હું મજાક કરતો હતો,
તને હર્ટ કરવાનો ઇરાદો નહોતો
મૈં આખિર કૌન સા મૌસમ તુમ્હારે નામ કર દેતા,
યહાં હર ઈક મૌસમ કો ગુજર જાને કી જલ્દી થી,
ઇરાદા થા કિ મૈં કુછ દેર તૂફાં કા મજા લેતા,
મગર બેચારે દરિયા કો ઉતર જાને કી જલ્દી થી.
– રાહત ઇન્દોરી
મજાક માત્ર મજા માટે હોવી જોઈએ. મજાકનો એક મૂડ હોય છે. મજાકનો એક માહોલ હોય છે. મજાકમાં ઇરાદો સાફ હોવો જોઈએ. મજાકમાં નજાકત હોવી જોઈએ. મજાક જરા સરખી પણ મરડાઈ જાય તો એ કટાક્ષ બની જાય છે. કટાક્ષ કટારની જેમ વાગે છે અને ઘણી વખત સંબંધો પણ કટ કરી નાખે છે. મજાક એની સાથે જ જામે જે મજાક સમજી શકે અને સહન પણ કરી શકે. સેન્સ ઓફ હ્યુમર હોવી એ કુદરતની અનુપમ દેન છે, પણ આ સેન્સ સેન્સિબલ લોકો પાસે જ વાપરવાની હોય છે. નોનસેન્સ ઓફ હ્યુમરવાળા લોકો પાસે હળવાશ હોતી નથી. વાતનું વતેસર થઈ જાય. હળવાશમાંથી કડવાશ થઈ જાય.
એક ઓફિસની વાત છે. ઓફિસની દરેક વ્યક્તિએ નક્કી કર્યું કે આપણે દર મહિને એક વખત પાર્ટી કરીશું. બોસ થોડો વિચિત્ર મગજનો હતો. તે એવું માનતો હતો કે ટીમ સાથે સેફ ડિસ્ટન્સ રાખવાનું. આપણને પછી કોઈ સિરિયસલી ન લે તો? પાર્ટીમાં પણ એ મહાશય ગંભીર જ હોય અને ડાહી ડાહી વાતો જ કરે. પોતાનો ‘રોફ’ અને ‘મરતબો’ જળવાઈ રહે એ માટે તે વહેલો પણ નીકળી જાય. હકીકતે એ જાય પછી જ ખરી પાર્ટી શરૂ થાય અને બોસની નકલ અને તેની વાતોની જ મજાક ઊડે. લાડકા થવાની આદતવાળા એક કર્મચારીએ બોસ પાસે જઈને ચુગલી કરી કે, તમે પાર્ટીમાંથી જાવ પછી તમારી જ ફીરકી ઊડતી હોય છે. બોસ લાલચોળ થઈ ગયા. મિટિંગ બોલાવીને બધાને ખખડાવ્યા. મારી પાછળ તમે આવાં કારનામાં કરો છો? બધાએ કહ્યું કે, સર અમે તો માત્ર મજાક કરતા હતા. બોસને આ ખુલાસો મંજૂર ન હતો. તેણે કહી દીધું કે, હવેથી હું પાર્ટીમાં નહીં આવું.
ઓફિસની પાર્ટી જ બંધ થઈ ગઈ. બોસની પત્નીએ એક વખત તેને પૂછ્યું, કેમ હમણાં પાર્ટી નથી થતી? બોસે બધી વાત કરી. પત્નીએ તેને કહ્યું કે, તું ઓફિસમાં બોસ રહે એ બરાબર છે, પણ પાર્ટીમાં તું કંઈ એનો બોસ નથી. તારા ફ્રેન્ડ્સની પાર્ટીમાં તો તું કેવો ખીલે છે? આ લોકો આખો દિવસ તારી સાથે હોય છે. તને રિસ્પેક્ટ કરે એવું કર, તારાથી ડરે એવું નહીં. ચલ, હવે આપણે ઘરે પાર્ટી કરીએ. બધાને બોલાવ. ભૂલી જજે કે તું બોસ છે. ઘરે પાર્ટી થઈ. બોસે પોતાના વર્તન બદલ સોરી કહ્યું. બોસે કહ્યું, આજે હું તમારા બધાની ફીરકી લેવાનો છું. પાર્ટી પૂરી થઈ. જતી વખતે બધાએ કહ્યું કે, સર વી લવ યુ, વી રિસ્પેક્ટ યુ, પણ આજથી તમારા પ્રત્યેનો આદર વધી ગયો. સારું છે કે તમે ડિસ્ટન્સ વધવા ન દીધું. આપણે ઘણી વખત જેને ‘સેફ ડિસ્ટન્સ’ કહેતા હોઈએ છીએ એ સેફ નહીં, પણ સેડ ડિસ્ટન્સ થઈ જતું હોય છે.
તમે મજાકને એન્જોય કરી શકો છો? આપણે દરેક વ્યક્તિની મજાક સહન નથી કરી શકતા. મજાક કરવાનો અધિકાર પણ અમુકને જ આપતા હોઈએ છીએ. સંબંધોમાં પણ રેખાઓ હોય છે. કેટલાક સંબંધો વ્યવહાર પૂરતા હોય છે, મજાકની છૂટ હોય એવા સંબંધો બહુ ઓછા હોય છે. દરેકનું પોતાનું એક ચોક્કસ વર્તુળ હોય છે. મોબાઇલમાં અમુક ગ્રૂપ એવાં હોય છે જેમાં ‘ઘણું બધું’ શેર થતું હોય છે. આ ગ્રૂપમાં શેર થતો જ ચોક્કસ પ્રકારનો જોક અજાણી કે ઓછી જાણીતી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવે તો આપણને ગમતું નથી. ન જ ગમવું જોઈએ. બધા દિલની નજીક નથી હોતા, અમુકને આપણે દિમાગ પર જ રોકી દેતા હોઈએ છીએ.
અંગત લોકોમાં પણ ઘણી વખત મજાક આફતનું કારણ બની જતી હોય છે. આપણો ઇરાદો હોતો નથી, પણ આપણે જેને પીંછું સમજીને ફેંક્યું હોય એ ઘણાને છરી જેવો ઘસરકો પાડી દે છે. થોડાક મિત્રો ભેગા થયા હતા. બધા મજાકના મૂડમાં હતા. એક મિત્રએ સસ્તું કહી શકાય એવું પેન્ટ પહેર્યું હતું. બીજા મિત્રએ મજાક કરી કે તું શું આવા કચરા જેવાં પેન્ટ પહેરે છે. મિત્રએ આ વાત હળવાશથી જ લીધી, પણ સાથોસાથ એમ પણ કહ્યું કે, ભાઈ મારે મહેનત કરીને કમાવવું પડે છે, તારી જેમ બાપના જોરે જલસા નથી. આ વાતથી પૈસાવાળા મિત્રને ખોટું લાગી ગયું. એનાથી એવું કહેવાય જ કેમ? હા, અમે પૈસાવાળા છીએ, પણ હુંયે મહેનત કરું છું. મિત્રએ તેને કહ્યું કે યાર, હું તો મજાક કરતો હતો, મારો ઇરાદો તને હર્ટ કરવાનો નહોતો. તને દુ:ખ થયું હોય તો સોરી. આવા સમયે જતું કરી દેવામાં પણ હળવાશ હોવી જોઈએ. સામાન્ય મજાક ઘણી વખત ટણી બની જતી હોય છે. એને મજાક કરવાની છૂટ, અમે કંઈ કહીએ તો સહન ન થાય. એવું થોડું ચાલે? મજાક સહન કરવાની ત્રેવડ ન હોય તો મજાક નહીં કરવાની. આવું ઘણું આપણે બોલતા અને સાંભળતા હોઈએ છીએ.
ગ્રૂપમાં ઘણી વખત એવું પણ થતું હોય છે કે, એક જ વ્યક્તિ ‘ટાર્ગેટ’ બનતી હોય છે અને તેની જ ફીરકી લેવાતી હોય છે. એને મજાક કરતાં ફાવતું હોતું નથી એટલે એ સહન કર્યે રાખતો હોય છે. એક મિત્રના ગ્રૂપમાં એવું જ થયું. એક ફ્રેન્ડ મજાક વખતે રીતસર રડી પડ્યો. તમને બધાને હું જ મળું છું. મારી ફિલ્લમ ઉતારવા માટે જ તમે મને બોલાવો છો. હું કંઈ રમકડું નથી. એ નારાજ થઈને ચાલ્યો ગયો. બાકીના મિત્રો ડિસ્ટર્બ થઈ ગયા. એક મિત્રએ કહ્યું કે, આપણે ઇરાદાપૂર્વક કંઈ કરતા ન હતા, પણ એની વાત સાવ ખોટી તો નથી જ. બધાએ નક્કી કર્યું કે હવે આપણે કેરફુલ રહીશું. સોરી કહી એ ફ્રેન્ડને પાછો લાવ્યા. કોઈ બોલે નહીં એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેવું વાજબી નથી હોતું. મિત્રતાનો મરતબો પણ જળવાવો જોઈએ. આપણી નિર્દોષ હરકતો પણ ઘણી વખત આપણી વ્યક્તિને હંફાવી દેતી હોય છે.
વિચારીને બોલવું પડે ત્યાં હળવું રહી શકાતું નથી. દોસ્તીની કિંમત સાથે હોય ત્યારે સમજાતી હોતી નથી, પણ એ દૂર હોય અને કંઈ વાત ન થાય ત્યારે અહેસાસ થાય છે કે એ કેટલો ઇમ્પોર્ટન્ટ હતો. જેની સાથે માત્ર હસી શકાય નહીં, પણ જેની પાસે રડી પણ શકાય એ જ ખરો મિત્ર હોય છે. જે આપણા હસવાને બરાબર સમજી શકતા હોય એ જ આપણા રડવાને પણ સમજી શકે છે. તમારી પાસે જો એવી વ્યક્તિ હોય જે તમારાં આંસુઓને આંકી શકે અને તમારી વેદનાને સમજી શકે તો તમે નસીબદાર છો. જેની પાસે આવી વ્યક્તિ નથી હોતી તેણે રડવા માટે ખૂણા શોધવા પડતા હોય છે.
મજાક કરતા પહેલાં આપણે જે વ્યક્તિની મજાક કરીએ એને પૂરેપૂરી જાણી લેવી પણ જરૂરી બને છે. બનવાજોગ છે કે એને મજાક પસંદ ન હોય. એક યુવક અને યુવતીની આ સાવ સાચી વાત છે. બંનેના એરેન્જ મેરેજ નક્કી થયા હતા. સગાઈથી લગ્ન વચ્ચેના સમયમાં બંનેને મળવાનું થતું. છોકરાની સેન્સ ઓફ હ્યુમર જબરજસ્ત હતી. જોકે, તેનું ખરાબ રિએક્શન આવ્યું. છોકરીએ તેના ઘરનાને કહ્યું કે, એ સતત મજાક કરે છે. જે અત્યારથી આવું કરે એ લગ્ન પછી તો કોણ જાણે શુંયે કરશે? મને આવો મજાકિયો માણસ પસંદ નથી. મારે સગાઈ તોડી નાખવી છે. આ વાત જ્યારે છોકરાને ખબર પડી ત્યારે તેણે પણ એમ કહ્યું કે જે વ્યક્તિ મારી મજાકને સમજી શકતી નથી એ મને, મારી ગંભીરતાને કે મારી જિંદગીને શું સમજી શકવાની? સાવ નાની અમથી અને હળવી લાગતી વાતોમાં ઘણી વખત અનર્થ પણ થઈ જતો હોય છે, એટલે મજાક પણ જે તેનો અર્થ સમજી શકે એની સાથે જ કરવી વાજબી હોય છે.
હા, એક વાત એ યાદ રાખવાની તો હોય જ છે કે, મજાકને મજાક તરીકે જ લેવી જોઈએ. હમણાં સાવ સામાન્ય મજાકમાં એક પતિ-પત્નીને ઝઘડો થઈ ગયો. બંનેએ લવમેરેજ કર્યા હતા. એક-બીજા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. એકબીજાને ઓળખતા થયા ત્યારથી બંને એક થાળીમાં જ જમે. આ વાતથી તેની નજીકના બધા જ લોકો અવગત હતા. એક વખત બધા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે ડિનર માટે ભેગા થયા હતા. આ કપલે એક જ ડિસમાં જમવાનું લીધું. એક ફ્રેન્ડની વાઇફે બહુ જ પોઝિટિવ વેમાં એમ કહ્યું કે, કેવી સારી વાત છે, તમે આટલાં વર્ષોથી એક જ ડિસમાં જમો છો. હવે આ જ વખતે પતિને મજાક સૂઝી. તેણે કહ્યું કે, તમને ખબર છે, અમે શા માટે એક જ ડિસમાં જમીએ છીએ? બધાને કુતૂહલ થયું. તેણે બધાની વચ્ચે એવું કહ્યું કે, જમીને મારે એક જ ડિસ ઉટકવી પડેને એટલે! બધા હસવા લાગ્યા. આ મજાકથી પત્નીને એવું ખોટું લાગ્યું કે એનું મોઢું ફૂલી ગયું. બધા ગયા પછી એ બગડી. તું એટલા માટે મારી સાથે જમે છે કે એક જ ડિસ બગડે? અને હું તારી પાસે ડિસ ધોવડાવું છું? તારાથી આવી મજાક થાય જ કેમ? તેં તો આટલાં વર્ષોથી આપણે સાથે જમીએ છીએ તેના પર પાણી ફેરવી દીધું. ફ્રેન્ડ્સના ગ્રૂપમાં મારી ઇજ્જતનો ફાલુદો કરી નાખ્યો! પતિ સમજાવી સમજાવીને થાકી ગયો કે હું તો મજાક કરતો હતો. તું અને હું કેવા છીએ એ આપણા બધા ફ્રેન્ડ્સને ખબર જ છે. ટેક ઇટ ઇઝી. ઘણી વાર મજાક આપણી હાલત કફોડી બનાવી દેતી હોય છે. મજાક કરવામાં અને મજાકને સમજવામાં પણ ડેપ્થ જોઈએ. છીછરા માણસની મજાક કરવામાં જોખમ હોય છે. સાવ નજીકના લોકોની મજાક ક્યારેક આકરી લાગી જાય તો એની ચોખવટ કરી લેવી. ગાંઠ બાંધી રાખીએ તો સંબંધમાં અંટસ પડી જતા વાર નથી લાગતી. જિંદગીમાં ‘મસ્તી’ને જીવતી રાખો, સેન્સ ઓફ હ્યુમરને સજીવન રાખો. હાસ્ય લુપ્ત થતું જાય છે. હસતા ચહેરા દુર્લભ બનતા જાય છે. તકેદારી એટલી રાખજો કે મજાક નિર્દોષ હોય. હસવામાંથી લડવા-ઝઘડવા સુધી ન પહોંચી જવાય. મજાક મસ્ત હોવી જોઈએ, તો જ મસ્તીમાં મોજ પડે!
છેલ્લો સીન:
માનવના આનંદનું રહસ્ય એ છે કે તે પોતાની શક્તિઓને સડવા ન દે. – આદમ ક્લાર્ક
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 15 જુન 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)
kkantu@gmail.com