આપણને ખબર જ નથી હોતી કે
હું ‘સ્ટ્રેસ’માં છું!
માણસના મગજની નસો તણાતી રહે છે,
મન અને મગજમાં ઊથલપાથલ ચાલતી રહે છે,
પણ માણસ સ્ટ્રેસમાં હોય એની ખુદને જ ખબર હોતી નથી.
સ્ટ્રેસ જોખમી રીતે નજરઅંદાજ થઇ રહ્યો છે.
માણસ ‘સ્ટ્રેસ’માં રહેતા ટેવાઇ ગયો છે?
રિલેક્સેશન કે શાંતિ કોને કહેવાય
એ જ ઘણા લોકોને ખબર હોતી નથી.
તમે કાર કે બાઇક લઇને જઇ રહ્યા છો. અચાનક કોઇ માણસ વચ્ચે આવી જાય છે. તમે જોરથી બ્રેક મારો છો. તમારા ભવાં તંગ થઇ જાય છે. તમારાથી મનોમન બોલાઇ જાય છે કે, કોઇને કંઇ સમજ નથી પડતી! ટ્રાફિક સેન્સ જેવું કંઇ છે જ નહીં! આવા સમયે તમને ખબર હોય છે કે તમારું સ્ટ્રેસ લેવલ અપ થઇ ગયું છે?
તમારે એરપોર્ટ કે રેલવે સ્ટેશન પહોંચવાનું છે. તમે થોડા મોડા છો. સમય ઓછો છે. ટેક્સી કે રિક્ષા ચાલક ધીમે ચલાવે છે. તમને ટેન્શન થાય છે કે નહીં પહોંચાય તો? તમે ડ્રાઇવર પર તાડુકો છો. એ ભાઇ, જરાક જલદી ચલાવે ને! એ સમયે તમે સ્ટ્રેસમાં હોવ છો તેની તમને ખબર હોય છે?
ઓફિસે પહોંચીને મહત્ત્વની મિટિંગ પતાવવાની છે. એ પછી એક પ્રેઝન્ટેશન તૈયાર કરાવવાનું છે. સાલ્લું બધું બરોબર પતશે કે કેમ એનું પ્રેશર છે. તમને અંદાજ નથી હોતો કે કામનો સ્ટ્રેસ તમારા પર હાવી થઇ ગયો છે. તમે કોઇ મહત્ત્વનું કામ કરો છો અને અચાનક કોઇ મળવા આવી જાય છે. તમને થાય છે કે આને અત્યારે જ ટપકવાનું હતું? આ હવે જલદી જાય તો સારું. આવો વિચાર તમને તનાવ આપે છે.
હાઉસ વાઇફને ખબર પડે કે આજે ગેસ્ટ જમવા આવવાના છે. એ પહેલાં દીકરીને સ્કૂલેથી લેવા જવાની છે. કામવાળો નહીં આવે તો? ટેન્શન થઇ જાય છે. દરેક માણસ કોઇ ને કોઇ સ્ટ્રેસમાં જીવી રહ્યો છે. પ્રકારો અને પરિસ્થિતિ જુદી હોય છે પણ બધાની હાલત એકસરખી છે. આજના સમયનો કોઇ સૌથી ખતરનાક રોગ હોય તો એ ‘સ્ટ્રેસ’ છે. તનાવ માણસને ફટ દઇને મારી નાખતો નથી પણ એ ધીમે ધીમે અને આપણને ખબર ન પડે એમ આપણને મારતો હોય છે. કંઇ ન હોય તો, આજે ધાર્યું હતું એટલું કામ ન થયું એનો તનાવ માણસને સતાવતો રહે છે.
હમણાં એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે, સ્ટ્રેસ ખરાબ ચીજ છે એ તો બધા જાણે છે પણ પોતે સ્ટ્રેસમાં છે એની માણસને ખબર જ નથી હોતી! સ્ટ્રેસ તો જાણે પાર્ટ ઓફ લાઇફ હોય એવી રીતે માણસો જીવવા લાગ્યા છે. સૌથી વધુ જોખમી વાત એ છે કે માણસ સ્ટ્રેસથી એટલો બધો ટેવાતો જાય છે કે શાંતિ શું એની એને ખબર જ નથી પડતી! અમુક કિસ્સામાં તો એવું જોવા મળ્યું છે કે, માણસથી શાંતિ સહન નથી થતી. રિલેક્સ થવાનો સમય હોય તો પણ એ રિલેક્સ થઇ શકતો નથી. કંઇક છૂટી જશે તો? કંઇક ભુલાઇ જશે તો? બધું બરાબર ચાલે છે ને? એ ભય માણસને લાગતો રહે છે. ફરવા ગયા હોય ત્યારે પણ એ મોબાઇલમાં ઓફિસનું કામ ચેક કર્યા કરે છે. ઓફિસે ફોન કરતાં રહે છે. એને એવું થતું રહે છે કે, હાય હાય કંઇ ઊંધું-ચત્તું તો નહીં થઇ જાય ને! રજા લીધી હોય તો પણ એ મજામાં રહી શકતો નથી! આ છૂપો ભય કેટલો સ્ટ્રેસ જન્માવે છે તેનો એને અંદાજ જ નથી હોતો! એક સમયે મોબાઇલ કે લેપટોપ ન હતાં ત્યારે ઘરે આવ્યા પછી માણસ શાંતિથી બેસી શકતો, હવે ઓફિસ સાથે ને સાથે અને ટેન્શન માથે ને માથે રહે છે. ઘણાને ફરવા ગયા હોય ત્યારે પણ એ ટેન્શન રહે છે કે બોસનો ફોન આવશે તો? શું જવાબ આપવો એની માનસિક તૈયારી માણસ કરતો રહે છે!
ઘણી ઓફિસિસ તો એવી છે જ્યાં આવવાનો ટાઇમ નક્કી હોય છે પણ જવાનો ટાઇમ કામ પતે ત્યારનો હોય છે. પંચિંગ સિસ્ટમ ઓફિસે પહોંચવાનું ટેન્શન આપે છે. દસ મિનિટથી વધુ મોડા થશું તો અડધા દિવસનો પગાર કપાઇ જશે. પંચિંગ સિસ્ટમ ન હોય ત્યાં બોસની રાડારાડીનો ડર રહે છે. માણસ ભાગતો રહે છે. સરખું જમતો નથી અને શાંતિથી પાણી પણ નથી પીતો. માણસ રિલેક્સ થવા માટે નહાય છે પણ એ બાથરૂમમાં નહાતો હોય ત્યારે પણ સ્ટ્રેસમાં હોય છે કે જલદી તૈયાર થવાનું છે અને ભાગવાનું છે. વર્ક સ્ટ્રેસનાં કારણોમાં પંચિંગ, ગોલ કે ટાર્ગેટ, ન ગમતું કામ, નબળો બોસ અથવા તો ભંગાર ટીમ, સ્વાર્થી મેનેજમેન્ટ, કામ કરવાની મજા ન આવે એવી ઓફિસ, ફ્યુચર ગ્રોથની ઓછી શક્યતા, ઓફિસ હેરસમેન્ટ, બદમાશ કલીગ, લેક્ચર કે પ્રેઝન્ટેશન બનાવવા અને પ્રેઝન્ટ કરવા વગેરેનો સમાવેશ થાય છે. સોશિયલ સ્ટ્રેસમાં રિલેશનશિપના સવાલો છે. ઘર ચલાવવાની ચિંતા છે. બાળકોના પ્રશ્નો છે. આવું બધું આપણને આખો દિવસ સ્ટ્રેસમાં જ રાખે છે.
એક અભ્યાસમાં સ્ટ્રેસનું એક બીજું કારણ એ બહાર આવ્યું છે કે માણસ કારણ વગરના વિચારો કર્યા રાખે છે!
હવે એ તો બધાને ખબર જ છે કે સ્ટ્રેસથી ડિપ્રેશન, હાર્ટએટેક, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, અલ્સરથી માંડી સેક્સલાઇફ અને પ્રજનનશક્તિમાં ઊણપ સુધીની ઉપાધિઓ થાય છે. સરવાળે વાત એટલી જ છે કે તમે તમારા સ્ટ્રેસને મેનેજ કરતા શીખો. એના માટે સૌથી પહેલા તો તમને એ ખબર પડવી જોઇએ કે તમે સ્ટ્રેસમાં છો! એ ખબર જ નહીં પડે તો તેને મેનેજ કે કંટ્રોલ કેવી રીતે કરવાના! તમારા વર્તન ઉપર થોડોક વિચાર કરો, કારણ વગર કોઇના પર ચીડાવવા માંડો તો વિચારજો કે તમે સ્ટ્રેસમાં છો. બધું કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો. દરેક પરિસ્થિતિ આપણે ઇચ્છીએ એ રીતે રહેવાની કે ચાલવાની નથી. એવું પણ ન વિચારો કે મારા હાથમાં તો કંઇ છે જ નહીં, હું તો કઠપૂતળીની જેમ નાચું છું.
જિંદગી ઢસડાતી હોય એવું ન લાગવું જોઇએ. હરીફાઇ છે, ટાર્ગેટ છે, પરફોર્મન્સ એન્ગઝાઇટી છે, ભવિષ્ય સામે સવાલો છે અને ઢગલાબંધ પડકારો છે. તમને એકલાને નથી, બધાને છે. જો તમે રિલેક્સ હશો તો જ તમે આ બધી ચેલેન્જિસને ઓવરકમ કરી શકશો. આખા દિવસમાં થોડોક ટાઇમ એવો રાખો, જેનાથી તમે રિલેક્સ થઇ શકો. રિલેક્સ કેવી રીતે થવું? રિલેક્સ થવાની દરેકની પોતાની રીત હોય છે. મ્યુઝિક ગમતું હોય તો મ્યુઝિક સાંભળો, ખુલ્લામાં ફરવું ગમતું હોય તો એ કરો, યોગ કરો અથવા તો તમને ગમતું હોય એવું કંઇ પણ કરો. બસ થોડીક મજા આવવી જોઇએ.
સ્ટ્રેસ વિશે થયેલા અભ્યાસોમાં સૌથી મહત્ત્વની એ વાત બહાર આવી છે કે, સ્ટ્રેસ બહારનાં કારણોથી આવે છે એના કરતાં વધુ અંદરનાં કારણોથી આવે છે. આપણે ધૂંધવાતા રહીએ છીએ, અંદરથી જ ઊકળતા રહીએ છીએ. બહુ ટેન્શન ન લો, તમારા સ્ટ્રેસ પર નજર રાખો, કંઇ અટકી પડવાનું નથી, વધુ પડતો સ્ટ્રેસ લેશો તો બાકી બધું તો ચાલતું રહેશે, માત્ર તમે અટકી જશો. જસ્ટ રિલેક્સ, જિંદગી સુંદર છે અને એને સુંદર રાખવી એ આપણા હાથની વાત છે.
પેશ-એ-ખિદમત
જખ્મ બઢતા ભી નહીં ફૈંસલા જિસ સે હો જાયે,
તીર વો દિલ મેં લગા હૈ કી નિકલતા ભી નહીં,
લુત્ફ હોતા તો યહી થા કી ન હોતે બર્બાદ,
હમ જો બર્બાદ હુએ તો કોઇ શિકવા ભી નહીં.
-જિગર બરેલવી.
જિગર બરેલવી તરીકે જાણીતા શાયરનું સાચું નામ શ્યામ મોહનલાલ હતું.
1976માં 86 વર્ષની વયે તેમનું અવસાન થયું.
‘હદીસ-એ-ખુદી’ એ ઉર્દૂમાં લખાયેલી તેમની આત્મકથા છે.
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 12 માર્ચ 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
Nice article
Thank you