હાલી-ચાલી કે બોલી ન શકે ત્યારે
એવોર્ડ આપવાનો કોઇ અર્થ ખરો?
 દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
78 વર્ષના મનોજકુમારને હમણા દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવાનું
એલાન થયું. હાલી-ચાલી ન શકે, સરખું બોલી કે સાંભળી ન શકે, સ્મૃતિભ્રંશ થઇ જાય, જીવવાનો
કોઇ ચાર્મ ન રહે ત્યારે આપણા લોકોને એવોર્ડ આપવાનું યાદ આવે છે!
ડોકટરે ખાવા-પીવાની ના પાડી દીધી હોય, મોઢામાં એકેય દાંત
બચ્યો ન હોય અને જીભમાં કોઇ સ્વાદ પણ રહ્યો ન હોય ત્યારે કોઇ આપણી સામે બત્રીસ
પકવાન મૂકે તો આપણે તેને શું કહીએ? હવે આનો કોઇ મતલબ નથી. ભૂખ લાગતી હતી ત્યારે સૂકો રોટલો
આપ્યો હોત તો પણ મીઠો લાગત. હવે આ મીઠાઇ પણ શું કામની? આપણે ત્યાં મોટા એવાર્ડ આપવાના મુદે આવું જ થાય છે. આંખે
દેખાતું ન હોય ત્યારે વિશ્ર્વના શ્રેષ્ઠ સ્થળ જોવા લઇ જવા જેવી જ આ વાત છે.
આપણે ત્યાં એવું કહેવાય છે કે, દરેક વાતની એક ઉંમર હોય છે,
સમયનો એક તકાજો હોય છે, જ્યારે જે મળવું જોઇએ ત્યારે એ મળી જાય તો જ એની મજા છે.
આપણે ત્યાં એવાર્ડ તો એવી રીતે અપાય છે જાણે જિંદગીની છેલ્લી અને અધૂરી રહી ગયેલી
ઇચ્છા પૂરી ન કરાતી હોય! આપણે ત્યાં એવા ઘણા લોકો
છે જે એવાર્ડ ડિઝર્વ કરે છે પણ તેમને અપાતો નથી. જો કોઇ યંગ અથવા તો કામ કરતા હોય
તેને એવોર્ડ અપાય તો એનું જોમ વઘી જાય, એવોર્ડ ખરા અર્થમાં પ્રેરણાનો સ્ત્રોત બને.
જો કે અમુક એવોર્ડ તો આપણે ત્યાં માણસ પથારીવશ થઇ જાય ત્યારે છેક અપાય છે.
દેશભક્તિની ફિલ્મોમાં કામ કરી ભારતકુમાર તરીકે મશહુર થયેલા એકટર મનોજકુમાર છેક 78
વર્ષના થયા ત્યારે દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની ઘોષણા થઇ. મીડિયાવાળા તેમનો
પ્રતિભાવ લેવા તેમના ઘરે ગયા ત્યારે તેમણે પથારીમાં સૂતા સૂતા રાજીપો વ્યક્ત કર્યો
હતો. મનોજકુમારે ફિલ્મમાં કામ કરવાનું છોડી દીધું તેને વર્ષો થઇ ગયાં. આ સમય
દરમિયાન કોઇને એવો વિચાર ન આવ્યો કે તેમને એવોર્ડ આપી દઇએ. 1981માં ‘ક્રાંતિ’ ફિલ્મ બાદ તેમણે કોઇ મોટી
ફિલ્મ નથી કરી. આ વાતને 25 વર્ષ થઇ ગયાં. 1995માં છેલ્લે ‘મેદાન-એ-જંગ’માં તેમણે માસ્ટર દીનાનાથની ભૂમિકા ભજવી હતી. તેમને જો
વહેલો એવોર્ડ અપાયો હોત તો તે એને એન્જોય કરી શક્યા હોત. ગયા વર્ષનો ફાળકે એવાર્ડ
શશી કપૂરને અપાયો. 10મી મે, 2015ના રોજ પ્રધાન અરુણ જેટલીએ શશીકપૂરના ઘરે જઇ
એવોર્ડ આપવો પડ્યો હતો. વ્હીલચેરમાં બેસી શશી કપૂરે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
મનોજકુમારને પણ તેના ઘરે જઇને જ એવોર્ડ આપવો પડે તેવી તેમની હાલત છે.
દાદાસાહેબ ફાળકે એવોર્ડ વ્હીલ ચેર એવોર્ડ બની ગયો છે.
મનોજકુમાર અને શશીકપૂર કરતાં પણ વધુ ખરાબ તો ફિલ્મ એકટર પ્રાણ સાથે થયું હતું.
તેમને ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત થઇ ત્યારે તેમની ઉંમર 93 વર્ષની હતી. 2013નો ફાળકે એવોર્ડ તેમના ઘરે જઇને અપાયો ત્યારે તેમણે આ એવોર્ડ
વ્હીલ ચેર પર બેઠાં બેઠાં જ સ્વીકાર્યો હતો. એવોર્ડ મળ્યો તેના બે મહિના બાદ જ તેઓ
આ દુનિયા છોડીને ચાલ્યા ગયાં. પ્રાણને વહેલો એવોર્ડ આપવામાં શું વાંધો હતો?
ગ્રેટ શો મેન રાજ કપૂરની વાત કરીએ તો તેમને જ્યારે ફાળકે
એવોર્ડ આપવાની જાહેરાત થઇ ત્યારે તેમની તબિયત સારી રહેતી ન હતી. નાદુરસ્ત તબિયત
છતાં તેઓ એવોર્ડ લેવા દિલ્હી ગયા. તત્કાલીન રાષ્ટ્રપતિ આર. વેંકટરામન એવોર્ડ આપતા
હતા, કાર્યક્રમ ચાલું હતો ત્યારે જ રાજ કપૂરને અસ્થમાનો જોરદાર એટેક આવ્યો. તેઓ
કોલેપ્સ થઇ ગયા અને ભાગદોડ થઇ ગઇ. તેઓને દવાખાને ખસેડવા પડ્યા. એવોર્ડ સ્વીકાર્યા
બાદ થોડા જ દિવસોમાં તા. 2 જુન, 1988ના રોજ રાજ કપૂરનું અવસાન થયું. આજે પણ ધણાં
લોકો એવું માને છે કે જો રાજ કપૂરે એવોર્ડ સ્વીકારવા માટે દિલ્હી જવાનું જોખમ ન
લીધુ હોત તો કદાચ તબિયત લથડી ન હોત અને થોડો વધુ સમય જીવ્યા હોત.
હા, એક ગુલઝાર સારા-નરવા હતા ત્યારે તેમને ફાળકે એવોર્ડ
અપાયો હતો. તા. 3 મે 2014ના રોજ ગુલઝારને
ફાળકે એવોર્ડ એનાયત થયો. ગુલઝાર ઉપર કુદરતની કૃપા છે કે તેઓ આજે 81 વર્ષની વયે પણ
કડેધડે છે, ભગવાન એમને સો વર્ષ જીવાડે. તેમને ફાળકે એવોર્ડ અપાયો ત્યારે તેમની
ઉંમર 79ની તો હતી જ. મજાની વાત જુઓ, ‘સ્લમડોગ મિલિયોનર’ ફિલ્મના સોંગ ‘જય હો’ માટે ગુલઝારને ઓસ્કર અને
ગ્રેમી એવોર્ડ મળી ગયો પછી આપણી સરકારને ભાન થયું કે હવે આપણે ગુલઝારને ફાળકે
એવોર્ડ આપવો જોઇએ. બહારના લોકો કદર કરે પછી આપણા લોકો સન્માન કરવા નીકળી પડે છે. કૈલાશ
સત્યાર્થીને નોબલ પ્રાઇઝ જાહેર થયું ત્યારે ઘણા લોકોને ખબર ન હતી કે આ ભાઇ છે કોણ?
સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને હજુ ફાળકે એવોર્ડ અપાયો નથી. શું
તેમનું યોગદાન હજુ એટલું નથી થયું કે તેમને આ એવોર્ડ મળવો જોઇએ? અમિતાભ તો ફાળકે એવોર્ડ ડિઝર્વ કરે જ છે પણ એ સીવાયના પણ
એવા કલાકારો છે જે આ એવોર્ડ માટે લાયક છે. તેમને કયારે એવોર્ડ આપશો? સૂધ-બૂધ ન હોય અને ટાંટિયા ઢસડાતા હોય ત્યારે? એવોર્ડની પણ ગરિમા ત્યારે જ જળવાય છે જ્યારે યોગ્ય
વ્યક્તિને એ એવોર્ડ સમયસર એનાયત કરી દેવામાં આવે.
ફાળકે એવોર્ડની જ વાત નથી, બીજા ઘણા એવોર્ડમાં આવું જ થાય
છે. દેશના સર્વોચ્ય પુરસ્કાર ભારતરત્નની તો વાત જ નીરાળી છે. મોટાભાગના
મહાનુભાવોને આ એવોર્ડ તેઓ હયાત ન હોય ત્યારે જ અપાયો છે. બાબાસાહેબ આંબેડકર, સરદાર
વલ્લભભાઇ પટેલથી માંડી મદનમોહન માલવીય સુધીના ઉદાહરણો આપણી સામે છે. ગુજરી જાય
ત્યારે છેક આપણને ભાન થાય છે કે આ તો આપણા દેશના રત્ન હતા. તે અગાઉ આપણી બુધ્ધિ
ક્યાં ચરવા ગઇ હોય છે? ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી
વાજપેયીને ભારતરત્ન કયારે અપાયો? તેઓ સાવ વેજિટેબલ સ્ટેજમાં છે
ત્યારે! ભાજપની સરકાર આવી ન હોત તો
કદાચ તેમને ભારતરત્ન મળ્યો હોત કે કેમ એ પણ સવાલ છે. આપણા દેશમાં કોઇ અપવાદ હોય
અને કોઇને રાઇટ ટાઇમે ભારતરત્ન મળ્યો હોય તો તે એક માત્ર સચીન તેંડુલકર છે.
એવોર્ડની એક અલૌકિક દુનિયા છે. એમાં પણ ઘણુબધુ ચાલતું હોય
છે. અત્યારે એમાં નથી પડવું, જે હોય તે પણ એક વાત તો થવી જ જોઇએ કે રાઇટ મેન કે
વુમનને રાઇટ ટાઇમે એવોર્ડ મળી જવો જોઇએ. બેટર લેઇટ ધેન નેવર જેવી વાતો દરેક વખતે
વાજબી હોતી નથી. વ્હોય લેઇટ? વ્હાય નોટ અર્લી? ઓર વ્હાય નોટ એટ પ્રોપર ટાઇમ?

 (“દિવ્ય ભાસ્કર’, “રસરંગ’ પૂર્તિ, તા. 13 માર્ચ, 2016, રવિવાર, “દૂરબીન’ કોલમ)
email : kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *