FAKE MARRIAGE
વર-વધૂ ખોટા, બાકી બધું સાચું!
પૈસા ફેંકો, તમાશા દેખો!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
ફેક મેરેજ એટલે કે ખોટાં લગ્નમાં બધું હોય છે લગ્ન જેવું જ, પણ
એ એક ઇવેન્ટ છે. લોકો મેરેજમાં હાજરી આપવા બદલ ચાંદલો
નથી આપતા, પણ ટિકિટ ખરીદે છે
———–
લગ્ન વિશે ખૂબ લખાયું, બોલાયું અને કહેવાયું છે. લગ્ન બે આત્માઓનું મિલન છે. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે. લગ્ન સાત ભવનું બંધન છે. એક છોકરો અને એક છોકરી સાથે જિંદગી જીવવાનું નક્કી કરે છે અને બંનેના મેરેજ થાય છે. આ લગ્ન હવે એક બિઝનેસ બની ગયો છે. દુનિયામાં માણસ કમાવવાના જુદા જુદા નુસખા શોધી કાઢતો હોય છે. આજકાલ ફેક મેરેજ ટ્રેન્ડમાં છે. દિલ્હીમાં હમણાં યોજાયેલા એક મેરેજે જબરદસ્ત ચર્ચા જગાવી હતી. આ મેરેજમાં વર અને વધૂ બંને હતાં, પણ તેઓ પતિ-પત્ની નહોતાં. જાનૈયાઓ હતા, પણ એ સગાંવહાલાંઓ નહોતાં. સામાન્ય સંજોગોમાં કોઇ લગ્નમાં જાનૈયા હોય એ સગાંવહાલાંઓ જ હોય છે અને એકબીજાથી સારી રીતે પરિચિત હોય છે. આ લગ્નમાં કોઇ એકબીજાને ઓળખતું નહોતું. લગ્નમાં જનારા લોકો વર-વધૂને ગિફ્ટ અથવા તો ચાંદલો આપે છે. આ મરેજમાં ચાંદલો નહોતો, પણ ટિકિટ હતી. લગ્ન જેવાં જ લગ્ન હોય છે, બધી જ વિધિ થાય છે, પણ એ બધું જ દેખાડવા ખાતર જ હોય છે. આયોજકો હવે એવી ઓફર કરે છે કે, લગ્ન એન્જોય કરવાં છે, તો આવો અમે લગ્ન યોજીએ છીએ.
ફેક મેરેજીસ યોજવા પાછળનું કારણ શું? એ વિશે આયોજકો કહે છે કે, બધા લોકો મેરેજમાં જઇ શકતા નથી. કેટલાક લોકોનાં ફેમિલી એટલાં નાનાં હોય છે કે, ફેમિલીમાં લગ્ન જેવો અવસર માંડ આવે. હવે લોકો બિઝી થઇ ગયા છે. નજીકની વ્યક્તિનાં લગ્ન હોય તો પણ હાજરી આપી શકતા નથી. રજા મળતી નથી. કેટલાકનું વતન બહુ દૂર હોય છે. એવા લોકોની સંખ્યા પણ મોટી છે કે, જેને લગ્નમાં મહાલવું ગમે છે. આપણે પણ મેરેજમાં જઇએ, સાફા બાંધીએ, નાચીએ, ગાઇએ, ખાઇએ, પીએ, ફોટા પડાવીએ એવા ઘણાનાં સપનાં હોય છે. કોઇ નજીકની વ્યક્તિના મેરેજ હોય તો મેળ પડેને? હવે એવા લોકો માટે મેરેજ યોજાવા લાગ્યા છે. એક મેરેજ ઓર્ગેનાઇઝરે વળી જુદી જ વાત કરી. તેણે કહ્યું કે, લોકો હવે રૂટિન પાર્ટીઓથી કંટાળ્યા છે. હોટલમાં કે બારમાં જઇને ખાવા-પીવામાં તેને રોમાંચ થતો નથી. એ લોકોને કંઇક ચેન્જ જોઇએ છે. તેમના માટે આવા મેરેજ મસ્ત મજાનો ટાઇમ પાસ છે. ફેક મેરેજમાં સારાં એવાં માન-પાન મળે છે એટલે લોકોને થોડુંક સ્પેશિયલ ફીલ પણ થાય છે. જે લોકો આવા ધંધાદારી મેરેજનું આયોજન કરે છે એ ગ્રાહકોને પૂછે છે કે, જાનૈયા તરીકે જોડાવવું છે કે માંડવિયા તરીકે? બંને ઓપ્શન અવેલેબલ છે. જાનૈયા તરીકે જોડાવવું હોય તો ચોક્કસ જગ્યાએ ભેગા થવાનું હોય છે. જાન જોડીને ત્યાંથી લક્ઝરી બસમાં લગ્નસ્થળે લઇ જવાય છે. રૂપિયા ખર્ચવાની તમારી તૈયારી હોય તો શણગારેલી કાર પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. બાકીના તામઝામ એવા હોય છે કે, તમને એવું જ લાગે કે તમે સાચુકલા મેરેજમાં જ આવ્યા છો.
ફેક મેરેજની શરૂઆત ચીનથી થઇ હોવાનું માનવામાં આવે છે. ખોટાં લગ્નની શરૂઆત કોઇ પુરુષે નહીં, પણ એક સ્ત્રીએ કરી હતી. તેની પાછળ પણ એક રસપ્રદ કથા છે. ચીનમાં એક યુવાનના મેરેજ નક્કી થયા હતા. બન્યું એવું કે, છોકરીએ લગ્ન પહેલાં જ ના પાડી દીધી. છોકરાના ફેમિલીએ પોતાના આખા સમાજમાં દીકરાના મેરેજની વાત કરી દીધી હતી. હવે લગ્ન ન કરે તો આબરૂ જાય એવી સ્થિતિ પેદા થઇ ગઇ હતી. ચીનમાં ડેટિંગ માટે છોકરીઓ ભાડે મળે છે. આવી એક છોકરીને છોકરાએ ઓફર કરી કે, મેરેજ પૂરતી મારી વાઇફ બનીશ? લગ્ન પતે પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. છોકરીએ હા પાડી અને નકલી મેરેજ થયા. આ ઘટના પરથી છોકરીને વિચાર આવ્યો કે, ફેક મેરજ એક ઇવેન્ટની જેમ જ યોજીએ તો? તેણે ટ્રાય કરી જોઇ. લોકો આવ્યા અને બધાને મજા પણ આવી. હવે તો એવું થયું છે કે, કેટલાક લોકો બુક જ હોય છે. એમણે કહી જ રાખ્યું છે કે, મેરેજની ઇવેન્ટ હોય ત્યારે અમને કહેજો, અમે આવી જશું. લોકો ટિકિટનાં નાણાં તો ખર્ચે જ છે, વર-વધૂને ગિફ્ટ પણ આપે છે. સ્ટેજ પર ગિફ્ટ આપતા હોય એવા ફોટા પડાવે છે અને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરે છે. છોકરીએ કહ્યું, આવું બધું થશે એની તો મેં કલ્પના પણ કરી નહોતી.
ચીનના ચેંગદૂ શહેરમાં 20 વર્ષની કાઓ મેઇ નામની એક છોકરી રહે છે. આ છોકરી 20 ફેક મેરેજમાં બ્રાઇડ બની છે. તેણે કહ્યું કે, પહેલી વખત થોડું વિચિત્ર લાગ્યું હતું, પણ પછી મજા આવવા માંડી. હવે તો ફાવટ આવી ગઇ છે. કાઓએ એમ પણ કહ્યું કે, જેમ ફિલ્મ કે સીરિયલમાં હિરોઇનો મેરેજ કરે છે એવી જ રીતે હું પણ મેરેજનો રોલ જ કરું છું. આ એક વ્યવસાય છે. બીજી વાત એ છે કે, એમાં સારી કમાણી થાય છે. એક વખત મેરેજ કરવા બદલ મને 200 ડોલર મળે છે. નવથી પાંચની નોકરી કરવા કરતાં તો આ ઘણું સારું છું. આવક પણ નોકરી કરતાં વધુ થાય છે. લોકોને મજા આવે છે. અમારી સાથે ફોટા પડાવે છે. ઘણી વખત તો અમને સેલિબ્રિટી જેવી ફીલ આવે છે.
ચીનમાં ફેક મેરેજના ટ્રેન્ડે એક નવું રૂપ પણ ધારણ કર્યું છે. ચીનમાં એવાં છોકરાઓ છોકરીઓની સંખ્યા ખૂબ મોટી છે જે મેરેજ કરવા માંગતાં નથી. તેમને કોઇ બંધનમાં બંધાવું નથી. જોકે, તેમને મેરેજ એન્જોય કરવા હોય છે. એ ફેક મેરેજ યોજે છે અને પોતાના મિત્રો અને સગાંવહાલાંઓને ઇન્વાઇટ કરે છે. આવા મેરેજમાં માત્ર બ્રાઇડ કે ગ્રૂમ જ નકલી હોય છે, બાકી બધું જ સાચું હોય છે. આવાં લગ્ન યોજનાર એક છોકરાએ કહ્યું કે, આમ તો હું ક્યારેય મેરેજ કરવાનો નથી, પણ આ રીતે મેરેજ યોજીને મારાં માતા-પિતા અને પરિવારજનોને મજા કરાવી. ચીનના ફેક મેરજનો ટ્રેન્ડ જોઇને જ દિલ્હીમાં ફેક મેરેજ યોજનારને આઇડિયા આવ્યો હોય એવું માનવામાં આવે છે. જે હોય તે પણ આવા ફેક મેરેજ ધીમે ધીમે આપણા દેશમાં પણ લોકપ્રિય થઇ રહ્યા છે.
આપણા દેશમાં તો હવે આવા ફેક મેરેજને નવું રૂપ આપવામાં આવે એવી પણ શક્યતા છે. તમારે કઇ કાસ્ટના કે કયા સ્ટેટના મેરેજ એન્જોય કરવા છે? એ અમે કરાવી આપીશું. આપણા દેશમાં જેટલી જ્ઞાતિઓ છે એટલી જ મેરેજની વેરાયટીઝ છે. બધાની પરંપરાઓ, રીતરિવાજો, વિધિઓથી માંડીને ઘણું બધું જુદું હોય છે. ગુજરાતી હોય એને પણ ક્યારેક એવું મન થતું હોય છે કે, કોઇક પંજાબી કે બંગાળીના મેરેજમાં જવા અને જોવા મળે તો મજા આવે. મેરેજ ટૂરિઝમનો હિસ્સો તો ક્યારનુંયે બનેલું છે. વિદેશથી જે લોકો ફરવા આવે છે તેને એક ઓફર મેરેજમાં હાજરી આપવાની પણ કરવામાં આવે છે. એ લોકો નાણાં ખર્ચીને મેરેજમાં હાજરી આપે છે. અલબત્ત, એ ટૂરિસ્ટ જે મેરેજમાં હાજરી આપે છે એ મેરેજ સાચા હોય છે. ટૂર ઓર્ગેનાઇઝરો જેને ત્યાં મેરેજ હોય એનો સંપર્ક કરીને મેરેજમાં હાજરી અપાવવા માટે રાજી કરી લે છે. તેનાં નાણાં પણ ચૂકવે છે. વિદેશીઓ ગેસ્ટ તરીકે મેરેજમાં હાજરી આપે છે અને ઇન્ડિયન મેરેજ એન્જોય કરે છે.
દિલ્હીમાં ફેક મેરેજ યોજનારે કહ્યું કે, આવા મેરેજ મોજમસ્તી, ક્રિએટિવિટી અને સોશિયલ મીડિયા એન્ગેજમેન્ટનું કોમ્બિનેશન છે. લોકો મેરજમાં નાચતા હોય એમ નાચે છે અને રીલ્સ બનાવે છે. થોડાક રૂપિયા ખર્ચે છે અને મજા કરે છે. મેરેજ માટે જાનૈયાઓને ડ્રેસ જોઈતા હોય તો ભાડાના ડ્રેસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. દિલ્હીના ફેક વેડિંગમાં હલ્દી, મેદી, સંગીત, જાન સહિતના તમામ પ્રસંગો યોજવામાં આવે છે. જાન નીકળે ત્યારે જોરદાર આતશબાજી પણ કરવામાં આવે છે. દૂરથી જોનારને તો લાગે જ નહીં કે આ અસલી નહીં પણ નકલી મેરેજ છે! આપણે અત્યાર સુધી એવું સાંભળતા આવ્યા છીએ કે, બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના. હવે આવા દીવાનો માટે જ આવા નકલી મેરેજ યોજાય છે. લગ્નમાં તમને કોઇ નથી બોલાવતું? આવી જાવ, અમે તમારી આગતાસ્વાગતા કરવા તૈયાર છીએ. દિલ્હીથી શરૂ થયેલો ફેક મેરેજનો ટ્રેન્ડ ધીમે ધીમે આખા દેશમાં ફેલાય તો જરાયે નવાઇ પામવા જેવું નહીં હોય! સરવાળે આમાં પણ પૈસા ફેંકો, તમાશા દેખો જેવું જ છે.
—————-
પેશ-એ-ખિદમત
દોસ્તોં કે સિતમ કી બાત કરો,
બાત ગમ કી હૈ ગમ કી બાત કરો,
ચાહતે હો જો તુમ દિલોં કા મિલાપ,
છોડ કે મૈં કો હમ કી બાત કરો.
– પુરનમ ઇલાહાબાદી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 06 ઓગસ્ટ 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
