થોડોક સ્ટ્રેસ પણ સારી જિંદગી માટે જરૂરી છે : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

થોડોક સ્ટ્રેસ પણ સારી

જિંદગી માટે જરૂરી છે

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

સ્ટ્રેસ એ આજના સમયની સૌથી મોટી

સમસ્યા છે. મોટાભાગના મેન્ટલ ડિસઓર્ડર

માટે સ્ટ્રેસ કારણભૂત છે. જોકે

એક અભ્યાસમાં એવી વાત બહાર આવી છે કે

થોડોક સ્ટ્રેસ ફાયદાકારક છે.

કોઇપણ સંજોગોમાં સ્ટ્રેસ હદથી વધી જવો

ન જોઇએ. સ્ટ્રેસને મેનેજ કરતા આવડવું આજના

સમયમાં સૌથી વધુ જરૂરી છે.

કોઇપણ માણસ જો એમ કહે કે મને ક્યારેય સ્ટ્રેસ લાગતો નથી તો એ વાત ખોટી હોય છે. હા, જે લોકો સ્ટ્રેસથી મુક્ત રહે છે એ એવું કહી શકે કે હું મારા સ્ટ્રેસને સારી રીતે મેનેજ કરી શકું છું. ગમે તે વાત હોય સ્ટ્રેસને મારા પર હાવી થવા દેતો નથી. અત્યારનો સમય જ એવો છે કે કોઇ માણસ સ્ટ્રેસથી મુક્ત રહી જ ન શકે. આપણી લાઇફ સ્ટાઇલ, પર્યાવરણ અને આપણા કામે આપણને સ્ટ્રેસમાં રહેવા મજબૂર કરી દીધા છે. માનવજાત સામે અત્યારે સૌથી મોટી જો કોઇ ચેલેન્જ હોય તો એ છે સ્ટ્રેસ. આખી દુનિયા અત્યારે તનાવના ભાર નીચે દબાયેલી છે.

આપણને પ્રેશર લેવાની જાણે આદત પડી ગઇ છે. એક મનોચિકિત્સકે એવી વાત કરી છે કે જો અત્યારના માણસને તમે સંપૂર્ણપણે ટેન્શનમુક્ત કરી દો તો એ ગભરાઇ જાય એ હદે તનાવ આપણી પર સવાર છે! તનાવ ન હોય તો માણસ હાથે કરીને તનાવ ઊભો કરે છે. માણસને હવે સવારે ઊઠવામાં કે બસ પકડવામાં પણ પ્રેશર લાગવા માંડ્યું છે. પ્રેશરથી છુટકારો મેળવવાના તનતોડ પ્રયાસો આખી દુનિયામાં ચાલી રહ્યા છે. આજકાલ યોગની બોલબાલા વધી છે તેનું સૌથી મોટું કારણ એ છે કે લોકોનું સ્ટ્રેસ લેવલ એકદમ હાઇ થઇ ગયું છે. અગાઉના સમયમાં લોકો પોતાની જાતને ઓળખવા માટે અને આનંદની અનુભૂતિ કરવા માટે યોગ કરતા હતા. અત્યારનો માણસ શાંતિ મેળવવા માટે યોગ કરે છે. આ બંનેમાં બહુ મોટો તાત્ત્વિક ભેદ છે.

તનાવથી ડિપ્રેશનથી માંડી હાર્ટએટેક આવી શકે છે એ હવે બધાને ખબર છે. એમાં કંઇ જ નવી વાત નથી. જોકે એક ઇન્ટ્રેસ્ટિંગ વાત એ બહાર આવી છે કે સારી જિંદગી અને સફળતા માટે થોડોક તનાવ જરૂરી છે. પરીક્ષા આપવા જતા કોઇપણ સ્ટુડન્ટ કે ઇન્ટરવ્યૂ આપવા જતાં કોઇપણ કેન્ડિડેટને પૂછો કે તને સ્ટ્રેસ લાગે છે? તો તેનો જવાબ મોટાભાગે હા જ હશે. એક વખત કલાસરૂમમાં એક એક્સપર્ટે વિદ્યાર્થીઓને પૂછ્યું કે પરીક્ષાનું ટેન્શન લાગે છે? બધાએ જવાબ આપ્યો કે, હા લાગે છે. આ વાત સાંભળીને એક્સપર્ટે કહ્યું કે તનાવ લાગવો જ જોઇએ. એ તનાવથી મુક્ત થવું જરૂરી છે અને મહેતન કરીને જ તમે તનાવથી મુક્ત થશો. વાત ભણવાની હોય, ટાર્ગેટ એચિવ કરવાની હોય કે પછી કોઇપણ સફળતા મેળવવાની હોય, તનાવ તમને તમારે જે કરવાનું છે એ માટેનું પ્રેરકબળ છે. જે થવું હશે એ થાશે એ એટિટ્યુડ નુકસાનકારક સાબિત થાય છે. તમે જિંદગીની દરેક વાતને ઇઝીલી ન લઇ શકો, જે વાતને ગંભીરતાથી લેવાની હોય એને સિરિયસલી લેવી જ પડે છે. ગંભીરતાથી લેશો એટલે થોડોક તનાવ તો લાગવાનો જ છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર કેટ સ્વીનીએ સ્ટ્રેસ અંગે મહત્ત્વનો અભ્યાસ કર્યો છે. તેમણે કહ્યું છે કે તનાવ નકારાત્મક નથી. અમુક લેવલનો તનાવ પ્રેરણાનું કામ કરે છે. આપણે આપણી જિંદગી, કરિયર અને સફળતા અંગે અમુક નિર્ણયો કરવા પડતા હોય છે. આ નિર્ણયો જ આપણી જિંદગી બદલતા હોય છે. કોઇ નિર્ણય પર જતાં પહેલાં આપણે ઘણો બધો વિચાર અને ઘણી બધી તૈયારીઓ કરવી પડતી હોય છે. એ વખતે અમુક તનાવ રહે છે. તનાવ બાદ લેવાતો નિર્ણય તમારી જિંદગીને નવી દિશા આપે છે.

જોકે તનાવનું માપ કેવી રીતે કાઢવું એ સૌથી મોટો સવાલ હોય છે. કેટલો તનાવ સારો, કઇ હદથી તનાવ વધવો ન જોઇએ એ માપ કાઢવું અઘરું હોય છે. તનાવ સહન કરવાની કેપેસિટી પણ વ્યકિત વ્યક્તિએ જુદી જુદી હોય છે. દરેક માણસ એક સરખો તનાવ સહન ન કરી શકે. કેટલાક  લોકો તો એટલા બધા તનાવમાં કામ કરતા હોય છે કે આપણું મગજ કામ ન કરે. તમને તમારા સ્ટ્રેસની સમજ પડે છે? અમુક વ્યવસાયો જ એવા હોય છે જેમાં સૌથી વધુ સ્ટ્રેસ હોય છે. ભારતમાં સૌથી વધુ સ્ટ્રેસફુલ જોબમાં મેડિકલ ફિલ્ડમાં કામ કરતા લોકો અને આઇટી પ્રોફેશનલનો સમાવેશ થાય છે. ડોક્ટર્સ અને નર્સિસ સ્ટાફે દરરોજ બીમાર અને ડેડલી ડિસીઝના કિસ્સાઓમાં ધીમે ધીમે મરી રહેલા લોકો સાથે કામ કરવું પડે છે. એ લોકોએ રિલેક્સ રહેવામાં બહુ મહેનત કરવી પડે છે. એ સિવાય બેંકિગ અને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ટાર્ગેટ એચિવ કરવાનું જબરજસ્ત પ્રેશર હોય છે. આમ તો એવું કયું કામ છે જે સંપૂર્ણપણે તનાવમુક્ત હોય? હરીફાઇના યુગમાં બધા જ લોકો સર્વાઇવ કરવા સ્ટ્રગલ કરી રહ્યા છે. સમાજશાસ્ત્રીઓ તો ત્યાં સુધી કહે છે કે લોકોએ પોતાની જોબ પસંદ કરતા પહેલાં એ કામમાં રહેલા સ્ટ્રેસનો પૂરો વિચાર કરવો જોઇએ. તમારાથી સહન થઇ શકશેને એ વિચારવું જોઇએ. જોકે મોટાભાગના કિસ્સાઓમાં તો આપણી પાસે કોઇ ચોઇસ જ હોતી નથી.

સ્ટ્રેસ મેનેજ કરવાની પણ અનેક ફોર્મ્યુલા છે. જોકે એના માટે સૌથી પહેલા તો એ ખબર પડવી જોઇએ કે હું સ્ટ્રેસમાં છું. હાર્ટબિટ્સ ફાસ્ટ થઇ જાય અને મગજની નસો તંગ થઇ જાય ત્યાં સુધી લોકોને ખબર નથી પડતી કે આવું થવાનું કારણ સ્ટ્રેસ છે. એક રસ્તો એવો છે જે બધા અપનાવી શકે છે. એ છે સેલ્ફ હેલ્પ. તમે જ તમારા મદદગાર બનો. તમે જ નક્કી કરો કે અમુક હદથી વધારે સ્ટ્રેસ લેવો નથી. મારે બીપી કે ડાયાબિટીસના પેશન્ટ થવું નથી. મારે મારી જાતને ટાઇમ આપવો છે. બેસ્ટ કામ કરવું છે પણ કામને મારા પર હાવી થવા દેવું નથી. જોકે સાવ બેફિકર થઇ ન જતા, કારણ કે અમુક તનાવ જરૂરી પણ છે. એટલો જ તનાવ જે પ્રેરણાનું કામ કરે, પતનનું નહીં.

પેશ-એ-ખિદમત

લે દે કે અપને પાસ ફકત ઇક નજર તો હૈ,

ક્યુઁ દેખેં જિંદગી કો કિસી કી નજર સે હમ,

માના કી ઇસ જમીં કો ન ગુલઝાર કર શકે,

કુછ ખાર કમ તો કર ગયે ગુજરે જિધર સે હમ.

-સાહિર લુધિયાનવી

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 20 મે 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “થોડોક સ્ટ્રેસ પણ સારી જિંદગી માટે જરૂરી છે : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply to સુરેશ જાની Cancel reply

%d bloggers like this: