તારી જિંદગીમાં એ નાના
માણસનો મોટો ફાળો છે
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
મોટાની
અલ્પતા જોઇ થાક્યો છું
નાનાની
મોટાઇ જોઇને જીવું છું.
-ઉમાશંકર
જોશી
કો
કોઈ માણસ ક્યારેય ‘નાનો’ હોતો નથી. કોઈ માણસ બહુ ‘મોટો’ પણ હોતો નથી. માણસ માણસ હોય છે. આપણે
માણસના નામ અને કામથી તેને નાનો કે મોટો માની લેતા હોઈએ છીએ. આપણે મોટાભાગે મોટા માણસોને વધુ પડતું મહત્ત્વ આપતા હોઈએ છીએ. નાના માણસને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ. આપણે
ક્યારેય વિચારીએ છીએ કે આપણે જેને નાના માણસ સમજીએ છીએ, જેના
પર જોહુકમી ચલાવીએ છીએ,
એ માણસ ન હોય તો શું થાય? જે પોતાની જાતને કંઈક સમજતા હોય એ લોકો એવો રોફ ઝાડતા રહે છે કે એ ન હોત તો
બીજો હોત! જોકે, એવું હોતું નથી.
જે હોય છે એની આપણને ક્યારેય કદર હોતી નથી. આપણે જેને કામવાળો કે કામવાળી કહેતા હોઈએ છીએ એ આપણી જિંદગીમાં ખરેખર કામના
હોય છે.
ઓફિસમાં બોસની ગેરહાજરી હોય તો કામ અટકતું નથી, પણ પ્યૂન ન હોય તો ઘણાં કામ રખડી પડે છે. ઘણા
પ્યૂન અને કામવાળાઓ એવા હોય છે જેને આપણી તમામ આદતો, ટેવો, કુટેવો, ગમા, અણગમા અને દાનતની એટલી ખબર હોય છે જેટલી આપણા ઘરના લોકોને પણ ખબર ન હોય. નોકરી બદલતી વખતે કે ટ્રાન્સફર વખતે આપણે ફેરવેલ પાર્ટી યોજીએ છીએ એમાં પણ પ્યૂન
તો કામ જ કરતા હોય છે! એ પાર્ટીનો એવો ભાગ બની રહે છે જે પાર્ટીમાં
હોય છે, પણ જરાક જુદી રીતે!
એક સિનિયર ઓફિસરની ફેરવેલ પાર્ટી હતી. બધા લોકો વારાફરતી બોલ્યા.
બોસનાં વખાણ કર્યાં. તેમની
લીડરશિપની તારીફ કરી. છેલ્લે એક ટીખળી કર્મચારીએ પ્યૂનને કહ્યું કે
તારે કંઈ કહેવું છે? પ્યૂન બિચારો ગભરાઈ ગયો. તેણે કહ્યું, હું શું કહું? હું
તો બહુ નાનો માણસ છું. એ વખતે જ વિદાય લેનાર બોસ બોલ્યા કે હા, કદાચ તું નાનો માણસ છે,
પણ એટલું કહું કે તું ન હોત તો કદાચ આ ઓફિસમાં
હું આટલો મોટો માણસ થઈ શક્યો ન હોત.
તું ભલે નાનો રહ્યો, પણ
તેં મારી તમામ નાની નાની વાતોનું ધ્યાન રાખ્યું છે. મારા
માટે તું મોટો માણસ છે.
પાયા હોય એના કરતાં ઇમારતો ઘણી મોટી હોય છે. પાયા દેખાતા નથી.
ઇમારતો ચમકતી હોય છે. તું તો મારો એવો પાયો છે જેણે મને ચમકતો રાખ્યો છે. મારે
તારી પાસે કંઈ જ માગવું પડતું ન હતું. મારો સમય થાય એટલે તું મને જે જોઈતું હોય એ હાજર
કરી દેતો. આજે આ ફેરવેલમાં કહું છું કે, હું તને બહુ મિસ કરીશ.
કેટલા સર્જનો ઓપરેશન વખતે તેને સર્જિકલ ઇન્ટ્રુમેન્ટ્સ
આપનાર સાથી કર્મચારીને થેંક્યૂ કહેતા હોય છે? એક
ડૉક્ટરની વાત છે. એ દરેક ઓપરેશન પછી એને મદદ કરનારા લોકોને થેંક્યૂ
કહેતા. ઓપરેશનની સફળતા પાછળ તમારું પણ યોગદાન છે. તમને
ખબર હોય છે કે મારે ઓપરેશન વખતે કઈ નાઇફ, કઈ સીઝર કે કેવું સક્શન જોઈશે. હું હાથ લંબાવું અને તમે એ ધરી દો છો. ઓપરેશન
વખતે દરેક ક્ષણ કીમતી હોય છે અને તમે એ બધી ક્ષણો સાચવી લીધી છે. આઈ થેંક્યૂ ફોર યોર સપોર્ટ એન્ડ કાઇન્ડનેસ!
એક દીકરીની વાત છે. એ
મેરેજ કરીને સાસરે જતી હતી.
વિદાય વેળાએ એ સૌથી છેલ્લે તેને મોટી કરનાર આયા
પાસે ગઈ. પગે લાગીને કહ્યું કે,
મારી મા જેટલો જ અધિકાર તમને છે. આજે હું જે કંઈ છું એમાં તમારો ફાળો કંઈ નાનોસૂનો નથી. મેં ઘણી વખત તમારું અપમાન પણ કરી નાખ્યું છે. તમે
દર વખતે મને માફ કરી છે.
થોડીક મોટી થઈ પછી મને સમજાયું કે હું તમારા
માટે ફક્ત શેઠ કે શેઠાણીની દીકરી ન હતી, પણ તેનાથી કંઈક વિશેષ હતી. કદાચ એ દિવસથી મારા માટે પણ તમે આયા નહોતાં રહ્યાં, પણ
ઘણું બધું વિશેષ થઈ ગયાં હતાં.
આયાની માયા કેટલા લોકો સમજી શકતા હોય છે? ઘણી વખત નાના માણસો ફક્ત આપણું કામ નથી કરતા હોતા, પણ
આપણી સાથે દિલથી જોડાયેલા હોય છે.
એક વોચમેનની આ સાવ સાચી વાત છે. કારનો માલિક કાર લઈને આવે એટલે તેની સામે નજર પણ ન નાખે. વોચમેનની સલામનો જવાબ પણ ન આપે. એક વખત એ ભાઈ ઘરમાં પડી ગયા. વોચમેનને ખબર પડી.
એ પાર્કિંગમાંથી કાર લઈને સીધો લિફ્ટ પાસે આવી
ગયો. તરત જ તેને દવાખાને ખસેડાયા.
ડૉક્ટરે કહ્યું કે થોડાક મોડા પડ્યા હોત તો કેસ
બગડી ગયો હોત! એ સાજો થયો પછી ડૉક્ટરની વાત યાદ આવી અને અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાંથી કાર લઈને
લિફ્ટ પાસે આવી ગયેલો વોચમેન પણ નજર સામે તરવરી ગયો. કાર
લઈને જતી વખતે એ રોકાયો.
વોચમેનને બોલાવ્યો. તેને
કહ્યું કે તને ખબર છે એ વખતે તું સમયસર કાર ન લાવ્યો હોત તો શું થાત? તેં મારો જીવ બચાવ્યો છે.
વોચમેને કહ્યું કે, સાહેબ, જીવ બચાવવાવાળો તો ઉપરવાળો છે. પેલા ભાઈએ કહ્યું, હા
કદાચ જીવ બચાવવાળો ઉપરવાળો હશે,
પણ એવા કામ માટે એણે તારા જેવા લોકોને અહીં નીચે
રાખ્યા છે. આપણે ઘણી વખત જેને સામાન્ય દૂત સમજતા હોઈએ છીએ એ દેવદૂત હોય છે, જેને નોકર સમજતા હોઈએ એ જ નક્કર હોય છે, જેને
દાસ સમજતાં હોઈએ છીએ એ જ દમદાર હોય છે, જેને પ્યૂન સમજતા હોઈએ છીએ એ જ ‘પરમ’ હોય છે. જે વ્યક્તિ નાના માણસોની કદર કરી શકતી નથી એ મોટા માણસો પાસે ખુશામતનું નાટક
કરતી હોય છે!
થોડોક વિચાર કરીએ તો આપણને સમજાય કે આપણે જેને
મોટા માણસો સમજીએ છીએ અને તે જેટલા આપણને કામ લાગતા હોય છે એના કરતાં નાના માણસો આપણને
વધુ કામ લાગતા હોય છે. આપણે એને થોડોક પગાર ચૂકવીને સમજી લઈએ છીએ કે
તેને વળતર આપી દીધું. વળતર કામનું હોય છે, લાગણીનું, જોડાણનું કે દાનતનું નહીં.
લાગણી અને દાનત માનવસહજ હોય છે. એ નાના કે મોટા માણસની મોહતાજ હોતી નથી અને તેનું કોઈ વળતર કિંમત, પગાર કે મૂલ્ય હોતું નથી.
ઘણી વખત જે અમૂલ્ય હોય છે એની આપણે મન કોઈ કિંમત
હોતી નથી.
તમે નાના માણસની કદર કરો છો? કરી જોજો. એને નામથી બોલાવીને પૂછજો કે કેમ છે? ઘરે બધું ઠીકઠાક છે?
એનો પ્રભાવ જોજો. તમને
કોઈ અભાવ નહીં લાગે. તમારે મોટું માન જોઈએ છે? તો તમારી સાથે જોડાયેલા અને આપણે જેને નાના માનીએ છીએ એની કદર કરતા શીખો. તમારે કોઈની સાચી ઓળખ જોઈતી હોય તો તેના પ્યૂન કે કામવાળાને પૂછી જોજો કે બોસ
કે મેડમ કેવાં છે? તમને અસલિયત ખબર પડી જશે. સાથોસાથ એટલો પણ વિચાર કરજો કે તમારી સામે કામ કરતા નાના માણસ પાસેે કોઈ તમારો
અભિપ્રાય માગે તો એ કેવો અભિપ્રાય આપે? આપણે ઘણી વખત નાના માણસોથી શોભતા હોઈએ છીએ. તમે ક્યારેક એને શોભાવજો,
એ તમારા માટે કંઈ પણ કરી છૂટશે. મોટા માણસો છટકી જતા હોય છે,
એવા સમયે નાના માણસો જ આપણી નજીક સરકી આવે છે. જે નજીક હોય છે એ જ નજીક રહેતા હોય છે. તમે
એને દૂર ન રાખો. આપણી સફળતાનાં મોતી જેમાં પરોવાયેલાં હોય છે એવા એ દોરા હોય છે. દોરા દેખાતા નથી,
પણ મોતી એના આધારે ટકેલાં હોય છે. {
છેલ્લો સીન:
નાના માણસોની કેટલી કદર કરીએ છીએ તેના પરથી આપણી
મોટાઈ અને માણસાઈ સાબિત થતી હોય છે.
     -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 18 મે 2016, બુધવાર,
‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “

  1. Darek vyakti ne maan apvu,tena hit mate i66avu,tena mate kaik saru karvani Bhavna janme ene j mansaai kehvay.

Leave a Reply

%d bloggers like this: