ADHD : એકાગ્રતા અને શાંતિ છીનવી લે છે
સાવધાન! આ બીમારી લાઇટલી લેવા જેવી નથી

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
એડીએચડી એટલે કે એટેન્શન ડેફિસિટ હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર
મગજના વિકાસ સાથે જોડાયેલી સમસ્યા છે. આ એક એવી માનસિક
બીમારી છે જેનો ભોગ બનનાર વ્યક્તિને કોઇ કામમાં એકાગ્ર થવામાં,
શાંતિથી બેસવામાં અને આવેગો પર કાબુ રાખવામાં તકલીફ પડે છે
———–
ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટે એક ઇન્ટરવ્યૂમાં કબૂલ્યું હતું કે, હું હાઇ લેવલના એડીએચડીનો ભોગ બની ચૂકી છું. માત્ર આલિયા જ નહીં, ઓલિમ્પિકમાં અનેક ગોલ્ડ મેડલ મેળવનાર અમેરિકન સ્વિમર માઇકલ ફેલ્પ્સ, સિંગર જસ્ટિન ટિમ્બરલેક, પેરિસ હિલ્ટન સહિતની સેલિબ્રિટીઓનું લાંબુ લિસ્ટ છે જેમણે એડીએચડી એટલે કે એટેન્શન ડેફિસિટ હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડરનો સામનો કર્યો છે. એડીએચડી એક ન્યૂરોડેવલપમેન્ટલ એટલે કે મગજના વિકાસ સાથે જોડાયેલી માનસિક સમસ્યા છે. એડીએચડી વિશે અત્યાર સુધીમાં જે રિસર્ચ થયા છે એ એવું કહે છે કે, આ માનસિક બીમારી થવા પાછળ કોઇ એક કારણ નહીં પણ અનેક પરિબળો જવાબદાર છે. સૌથી મોટું કારણ જિનેટિક્સ છે. જો પરિવારમાં કોઇને એડીએચડીની તકલીફ હોય તો બાળકમાં તેની શક્યતા 74 ટકા જેટલી વધારે રહે છે. મગજની રચના એડીએચડી માટે કારણભૂત હોય છે. મગજનો અમુક ભાગ જે ફોક્સ અને પ્લાનિંગ માટે કામ કરે છે એ સામાન્ય લોકો કરતા જુદું કામ કરતું હોય છે. પ્રેગનેન્સી દરમિયાન સ્મોકિંગ કે ડ્રિંકિંગથી પણ બાળકને આ બીમારી થવાની શક્યતા રહે છે. અધૂરા મહિને જન્મેલા બાળકોમાં પણ આ બીમારી જોવા મળે છે.
એડીએચડીમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ માનસિક બીમારીનો ભોગ બનેલા મોટા ભાગના લોકોને એ ખબર જ નથી હોતી કે, તેમને આ બીમારી લાગુ પડી છે. બીમારીની ખબર હોય તો ઇલાજ કરાવેને? મનોચિકિત્સકો કહે છે કે, દરેક માણસે પોતાના બિહેવિયર પર નજર રાખવી જોઇએ. કંઇ જ એબનોર્મલ થતું હોય તો તેને ગંભીરતાથી લઇને સારવાર કરાવવી જોઇએ. તેના માટે એ ખબર હોવી જરૂરી છે કે, એડીએચડી હોય તો થાય શું? સામાન્ય રીતે તેને હાઇપર એક્ટિવિટી સાથે જોડવામાં આવે છે. હાઇપર એક્ટિવિટી એટલે એક જગ્યાએ સ્થિર કે શાંત બેસી ન શકવું, સતત હાથ પગ હલાવ્યા રાખવા, ક્લાસરૂમ કે ઓફિસમાં વગર કારણે ઊભા થઇ ચાલવા લાગવું, ગમે ત્યારે વાતો કરવા માંડવી, વધુ પડતી વાતો કરવી, આ બધા લક્ષ્ણ હાઇપર એક્ટિવિટીના છે. એડીએચડીમાં એ સિવાયનું પણ ઘણું બધું થાય છે. એડીએચડી હોય એ ઓવરથિંકિંગ કરતા રહે છે. વાત નાની હોય કે મોટી, એક જ મુદ્દા પર વિચારો ચાલતા રહે છે. એના કારણે ટેન્શન પેદા થાય છે.
એડીએચડીનો ભોગ બનેલા લોકો દરેક કામ લાસ્ટ મોમેન્ટ સુધી ડીલે કરતા રહે છે. તેને એવું લાગે કે, હવે આ કામ કર્યા વગર ચાલે એમ જ નથી ત્યારે એ કામ શરૂ કરે છે. આ ઉપરાંત નાનકડી ખલેલથી તેનું ફોકસ બદલી જાય છે. કામ કરતા હોય અને કોઇ જરાકેય અવાજ કરે તો તરત જ કામમાંથી તેનું ધ્યાન હટી જાય છે. એડીએચડી જેને હોય એનું ધ્યાન વાતચીત દરમિયાન પણ બીજે ભટકી જાય છે. રોજિંદી ચીજ વસ્તુઓ ભૂલી જવી એ પણ આ બીમારીની જ એક નિશાની છે. ઘણા લોકો કાર કે બાઇકની ચાવી, વોલેટ જેવી રોજ સાથે રાખવાની વસ્તુઓ પણ ભૂલી જતા હોય છે. આ ઉપરાંત આવા લોકો એક કામ કરતા હોય ત્યારે અચાનક જ એને પડતું મૂકીને બીજા કામ પર જમ્પ કરી જાય છે. પોતાને જે વાતમાં રસ પડે એના પર વધુ પડતું ધ્યાન આપે છે. એમાં પણ વાંધો ન હોય પરંતુ એ લોકો બાકી બધા કામને ઇગ્નોર કરી દે છે. એડીએચડીના કિસ્સામાં એવું પણ જોવા મળ્યું છે કે, બ્રેઇનમાં ડોપામાઇન એક્ટિવિટી સામાન્ય માણસ કરતા પચીસ ટકા જેટલી ઓછી હોય છે. તેના કારણે પ્રેરણા અને ઉત્સાહને ઘણી વખત સીધી અસર થાય છે. સામાન્ય સંજોગોમાં આપણું મગજ એક સમયે એક જ વિચાર કે કામને પ્રોસેસ કરે છે. એડીએચડીવાળા લોકોનું બ્રેઇન એક સાથે અનેક વિચારોને પ્રોસેસ કરે છે, એના કારણે તેમનું ધ્યાન ભટકી જાય છે.
એડીએચડી સંબંધોને પણ મોટી અસર કરે છે. પોતાની વ્યક્તિ જ્યારે વાત કરતી હોય ત્યારે આ બીમારીનો ભોગ બનેલી વ્યક્તિનું ધ્યાન તેની વાતમાં હોતું નથી. વાત સાંભળતા સાંભળતા એ બીજે જોવા લાગે છે. કોઇ વાત કરતું હોય ત્યારે અચાનક જ તેની વાત કાપીને પોતાની વાત કહેવા માંડે છે. એનામાં કોઇની પૂરી વાત સાંભળવાની અને પોતાનો વારો આવે એટલી રાહ જોવાની ધીરજ હોતી નથી. એનો ઇરાદો બિલકુલ ખરાબ હોતો નથી પણ એનું મગજ જ એની પાસે એવું કરાવતું હોય છે. સામેની વ્યક્તિને એવું લાગે છે કે, એ મને તોડી પાડે છે, મારી વાતમાં એનું ધ્યાન નથી. આખરે સંબંધોમાં અંતર પેદા થાય છે.
દેશ અને દુનિયામાં આજકાલ એડીએચડીની ચર્ચાઓ જોરમાં છે. એનું કારણ એ છે કે, એડીએચડીના કેસો સતત વધી રહ્યા છે. અમેરિકન એકેડેમી ઓફ ફેમિલી ફિઝિશિયન્સે કરેલા એક રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, વર્ષ 2006માં એડીએચડીનું પ્રમાણ 4.4 ટકા જેટલું હતું. 2022 સુધીમાં આ પ્રમાણ વધીને 14.6 ટકા થઇ ગયું છે. ઇન્ડિયન સાયકિયાટ્રિક સોસાયટીના આંકડા મુજબ પ્રાથમિક શાળાના 7થી 12 ટકા બાળકોમાં એડીએચડીની સમસ્યા જોવા મળી છે. તેમાં પણ છોકરીઓ કરતા છોકરાઓમાં તેનું પ્રમાણ બમણાથી ત્રણ ગણું વધારે જોવા મળ્યું છે.
એડીએચડીના કેસોમાં વધારાનું એક કારણ લોકોમાં આ બીમારી તરફ આવેલી જાગૃતિ પણ છે. આ બીમારી આમ તો જિનેટિકલ જ છે. અગાઉ બહુ ઓછા લોકોને ખબર હતી કે, મને આવું થાય છે એનું કારણ એડીએચડી છે. જે થતું હતું એને સ્વભાવનો જ એક ભાગ ગણવામાં આવતું હતું. હવે માણસને એ વાતની સમજ પડવા લાગી છે કે, મને આવું થાય છે તો શા માટે થાય છે. અગાઉ એડીએચડીનો ભોગ બનેલા બાળકોને આળસુ અથવા તો તોફાની કહીને એ જે કરતા હોય એ કરવા દેવાતું હતું. હવેના પેરેન્ટસ તેની સારવાર કરાવે છે. લોકોની જાગૃતિના કારણે કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે.
સૌથી મોટો સવાલ એ છે કે, શું એડીએચડીની સારવાર થઇ શકે છે? તેનો જવાબ હા છે. અલબત્ત, એડીએચડીથી સંપૂર્ણપણે મુક્તિ નથી મળતી પણ યોગ્ય મેનેજમેન્ટ અને ધ્યાન રાખવાથી માણસ સામાન્ય અને ખૂબ સફળ જિંદગી જીવી શકે છે. બિહેવિયર થેરાપીથી લાગણીઓ પર કાબૂ અને રોજિંદા કાર્યો સારી રીતે કરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. પોતાનું વ્યવસ્થિત રૂટીન બનાવવું, શારીરિક કસરત કરવી, પૂરતી ઊંઘ લેવી, હેલ્ધી ખોરાક લેવો વિગેરેથી બહુ મોટો ફાયદો થાય છે. હાઇપર એડીએચડીના કિસ્સાઓમાં મનોચિકિત્સકો મગજમાં ડોપામાઇનનું સંતુલન જાળવતી સ્ટીમ્યુલન્ટ અથવા નોન-સ્ટીમ્યુલન્ટ દવાઓ આપીને સારવાર કરે છે. તેનાથી એકાગ્રતમાં વધારો થાય છે. નિષ્ણાતો એવી સલાહ આપે છે કે, જો તમારામાં પણ આવા લક્ષણો જોવા મળતા હોય તો બીજી કોઇ ઝંઝટમાં પડ્યા વગર ડોક્ટરની સલાહ લેવી.
આજકાલ દુનિયામાં મોબાઇલનો ઉપયોગ સતત વધી રહ્યો છે. લોકોનો સ્ક્રીન ટાઇમ પાંચથી આઠ કલાકનો થઇ ગયો છે. તેની સાથે એડીએચડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. તેના કારણે એક સવાલ એ પણ પેદા થયો છે કે, શું એડીએચડીનું કારણ વધુ પડતો સ્ક્રીન ટાઇમ તો નથીને? એના વિશે અત્યાર સુધી જે રિસર્ચ થયા છે એમાં એવું જાણવા મળ્યું છે કે, વધુ પડતો સ્ક્રીન ટાઇમ એડીએચડીનું સીધું કે એક માત્ર કારણ નથી. એડીએચડી મુખ્યત્ત્વે જિનેટિક અને ન્યૂરોલોજિકલ સ્થિતિ છે. ભલે સ્ક્રીન ટાઇમ એડીએચડી માટે જવાબદાર ન હોય પણ એવું ચોક્કસ બહાર આવ્યું છે કે, જેને ઓલરેડી એડીએચડી છે એ જો સતત મોબાઇલમાં મચ્યા રહે તો તેના જે લક્ષણો હોય છે એ વધુ તીવ્ર અને ઉગ્ર બની શકે છે. એડીએચડી હોય એવા લોકોએ મોબાઇલ કે બીજા ગેજેટ્સનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઇએ. આ વિશે એક રિસર્ચ એવું પણ કહે છે કે, એડીએચડી હોય એવી વ્યક્તિ સતત કંઇક નવું અને ઉત્તેજક શોધતા હોય છે. એના કારણે એનું ધ્યાન મોબાઇલ તરફ વધુ જાય છે. એડીએચડીવાળા વ્યક્તિઓ માટે સ્ક્રીન એડિકશનનું જોખમ વધી જાય છે. છેલ્લે એક વાત, લોકો પોતાના પરિવારના સભ્યોમાં એડીએચડીના લક્ષણો હોય તો એને ઘણી વખત ગંભીરતાથી લેતા નથી. કેટલાંક કિસ્સામાં એને ધિક્કારે છે, રોકે છે, ટોકે છે અથવા એના પર ગુસ્સે થાય છે. પરિવારમાં જો કોઇ આવું કરતું હોય તો સમજવું કે, એ માનસિક રીતે બીમાર છે. એના પર નારાજ થવાની નહીં પણ એની સારવાર કરવાની જરૂર છે. એડીએચડી વિશે વધુ અવેરનેસ આવે એ સમાજ માટે ખૂબ જ જરૂરી છે. આ મામલે બહુ સાવધાન રહેવાની જરૂર છે.
———–
પેશ-એ-ખિદમત
ઉસ કો મેરી તડપ કા ગુમાં તક નહીં હુઆ,
મૈં ઇસ તરહ જલા કિ ધુઆં તક નહીં હુઆ,
તુમ ને તો અપને દર્દ કે કિસ્સે બના લિયે,
હમ સે તો અપના દર્દ બયાં તક નહીં હુઆ.
-વસીમ નાદિર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 28 ઓક્ટોબર 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
