મને ખોટું નહીં,
સાચું લાગ્યું છે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
તારી માફક ક્યાં કદી મોઢું મરડતો જાય છે,
ચાંદ અરધો હોય કે આખો, ચમકતો જાય છે,
ડૂબવાની વાતમાં દમ છે જો ફાવે ડૂબતાં,
કેમ મોતી પામશે, જે માત્ર તરતો જાય છે.
-ગેબી લુવારવી
માણસને ક્યારે કઇ વાતનું ખોટું લાગી જાય એ નક્કી હોતું નથી. કેટલાંક લોકો એવા હોય છે જેને કંઇ કહેતા પહેલા સો વાર વિચાર કરવો પડે છે. શું કહેવું એ નક્કી હોય છે પણ કેવી રીતે કહેવું એ સમજાતું નથી. આપણે પહેલા ચોખવટ કરવી પડે છે કે, મહેરબાની કરીને મારી વાતનો ખોટો અર્થ ન કાઢતો. બહુ ઓછા લોકો એવા હોય છે જે કોઇ વાતનો ખરો અર્થ કાઢતા હોય છે. મોટા ભાગે લોકો ડાઉટ જ કરતા હોય છે. એણે આવું કેમ કહ્યું? એનો કહેવાનો મતલબ શું હતો? તેણે વાત વાતમાં મને ટોણો મારી લીધો. લોકો જાતજાતના તર્ક લગાવતા રહે છે. ઘણી વખત તો વાત કહેવાવાળા જ વિચિત્ર હોય છે. એને કોઇ વાત સીધી કહેવી ફાવતી જ નથી. ગોળ ગોળ ફેરવીને એ પોતાની વાત પર આવશે. આપણે ઘણાને મોઢામોઢ કહી દેતા હોઇએ છીએ કે, જે કહેવું હોય એ ચોખ્ખું કહે, આમ ફેરવીને બોલવાની કોઇ જરૂર નથી. માણસ શું બોલે છે અને કેવું બોલે છે એના પરથી એની કક્ષા નક્કી થતી હોય છે. કેટલાંક લોકો વિશે આપણે છાતી ઠોકીને કહી શકીએ છીએ કે, એણે કહ્યું છે તો સાચું જ હશે. અમુકનું નામ સાંભળીએ ત્યાં જ આપણે કહેતા હોઇએ છીએ કે, ધ્યાન રાખજો હોં, એની વાતમાં આવી ન જતો, એણે અનેકને ધંધે લગાડી દીધા છે. કોઇ છાપ એમ જ નથી પડતી, અનુભવો જ માણસની ઇમેજ ઘડે છે. કોની નજીક જવાય અને કોની અડફેટે ન ચડાય એ આપણે અનુભવ પરથી જ નક્કી કરતા હોઇએ છીએ.
અમુક લોકો બોલવામાં બહુ પાવરધા હોય છે. એ એટલી મીઠી ભાષામાં વાત કરશે કે તેની વાત શીરાની જેમ ગળે ઉતરી જાય. બહુ મોડી ખબર પડે કે, એ શીરો કેટલો આકરો હતો. એક યુવાનની આ વાત છે. બોલ્યે એકદમ મીઠો. તેનો ટોન અને તેની વાતો ભલભલાને મોહિત કરી દે એવી હતી. એક વખત થોડા મિત્રો ભેગા થયા. એ વખતે આ મીઠાબોલા ભાઇ પણ ત્યાં આવી ગયા. એણે પોતાની છટાથી બધાને પ્રભાવિત કરી દીધા. પહેલી વખત એની વાત સાંભળનાર વ્યક્તિએ કહ્યું, એની જીભે તો સરસ્વતિ બીરાજે છે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, સરસ્વતિને બદનામ ન કર. તને હજુ એનો અનુભવ નથી. એણે કંઇકનું કરી નાખ્યું છે. મીઠું હોય એ બધું મધૂરું જ હોય એવું જરૂરી નથી. કેટલાંક લોકો કડવા ઝેર જેવા હોય છે પણ તેની ભાષા સુગરકોટેડ હોય છે. કેટલાંક લોકો વળી સાવ ઊંધા હોય છે. એની જીભ કૂહાડા જેવી હોય છે પણ તેની વાત એકદમ સાચી હોય છે. એક પતિ પત્નીની આ વાત છે. પતિ સમજુ હતો પણ એની બોલવાની રીત ભયંકર હતી. કોઇની પણ સાથે કંઇ પણ વાત હોય એ તોછડાઇથી જ વર્તે. એક વખત ઘરમાં એક બાબતે ચર્ચા થતી હતી. બધા બેઠાં હતા. એ ભાઇ પોતાની આદત મુજબ તોછડાઇથી જ વાત કરતા હતા. વાત પતી ગયા પછી પત્નીએ કહ્યું, તું શાંતિથી વાત કરતો હોય તો? પતિએ કહ્યું, હું કહેતો હતો એ શું ખોટું હતું? પત્નીએ કહ્યું, તું કહેતો હતો એ જરાયે ખોટું નહોતું પણ તારી કહેવાની રીત ખોટી હતી. સારી રીતે ન કહેવાયેલી સાચી વાત પણ કોઇને સારી કે સાચી લાગતી નથી. સત્ય પણ સલુકાઇથી કહેવાવું જોઇએ. આપણે સાચા હોઇએ ત્યારે નમ્રતાની સૌથી વધુ જરૂર પડે છે. સત્યની પોતાની એક તાકાત હોય છે. સત્ય સાબિત કરવા માટે ઊંચા અવાજે કે તોછડાઇથી કહેવાની કંઇ જરૂર નથી. જ્ઞાનની સાથે મીઠાશ પણ જરૂરી છે. કોઇનું મોઢું તોડી લેવું બહુ સહેલું છે. એક વખત તું કોઇનું મોઢું તોડી લઇશ પછી એને ક્યારેય એ તારું મોઢું જોવા ઇચ્છશે નહીં.
સાચી વાતનું પણ જ્યારે ખોટું લાગી જાય ત્યારે સંબંધો સામે સવાલો પેદા થાય છે. બે ફ્રેન્ડની આ વાત છે. એક કામ બાબતે એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે, ધ્યાન રાખજે, તું જે કરે છે એમાં બહુ પડવા જેવું નથી. આ વાત સાંભળીને તેના મિત્રને ખરાબ લાગ્યું. તેને થયું કે, મારો આ મિત્ર મારી મદદ કરવાને બદલે મને નિરૂત્સાહ કરે છે. જે મિત્રએ વાત કરી હતી એને સમજાઇ ગયું કે, મારી વાત આને સાચી લાગી નથી. એ મિત્ર હતો, તેણે ફરીથી સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, મને જે સાચું લાગ્યું એ મેં કહ્યું છે, તારે ખરાબ લગાડવું હોય તો તને છૂટ છે. હું તને સારું લગાડવા માટે ખોટા રસ્તે જવા ન દઇ શકું. સંબંધોમાં આપણે માણસને ઓળખતા પણ શીખવું પડે છે. કોણ વાત કરે છે એ મહત્ત્વનું છે. દુનિયામાં અમુક લોકો એવા હોય છે જે કોઇ દિવસ આપણું બૂરું ન ઇચ્છે. એ લોકોની વાત ગંભીરતાથી લેવી જોઇએ.
બીજો એક સાવ સાચો કિસ્સો છે. બે બહેનપણી હતી. બંને વચ્ચે ગાઢ દોસ્તી હતી. એક વખત એક ગ્રૂપ ટૂર પ્લાન થતી હતી. એક ફ્રેન્ડ આ ટૂર માટે ખૂબ ઉત્સાહિત હતી. એ બીજી ફ્રેન્ડને ટૂરમાં આવવા મનાવવાનો પ્રયાસ કરતી હતી. બીજી ફ્રેન્ડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, હું તો નથી જ આવવાની, હું ઇચ્છું છું કે તું પણ ન જા. મને ખબર છે એ ગ્રૂપમાં જે છોકરાઓ જોડાયા છે એ કેવા છે. એકેય ભરોસાપાત્ર નથી. આ વાત સાંભળીને તેની મિત્ર ડિસ્ટર્બ થઇ ગઇ. થોડી વાર પછી તેની ફ્રેન્ડે પૂછ્યું, તને મારી વાતનું ખોટું લાગ્યું? તેની મિત્રએ કહ્યું, ના મને જરાય ખોટું નથી લાગ્યું, ઉલટું મને તો સાચું લાગ્યું છે. તું મારી ખાસ ફ્રેન્ડ છે. તું મારા હિતની જ વાત કરે એ મને ખબર છે. તારું કોઇ દિવસ ખરાબ કે ખોટું ન લાગે.
સંબંધો પારખવા પડે છે. સંબંધો એક વખત પરખાઇ જાય પછી નક્કી કરી લેવાનું હોય છે કે, કોના પર ભરોસો રાખવો અને કોને દૂર રાખવા. સ્વજન હોય કે મિત્ર હોય, એક યાદી એની પણ બનાવવી જોઇએ કે, મારી જિંદગીમાં આટલી વ્યક્તિનું હું ક્યારેય કંઇ ખોટું કે ખરાબ લગાડીશ નહીં. આપણે ઘણી વખત સાચી વ્યક્તિનું ખોટું લગાડી દેતા હોય છે અને સંબંધ ગુમાવતા હોય છે. આપણને ખબર હોવી જોઇએ કે કોણ આપણું છે અને કોણ પરાયું છે. બાય ધ વે, તમારું કોઇને ખોટું લાગ્યું છે? જેને ખોટું લાગ્યું છે એ વ્યક્તિનું તમારી લાઇફમાં કેટલું ઇમ્પોર્ટન્સ છે? જો એ વ્યક્તિ નજીક હોય તો એને મનાવી લો. વાત સાચી હતી કે ખોટી, સારી હતી કે ખરાબ એ ઘણી વખત ગૌણ બની જાય છે. વ્યકિત કોણ છે એ જ મહત્ત્વનું હોય છે. એક યુવાનની આ વાત છે. એ બધાને સલાહ આપતો ફરે. સલાહ આપે એનો પણ વાંધો નહોતો, કોઇ એની સલાહ ન માને તો એને ખોટું લાગી જાય. મેં કહ્યું તો પણ એણે મારી વાત ન માની. એક વખત તેના એક મિત્રએ કહ્યું કે, જો તું આ જ રીતે બધાનું ખોટું લગાડતો રહીશ તો એક સમયે તું સાવ એકલો થઇ જઇશ. જેને વાતે વાતે ખોટું લાગે છે એની સાથે લોકો સંબંધ રાખતા પહેલા સો વાર વિચારે છે. એની વાત નીકળે તો પણ કહેશે કે, એને રહેવા દોને, એને દરેક વાતમાં ખોટું લાગી જાય છે. આપણે એને સમજાવવામાંથી જ નવરા નથી પડતા. જે સંબંધમાં ધ્યાન રાખવું પડે એ સંબંધ લાંબો સમય ટકતા નથી. સાચી વાત તો એ છે કે, કોઇ વાતનું ખોટું ન લગાડવું. સાચી વાત ન હોય તો કહી દેવાનું કે, મને આ વાત ગળે નથી ઉતરતી અથવા તો તારી વાત સાચી નથી. વાત સમજતા અને પચાવતા આવડવી જોઇએ. કોની વાત સાંભળવી અને કોની વાત એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવી એની સમજ પણ શાંતિથી જીવવા માટે જરૂરી છે.
છેલ્લો સીન :
શબ્દોનો સાચો ઉપયોગ કરી જાણે છે એ જ ખરો સમજુ માણસ છે. બોલવા અને બાફવાનો ભેદ જેને ખબર નથી એણે અપમાન સહન કરવું પડે છે. -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 01 નવેમ્બર 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
