વધુ પડતા વિચારોનો પણ થાક લાગતો હોય છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

વધુ પડતા વિચારોનો પણ

થાક લાગતો હોય છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

આ ક્ષણો હાથથી નીકળી જાય છે,

હાથમાં કેટલું ચીતરી જાય છે,

રોજ બેસે બધા ભાર લઈને અહીં,

જિંદગી એટલે હાંફતી જાય છે.

-પારસ હેમાણી

દરેક માણસ સતત કંઈક ને કંઈક વિચાર કરતો હોય છે. વિચાર એ શ્વાસ જેવી જ સહજ પ્રક્રિયા છે. શ્વાસ આપણને જીવાડે છે, શ્વાસ લેવા માટે મહેનત કરવી પડતી નથી. શ્વાસ તો આવતા અને જતા રહે છે. શ્વાસ જેવું જ વિચારોનું છે. એ આવતા-જતા રહે છે. વિચારો આપણા મૂડ ઉપર અસર કરે છે કે પછી મૂડ હોય એવા વિચારો આવે છે? મૂડ ઉપર વિચારોનું આધિપત્ય વધુ હોય છે. ખરાબ અને નેગેટિવ વિચારોથી મૂડ બગડે છે. મૂડ સારો ન હોય તો એક પછી એક ખરાબ વિચાર આવ્યા જ રાખે છે. માણસની જિંદગી અંતે તો વિચારોને આધીન જ હોય છે. સુખ, દુ:ખ, સંબંધ, પ્રેમ, લાગણી, ઉદાસી, નારાજગી, ગુસ્સો, કરુણાથી માંડી બદમાશી અને નાલાયકી પણ વિચારોનું જ કારણ છે.

સુખ એ પણ વિચારોનું જ કારણ છે. આપણે માનીએ કે હું સુખી છું તો સુખી છીએ, દુ:ખી માનીએ તો દુ:ખી. આપણે એવું માનતા હોઈએ છીએ કે અમુક માણસને તો કોઈ જ દુ:ખ નથી. બનવા જોગ છે કે એ માણસ પોતાને દુનિયાનો સૌથી દુ:ખી માણસ માનતો હોય. જેની પાસે કંઈ ન હોય એ પણ સુખી હોઈ શકે. ફકીર માણસ હંમેશાં મોજમાં જ હોય છે. વિચારોમાંથી જો જિંદગી દૂર થઈ જાય તો બાકીનું બધું હાવી થઈ જાય છે. ફિલોસોફર્સ તો એવું કહે છે કે દુ:ખ જેવું કંઈ હોતું જ નથી, દુ:ખ તો આપણે ઊભી કરેલી આપણી માનસિકતા છે. સુખ જેવું પણ કંઈ હોતું નથી અને એનું કારણ એ છે કે સુખ તો છે જ. આપણે મોટાભાગે કોઈ મુશ્કેલી, સમસ્યા, તકલીફ કે અમુક સંજોગોને દુ:ખ માની લેતા હોઈએ છીએ. આપણું ધાર્યું ન થાય એટલે આપણે દુ:ખી થઈ જઈએ છીએ. મારી પાસે કંઈ નથી, હું શું કરી શકીશ એવા વિચારોથી માંડી માણસ ત્યાં સુધી વિચારે છે કે મારું તો જીવન જ વ્યર્થ છે.

સમજદારી એ બીજું કંઈ નથી, પણ વિચારોની પરિપક્વતા છે. સંતોષ શું છે? એ પણ આખરે તો એક વિચાર જ છે. આપણને જિંદગી એવી જ લાગે છે જેવું જિંદગી વિશે આપણે વિચારીએ છીએ. ઓછી સગવડ અને ઓછી સંપત્તિને પણ આપણે દુ:ખ માની લેતા હોઈએ છીએ. એક વખત એક સફળ માણસનું સન્માન થતું હતું. એક સંત આ સમારોહમાં મોજૂદ હતા. બધા વક્તાઓ એ સફળ માણસનાં વખાણ કરતા હતા. મોટાભાગના લોકોએ એવું કહ્યું કે તેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે. સંતનો બોલવાનો વારો આવ્યો. સંતે કહ્યું, શૂન્યમાંથી સર્જન? સાવ ખોટી વાત છે. કુદરતે જે પ્રકૃતિ બધાને આપી છે તે જ એને આપી હતી. ઈશ્વરે બધાને બે હાથ, બે પગ, આખું શરીર અને વિચારવા માટે દિમાગ આપ્યું છે, તો પછી શૂન્ય કેવી રીતે? જે માણસ પાસે સારા વિચારો છે એ ક્યારેય શૂન્ય હોતો નથી. સાધનો, સગવડ અને સંપતિ ઓછી હોય એને આપણે જો શૂન્ય સમજતા હોઈએ તો એ કુદરતનું અપમાન છે. હા, કહેવું હોય તો એમ કહો કે એની પાસે સુંદર વિચારો હતા, વિચારોને સાકાર કરવાની તમન્ના હતી, તેણે તેના વિચાર સતત સફળ થવા માટે કર્યા હતા. જે માણસ વિચારોથી સમૃદ્ધ છે એ ખરો સફળ માણસ છે. જો એવું ન હોત તો તો દરેક ધનવાન માણસ સફળ હોત. મૂરખ અને બેવકૂફ ધનવાનોની સંખ્યા આપણે ત્યાં ઓછી નથી. બધું હોય અને બુદ્ધિ ન હોય એ માણસ જગતનો સૌથી રંક માણસ છે. વિચારોનું કોઈ મૂલ્ય નથી, વિચારો અમૂલ્ય છે. વિચારો પણ અંતે તો કુદરતે બધાને આપ્યા છે, તમે જેવા વિચાર કરો એવા બનો છો. દેવ પણ વિચાર કરે છે અને દાનવો પણ વિચાર કરતા જ હોય છે. બંનેની દિશા અલગ અલગ હોય છે. સંતત્વ એ પણ વિચારનું જ પરિણામ છે. ઘણા સામાન્ય માણસો પણ સંત જેવા હોય છે. સંત મનથી બનાય છે, વિચારથી બનાય છે.

ક્રિમિનલ માણસ પણ વિચાર તો કરતો જ હોય છે. કાવાદાવા કરવા માટે તો વધુ વિચાર કરવા પડે છે. સારો માણસ કુદરત ઉપર ઘણું બધું છોડી શકે છે. ભગવાને ધાર્યું હશે એવું થશે. માફિયાને બધું જ પોતાના હાથમાં રાખવું હોય છે. કપટી માણસ સોગઠાં ગોઠવે છે. આવું કરીશ એટલે તેવું થશે. હું એને વાત કરીશ એટલે એ પેલાને પહોંચાડી દેશે. એના સુધી વાત પહોંચશે પછી એ આવું કરશે, એ એમ કરશે પછી હું આમ કરીશ. એક આખો પ્લોટ મનમાં રચાય છે, ભજવાય છે. ઘણા લોકોને રાતે ઊંઘ નથી આવતી. તેનું કારણ પણ સરવાળે તો વિચાર જ હોય છે. વિચારો આપણને સૂવા નથી દેતા. સારું છે, ઓશિકાને કાન નથી હોતા, નહીંતર ઓશીકું વાતો સાંભળી સાંભળીને કંટાળી ગયું હોત. આપણો આપણી જાત સાથેનો સંવાદ એ પણ આખરે તો એક વિચાર જ છે. આપણા વિચારો આપણે આપણને કહેતા રહીએ છીએ. વિચારોનો પણ થાક લાગતો હોય છે. પાગલ કે ડિપ્રેશ્ડ માણસ એ વિચારોથી લોથપોથ થઈ જનાર વ્યક્તિનાં ઉત્તમ ઉદાહરણો છે.

વિચારને વાળતા, ટાળતા, અટકાવતા અને કંટ્રોલમાં રાખતા આવડવું જોઈએ. યોગ એ બીજું કંઈ નહીં, પણ વિચારોને સમૃદ્ધ રાખવાની ક્રિયા છે. કયા વિચારને પકડી રાખવો અને કયા વિચારને સ્પર્શવા ન દેવો એની આપણને સમજ હોવી જોઈએ. વિચાર છટકી જાય તો માણસ ભટકી જાય છે. આપણે ક્યારેક વિચારના એટલા બધા આધીન થઈ જઈએ છીએ કે આપણને આપણા અસ્તિત્વનું પણ ભાન રહેતું નથી. વિચારોમાં હોઈએ ત્યારે જવું હોય છે ક્યાં અને પહોંચી જઈએ છીએ ક્યાં? વિચારો સ્થળ અને કાળનું ભાન પણ રહેવા દેતા નથી. એક વખત થોડાક મિત્રો ભેગા થયા હતા. બધા મજાક મસ્તી કરતા હતા. એક મિત્રનું ઇન્વોલ્વમેન્ટ હતું જ નહીં. એક મિત્રએ પૂછ્યું કે અરે તું ક્યાં છે? પેલા મિત્રએ કહ્યું કે, હું બીજા વિચારોમાં હતો. શારીરિક રીતે હાજર હોવા છતાં વિચાર આપણને ગેરહાજર રાખે છે.

વિચાર એક વાતાવરણ છે. આપણે આપણા વિચારોનું વાતાવરણ સર્જી શકીએ. બધી જગ્યાએ આપણી માનસિક હાજરી પણ જરૂરી હોતી નથી. એક વ્યક્તિએ એક પ્રસંગમાં જવાનું હતું. હાજરી આપવી જરૂરી હતી. એક સંબંધીએ કહ્યું કે, તમારો સમય બગડ્યો નહીં? પેલા ભાઈએ કહ્યું કે ના રે, મારો સમય જરાયે નથી બગડ્યો! શારીરિક રીતે હું હાજર હતો, પણ માનસિક રીતે તો મારે જે વિચારવાનું હતું એ વિચારતો જ હતો. મને ખબર છે કે મારા શરીરની હાજરી અહીં જરૂરી છે, મારા વિચારોની નહીં. માનસિક રીતે ગેરહાજર રહેવું એ પણ ઘણી વખત કંટાળાને હટાવવા માટે જરૂરી બને છે. પોતાની મસ્તીમાં રહેવું એ તદ્દન જુદી વાત છે. આપણને ગમતું ન હોય એવું થાય ત્યારે આપણે ચિડાઈ જઈએ છીએ. એવા વિચાર કરીએ છીએ કે ક્યાં ભરાઈ ગયા. માનસિક રીતે ગેરહાજર થઈ જાવ. એમ પણ વિચારી શકાય કે હવે આવી જ ગયા છીએ તો એન્જોય કરો. બધી જગ્યાએ આપણે ઇચ્છતા હોય એવું ન પણ થાય. આમ જુઓ તો એ પણ એક વિચાર જ છે ને?

વિચારો જેના કાબૂમાં હોય છે એ માણસ હંમેશાં સંપૂર્ણ હોય છે. હન્ડ્રેડ પર્સન્ટ હોય છે. એ જ્યાં હોય છે ત્યાં જ હોય છે. આપણે ઘણી વખત હોઈએ છીએ ક્યાંક અને મન ક્યાંક બીજે ભટકતું હોય છે. મંદિરમાં હોઈએ ત્યારે પણ આપણે ક્યાં ઈશ્વર સન્મુખ હોઈએ છીએ? એનું કારણ એ છે કે આપણે આપણી સન્મુખ પણ હોતા નથી! બહુ ઓછા લોકો પોતાની સાથે રહેતા હોય છે. નિષ્ફળતા અને સફળતા એ ઘણી વખત પ્રિડિસાઇડેડ થોટ એટલે કે નક્કી કરેલા વિચારો જ હોય છે. આપણે માની લીધું હોય છે કે આ કામ સફળ નથી થવાનું. ખોટી મહેનત કરું છું. સફળતા પહેલાં મનથી નક્કી થાય છે અને પછી એ સાકાર થાય છે. આપણે સફળ એટલા માટે થઈએ છીએ, કારણ કે આપણે સફળ થવું હોય છે.

કોઈ પણ એક વાત, પ્રસંગ કે ઘટના વિશે વધુ પડતા વિચારો મૂંઝવણ પેદા કરે છે. વિચાર પૂરો થાય પછી પૂર્ણવિરામ મૂકવું જોઈએ, જો અલ્પવિરામ જ મૂકતા જઈએ તો વાતનો અંત જ ન આવે. એક યુવાનની આ વાત છે. નોકરી બાબતે તેને કન્ફ્યૂઝન હતું. તેના મિત્રને કહ્યું કે, હું નોકરી બદલવાનું વિચારું છું. આ જ વાત એણે ઘણા દિવસ સુધી કહ્યા રાખી. એક દિવસ તેના મિત્રએ કહ્યું કે ક્યાં સુધી તું વિચાર જ કર્યા રાખીશ? નક્કી કરવું જ હોય તો કરી લે કે હવે હું નોકરી બદલીશ. તું એ વિચાર ઓકે કરીશ પછી જ તને બીજો વિચાર આવશે કે નવી નોકરી ક્યાં કરીશ. ફળ કાચું હોય ત્યારે આપણે એને પાકવા દઈએ છીએ. ફળ પાકી જાય પછી તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. જો ઉપયોગ ન કરીએ તો ફળ સડી જાય છે. વિચારોનું પણ એવું છે. કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય ત્યારે તેના ઉપર પૂરો વિચાર કરવો જોઈએ. પ્લસ અને માઇનસ પોઇન્ટ્સ વિચારવા જોઈએ અને છેલ્લે એક નિર્ણય પર આવી જવું જોઈએ. સંબંધોની બાબતોમાં પણ ક્યારેક નિર્ણયો જરૂરી બને છે. લાંબો સમય લો તો એવું લાગે છે કે આ માણસ તો વિવરિંગ માઇન્ડનો છે. અમુક સંબંધો બાંધવા કે નહીં, કયો સંબંધ ટકાવવો અને કયો તોડી નાખવો એ નક્કી કરવું પણ જરૂરી છે. આપણને ઘણા લોકો વિશે એવો સવાલ થાય છે કે તને ફાવતું નથી તો શા માટે ખેંચ્યા રાખે છે. એક વાત ખતમ કર ને! મુક્તિ મળે પછી એવું થાય કે આ નિર્ણય વહેલો લીધો હોત તો કેવું સારું હતું! પરિણામના ભયે આપણે વિચારોને ચલાવતા જ રહીએ છીએ. સાચા અને સારા વિચાર એ જ છે જે તમને ઝડપથી નિર્ણય તરફ લઈ જાય. આમ થશે તો તેમ થશે અને તેમ થશે તો કંઈક જુદું થશે, આવા વિચારોમાં અટવાતા રહીએ તો જે થવાનું હોય અથવા તો જે કરવાનું હોય એ ક્યારેય થતું જ નથી. સરવાળે તો આપણી મક્કમતા એ આપણા વિચારોની જ દેન હોય છે!

છેલ્લો સીન :

વધુ પડતા વિચારો કરીને આપણે આપણી વેદના અને પીડાને લંબાવતા હોઈએ છીએ. અમુક તબક્કે વિચારવું જ પડે છે કે બસ, બહુ થયું, હવે વધુ નહીં!       -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 26 સપ્ટેમ્બર 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “વધુ પડતા વિચારોનો પણ થાક લાગતો હોય છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *