છે ત્યારે માણસને એવું થાય છે કે, મારે જે કરવું છે એ કરી શકતો નથી. દરેક માણસ પોતાની સરખામણી બીજા સાથે કરવા લાગ્યો છે. બહુ ઓછા લોકોને પોતાના પાસે જે છે એનાથી સંતોષ છે.
વેલ, સવાલ એ છે કે, આનાથી બચવાનો ઉપાય શું? સૌથી પહેલી વાત એ કે, પોતાની જાતને ક્યારેય ઓછી આંકો નહીં. દરેક માણસ પોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે. દરેક પાસે પોતાના સુખ પૂરતું હોય જ છે. કોઇની સાથે પોતાની સરખામણી કરવાની ભૂલ ન કરો. વર્ચ્યુઅલ કરતાં વાસ્તવિક સંબંધોને વધુ મહત્ત્વ આપો. એટલું વિચારો કે, હું જેટલો સમય સોશિયલ મીડિયા વાપરું છું એટલો સમય મારા સ્વજનો સાથે વાતો કરું છું ખરો? મિત્રો સાથે સમય વિતાવો. મોબાઇલથી બને એટલા દૂર રહો. પ્રકૃતિની નજીક રહો. સારું વાંચન કરો. જિંદગી વિશે પોઝિટિવ વિચારતા રહો. તમે જો એવું માનતા હોવ કે રીલ્સ જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થશે તો એ સૌથી મોટો ભ્રમ છે. રીલ્સ જોયા બાદ તરત જ ભુલાઇ જાય છે.
જિંદગી જીવતા કોઇ શીખવતું નથી. બાળકોમાં જે રીતે હતાશાનું પ્રમાણ વધતું જાય છે એ જોઇને સાઇકોલોજિસ્ટોએ દુનિયાના દેશોને એવી પણ ભલામણો કરી છે કે, બાળકોને શાળામાં જ જિંદગી વિશેનું શિક્ષણ આપવામાં આવે. પ્રેમ, લાગણી, આદર, સંસ્કૃતિ, સંસ્કાર, મૂલ્યો અને પરંપરાઓની સમજ બાળકોને શાળામાંથી જ અપાય એ સૌથી વધુ જરૂરી છે. શિક્ષણ માત્ર ડિગ્રી કે નોકરીલક્ષી ન રહેતાં જિંદગીલક્ષી બનવું જોઇએ. માણસે પોતાની જાતને સમય આપવાની પણ જરૂર છે. લોકો નવરા પડે કે તરત જ ફોન લઇને બેસી જાય છે. દરેક માણસે શાંતિથી બેસીને પોતાની જાત સાથે સંવાદ સાધવો જોઇએ કે, હું જે કરું છું એ બરાબર છેને? મને જિંદગી જીવવાની મજા આવે છેને? હું કારણ વગરનો વલોપાત તો કરતો નથીને? મારા સંબંધો તો સક્ષમ છેને? બીજી વાત એ પણ છે કે, બહુ બધી ઉપાધિઓ ન કરો. કેટલાક લોકો જિંદગીને વધુ પડતી સિરિયસલી લેતા હોય છે. જિંદગી સરળ છે, આપણા વિચારો જ ઘણી વખત જિંદગીને વધુ અઘરી અને આકરી બનાવતા હોય છે.
મજા ન આવતી હોય તો મિત્ર કે સ્વજનને વાત કરો. વાત કરવાથી માણસ હળવો થઇ જાય છે. એવું જરાયે ન વિચારો કે, કોને શું ફેર પડે છે? જે પોતાના હોય એને હંમેશાં ફેર પડતો હોય છે. પોતાના સ્વજનો પર પણ માણસે નજર રાખવી જોઇએ. કોઇ અપસેટ હોય કે તેની વાણી કે વર્તનમાં ફેર જોવા મળે તો એની સંભાળ લો. એવું લાગે કે, ક્યાંય ગમતું નથી, શું થવા બેઠું છે એની ખબર નથી પડતી, તો મનોચિકિત્સકની મદદ લેવામાં પણ સંકોચ ન રાખો. જિંદગીમાં ક્યારેક પસંદ ન પડે એવું અથવા તો સહન ન થાય એવું પણ બનવાનું જ છે. નક્કી કરો કે, કંઇ પણ થાય હું નબળો નહીં પડું કે હું નબળી નહીં પડું. ભૂતકાળ કે ભૂલોનાં પોટલાં લઇને ફરો નહીં. વર્તમાનમાં જીવો અને જિંદગીની દરેક ક્ષણોને માણો. ગમે તે થાય, વિચારોને ક્યારેય નબળા પડવા ન દો. જિંદગી એવી જ રહેવાની છે જેવું આપણે વિચારીએ. સારું વિચારશો તો સારું જ થશે.
—————-
પેશ-એ-ખિદમત
અજીબ ઉસસે ભી રિશ્તા હૈ ક્યા કિયા જાયે,
વો સિર્ફ ખ્વાબોં મેં મિલતા હૈ ક્યા કિયા જાયે,
કિસી પે અબ કિસી ગમ કા અસર નહીં હોતા,
મગર યે દિલ હૈ કિ દુખતા હૈ ક્યા કિયા જાયે.
– સમીર કબીર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 17 સપ્ટેમ્બર 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
