તારી ખામોશીને હું હા સમજુ કે ના, એ તો કહે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તારી ખામોશીને હું હા

સમજુ કે ના, એ તો કહે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

હા અથવા નામાં જ જીવે છે,

એ ક્યાં એનામાં જ જીવે છે?

હતો, હશે ને છે ની વચ્ચે,

કેવળ અફવામાં જ જીવે છે.

-કૃષ્ણ દવે

દરેક મૌનનો કોઈ મતલબ હોય છે. કેટલાંક મૌન રાજસી હોય છે. અમુક મૌન તામસી હોય છે. ફૂલ બોલતું નથી છતાં એ ક્યારેક આપણી સાથે વાત કરતું હોય એવું લાગે છે. કાંટાનું મૌન તીક્ષ્ણ હોય છે. મૌનની એક ભાષા હોય છે. મૌન બોલકું પણ હોય છે. વેવલેન્થ એક હોય ત્યારે મૌનથી સંવાદ સધાતો હોય છે. હાથ હાથમાં હોય ત્યારે કહેવું પડતું નથી કે હું તને પ્રેમ કરું છું. હાથની પકડ સાંનિધ્ય પ્રગટ કરતી હોય છે. સૌથી સચોટ સાંનિધ્ય અને સૌથી શ્રેષ્ઠ સંવાદ ત્યારે સર્જાય છે જ્યારે બેમાંથી કોઈ કંઈ બોલતું નથી અને બધેબધું સમજાઈ જાય છે. સાધુના મૌન અને શેતાનના મૌનમાં હાસ્ય અને અટ્ટહાસ્યનો ફરક હોય છે. મૌન મૃદુ છે. હાસ્યને શબ્દો હોતા નથી છતાં દરેક હાસ્ય કંઈક કહેતું હોય છે. આંખનું મૌન છૂટે ત્યારે ઇશારાની ભાષા સર્જાય છે. દિલના નસીબમાં સતત ધડકવાનું લખેલું છે. દિલના કરમે ધબકારા લખાયા છે. જોકે, દિલ પોતે ધડકીને દિમાગને શાંત રાખવાની આવડત ધરાવે છે.

દુનિયામાં જે કંઈ સજીવ છે એની એક ભાષા છે. ભાષા માટે શબ્દો કરતાં સંવેદના જરૂરી છે. પ્રાણીઓની પોતાની ભાષા છે. પ્રકૃતિને મૌન પરેશાન કરતું હશે ત્યારે સૂસવાટા સર્જાતા હશે? મેઘધનુષ આકાશનું અલૌકિક મૌન છે. મંદિરનો ઘંટ ભગવાનને જગાડવા માટે તો નહીં જ રખાતો હોય, કારણ કે ભગવાન તો જાગતો જ હોય છે. મંદિરનો ઘંટ આપણને જગાડવા માટે હોય છે. માણસ કેવું બોલે છે તેના પરથી તેની પ્રકૃતિ છતી થાય છે. શબ્દોનો એક લય હોય છે. મૌનનો પણ લય હોવો જોઈએ. માણસે બોલતા શીખવું પડે છે, મૌન તો જન્મજાત હોય છે. માતાના ગર્ભમાં બાળક મૌનની અનુભૂતિ કરે છે. મૌન જ તમને ઓતપ્રોત થવાનો અહેસાસ કરાવી શકે.

શબ્દોની મર્યાદા હોય છે. મૌન મુક્ત હોય છે. શબ્દો તો ડિક્શનરીમાં હોય એટલા જ હોવાના. મૌન તો અમર્યાદિત હોય છે. જેટલા માણસો એટલાં મૌન. વ્યક્તિગત રીતે પણ મૌન જુદાં જુદાં હોય છે. મૌન મોહક પણ હોય અને મારકણું પણ હોય. મૌનમાં કુમાશ પણ હોય અને ક્રૂરતા પણ હોય. અમુક લોકોનાં મૌન ભેદી હોય છે. ન બોલવું એ મૌન નથી. આપણી અંદર તુમુલ યુદ્ધ ચાલતું હોય તો મૌન શાતા આપતું નથી. પોતાને અને પોતાની વ્યક્તિને શાંતિ આપે એ જ ખરું મૌન હોય છે. અબોલા એ મૌન નથી, અબોલા એ તો સંવાદની કરપીણ હત્યા છે. પતિ-પત્ની વચ્ચે અબોલા હોય ત્યારે બેડરૂમ ‘સેડ રૂમ’ બની જતા હોય છે. અબોલામાં ઉકળાટ હોય છે, મૌનમાં અનુભૂતિ હોય છે. આપણી પોતાની હયાતીનો અહેસાસ કરાવે એ ખરું મૌન. છેલ્લે તમને ક્યારે તમારું વજૂદ વર્તાયું હતું? ક્યારે આપણને આપણી મોજૂદગી વર્તાતી હોય છે? આપણા શબ્દો કોઈના માટે હોય છે. આપણું મૌન આપણું પોતીકું હોય છે.

મૌન આપણને સ્પેસ આપે છે. એવી સ્પેસ જ્યાં આપણે પોતાની સાથે હોઈએ છીએ. વિચારોનું મૌન હોય? વિચારોનું મૌન અધ્યાત્મનું ઉમદા સ્વરૂપ છે. વિચારશૂન્યતા એ બીજી વસ્તુ છે. વિચારો ક્ષુબ્ધ થઈ જાય ત્યારે માણસ પોતાની અંદર જ ક્યાંક ભટકી જાય છે. પાગલખાનું એ ક્ષુબ્ધ થઈ ગયેલા વિચારોનું કબ્રસ્તાન છે. માણસો જીવતા હોય છે, વિચારો સુષુપ્ત થઈ ગયા હોય છે. મૌનની પણ અવધિ હોવી જોઈએ. સતત મૌન શૂન્યવકાશ સર્જે છે. બોલવાનું જરૂરી હોય ત્યારે મૌન રહેવું એ અવગણના છે. સાદ પડે ત્યારે હોંકારો આપવો જોઈએ.

એક પતિ-પત્ની હતાં. બંને વચ્ચે નાનુંઅમથું કંઈક થાય તો પણ બંને એકબીજા સાથે બોલવાનું બંધ કરી દે. દંપતી કે પ્રેમીઓ વચ્ચે અબોલા થાય ત્યારે અંદરથી તો બંને અકળાતાં હોય છે. બંનેને વાત ખતમ કરવી હોય છે. શરૂઆત કોણ કરે એનો જ સવાલ હોય છે. હું શા માટે બોલું? એને જરૂર હશે તો બોલાવશે! આવો વિચાર આવે ત્યારે થોડોક વિચાર એ પણ કરવો જોઈએ કે શું મને એની જરાયે જરૂર નથી? જરૂર તો હોય જ છે! છતાં કંઈક નડતું રહે છે. અબોલા રાખીએ એટલો સમય આપણે સંવાદ ગુમાવતા હોઈએ છીએ. એ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. બંને બે દિવસ ન બોલ્યાં. અબોલા ઘણી વખત સહજ રીતે પૂરાં થઈ જતાં હોય છે. જે દિવસે અબોલા તૂટ્યા એ સાંજે બંને બેઠાં હતાં. પતિએ કહ્યું, આપણે કેમ આવું કરીએ છીએ? આ વાત વાજબી નથી. ચાલ આજથી આપણે નક્કી કરીએ કે ગમે તે થશે તો પણ આપણે બોલવાનું બંધ નહીં કરીએ. દરેક પતિ-પત્ની અને પ્રેમીઓ વચ્ચે ક્યારેક તો કોઈ બાબતે નારાજગી થવાની જ છે. પ્રેમ માટે એ પણ જરૂરી છે કે કોણ કોનું કેટલું જતું કરે છે. તમે જેને પ્રેમ કરો છો, જે વ્યક્તિ તમારી જિંદગીનો હિસ્સો છે, તેના માટે તમે થોડુંક જતું ન કરી શકો? જતું કરવાની માત્ર શરૂઆત જ કરવાની હોય છે, આપણી વ્યક્તિને તો જતું કરવું જ હોય છે. એ તો રાહ જ જોતી હોય છે. અબોલા હોય ત્યારે ઘણી વખત તો આપણે આપણી સાથે જ વાત કરતા હોઈએ છીએ અને આપણી વ્યક્તિને સંબોધીને કહેતા હોઈએ છીએ કે યાર બસ, બહુ થયું. હવે વાત પતાવને.

એક પ્રેમી-પ્રેમિકાની વાત છે. બંને વચ્ચે ઝઘડો થયો. બોલવાનું બંધ થયું. પ્રેમીએ એના ફ્રેન્ડને કહ્યું કે જોને એ મોઢું ચડાવીને બેઠી છે. મને થાય છે કે હવે એ વાત પૂરી કરે તો સારું. તેના મિત્રએ કહ્યું, તને એવું થાય છે ને કે આ વાત પતે તો સારું? એને પણ કદાચ એવું જ થતું હશે. તું મને કહે એ બરાબર નથી. એને કહી દે ને કે યાર હવે વાત પૂરી કરી દે. ઘણી વખત આપણે બધાને કહેતા ફરતા હોઈએ છીએ અને જેને કહેવાનું હોય એને જ કહેતા હોતા નથી. આજના હાઇટેક જમાનામાં અબોલા પણ જુદી રીતના થઈ ગયા છે. થોડુંક કંઈક થાય એટલે ફટ દઈને બ્લોક કરી દેવાના. બ્લોક ન કરીએ તો મેસેજ જ નહીં કરવાનો. જોતું રહેવાનું કે એ છેલ્લે ક્યારે ઓનલાઇન હતી કે છેલ્લે એણે શું અપલોડ કર્યું હતું? કેવું થતું હોય છે? આપણે રાહ જોતા હોઈએ છીએ, પણ શરૂઆત નથી કરતા. તમે કોઈને પાંચ-સાત વખત બ્લોક કર્યા પછી એને અનબ્લોક કર્યા છે? જો હા, તો એને હવે બ્લોક નહીં કરતા, કારણ કે તમે એને વધુ એક વખત અનબ્લોક કરશો. જો એક જ વખત બ્લોક કર્યા પછી બંને તરફથી કંઈ થયું ન હોય તો એને અનબ્લોક ન કરો.

માત્ર દંપતી કે પ્રેમીઓની જ વાત નથી, અમુક લોકો નાની-નાની વાતમાં પોતાના મિત્રો કે સંબંધીઓ સાથે બોલવાનું બંધ કરી દેતા હોય છે. અમુક પરિવારોમાં તો જાણે અબોલાની પરંપરા ચાલતી હોય છે. કોઈ ને કોઈ કોઈક સાથે તો ન જ બોલતું હોય. ન બોલવું એ ઉકેલ નથી હોતો. સંબંધોની બાબતમાં સ્પષ્ટતા હોય એ સમજદારી જ છે. એક મિત્રએ કહેલી આ સાવ સાચી વાત છે. તેના એક પરિવારજન સાથે એને બહુ ફાવતું ન હતું. તેની પત્નીએ તેને કહ્યું કે એની સાથે બોલવાનું જ બંધ કરી દે. પતિ સમજુ હતો. તેણે કહ્યું, મને એની સાથે ફાવતું નથી, એનાથી નફરત નથી. એને કોઈ પણ પ્રકારે હર્ટ ન થાય એ રીતે હું સંબંધને ઓછો કરી નાખીશ. ક્યાંક મળી જઈએ તો આરામથી મળી શકાય એટલી સ્પેસ તો રાખવી જ જોઈએ. આપણે ઘણી વખત અમુક લોકોને પ્રેમ કરતા હોતા નથી એટલે એને નફરત કરવાની જરૂર હોતી નથી. અમુક સંબંધો જુદી ધરી પર જીવવાના હોય છે. ન પ્રેમ, ન નફરત. સંબંધોમાં એક ઘા ને બે કટકા જેવું હોતું નથી. અમુક સંબંધોને તરતા મૂકી દેવાના. કોઈ અપેક્ષા જ નહીં રાખવાની. આપણે આપણા સંબંધ પર નજર રાખવાની હોય છે. કોઈ વ્યક્તિ અપેક્ષા રાખવાનું બંધ કરી દે ત્યારે સમજવું કે આ સંબંધ હવે અંત તરફ જઈ રહ્યો છે, કારણ કે સંબંધ હોય તો અપેક્ષા રહેવાની જ છે. સમજુ લોકો સંબંધ તોડતા નથી, પણ એને અપેક્ષાઓથી મુક્ત કરી દે છે.

જેમના પ્રત્યે લાગણી હોય એની સામે કોઈ બાબતે કોઈ પ્રોબ્લેમ થયો હોય તો બોલી દો. કહી દો તમારા મનની વાત. એવું કરીને વાત પૂરી કરી દો. કોઈ કંઈ પૂછે તો જવાબ આપી દો. ક્યારેક કોઈ જવાબ ન મળે ત્યારે આપણને સવાલ પૂછવાનું મન થાય છે કે તારા મૌનને મારે હા સમજવી કે ના સમજવી? સાચો સંબંધ એ છે જેમાં કોઈ અવઢવ ન હોય. સંબંધો હળવા હોવા જોઈએ. ભાર ન રહેવો જોઈએ.

છેલ્લો સીન :

સંબંધો બાંધવાના, સાચવવાના કે પૂરા કરવાના કોઈ ક્લાસ નથી હોતા. આપણા સંબંધો માટે સૌથી પહેલાં તો આપણે સ્પષ્ટ હોવા જોઈએ. જે પોતાની સાથે સ્પષ્ટ ન હોય એ પોતાનામાં જ ગૂંચવાતા રહે છે.    -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 21 નવેમ્બર 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: