માણસની માનસિકતા છતી કરે છે,
વોટ્સએપ હેબિટ્સ

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
વોટ્સએપ પર લોકો મેસેજ કરે છે, સ્ટેટસ
મૂકે છે, પ્રોફાઇલ પિક્ચર બદલતા રહે છે.
તેના વિશે હમણાં એક રસપ્રદ અભ્યાસ થયો છે.
આપણે વોટ્સએપ પર જે કંઇ કરીએ છીએ એનાથી આપણે કેવા છીએ
એ વર્તાઇ આવે છે. આ લેખ વાંચીને તમે નક્કી કરજો કે આ વાત સાચી છે કે નહીં?
———–
માણસનું દરેકેદરેક વર્તન એની માનસિકતા છતી કરે છે. આપણે બધા જે કંઇ કરીએ છીએ તેના પરથી જ નક્કી થતું હોય છે કે, આપણે ખરેખર કેવા છીએ? દુનિયાનો દરેકેદરેક માણસ પોતાની તમામ પ્રવૃત્તિઓ યુનિક રીતે કરે છે. કેટલાક લોકોનું વર્તન જોઇને આપણને એવો વિચાર આવતો જ હોય છે કે, આવું થોડું કરાય? આપણાથી આવું ન થાય. ઘણી વખત કોઇના ફોટા જોઇને એવો પણ વિચાર આવી જાય કે, આને લાજશરમ જેવું કંઇ છે કે નહીં? કેટલાક લોકોના ડિસન્ટ ફોટા જોઇને આપણે વખાણ પણ કરીએ છીએ કે, કેવો સરસ કે કેવી સરસ લાગે છે! આપણે ક્યારેય એ વિચાર કરીએ છીએ કે, આપણે સોશિયલ મીડિયા પર જે કરીએ છીએ એ જોનારા લોકોને કેવું લાગશે? આપણી પોસ્ટ ગમે એટલી સારી હોય તો પણ બધાને ગમે એવું બિલકુલ જરૂરી નથી. ઘણાને ન પણ ગમે. એક જ પોસ્ટ પર આપણે વખાણ પણ વાંચ્યાં હોય છે અને ટીકા પણ જોઇ હોય છે. દરેક પોતે જે માનતા હોય, જેવું વિચારતા હોય અને જેવું ઇચ્છતા હોય એવું જ કરતા હોય છે.
સોશિયલ મીડિયા પર આપણી જે હરકતો, હેબિટ્સ કે ગતિવિધિઓ હોય છે એ જાણે અજાણે આપણી માનસિકતા છતી કરે છે. આજના સમયમાં વોટ્સએપ મેસેજિંગ એપ મોટાભાગના લોકો વાપરે છે. વોટ્સએપ વાપરનારા પર હમણાં એક રસપ્રદ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. આ અભ્યાસ બાદ તેનાં જે રિઝલ્ટ જોવા મળ્યાં એ ખૂબ જ રસપ્રદ છે. તમે પણ જરાક ચેક કરજો કે, આ અભ્યાસમાં જે વાતો બહાર આવી છે એ સાચી છે કે નહીં? તમે પોતે કઇ કેટેગરીમાં આવો છો? અલબત્ત, આ અભ્યાસમાં એવું પણ જાહેર કરાયું જ છે કે, મોટાભાગના લોકોને આ લાગુ પડે છે. તમામેતમામ એવું જ કરતા હોય એવું જરૂરી નથી. સરવાળે દરેક માણસ નોખો અને અનોખો છો. જોકે, મોટાભાગના લોકોની પેટર્ન મળતી આવતી હોય છે.
તમે વોટ્સએપ પર તમારો ડીપી એટલે કે ડિસપ્લે પિક્ચર કેટલા દિવસે બદલો છો? ડીપીને આપણે ત્યાં પ્રોફાઇલ પિક્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. વોટ્સએપનો અભ્યાસ એવું કહે છે કે, જે લોકો લાંબો સમય પોતાનું પ્રોફાઇલ પિક્ચર બદલતા નથી એ લોકો સરળ, દરેક સંજોગોમાં એકસરખા અને વફાદાર હોય છે. જે લોકો વારેવારે પોતાના ડીપી બદલે છે એ લોકો એટેન્શન સિકર હોય છે, બધાનું ધ્યાન ખેંચવા ઇચ્છે છે, થોડાક બેચેન પણ રહે છે, તેમનો મૂડ પણ સ્વિંગ થતો રહે છે. ઘણા લોકોને કોઇ દરરોજ ગુડ મોર્નિંગ કે ગુડ નાઇટના મેસેજ મોકલે એ ગમતું નથી, પણ જે લોકો મોકલે છે તેના વિશે એવું બહાર આવ્યું છે કે, જે લોકો દરરોજ આવા મેસેજ મોકલે છે એ ખૂબ સારા અને અત્યંત સંવેદનશીલ હોય છે, કેરિંગ હોય છે, સંબંધોમાં વિશ્વાસ રાખતા હોય છે અને દિલથી ખૂબ સારા હોય છે.
કેટલાક લોકો ક્યારેય વોટ્સએપ સ્ટેટસ મૂકતા નથી. આવા લોકો પોતાની પ્રાઇવસીને બહુ મહત્ત્વ આપે છે. આ લોકો પોતાના કામથી જ મતલબ રાખે છે. તેઓ ખોટી હવામાં રહેતા નથી અને દેખાડો તેમને પસંદ નથી. જે લોકો ક્યારેક જ સ્ટેટસ મૂકે છે એવા લોકો કામ અને પ્લાનિંગમાં નિષ્ણાત હોય છે. દરેક વાતની નોંધ લઇને રિસ્પોન્સ આપે છે. જરૂર પૂરતી જાણ જ લોકોને કરે છે. કેટલાક લોકો દરરોજ કોઇ ને કોઇ સ્ટેટસ અપલોડ કરે છે. આવા લોકો એક્સપ્રેસિવ અને એક્સટ્રોવર્ટ હોય છે. આવા લોકો થોડાક પઝેસિવ અને થોડાક ઇગોવાળા પણ હોય છે. તેઓ દરેક રિએક્શનનો મતલબ પોતાની રીતે કાઢે છે. કેટલાક લોકો એક સાથે દસથી પંદર જેટલાં સ્ટેટસ અપલોડ કરતા હોય છે. આવા લોકો સાહસિક પ્રકૃતિના હોય છે. તેમનું મગજ ક્રિએટિવ હોય છે. આવા લોકો ઓવરથિંકિંગ પણ કરતા હોય છે. અલબત્ત, આવા લોકો બોરિંગ નથી હોતા પણ લાઇવ હોય છે.
બાય ધ વે, તમે તમારા લાસ્ટ સીન અને બ્લૂ ટિક ઓપન રાખ્યાં છે? જે લોકો લાસ્ટ સીન કોઇ જોઇ ન શકે એવા સેટિંગમાં રાખે છે અને બ્લૂ ટિક પણ રાખતા નથી એવા લોકો ખૂબ જ સ્માર્ટ હોય છે. તેઓ પોતે હવે પછી શું કરવાના છે, તેમનું નેક્સ્ટ સ્ટેપ શું છે, એની કોઇને ખબર પડવા દેતા નથી. તેઓ પોતાના ઇમોશન્સને સારી રીતે કંટ્રોલ કરી શકે છે. આવા લોકો સિક્રેટિવ હોય છે. કેટલાક લોકો માત્ર નોટિફિકેશનમાં જ મેસેજ જોઇ લે છે અને રિપ્લાય કરતા નથી અથવા તો સમય મળે ત્યારે આરામથી રિપ્લાય કરે છે. એવા લોકોમાં સારી લીડરશિપ ક્વોલિટી હોય છે. તે પોતાનો સમય અને શક્તિ બહુ ધ્યાન રાખીને ખર્ચે છે. જે કામ મહત્ત્વનું હોય એટલે કે જે જવાબ આપવો જરૂરી હોય એને જ તરત જવાબ આપે છે. તેઓ દરેક મેસેજનો જવાબ પણ આપતા નથી. જે લોકો ગ્રૂપમાં આવતા સેંકડો મેસેજ જોઇને માત્ર ઇમ્પોર્ટન્ટ હોય એ જ મેસેજ જુએ છે અને જવાબ આપે છે એવા લોકો ખૂબ જ ફોકસ્ડ હોય છે. એમને એ જ વાત અને મેસેજમાં રસ હોય છે જેનાથી એમની જિંદગીમાં ફેર પડતો હોય. ફાલતું વાતોમાં એમને રસ હોતો નથી.
વોટ્સએપ યૂઝ કરવાની દરેકની પોતાની સ્ટાઇલ હોય છે. કેટલાક લોકોના વોટ્સએપમાં સેંકડો અને ઘણી વખત હજારો મેસેજ પડ્યા હોય છે. તમે એને કહો તો કહેશે કે ગ્રૂપના નક્કામા મેસેજ હોય છે. કંઇ લઇ લેવાનું હોતું નથી. એવા લોકો થોડાક કેર ફ્રી હોય છે. કેટલાક લોકો એટલા બધા વ્યવસ્થિત હોય છે કે, એ બધા જ મેસેજ ધ્યાનથી જુએ છે અને બધાને જવાબ આપે છે. એવા લોકોના મનમાં એવું થતું હોય છે કે, જો હું જવાબ નહીં આપું તો મેસેજ મોકલનારને ખરાબ લાગશે. અમુક લોકો મેસેજનો જવાબ ઇરાદાપૂર્વક મોડો આપે છે. એ લોકો જાણીજોઇને ઇગ્નોર કરે છે, રાહ જોવડાવે છે. કેટલાક સંજોગોમાં આવું કરનારા એવું પણ વિચારતા હોય છે કે, હું તરત જ જવાબ આપીશ તો મને નવરો સમજી લેશે. એવા લોકો પોતાનો રુઆબ છાંટવામાં પાવરધા હોય છે.
કેટલાક લોકો ટાર્ગેટેડ સ્ટેટસ અપલોડ કરે છે. એનો ઇરાદો કોઇ ચોક્કસ વ્યક્તિ સ્ટેટસ જુએ એવો જ હોય છે. જે લોકો ઘણી વખત મોઢામોઢ કહી શકતા નથી એ લોકો સ્ટેટસ મૂકીને પોતાની વાત કહેવાનો પ્રયાસ કરે છે. જેના માટે એ મેસેજ લખાયો હોય એ જ્યાં સુધી ન જુએ ત્યાં સુધી એને ચેન પડતું નથી. કોઇના વિશે સ્ટેટસ મૂક્યું હોય અને એણે ન જોયું હોય તો એને ખરાબ લાગી જાય છે. એ વારેવારે જોયે રાખે છે કે, મેં જેના માટે સ્ટેટસ મૂક્યું છે એણે જોયું કે નહીં? ઘણા લોકો તો સામેથી કહી દે છે કે, મારું સ્ટેટસ જોજો, તમારા વિશે કે તમારા માટે લખ્યું છે. સ્ટેટસ મૂકવા પાછળ દરેકનો ચોક્કસ ઇરાદો હોય છે. અનેક લોકો પોતે કંઇક છે એવું ઇમ્પોર્ટન્સ જતાવવા માટે સ્ટેટસ અપલોડ કરતા હોય છે.
વોટ્સએપની જનરલ ઇમ્પ્રેશન કેવી છે એની તમને ખબર છે? એ જ કે, વોટ્સએપ માથાનો દુખાવો છે! આમ છતાં કોઇ તેને છોડી શકતું નથી. દુનિયાની સાથે રહેવા માટે વોટ્સએપ વાપરવું પડે છે. કોઇને ખબર પડે તો તેને આશ્ચર્ય થાય છે કે, લે તમે વોટ્સએપ નથી વાપરતા? વોટ્સએપ સાપે ગળેલા છંછુદર જેવું છે. નથી અંદર ઉતારી શકાતું, નથી બહાર ઓકી શકાતું. વોટ્સએપથી કંટાળો પણ આવે છે અને તેના વગર રહી પણ નથી શકાતું. તમે પણ વોટ્સએપ વાપરતા જ હશો. જરાક ચેક કરજો, જે કહેવાયું છે એ સાચું છે કે નહીં? આ વિગતોના આધારે તમે બીજા લોકોની માનસિકતા પણ જાણી શકો છો કે એ કઇ કેટેગરીમાં આવે છે. આપણી વોટ્સએપ આદતો જાણે અજાણે આપણું વ્યક્તિત્ત્વ છતું કરી દે છે એ વાતમાં થોડોક દમ તો છે જ. સાચું કે નહીં?
—————-
પેશ-એ-ખિદમત
મજાક અચ્છા રહેગા યે ચાંદ-તારોં સે,
મૈં આજ શામ સે પહલે હી ઢલ કે દેખૂંગા,
વો મેરે હુક્મ કો ફરિયાદ જાન લેતા હૈ,
અગર યે સચ હૈ તો લહજા બદલ કે દેખૂંગા.
-રાહત ઇંદોરી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 20 ઓગસ્ટ 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
