વિરાટનો ગુસ્સો અને 
લોકોની મસ્તી
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
આપણા સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા વિશે લોકો દ્વારા થતી કમેન્ટ્સ સામે બળાપો ઠાલવ્યો અને કહ્યું કે શરમ કરો શરમ. બાય ધ વે, વિરાટના વલોપાત પછી લોકો બંધ થશે ખરા? નામુમકિન હૈ યે.. ગોસિપ તો થવાની જ છે.
દેશના ગ્લેમર વર્લ્ડમાં આજકાલ ડિવોર્સ અને બ્રેકઅપની સિઝન ચાલી રહી છે. વાત વિરાટ કોહલી અને અનુષ્કાની હોય, રણબીર અને કેટરિનાની હોય, મલાઇકા અને અરબાઝની હોય કે પછી કોઇપણ સેલિબ્રિટીની હોય, લોકો મોજથી એના વિશે ચર્ચાઓ, કમેન્ટ્સ અને મેસેજિસ કરે છે. આપણે કંઇ લાગતું વળગતું ન હોય અને આપણી વાત કે આપણા મંતવ્યથી કોઇને નયાભારનો ફેર પડતો ન હોય છતાં આપણે વાતોનાં વડાં કરીને કોણે શું કરવું જોઇએ, શું ન કરવું જોઇએ, ભૂલ કોની કહેવાયથી માંડી હવે પછી શું થશે તેની આગાહીઓ પણ કરી દેતા હોઇએ છીએ.
આપણા દેશના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માના સંબંધો અત્યારે ગોસિપનો હોટ ટોપિક છે. આ ચર્ચાનું એક કારણ 20-ટ્વેન્ટી વર્લ્ડ કપ છે. ભારત જેટલી મેચ જીત્યું એમાં કોહલીનું પ્રદાન સૌથી મહત્ત્વનું રહ્યું છે. મેચ પતે કે તરત જ કોહલી અને અનુષ્કા વિશેના ફની મેસેજિસ વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ફરવા લાગે છે. લોકો મેચ જેટલી જ મજા આવા મેસેજથી મેળવે છે. વિહ્્વળ વિરાટે નારાજ થઇ એમ ક્હ્યું કે, મારી બધી વાતોમાં અનુષ્કાને વચ્ચે ન લાવો. લોકોએ વળી એ વાતની ચર્ચા કરી કે આવી વાત કરીને વિરાટ શું સાબિત કરવા માંગે છે? ક્યાંક વિરાટ આવું કહીને અનુષ્કાને તો કોઇ આડકતરો મેસેજ નથી આપતો ને કે તેને હજુ અનુષ્કા પ્રત્યે એવો ને એવો સોફ્ટ કોર્નર છે. વેલ, જે હોય તે. સામાન્ય સંજોગોમાં સેલિબ્રિટીઝ પોતાના વિશે ચાલતી ગોસિપ્સને ઇગ્નોર કરતી હોય છે. લોકો તો વાતો કરે, એમાં બહુ નહીં પડવાનું. અમિતાભ અને રેખા બુઢ્ઢા થઇ ગયાં તો પણ તેના વિશે જાતજાતની વાતો થતી રહે છે. ગોસિપને જો ગંભીરતાથી લે તો એ કામ જ ન કરી શકે.
ફિલ્મ જગતના જાણકાર લોકો તો એવું પણ કહે છે કે સ્ટાર્સ ગોસિપને એન્જોય કરતા હોય છે. ઘણા તો એવું પણ માનતા હોય છે કે અત્યારે આપણી ડિમાન્ડ છે એટલે લોકો આપણા વિશે વાતો કરે છે. પોતાના વિશે કોઇ વાતો થતી ન હોય તો પણ ઘણાને મજા આવતી નથી. ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે તો અમુક કલાકારો હાથે કરીને એવું કંઇક કરે છે જેનાથી તેના વિશે વાતો થાય. અલબત, બધું ઉપજાવી કાઢેલું હોતું નથી. ઘણું બધું સાચું પણ હોય છે. સામા પક્ષે લોકો પણ એમ કહેતા હોય છે કે સ્ટાર્સ મન ફાવે એમ કરે તો પછી અમે શા માટે વાતો ન કરીએ?
હૃતિક રોશને તેની પત્ની સુઝાન સાથે ડિવોર્સ લીધા. આ છૂટાછેડાની ખૂબ વાતો થઇ. ડિવોર્સ વખતે કેટલી રકમ અપાઇ તેના વિશે પણ અનેક ગોસિપ થઇ. હજુ માંડ બધું શાંત પડ્યું હતું ત્યાં કંગના અને હૃતિક વચ્ચેની ધમાલ બહાર આવી. રણબીર અને કેટ વચ્ચે બ્રેકઅપ થયું. અરબાઝ અને મલાઇકા તથા ફરહાન અખ્તર અને અધુના જુદાં પડી ગયાં. આવી તો બીજી ઘણી પેર છે જે વેરવિખેર છે. આ બધા વિશે ગોસિપ્સ તો થવાની જ છે. આમ જુઓ તો ગોસિપ્સ કંઇ નવી વાત નથી. પ્રાચીન કાળથી ગોસિપ્સ થતી આવી છે. આજે પણ થાય છે અને ભવિષ્યમાં પણ થતી રહેવાની છે. ગોસિપ્સને કોઇ અટકાવી શક્યું નથી અને અટકાવી શકશે પણ નહીં.
સવાલ એ થાય કે લોકોને એમાં શું મજા આવે છે? ગોસિપ્સના સાયકોલોજિકલ રિઝન્સ પણ ઇન્ટરેસ્ટિંગ છે. મનોચિકિત્સક ડો. પ્રશાંત ભીમાણી કહે છે કે, ગોસિપ્સથી લોકોને પ્લેઝર મળે છે. આવી વાતોમાં લોકોનું કંઇ જતું નથી. અમને ઘણી ખબર છે એ સાબિત કરવા પણ ઘણા લોકો ચોવટ કરતાં હોય છે. મિત્રો ભેગા થાય ત્યારે કંઇક વાત તો કરવી ને? મફતમાં મજા થતી હોય તો કોઇને શું વાંધો હોય? ઘણા લોકો એવા પણ હોય છે જેને બીજા અને પોતાનાથી સુપિરિયર લોકોનું ખરાબ થાય તેનાથી આનંદ મળતો હોય છે. અમુક કલાકારો, ખેલાડીઓ અથવા બીજા કોઇ ક્ષેત્રની સેલિબ્રિટિઝ આપણને ગમતી હોય છે. માણસ તેની સાથે કોઇ ને કોઇ રીતે તાદાત્મય કેળવે છે. એમને મળવાનું તો શક્ય હોતું નથી એટલે લોકો તેના વિશે વાતો કરીને સંતોષ મેળવે છે. તમે માર્ક કરજો, ઘણા લોકો એમને ગમતા સ્ટાર્સ વિશે ઘસાતું સાંભળીને ગુસ્સે થઇ જતા હોય છે. આપણે ઘણી વખત એમ પણ કહેતા હોઇએ છીએ કે એ ક્યાં તારો સગો કે સગી થાય છે કે તને આટલું બધું લાગી આવે છે. 
અમુક લોકો તો પોતાને ગમતા હોય એવા સ્ટાર કંઇ ખોટું કરે ત્યારે એવું પણ બોલતા હોય છે કે એણે આવું ન કરવું જોઇએ. તને કોઇએ પૂછ્યું કે એણે શું કરવું જોઇએ એમ કહીએ તો પણ એને માઠું લાગી જાય છે.
ગોસિપ્સ માત્ર સેલિબ્રિટિઝની જ થાય છે એવું નથી. ગોસિપ્સ તો દરેક લેવલે થતી હોય છે. અમુક લોકો તો ગોસિપ કરવા માટે જ ભેગા થતાં હોય છે. અમુક યુવતીઓ તો નિખાલસતાપૂર્વક કહે છે કે ઝીણી ઝીણી કરવાની મજા જ કંઇ ઓર છે. ઓફિસના અમુક ખૂણાઓ તો ગોસિપ્સના અડ્ડા જેવા હોય છે. સામાન્ય કર્મચારી પણ પોતાના બોસને શું નથી આવડતું એના વિશે છાતી ઠોકીને સ્ટેટમેન્ટ કરતો હોય છે. સાહેબો વળી ઓફિસમાં શું ચાલી રહ્યું છે તે જાણવા ગોસિપનો સહારો લેતા હોય છે. ઓફિસમાં અમુક લેડિઝ અને જેન્ટસના સંબંધો વિશે એને કલ્પના પણ ન હોય એવી વાતો ઓફિસમાં ચાલતી હોય છે. ઓફિસ ઉપરાંત ઘરના પડોશીઓ વિશે વાતો કરવાની પણ લોકોને મજા પડતી હોય છે. કોણ આવ્યું, કોણ ગયું, કોણે શું કર્યું એવું ધ્યાન રાખવાવાળા વળી એવું માનતા હોય છે કે આપણને બધી જ ખબર હોય છે. એ વાતોની કદાચ ખબર ના હોય તો કંઇ ફેર ન પડે, છતાં લોકો આવું કરતાં હોય છે.
ઓફિસમાં સાથે કામ કરતાં કે પડોશમાં રહેતા લોકોને તો હજુયે આપણે ઓળખતા હોઇએ છીએ એટલે એની વાતોમાં કદાચ રસ પડે પણ એવી સેલિબ્રિટિઝ જેને જિંદગીમાં કોઇ દિવસ જોઇ નથી, એના વિશે લોકો શા માટે વાતો કરતા હશે? તેના વિશે મનોચિકિત્સકો એવું કહે છે કે, ભલે સેલિબ્રિટિઝને કોઇ દિવસ મળ્યા ન હોય પણ લોકો તો એમને પરિચિત જ માનતા હોય છે. રોજ તેને જોતા હોય છે, તેના વિશે જાણકારી રાખતા હોય છે એટલે લોકો પોતાને તેના વિશે બોલવાનો અધિકાર છે એમ માની લે છે.
આઇડિયલ વાત તો એ છે કે કોઇના વિશે ખણખોદ કરવી ન જોઇએ, એવું કરવાથી આપણાં જ સમય અને શક્તિનો બગાડ થાય છે. જોકે એવું થતું નથી. બહુ ઓછા લોકો આવી વાતોથી દૂર રહેતા હોય છે. જેને પોતાના કામમાં જ રસ હોય છે તેવા લોકો આવા બધામાં પડતા નથી. અલબત, મોટી નહીં તો નાની નાની ગોસિપ્સ તો બધા કરી જ લેતા હોય છે. ગોસિપ કરવી એ પાપ નથી કે કોઇ ગુનો પણ નથી. એટલી તકેદારી રહે તો સારું કે આપણી ગોસિપના કારણે કોઇને વગર વાંકે હેરાન ન થવું પડે. ગોસિપનું તો એવું છે ને કે વાત નીકળે પછી બહુ દૂર સુધી જાય છે અને છેવટે ક્યાંની ક્યાં પહોંચી જાય છે. ગોસિપ કોઇ રોકી શક્યું નથી અને રોકી શકશે પણ નહીં! 
(“દિવ્ય ભાસ્કર’, “રસરંગ’ પૂર્તિ, તા. 03 એપ્રિલ, 2016, રવિવાર, “દૂરબીન’ કોલમ)
email : kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *