નારાજગી બે વ્યક્તિઓ વચ્ચેનો અંગત અને પોતીકો વ્યવહાર છે. નારાજગીના નારા લગાવવાના ન હોય. નારાજગીમાં પણ થોડીક તાજગી હોવી જોઈએ. તાજગી હટી જાય તો નારાજગી વાસી થઈ જાય છે. નારાજગી તાજી હોય ત્યાં સુધી મનાવવા અને માની જવામાં મજા હોય છે. મનાવવાવાળું કોઈ ન હોય તો નારાજગીની કોઈ મજા નથી. એક છોકરીએ સરસ વાત કરી હતી કે હું હજુ સુધી નક્કી કરી શકી નથી કે ખરી મજા નારાજ થવામાં છે કે માની જવામાં?
નારાજગીમાં નજાકત હોવી જોઈએ. નારાજગીને બહુ ન ખેંચાય. તમને રબરનો સિદ્ધાંત ખબર છેને? રબર બે બાજુથી જેટલું ખેંચીએ એટલું જ્યારે એ એક તરફથી છૂટે ત્યારે વધુ વાગે છે. નારાજગીનું પણ એવું જ છે. વધારે ખેંચીએ તો વધુ વાગે. નારાજગી વાજબી હોવી જોઈએ. મનાવવાની એક મર્યાદા હોય છે. તમને ખબર હોવી જોઈએ કે તમારી વ્યક્તિ તમને કેટલું મનાવે છે. પેમ્પરને ટેમ્પર સાથે સીધો સંબંધ છે. દરેક માણસનું પેમ્પર કરવાનું એક ટેમ્પરામેન્ટ હોય છે. જેને મનાવતા કે પટાવતાં જ ન આવડતું હોય એનાથી નારાજ થવાનો કોઈ અર્થ સરતો નથી. ઘણી વખત આપણે એવું સાંભળીએ છીએ કે મારી નારાજગીથી એને કોઈ ફર્ક પડતો નથી. એને તો મનાવવાનું કોઈએ શીખવ્યું જ નથી. એનો ઇગો એવડો મોટો છે કે મનાવે તો જાણે એની આબરૂ ઓછી થઈ જાય. મનાવવું એ એક આર્ટ છે. સુંદર જિંદગી માટે આ કલા પણ થોડી ઘણી આવડતી હોવી જોઈએ.
એક પતિ-પત્ની હતાં. પત્નીને નારાજ થવું ગમતું હતું. તેનું એક કારણ એ પણ હતું કે તેનો પતિ તેને ખૂબ પ્રેમથી મનાવતો હતો. એ કહેતી કે હકીકતે હું બહુ નારાજ નથી હોતી, પણ મને લાડકું થવાની મજા આવે છે. દરેક વ્યક્તિને પોતાની વ્યક્તિ પાસે લાડકા થવાની ઇચ્છા થતી હોય છે. સ્ત્રી કે પુરુષ કોઈ આમાંથી બાકાત નથી. દરેક વ્યક્તિમાં એક બાળક જીવતું હોય છે. ઉંમર ગમે એટલી થઈ જાય તો પણ પોતાની વ્યક્તિ પાસે માણસ બચપણ જેવી ક્ષણો જીવવા ઇચ્છતો હોય છે. પત્નીને એવી જ મજા પતિ સાથે નારાજ થવામાં આવતી.
એક વખત પત્ની નારાજ થઈ. તેને હતું કે દરેક વખતની જેમ અા વખતે પણ તેનો પતિ તેને લાડકી કરશે, પેમ્પર કરશે અને મનાવી લેશે. આખો દિવસ ચાલ્યો ગયો તો પણ પતિ તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ન આવ્યો. રાત પડી એટલે પત્નીએ કહ્યું. વ્હોટ હેપન? તને કેમ આજે મારી નારાજગીની અસર ન થઈ? મારાથી નારાજ છે? પતિએ તેને બાંહોમાં લઈને કહ્યંુ, ના કંઈ ખાસ નથી. આખરે પતિએ કહ્યું કે ઓફિસનાં એક-બે ટેન્શન છે. પત્નીએ વાત પૂછી. પતિએ શાંતિથી વાત કરી. વાત પૂરી થઈ ત્યારે પત્નીએ કહ્યું કે સોરી, હું ખોટા સમયે તારાથી નારાજ થઈ. નાઉ રિલેક્સ, આજે કદાચ તને પેમ્પર કરવાનો મારો વારો છે. સમજદારી સાથેની નારાજગી હોય તો મામલો બીચકતો નથી.
સવાલ તો એ પણ થાય કે નારાજગી કંઈ સમય કે મૂડ જોઈને થોડી આવે છે? એ તો ગમે ત્યારે અને ગમે તે રીતે આવી જાય છે. મગજની કમાન છટકે ત્યારે ક્યાં કોઈને અહેસાસ હોય છે કે અત્યારે સમય અને સંજોગ શું છે? રાઇટ પણ થોડાક સમય પછી તો વિચારી શકાયને કે શું થઈ રહ્યું છે. તમે માર્ક કરજો, મોટા ભાગની નારાજગી અત્યંત સામાન્ય અને તદ્દન ક્ષુલ્લક કારણોસર જ હોય છે. નાની વાતમાં આપણે આપણો મૂડ અને આપણી મધ્યની ક્ષણો ગુમાવતા હોઈએ છીએ. આપણે જેટલો સમય નારાજ હોઈએ એટલો પ્રેમ કરવાનો સમય ગુમાવતા હોઈએ છીએ.
પ્રેમીઓમાં નારાજગી અને મનામણી થતી રહે છે. પ્રેમમાં નારાજગીનું આયુષ્ય થોડીક ક્ષણો પૂરતું જ હોવું જોઈએ. એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. પ્રેમી પ્રેમિકાથી નારાજ હતો. ગુસ્સે હતો. તું ફોન કેમ નથી કરતી? મારા મેસેજના જવાબ કેમ નથી આપતી? મળવા આવવાની તો તને માંડ ફુરસદ મળે છે? તને મારી પડી જ નથી. ક્યારેક તો મને શંકા જાય છે કે તને મારા પ્રત્યે કોઈ લાગણી છે કે નહીં? પ્રેમિકાએ કહ્યું, હું શા માટે આવું નથી કરી શકતી તેનાં કારણો છે. મારે એની ચર્ચામાં અત્યારે નથી ઊતરવું. માંડ માંડ મેળ ખવડાવીને તને મળવા આવી છું. તું પણ એ જ ઝંખતો હતોને કે હું આવું. અત્યારે આપણે સાથે છીએ. આ સમયને ફીલ કર. નારાજ ન થા. કેટલી મુરાદો પછી આ સમય આવ્યો છે. નારાજ રહીને સમય શા માટે બગાડે છે. હમણાં મારે જવાનું છે. કદાચ તારે જે વાત કરવી હશે તે રહી જશે. ખોવાઈ જવાની ક્ષણોમાં ઘણી વખત આપણે જ આપણને પકડી રાખતા હોઈએ છીએ. પ્રેમ પામવા માટે ખોવાઈ જવું પડતું હોય છે. નારાજગીમાં આપણે આ અવસર ગુમાવી દેતા હોઈએ છીએ.
તમને કોના નારાજ થવાથી ફેર પડે છે? એને મનાવી લેજો. બધાના નારાજ થવાથી આપણને બહુ ફેર પડતો નથી. આપણને ખબર પડે કે કોઈ દૂરનું આપણાથી નારાજ થયું છે તો આપણે ઘણી વખત એવું કરીએ છીએ કે ઠીક છે હવે. અલબત્ત, જેની નારાજગીથી ફેર પડે છે, જેની નારાજગીથી ડિસ્ટર્બ થવાય છે, જેની નારાજગીથી મજા નથી આવતી એને મનાવી લેજો, કારણ કે ઘણાંના નસીબમાં નારાજ થવાવાળા પણ હોતા નથી.
એક પતિ-પત્ની હતાં. પત્ની ઘણી વખત નારાજ થઈ જતી. એનો પ્રેમી એને પ્રેમથી મનાવી લેતો. પત્નીની એક ફ્રેન્ડે એને કહ્યું કે તારો હસબન્ડ કેટલો સારો છે, તને પ્રેમથી મનાવે છે, પટાવે છે. એ તો ખૂબ પ્રેમ કરે છે. તને નથી લાગતું કે તું નારાજ થઈ તેને ખોટી રીતે પરેશાન કરે છે? પત્નીને બહેનપણીની વાત સાચી લાગી. એણે નક્કી કર્યું કે હવે હું મારા પતિથી નારાજ નહીં થાઉં. ઘણાં દિવસો ગયા. હવે પત્ની નારાજ થતી ન હતી. એક દિવસે પતિએ ખૂબ જ પ્રેમથી પૂછ્યું. આર યુ ઓકે? બધું બરાબર છેને? પત્નીએ સામું પૂછ્યું કે તને કેમ એવું લાગે છે? બધું જ બરાબર છે. પતિએ આખરે દિલની વાત કહી દીધી કે આજકાલ તું કંઈ નારાજ નથી થતી! પત્નીએ કહ્યું હા હું નારાજ નથી થતી. તું સારો છે. નારાજ થઈને તને ખોટી રીતે હેરાન કરું છુંને? પતિએ કહ્યું, ના એવું જરાયે નથી. તારી નારાજગી પણ ગમે છે. તને મનાવવી એ તો તને પ્રેમ કરવા જેવું એક બહાનું છે અને સાચી વાત તો એ છે કે નારાજ થવાનો અધિકાર મેં માત્ર તને જ આપ્યો છે. તારામાં કંઈ ફેરફાર ન કર. તું નારાજ નહીં થાય તો હું તને ખુશ કેવી રીતે કરીશ?
નારાજ થવું એક વાત છે. નારાજ કરવા એ બીજી વાત છે. આપણી નારાજગી બીજા નારાજ થઈ જાય એવી ન હોવી જોઈએ. ‘હું તારાથી નારાજ છું.’ એવું કહેવાની નિખાલસતા બધામાં હોતી નથી. ખુલ્લા દિલવાળા જ આવું કરી શકતા હોય છે. મોઢું ફુલાવીને ફરવાવાળા વધુ હોય છે. દોસ્તી, પ્રેમ, લાગણી કે દાંપત્યમાં નારાજ હોઈએ ત્યારે નારાજગી વ્યક્ત કરવાની પણ સહજતા હોવી જોઈએ. આપણે પ્રોબ્લેમ એ હોય છે કે આપણે ખુશી હોઈએ કે નાખુશ, રાજી હોઈએ કે નારાજ, આપણે વ્યક્ત થતા નથી. નારાજ થવાનો એક લુત્ફ છે, જો મનાવવાવાળો મજાનો હોય. ક્યારે નારાજ થવું એની સમજ ન પડે તો કંઈ નહીં, ક્યારે માની જવું એટલું આવડી જાય તો પણ જિંદગીમાં મજા ઓસરતી નથી.
છેલ્લો સીન:
તમારા હૃદયમાં એક લીલુછમ વૃક્ષ સાચવી રાખો, કદાચ કોઈ ગાતું પંખી આવી ચડે. -ચીની કહેવત.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 16 ડિસેમ્બર 2015, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com