આપણે કેમ સ્વિત્ઝર્લેન્ડના લોકો જેવા નથી?
આપણા દેશમાં પ્રામાણિકતા એટલે લાંચ લેવાની નહીં, દેવી તો પડે જ!
ધન અને સંપત્તિ એવી વસ્તુઓ છે જે ગમે અેટલી હોય તો પણ ઓછી જ લાગે. અમીર હોવામાં કે બનવામાં કંઇ જ ખોટું નથી. નાણાં કમાવાનો બધાને પૂરેપૂરો અધિકાર છે. સવાલ માત્ર એટલો જ હોય છે કે એ નાણાં કેવી રીતે આવે છે? સાચા રસ્તે કે ખોટા? એક ફિલ્મમાં એવો ડાયલોગ છે કે, રૂપિયાની નોટ ઉપર લખ્યું નથી હોતું કે આ કાળું નાણું છે કે ધોળું! આ ડાયલોગ લોકોને બહુ સારી રીતે ફાવે છે. પૈસા ખુદા નહીં લેકીન ખુદા કી કસમ ખુદા સે કમ ભી નહીં, છત્તીસગઢના રાજકારણી સ્વ. દિલીપસિંહ જુદેવ એક સ્ટિંગ ઓપરેશનમાં આવું બોલતા પકડાયા હતા. ખોટું કરવાવાળાઓ પણ પોતાને આશ્વાસન મળે એવી વાતો, ઉદાહરણો, દૃષ્ટાંતો, વિધાનો, શેર-શાયરીઓ અને ફિલોસોફી શોધી લેતા હોય છે. પ્રામાણિક લોકો પાસે પોતાની નખશિખ પ્રામાણિકતા હોય છે, એટલે જ કદાચ એને બચાવમાં બીજું કંઇ કહેવું કે કરવું પડતું નથી.
સ્વિત્ઝર્લેન્ડમાં થયેલો જનમતસંગ્રહ આપણે ત્યાં ખૂબ ગાજ્યો. સ્વિસના 80 ટકા લોકોએ કામ કર્યા વગર મફતનો પગાર લેવાની ના પાડી. આ વાંચીને આપણને શું થાય? વાહ, ક્યા બાત હૈ, આને કહેવાય સાચા માણસો. આવા લોકોના કારણે જ દેશ મહાન બનતો હોય છે. આશ્ચર્યની વાત એ છે કે આપણે ત્યાં કરપ્ટ લોકો પણ આવી વાતો કરે છે. એક ભ્રષ્ટ કર્મચારીએ એક વખત એવું કહ્યું હતું કે આપણે ત્યાં સિસ્ટમ જ એવી થઇ ગઇ છે કે અમારે આવું કરવું જ પડે! અમારે પણ ઘણાને ‘રાજી’ રાખવાના હોય છે!
એવું જરાયે નથી કે આપણે ત્યાં પ્રામાણિક લોકો નથી. એવા અનેક સરકારી કર્મચારીઓ છે જેની વાત સાંભળીને છાતી ગજગજ ફૂલે. એક ઉચ્ચ અધિકારીની આ વાત છે. સંપૂર્ણપણે પ્રામાણિક, કોઇની ચા પણ ન પીવે. એવી પોસ્ટ ઉપર એ છે કે લોકો ધનના ઢગલા કરી જાય. આ માણસ કંઇ ન અડે. એ વ્યક્તિએ કહ્યું કે, મને ઘણા કહે છે કે, તમે ખરેખર પ્રામાણિક છો, દાદ દેવી પડે. એ વખતે હું તેમને કહું છું કે હું એવી તે કઇ મોટી ધાડ મારું છું? દરેક વ્યક્તિએ જે કરવું જોઇએ એ હું કરું છું. પ્લીઝ તમે એને મહાનતામાં ન ખપાવી દો. હા, તમારાથી થાય તો જે લોકો ખોટું કરે છે તેની સામે અવાજ ઉઠાવો, મારા ગુણગાન ગાવાનો કોઇ અર્થ નથી. તેણે એમ પણ કહ્યું કે, મને એક બીજો પણ મસ્ત અનુભવ થયો છે. જે લોકો મારા મોઢે મારી પ્રામણિકતાનાં વખાણ કરે છે એ જ લોકો મારી ગેરહાજરીમાં મને મૂરખો કહે છે! ઘણા લોકો અમારી ટ્રાન્સફરની વેતરણમાં હોય છે. આ આપણાં ખોટાં કામ કરવાનો નથી, એવી વાતો કરી પોતાના ‘જેક’ લગાડે છે. સરકાર પણ કેટલાક ઉચ્ચ અધિકારીઓને એવી જગ્યાએ પોસ્ટિંગ આપી દે છે જ્યાં ‘આવા’ લોકો શાંતિથી નોકરી કર્યા રાખે, ટૂંકમાં કોઇને નડે નહીં!
ઘણી બધી વ્યાખ્યાઓ અનુકૂળતા મુજબ બદલાતી હોય છે, સગવડ મુજબ બંધાતી પણ હોય છે. સંસ્કૃતિ, પરંપરા, સંસ્કારો અને બીજું ઘણું બધું ઘણી વખત નેવે મુકાઇ જતું હોય છે. નેવે મૂક્યા પછી ભૂલી જવાય છે અને ઘણી વખત તો શોધવા છતાં પણ મળતું નથી! આપણા દેશમાં લોકોને સરકારી નોકરીનો મોહ માત્ર ને માત્ર ટેબલ નીચેની આવક માટે જ હોય છે. ટેલેન્ટેડ વ્યક્તિ પણ સરકારી નોકરી મળે પછી કટાઇ જાય છે. તમારે તપાસ કરવી હોય તો કરજો, કોઇ રેપ્યુટેડ કૉલેજમાંથી ઉચ્ચ ડિગ્રી લઇને બહાર પડેલી એવી વ્યક્તિને શોધજો, જેણે સરકારી નોકરી મેળવી હોય અને બીજો જે કોઇ કોર્પોરેટ કંપનીમાં જોબ કરતો હોય. તેમને બાજુ-બાજુમાં ઊભા રાખજો. તફાવત ખબર પડશે. ખાનગી કંપનીમાં તમારે દરરોજ તમારી જાતને પ્રૂવ કરવી પડે છે અને તેનાથી તમે પણ અપડેટેડ અને અપ-ટુ-ડેટ રહો છો. એ તમારી પર્સનાલિટીમાં પરિવર્તન કરતું રહે છે. બધા જ સરકારી કર્મચારીઓ કંઇ નથી કરતા એવું નથી, થોડાક સારા પણ હશે, પણ એવા લોકો બહુ ઓછા છે. નવા યંગસ્ટર્સ સરકારી નોકરીમાં જોડાય ત્યારે થનગનતા હોય છે પણ ધીમે ધીમે એ લોકો પણ પ્રવાહ મુજબ વહેવા લાગે છે!
આપણા દેશનો કરપ્શન ઇન્ડેક્સ 175 દેશોમાં 85મા નંબરે છે. આપણા દેશના લોકો ખુશ અને સુખી પણ નથી. હેપીનેસ ઇન્ડેક્સમાં આપણા દેશનો નંબર છેક 117મો છે. સંતોષ નથી ત્યાં સુખ કયાંથી હોવાનું? આપણા દેશમાં ઊલટું સૌથી કફોડી હાલત પ્રામાણિક લોકોની છે. અહીં પ્રામાણિક હોવું એટલે ખોટું ન કરવું, લાંચ ન લેવી પણ લાંચ આપવી તો પડે જ. હમણાની વાત છે. એક યુવાને ઘર ખરીદ્યું. ઘરનું રજિસ્ટ્રેશન કરાવવાનું હતું. એડવોકેટે જે ચાર્જ લીધો એમાં ત્રણ હજાર રૂપિયા ઉમેરાયેલા હતા. પૂછ્યું ત્યારે ખબર પડી કે આ તો ઑફિસમાં આપવાના છે. હું કોઇના રૂપિયા લેતો નથી અને મારે કોઇને આપવા પણ નથી, એવું કહ્યું ત્યારે એડવોકેટે સમજાવ્યું કે મકાનનો દસ્તાવેજ કરાવવો છે ને? આ રકમ નહીં આપીએ તો સો વાંધાવચકા કાઢશે. ટીંગાડી રાખશે. તમારે લોન લેવાની છે ને? દસ્તાવેજ વગર લોન નહીં મળે! અાખરે આ ભાઇએ હા ભણવી પડી! પ્રામાણિક લોકોને આવા અનુભવો થતા જ રહે છે. આપણે ત્યાં તમે તમારા પૂરતા જ પ્રામાણિક રહી શકો!
સ્વિત્ઝર્લેન્ડ જેવો જનમતસંગ્રહ અહીં થાય તો કેટલા લોકો મફતના રૂપિયા લેવાની ના પાડે? સારું છે અહીં એવો સર્વે નથી થતો, કારણ વગર દેશની આબરૂ જાય. અમેરિકાના સાઉથ કોરોલિનાના ગવર્નર નીકી હાલીએ હમણાં એવું છડેચોક કહ્યું કે, ભારતમાં બિઝનેસ માટે ‘કોન્ટેક્ટ્સ’ જરૂરી છે! એ બધા જાણે છે કે કોન્ટેક્ટ્સ કંઇ મફતમાં બનતા નથી. આપણને ક્યારેક એમ પણ થાય કે આવી કાગારોળ કરવાનો મતલબ શું? મતલબ એટલો જ કે જેઓ બેનંબરીથી દસ નંબરી સુધીમાં આવે છે એ તો સુધરવાના જ નથી, જે એકનંબરી છે, સાચા છે, પ્રામાણિક છે તેઓને દાદ દઇને કહેવાનું છે કે તમે સારા છો અને સારા રહેજો, દેશની જે ઇજ્જત બચી છે એ તમારા કારણે જ છે. તમે છો એટલે તો એટલી આશા બંધાઇ રહી છે કે એક દિવસ આપણા દેશનું નામ પણ ઓનેસ્ટીના ઇન્ડેક્સમાં આગળ પડતું હશે!
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 12 જુન 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)