એ ખુશ ન હોય ત્યારે મને મજા નથી આવતી – ચિંતનની પળે

એ ખુશ ન હોય ત્યારે
મને મજા નથી આવતી

46

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

વીજના ચમકાર જેવું હોય છે, આયખું પળવાર જેવું હોય છે,
છેડવાથી શક્ય છે રણકી ઊઠે, મન વીણાના તાર જેવું હોય છે.
-મકરંદ મુસળે

ગમે એવો તીવ્ર પ્રેમ હોય, ગમે એવી ગાઢ દોસ્તી હોય, ગમે તેવો ઉમદા સંબંધ હોય કે પછી ગમે તેવું અનોખું સગપણ હોય, બે વ્યક્તિ વચ્ચે ક્યારેક તો કોઈના કોઈ મુદ્દે નારાજગી થવાની જ છે. કારણ ક્યારેક ખરેખર ગંભીર હોય છે તો ક્યારેક સાવ ક્ષુલ્લક કારણોસર પણ આપણાં મોઢાં ચડી જાય છે. પ્રેમ કે સંબંધ સીધી લીટીમાં ક્યારેય ચાલતો નથી. પ્રેમ એકસરખો જ રહેતો હોત તો કદાચ પ્રેમમાં એટલો રોમાંચ પણ ન હોત.

સમજણ અને ઝઘડાને કેટલું લાગેવળગે છે? સમજુ માણસ ઝઘડા કરતો નથી. એને ખબર હોય છે કે ઝઘડો કરવાથી, નારાજ થવાથી કે એકબીજા સામે ઘુરકિયાં કાઢવાથી સરવાળે કંઈ મળવાનું નથી. આવી સમજ આપણે મોટાભાગે શાંત અવસ્થામાં હોઈએ ત્યારે જ આપણામાં હોય છે. કોઈ ઘટના બને ત્યારે એ સમજનું બાષ્પીભવન થઈ જાય છે. આપણને મોડેથી એવું સમજાય પણ ખરું કે યાર ખોટું થઈ ગયું, પણ જ્યારે ખોટું થતું હોય છે ત્યારે તો એ જ સાચું લાગતું હોય છે. દુનિયાનો સમજદારમાં સમજદાર માણસ પણ ક્યારેક કારણ વગરનો ધૂંઆપૂંઆ થઈ જતો હોય છે.

માણસનો મૂડ બદલતો રહે છે. મગજ ઘણી વખત ઠેકાણે નથી હોતું. આપણે કોઈ કારણ વિના ચિડાયેલા રહીએ છીએ. એમાં જો કોઈ જરાકેય આડીતેડી વાત કરે એટલે આપણે બ્લાસ્ટ થઈએ છીએ. આપણી વ્યક્તિ આપણને એવું કહે છે કે, અરે! પણ એમાં આટલો બધો ધખારો શા માટે કરે છે? ન કરવું હોય તો ના પાડી દેને! મગજ શા માટે બગાડે છે? તને બીજું કંઈ સૂઝતું જ નથી. નવરાં પડ્યાં કે આ વાત કાઢીને બેસે છે. કેવો સરસ મૂડ હતો ને તેં પથારી ફેરવી નાખી! તને ક્યારેય કોઈનો વિચાર જ નથી આવતો. આવું ઘણું બધું આપણે બોલતા હોઈએ છીએ અથવા તો સાંભળતા હોઈએ છીએ. આપણે પોતે ઘણી વખત તો નક્કી કરી ન શકીએ કે એવો તે મેં શું ગુનો કરી નાખ્યો? આ વાતને એણે સાવ ખોટી રીતે જ લઈ લીધી. રાઈનો પર્વત બનાવી દીધો.

આપણે કહીએ કે હશે બાબા, સોરી. મારી ભૂલ થઈ ગઈ. તો વળી, એવું સાંભળવા મળે કે તારે દર વખતે સોરી કહીને છૂટી જવું છે. કંઈ થાય એટલે સોરી કહી દેવાનું એટલે વાત પૂરી. તને કોઈ વાતની ગંભીરતા હોતી જ નથી. તને એ વિચાર જ નથી આવતો કે કયા સમયે કેવી વાત કરવી. તારા માટે તારાે મૂડ અને તારી ઇચ્છા સિવાય કંઈ ઇમ્પોર્ટન્ટ જ નથી. આપણે બચાવ કરીએ કે એવું નથી, તું મારા માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. તારાથી વિશેષ આ દુનિયામાં કંઈ જ નથી. તો એવું સાંભળવા મળે કે, હા બસ તું દર વખતે આવી જ વાત કરજે. તને તો મનાવતા પણ નથી આવડતું. વાત ક્યાંની ક્યાં પહોંચી જાય છે.

સોરી જ્યારે અસર ન કરે ત્યારે શું કરવું? આપણે સોરી કહી દઈએ અને આપણી વ્યક્તિ જતું કરી દે એ વાતમાં દર વખતે માલ હોતો નથી. સોરીથી પણ કંઈક આગળ વિચારવું પડે છે. જે વ્યક્તિને ખરેખર પોતાની વ્યક્તિ પર પ્રેમ હોય છે એ એવું જ વિચારે છે કે હવે શું કરું તો આનું ઠેકાણે આવે? મને ખબર હોત કે મારી વાતનું આવું વતેસર થઈ જશે તો હું બોલત જ નહીં. તમારી વ્યક્તિ જો નારાજ હોય, એની નારાજગી વાજબી હોય કે ન હોય, પણ એની નારાજગીથી તમે ડિસ્ટર્બ કે દુ:ખી થતાં હોય તો માનજો કે તમે એને ખૂબ પ્રેમ કરો છો. એની નારાજગીની તમારા પર અસર થાય છે. તમને એનાથી ઘણો બધો ફેર પડે છે.

બે મિત્રો હતા. એક મિત્રનું મોઢું કહી દેતું હતું કે એ મજામાં નથી. મિત્રો મૂડને પકડી પાડવામાં માહેર હોય છે. એણે પૂછ્યું, શું થયું? પેલાએ કહ્યું, યાર ઘરવાળી સાથે માથાકૂટ થઈ. ફરવા ક્યાં જવું એની ચર્ચા કરતાં હતાં અને વાત વણસી ગઈ. પહેલાં એણે કહ્યું કે તું કહે ત્યાં જઈએ. મેં જગ્યાનું નામ આપ્યું તો કહે કે તારે બસ એવી જગ્યાએ જ જવું હોય છે. તું ક્યારેય એ વિચારતો જ નથી કે ત્યાં મને મજા આવશે કે નહીં? મેં કહ્યું કે તો તું કહે ને, આપણે ત્યાં જઈએ. તેણે કહ્યું કે તને કેમ કંઈ વિચાર નથી આવતો? બધું મારે જ કહેવાનું? એનો મતલબ જ શું છે? મારાથી એમ બોલાઈ ગયું કે યાર માથાકૂટ ન કર, ક્યાં જવું છે એ કહેને! બસ વાર્તા પૂરી, તને તો મારી બધી વાત માથાકૂટ જ લાગે છે. હવે તને હું પહેલાં જેવી નથી ગમતી. પછી ટેપ રેકોર્ડર ચાલુ! ઘરેથી નીકળ્યો ત્યારનો મૂડ નથી. એણે સરખી રીતે બાય પણ ન કહ્યું.

મિત્રએ કહ્યું, ચાલે યાર. આવું થાય. મેસેજ કરીને સોરી કહી દે. ઘરે જઈને મનાવી લેજે. મિત્રનું મગજ ઠેકાણે હજુ આવ્યું ન હતું. એ બોલ્યો, હા હવે એ વિચારવાનું કે મેડમ રાજી કેમ થશે? ધીમે ધીમે મામલો ઠંડો પડ્યો. થોડી વાર બંને મિત્રો ચૂપ બેઠા રહ્યા. અચાનક એ મિત્ર બોલ્યો કે, યાર ગમે તે હોય પણ એ ખુશ ન હોય ત્યારે મને મજા તો નથી જ આવતી. અત્યારે પણ એમ તો થાય જ છે કે આ વાતને હું જુદી રીતે કે વધુ સારી રીતે ટેકલ કરી શક્યો હોત.

ઝઘડો થયા પછી બંનેને એક વખત તો એવું થતું જ હોય છે કે યાર ખોટું થઈ ગયું. લોચો પડી ગયો. બંને એ પણ વિચારતાં હોય છે કે હવે આ વાતનો અંત કેવી રીતે લાવવો. બંને પોતાની ટંગડી નીચી ન દેખાય એવી રીતે પ્રયાસ પણ કરતાં હોય છે. એવા સમયે જો બેમાંથી કોઈ એક થોડુંક જતું કરી દે તો વાત પાછી પાટે ચડી જાય છે. એક દંપતીએ કહેલી આ વાત છે કે અમે બંને ઝઘડીએ પછી વાત પતે ત્યારે ઓલવેઝ એક વાત નીકળે છે કે, તને નથી લાગતું કે આપણે સાવ વાહિયાત કારણોસર બાંયો ચડાવી લઈએ છીએ? એવું પણ વિચારીએ છીએ કે, યાર આવું થાય છે કેમ? આપણે વાત તો એવી જ કરીએ છીએ કે આપણે ઝઘડશું નહીં, આપણે ઝઘડવું પણ હોતું નથી છતાં એવું થઈ જાય છે. હા, કોઈને ઝઘડવું હોતું નથી, પણ ક્યારેક મગજ એમ જ છટકી જાય છે અને પછી મગજ પાછું ઠેકાણે આવે ત્યારે એવું થાય છે કે હે ભગવાન, વાત ક્યાંની ક્યાં પહોંચી જાય છે! વાતને પતાવતા નાકે દમ આવી જાય છે. એક કપલે તો વળી એવું કહ્યું હતું કે ઝઘડો થાય પછી ઝઘડો પૂરો થાય ત્યારે અમને એવું લાગે છે જાણે અમે થોડાંક વધુ નજીક આવ્યાં ન હોય! કદાચ એવું એટલા માટે થતું હતું, કારણ કે આપણી વ્યક્તિની નારાજગીથી આપણે પણ ડિસ્ટર્બ થતાં હોઈશું. આપણો ઇરાદો એવો જરાયે નથી હોતો કે આપણો પ્રેમી, આપણી પ્રેમિકા, આપણો પતિ, આપણી પત્ની કે આપણી વ્યક્તિને નારાજ કરીએ. ક્યારેક થઈ જાય છે અને પછી આપણે જ દુ:ખી થતા હોઈએ છીએ. આપણને પણ મજા નથી આવતી. આપણે પણ અંદરખાને એવું જ ઇચ્છતાં હોઈએ છીએ કે ઝડપથી આ વાતનો અંત આવે અને આપણે પહેલાંની જેમ રહેવા લાગીએ. વાત જેટલી લંબાય એટલી વેદના વધુ થાય. એટલે જ ઘણી વખત આપણે કહી દઈએ છીએ કે, હવે પૂરું કરને યાર, બહુ થયું. ચલ માની જા, હસી દે. જવા દે. થઈ ગયું. બીજી વખત હું ધ્યાન રાખીશ, બસ!

એવું નથી હોતું કે આપણને અહેસાસ નથી હોતો, એવું પણ નથી હોતું કે આપણને પ્રેમ નથી હોતો, છતાં ક્યારેક કોઈ નાનીઅમથી વાત સંબંધો પર સવાર થઈ જાય છે. આપણને એવું પણ થાય છે કે મારી વ્યક્તિને મેં દુ:ખી કરી. મારે આવું કરવાની જરૂર ન હતી. એક કપલની વાત છે. પતિ-પત્નીને એક વાર જોરદાર ઝઘડો થયો. બંને એવાં ઝઘડ્યાં કે ઓફિસ જતી વખતે એકબીજા સામે જોવાનું પણ ટાળ્યું. ઓફિસે ગયા ત્યારે બંને ડિસ્ટર્બ હતાં. બંનેને મજા નહોતી આવતી. પત્નીનો કામમાં જીવ લાગતો ન હતો. તેને એવો વિચાર આવ્યો કે, એનો પણ કામમાં જીવ લાગતો નહીં હોય. એણે મોબાઇલ ઉપાડ્યો. કોલ કર્યો. પતિનો થોડોક નારાજ અવાજ સભળાયો. બોલ, શું છે? પત્નીએ કહ્યું, સરખી રીતે કામ કરજે. તારું ધ્યાન રાખજે. હું ઓફિસે આવી પછી મને મજા નથી આવતી. કામમાં ધ્યાન કેન્દ્રિત નથી થતું. મને થયું કે, તને પણ મજા નહીં આવતી હોય. કામમાં તારો પણ જીવ નહીં હોય. એટલે થયું કે લાવ તને ફોન કરીને કહું કે મજામાં રહેજે. પતિનો આખો ટોન બદલાઈ ગયો. તેણે કહ્યું, સાવ સાચું કહું, મને ખરેખર મજા નહોતી આવતી. ધરાર કરતો હોઉં એવી રીતે કામ કરતો હતો. તારો ફોન આવ્યો તો હળવો થઈ ગયો. તું પણ મજામાં રહેજે. બીજી જ મિનિટે બંને ઓકે થઈ ગયાં. દૂર દેખાતું હોય એ ખરેખર કેટલું નજીક હોય છે એ આવું થાય ત્યારે વર્તાતું હોય છે. એમ થઈ આવે કે જલદીથી ઓફિસનો સમય પૂરો થાય તો એની પાસે પહોંચી જાઉં! મોઢું ચડે ત્યારે ઘણી વાર આપણે જ આપણાથી મોઢું છુપાવતાં હોઈએ છીએ!

દુ:ખી ન રહેવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમારી વ્યક્તિને જેટલી બને એટલી ઝડપથી મનાવી લો. જરાક જ નમતું જોખવાનું હોય છે, જરાક જ ટોન બદલવાનો હોય છે, આપણી વ્યક્તિ તો એ ઘડીનો ઇંતઝાર જ કરતી હોય છે ક્યારે આ વાત પતે. મોઢું ચડાવવાનો પણ ભાર લાગતો હોય છે. હળવા થવું હોય છે, પણ નાનો અમથો ‘હું’ નડતો હોય છે. એવા સમયે એટલું જ યાદ કરો કે આપણે આપણી વ્યક્તિને કહ્યું હોય છે કે તારા વગર હું અધૂરો છું. મારા વગર તું પણ પૂરી નથી. આપણા સુખનું કારણ એ જ છે કે આપણે એકબીજા સાથે પૂરેપૂરા હોઈએ. નારાજગી થવી સ્વાભાવિક છે, ઇચ્છીએ કે ન ઇચ્છીએ ક્યારેક નારાજગી ચડી આવે છે, ગુસ્સો થઈ જાય છે અને મોઢાં ચડી જાય છે, બસ એને લંબાવો નહીં. વાતને વણસવા ન દો. વાત વણસતી હોય છે ત્યારે આપણે પણ અંદરથી કણસતાં જ હોઈએ છીએ!

છેલ્લો સીન :
સંસારમાં સૌથી સુખી વ્યક્તિ એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવે છે. -ગેટે.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા.10 ઓગસ્ટ, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

kkantu@gmail.com

10 AUGUST 2016 46

Krishnkant Unadkat

Krishnkant Unadkat

13 thoughts on “એ ખુશ ન હોય ત્યારે મને મજા નથી આવતી – ચિંતનની પળે

  1. હૃદયસ્પશીઁ લેખ​.

    એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
    જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
    જળ લખું તો ‘જ’ ને ‘ળ’ વચ્ચે ભલે અંતર રહે,
    જળ થકી મળતા અનુભવનું તો એક જ સ્તર રહે.

    વાત વણસતી હોય છે ત્યારે આપણે પણ અંદરથી કણસતાં જ હોઈએ છીએ!
    આ એક્દમ સાચી વાત​.

    આભાર​

Leave a Reply to mruga vajir Cancel reply

%d bloggers like this: