મેં સંબંધ બચાવવાના બધા જ પ્રયાસ કરી લીધા છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મેં સંબંધ બચાવવાના બધા

જ પ્રયાસ કરી લીધા છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

નજર કી ધૂપ મેં આને સે પહલે, ગુલાબી થા વો સંવલાને સે પહલે,

સૂના હૈ કોઈ દીવાના યહાં પર, રહા કરતા થા વીરાને સે પહલે,

મોહબ્બત આમ સા ઇક વાકિયા થા, હમારે સાથ પેશ આને સે પહલે,

નજર આતે થે હમ ઇક દૂસરે કો, જમાને કો નજર આને સે પહલે.

-સરફરાઝ જાહિદ

 

સંબંધ એટલે શું? સંબંધની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા ખરી? સંબંધમાં શું હોવું જોઈએ? સંબંધમાં શું ન હોવું જોઈએ? સંબંધનું સત્ત્વ કેવી રીતે જળવાય? કહે છે કે સાચો સંબંધ તો આપોઆપ નભે, પણ સંબંધ સાચો છે કે ખોટો એ કેમ ખબર પડે? સંબંધમાં કેટલો સ્વાર્થ હોય છે? સંબંધમાં કોની દાનત કેવી હોય છે? સંબંધના સવાલો જટિલ હોય છે, કારણ કે એના જવાબો વ્યક્તિએ વ્યક્તિએ જુદા પડે છે. સંબંધનું કોઈ સ્પષ્ટ રૂપ હોતું નથી. સંબંધને સંવેદના સાથે સીધો સંબંધ છે. બે વ્યક્તિની સંવેદનાઓ મળતી આવતી હોય તો સંબંધમાં સત્ત્વ રહે છે. સંવેદનાઓમાં પણ અપ્સ અને ડાઉન્સ આવતાં હોય છે. ભરતી વખતે તો બધું ભર્યું ભર્યું લાગે છે, પણ ઓટ વખતે અધૂરપ વર્તાય છે.

જિંદગી, સમય અને સંબંધ, આ ત્રણ વસ્તુ એવી છે જે ક્યારેય એકસરખી રહેતી નથી. ગમે એટલી મહેનત કરીએ તો પણ એનું બેલેન્સ સ્થિર રહેતું નથી. સમજદારી ન હોય તો સંબંધમાં સુકારો આવી જાય છે. સંબંધ જાળવવાની જવાબદારી એક વ્યક્તિની નથી હોતી. આગ બંને તરફે એકસરખી લાગેલી હોવી જોઈએ. એક તરફની આગ ઠરી જાય ત્યારે બીજી વ્યક્તિ વગર વાંકે દાઝતી હોય છે. સંબંધ એટલે જ્યાં સ્નેહ છે, જ્યાં સંવેદના છે, જ્યાં સંવાદ છે અને જ્યાં સમજદારી છે. જેને દિલ ફાડીને પ્રેમ કર્યો હોય એ વ્યક્તિની લાગણીમાં જરાયે ઓટ કે ખોટ આવે ત્યારે અઘરું પડતું હોય છે. ઓટ કામચલાઉ હોય તો હજુ વાંધો આવતો નથી, પણ સતત અવગણના આપણને એવો નિર્ણય કરવા મજબૂર કરે છે કે હવે આગળ વધવું કે પાછા વળી જવું? સમય ક્યારેક એવું કરતો હોય છે કે બેમાંથી ગમે તે કરીએ, અઘરું તો પડે જ! આખો રસ્તો જ્યારે પથરાળ થઈ જાય તો પછી તમે આગળ જાવ કે પાછળ, પથરા પગમાં વાગવાના તો છે જ! આપણે જેને પ્રેમ કરતા હોઈએ એની લાગણી જ્યારે પથ્થર બને ત્યારે તેનો ભાર દિલ પર વેંઢારાતો હોય છે!

મારે જ રાહ જોવાની? મારે જ તારી ચિંતા કરવાની? તને કંઈ જ નથી થતું? મારે જ તને મેસેજ કરવાના? તું એક જવાબ પણ ન આપે? તને પ્રેમ કરીને મેં કોઈ ગુનો કર્યો છે? તને હવે સંબંધમાં રસ ન હોય તો ના પાડી દે, પણ તું તો હા પણ નથી કહેતો અને ના પણ નથી કહેતો! આવા લટકતા સંબંધો બહુ ખટકતા રહેતા હોય છે. પ્રેમ હંમેશાં પ્રતિભાવ અને પ્રતિસાદ માગતો હોય છે. એક વ્યક્તિનું એપ્રિશિયેશન બહુ મેટર કરતું હોય છે. સોશિયલ મીડિયા પર કંઈક અપલોડ કર્યું હોય અને સો લાઇક મળી ગઈ હોય છતાં એક લાઇક સ્પેશિયલ હોય છે. ટેગ કર્યા પછી પણ એની લાઇક ન મળે ત્યાં સુધી બધું અધૂરું લાગે છે.

હા, બે વ્યક્તિની સંવેદના ક્યારેય તદ્દન સરખી નહીં હોવાની. પ્રેમ વ્યક્ત કરવાની દરેકની પોતાની રીત હોય છે. જે રીત હોય તેમાં પણ આત્મીયતા તો છલકવી જોઈએને! દરેક વખતે શબ્દો ન હોય તો ચાલે, પણ નજરમાં તો નજાકત હોવી જોઈએને! હાથ હાથમાં આવે ત્યારે તો ઉષ્મા વર્તાવી જોઈએને! શ્વાસની ગતિમાં તો સહેજ વધારો થવો જોઈએને! આખરે આપણે જીવંત વ્યક્તિ છીએ. પથ્થર ઉપર પાણી રેડો તો એમાંથી પણ એકાદ કાંકરી ખરે, આપણે તો ધબકતા હોઈએ છીએ!

બ્રેકઅપ કે ડિવોર્સમાં સમજદારીના અભાવ કરતાં બેદરકારીનો પ્રભાવ વધુ જવાબદાર બનતો હોય છે. તમે કામમાં હોવ, કોઈ ચિંતામાં હોવ કે કોઈ પણ રીતે વ્યસ્ત હોવ તો સમજી શકાય, એટલી સમજદારી તો બધામાં હોય જ છે, તમે તદ્દન બેદરકાર રહો તો સંબંધની સાથે સવાલો થવાના જ છે. એક પક્ષે આગ હોય ત્યારે બીજા પક્ષે થોડોક ધુમાડો તો દેખાવવો જોઈએને! પ્રેમની તીવ્રતા ભલે થોડીક વધે કે ઘટે, પણ આત્મીયતામાં અધૂરપ ન આવવી જોઈએ!

એક પ્રેમી-પ્રેમિકાની વાત છે. કોલેજમાં સાથે ભણતાં હતાં ત્યારે એકબીજામાં ગળાડૂબ હતાં. કોલેજ પૂરી થઈ. બંનેને જોબ મળી. પ્રેમિકાનું કામ એવું હતું કે એ ઓફિસ અવર દરમિયાન પણ ચાર-પાંચ મેસેજ કરી શકે. પ્રેમી જવાબ આપી શકે એવી સ્થિતિમાં નહોતો. એક વખત બંને મળ્યાં ત્યારે પ્રેમીએ પૂછ્યું કે હું તને જવાબ નથી આપતો તો તને ખરાબ નથી લાગતુંને? પ્રેમિકાએ કહ્યું, ના હું તારું કામ જાણું છું. તારી આત્મીયતાને ઓળખું છું. તું જ્યારે મને મળે છે ત્યારે તારી આંખમાં જે ઊભરો જોવા મળે છેને એ મને તરબોળ કરી દે છે!

દુર્લક્ષ દેખાઈ આવતું હોય છે. તમે ઇગ્નોર કરો તો તરત જ ખબર પડી જતી હોય છે. એક પ્રેમિકાને એના પ્રેમીએ કહ્યું કે મને લાગે છે કે હવે આપણે છૂટાં પડી જવું જોઈએ. તારા તરફથી જે પ્રતિસાદ મળવો જોઈએ એ મને નથી દેખાતો. વોટ્સએપ પર તને મેસેજ કર્યા પછી તું પાંચ વાર ઓનલાઇન જોવા મળે અને મારા મેસેજની બે લાઇનો બ્લૂ ન થાય અને બ્લેકની બ્લેક જ રહે ત્યારે એમ તો થાયને કે તારી પાસે મારો મેસેજ જોવાની પણ ફુરસદ નથી. સોશિયલ મીડિયામાં પણ હવે ઘણું બધું હાજરી પૂરવા અને ગેરહાજરી નોંધવા માટે થવા લાગ્યું છે.

પ્રેમ હોય, દાંપત્યજીવન હોય કે દોસ્તી હોય, જો એમાં બીજા તરફથી કોઈ પ્રતિભાવ ન મળે તો પહેલાં તો તેનું કારણ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. જો કારણ ‘ઇરાદાપૂર્વક’નું હોય તો સંબંધ ઉપર વિચાર કરવો જોઈએ. સંબંધને એક તક આપો, બે તક આપો, છતાંયે ન ટકે તો સમજવું કે તમારો સંબંધ તકવાદી અને તકલાદી છે! સંબંધનો રણકો વર્તાઈ જાય છે. સંબંધ બોદો વાગવા માંડે ત્યારે પણ આપણને ખબર પડી જતી હોય છે. અમુક સમયે સંબંધને ધરાર પકડી રાખવાનો કોઈ અર્થ હોતો નથી. ક્યારેક કંઈક છોડી દેવામાં આપણે પણ છૂટી જતા હોઈએ છીએ. મુક્ત થવા માટે કંઈક છોડવું પડતું હોય છે. પકડી રાખીને તરફડતા રહેવા કરતાં છૂટી જઈને હળવા રહેવું ઘણી વખત સારું હોય છે.

એક દીકરીને તેના પતિ સાથે ફાવતું ન હતું. પિતા સાથે એ વાત કરતી હતી. તેણે પૂછ્યું કે, પપ્પા તમે તો મને ઓળખો છોને? તમને ખબર છેને કે હું મારાથી બને એટલું જતું કરી દઉં છું. બને એટલું સહન કરી લઉં છું. મેં મારા સંબંધ બચાવવાના અને સાચવવાના તમામ પ્રયત્નો કરી લીધા છે. એક નાનો સરખો પ્રયત્ન પણ બાકી રાખ્યો નથી. હવે મને મુક્તિ જોઈએ છે. તમે મને હા પાડો તો હું એને છોડી દઉં. પિતાએ એટલું જ કહ્યું કે, હું તારી સાથે છું. આપણી વ્યક્તિને આપણે ઓળખતા હોઈએ તો એનો નિર્ણય પણ સમજવો અને સ્વીકારવો પડે. જે પોતાની વ્યક્તિની વેદનાનો અર્થ નથી સમજતા તેને કંઈક અનર્થ થઈ જાય પછી જ ભાન થતું હોય છે અને એ સમયે અફસોસ સિવાય કંઈ જ બચ્યું હોતું નથી!

સંબંધ બચાવવાના તમામ પ્રયત્નો કરવા જોઈએ, પણ કેટલા પ્રયાસો કરવા એની સમજ હોવી જોઈએ. છૂટાં પડવું અઘરું હોય છે, પણ અશક્ય હોતું નથી. સંબંધને પણ પેસ્ટિજ ઇસ્યૂ બનાવવો ન જોઈએ. આટલા વર્ષ પછી તને જુદા થવાનો વિચાર આવે છે? તારે મારાથી છૂટી જવું છે? એમ તને છૂટવા નહીં દઉં! દેખાડી દેવાના ઇરાદાથી અસંખ્ય લોકો કોર્ટના દરવાજે ધક્કા ખાતા જોવા મળે છે. સાથે રહેવાય એમ ન હોય ત્યારે હળવાશથી જુદા પડવું એ સમજદારી જ છે. દાંપત્ય દંપતીથી રચાતું હોય છે, બંને સાથે હોય તો જ દાંપત્ય સજીવન રહે. આજે ઘણાં ઘરોમાં મૂરઝાયેલાં દાંપત્ય કણસતાં રહે છે.

સંબંધ સહજ હોવા જોઈએ. છૂટા પડવાનું પણ સહજ હોવું જોઈએ. ઘણા લોકો એકબીજાને હેરાન કરીને સેડેસ્ટિક પ્લેઝર લેતા હોય છે. તમે કોઈને દુ:ખી કરો, હેરાન કરો ત્યારે તમે એ ભૂલી જતા હોવ છો કે તમે પણ દુ:ખી થાવ છો. તમારી જિંદગીનું કેન્દ્રબિંદુ જ એ બની જાય છે કે એને કેવી રીતે પાઠ ભણાવું! બનવાજોગ છે કે તમને લાગણી હોય, તમારે સંબંધ બચાવવો હોય, તમારે જુદું ન થવું હોય પણ સામે પક્ષે પણ તૈયારી હોવી જોઈએને! સંબંધ ટકાવવામાં બંને પક્ષે મેચ્યોરિટી હોવી જોઈએ. તમે સમજુ હોવ એટલું પૂરતું નથી. સામેની વ્યક્તિ પણ સમજુ હોવી જોઈએ. માત્ર એક સમજુ હોય તો એણે સહન કરવા સિવાયનો બીજો કોઈ રસ્તો નથી. હું સમજુ છું એટલે મારાથી બીજું કંઈ ન થાય એવું વિચારવું પણ દરેક વખતે વાજબી હોતું નથી. જે સમજદારી સુખ, શાંતિ, હળવાશ અને જિંદગીને જીવવા જેવી ન રાખે એ ઘણી વખત સમજદારી હોતી નથી, પણ ભ્રમ હોય છે. ભ્રમ જેટલા જલદી ભાંગે એમાં જ ભલાઈ છે. તમારી જિંદગીમાં સુખ, શાંતિ અને હળવાશ ન હોય તો એનું કારણ શોધો, કારણ ખબર હોય તો પછી એનું નિરાકરણ શોધો! ઘણી વખત એક વાતનો અંત જ નવી શરૂઆત કરતો હોય છે! જ્યારે જે નિર્ણય કરવાનો હોય ત્યારે એ થઈ જવો જોઈએ, પછી એ સાથે રહેવાનો હોય કે જુદા પડવાનો! પરેશાન અને હેરાન ન રહેવું હોય તો પરેશાનીમાંથી મુક્ત થવું પડે!

છેલ્લો સીન :

જિદ્દી માણસ અભિપ્રાયો ધરાવતો હોતો નથી, પણ અભિપ્રાયો એને જકડી રાખતા હોય છે.       -સેમ્યુઅલ બટલર

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 12 જુલાઇ 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

4 thoughts on “મેં સંબંધ બચાવવાના બધા જ પ્રયાસ કરી લીધા છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *