બધાને ખુશ રાખવાના પ્રયાસ તું છોડી દે! 
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
 ઊંઘમાંથીય ઝબકી જાગું છું, એક ઓછાયો જોઈ ભાગું છું,
અન્યને લાગું તો નવાઈ શી, હું અજાણ્યો મનેય લાગું છું.
 – અમૃત ઘાયલ
કોઈ
માણસ ક્યારેય એવું ઇચ્છતો નથી કે તેને જેના ઉપર લાગણી હોય એ નારાજ થાય.
પોતાની વ્યક્તિ રાજી રહે એ માટે માણસ કંઈ પણ કરતો હોય છે. અંગત વ્યક્તિની
નારાજગી આપણને સૌથી વધુ દુ:ખી કરી જતી હોય છે. આપણે ઉપાયો શોધતા હોઈએ છીએ
કે શું કરું તો એને મજા આવે. માણસ માત્ર ખુશ રહેવા જ બધું કરતો હોતો નથી,
પોતાની વ્યક્તિને ખુશ રાખવા માટે પણ ઘણું બધું કરતો હોય છે. તમે ક્યારેય
તમારી જાતને એવો પ્રશ્ન કર્યો છે કે તમે જે કંઈ કરો છો એ કોના માટે કરો
છો?
 
હા, માણસ પોતાના માટે બધું કરતો હોય છે. જોકે, તેનું અંતિમ ધ્યેય તો એ
જેને ચાહે છે, જેના ઉપર એને લાગણી છે એને ખુશ રાખવાનું જ હોય છે. એક માણસની
આ વાત છે. એ આખો દિવસ ખૂબ મહેનત કરે. સખત પરિશ્રમ પછી જે કંઈ આવક થાય એ
પરિવાર પાછળ ખર્ચી નાખે. એક વખતે તેના મિત્રએ પૂછ્યું કે તને એવું નથી થતું
કે હું મારા માટે કંઈક કરું. પેલા માણસે કહ્યું કે, થાય છેને, પણ સાચું
કહું હું જે કંઈ કરું છું એ મારા માટે જ કરું છું. મને મારા લોકો માટે
મહેનત કરવાની મજા આવે છે. માણસ માત્ર પોતાનાં સપનાં પૂરાં કરવા નથી જીવતો,
એને બીજાનાં સપનાં પણ પૂરાં કરવાં હોય છે. કોઈનું સપનું પૂરું કરવાનું
સપનું પૂરું થાય ત્યારે તેનો આનંદ નિરાળો હોય છે.
 
તમારી લાઇફમાં એવા કેટલા લોકો છે જેની નારાજગીથી તમને ફેર પડે છે? એવા
લોકો માટે તમારી સંવેદનાને ઓલવેઝ સજીવન રાખો. સાથોસાથ એ વાત પણ યાદ રાખો
કે તમે બધા જ લોકોને કાયમ રાજી રાખી શકવાના નથી. ક્યારેક તો કોઈક નારાજ થઈ જ
જવાનું છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે એ મેન કેનનોટ પ્લીઝ ઓલ! સંબંધોમાં
પણ માણસે સિલેક્ટિવ બનવું પડે છે. આ મારી વ્યક્તિ છે. આ મારો પરિવાર છે.
મારા માટે એ પૂરતાં છે. હા, બીજા કોઈને નારાજ નથી કરવા, પણ એ રાજી જ રહે એ
માટે હેરાન પણ નથી થવું.
 
એક યુવાનની વાત છે. એ બધાને રાજી રાખવાનો પ્રયાસ
કરે. ક્યાંય જવાનું હોય તો દોડીને જાય. ક્યાંય ન જઈ શકે તો એ ડિસ્ટર્બ થાય.
એક વ્યક્તિએ તેને આમંત્રણ આપ્યું. એ ન જઈ શક્યો. મને કહ્યું હતું ને હું ન
ગયો. તેની પ્રેમિકા સમક્ષ તેણે એ વાતનું દુ:ખ વ્યક્ત કર્યું. પ્રેમિકાએ
કહ્યું કે, તને કહ્યું હતું એટલે તારે જવું જ એવું જરૂરી છે? તું બધે
પહોંચી શકવાનો જ નથી. તું બધાને રાજી રાખવાના પ્રયાસ છોડી દે. કોઈ નારાજ ન
થાય એ જોવામાં તું તારો જ રાજીપો જોતો નથી. તને શું ગમે છે? તને ગમતું હોય
ને તું જાય એ યોગ્ય છે, પણ કોઈને ખરાબ ન લાગે એ માટે તું દોડાદોડી કરે એ
વાજબી નથી. તારી પણ કોઈ મજબૂરી હોઈ શકે, તારી પણ કોઈ પ્રાયોરિટી હોઈ શકે,
તારા પણ ગમા-અણગમા હોઈ શકે, તું ખોટો હેરાન ન થાય. તારા ન જવાથી એને કંઈ
ફેર પડવાનો છે?
 
જ્યાં આપણી ગેરહાજરીની નોંધ લેવાતી ન હોય અને જ્યાં આપણી હાજરીથી કોઈ
ફર્ક પડતો ન હોય ત્યાં ન જવું જ હિતાવહ હોય છે. માત્ર હાજરી પુરાવવા ખાતર
જવાનો કોઈ મતલબ હોતો નથી. જ્યાં તમારે દિલના સંબંધ હોય, જેને તમારાથી ફર્ક
પડતો હોય એના માટે બધું કરો. બે મિત્રો હતાં. બંનેને બચપણથી એકબીજા પ્રત્યે
ખૂબ લાગણી. મોટા થયા પછી બંને કામના કારણે અલગ શહેરમાં રહેતા હતા. એક
મિત્રના પિતાનું અવસાન થયું. મિત્રએ નક્કી કર્યું કે, હું મિત્રના પિતાના
બેસણામાં જઈશ. તેણે પત્નીને કહ્યું કે મારા મિત્રના પપ્પા મને પણ ખૂબ
પ્રેમથી રાખતા હતા. હું ઘરે જાઉં એ તેને ગમતું. મને ધરાર કંઈક ખવડાવતા.
ફરવા જવાનું હોય તો મને સાથે લઈ જતા. બધી વાત સાંભળી પત્નીએ કહ્યું કે, જો
આવું હોય તો તું બેસણામાં ન જા. બેસણામાં તો પ્રાર્થના ગવાતી હશે. લોકો
આવતા હશે. તું થોડી વાર બેસીશ અને હાથ જોડીને નીકળી જઈશ. તું બેસણામાં
જવાના બદલે આગલા દિવસે જા. મિત્ર સાથે એમના પિતા સાથેના અનુભવો શેર કર. તને
શું લાગણી થતી હતી એ વાત કર. એની સાથે બેસ. વાતો કર.
 
બેસણામાં મોટાભાગના લોકો માત્ર સંબંધ નિભાવવા આવતાં હોય છે, હાજરી
પુરાવવા આવતાં હોય છે, મોઢું બતાવવા આવતાં હોય છે, આવવું પડે એટલે આવતાં
હોય છે. તારે શેના માટે જવું છે એ તું નક્કી કર. તારા જવાથી તારા મિત્રને
ફેર પડશે કે નહીં એનો વિચાર પછી કરજે, પહેલાં એ વિચાર કર કે તને ફેર પડે
છે? માત્ર કોઈને નહીં, તમને ફેર પડતો હોય તો એ કરવામાં પાછી પાની કરવી ન
જોઈએ. આપણે આપણા માટે જે કરીએ છીએ એ મહત્ત્વનું હોય છે.
 
હવે એક બીજી વાત.
તમારી નારાજગીથી કોઈને ફેર પડે છે? તમારા નારાજ થવાથી કોઈ ઉદાસ થઈ જાય છે?
તમે ઉદાસ હો ત્યારે તમને મજામાં રાખવા કોઈ કંઈ કરે છે? જો એવી વ્યક્તિ
તમારી લાઇફમાં હોય તો તમે એને સાચવી રાખજો. આપણે ઘણી વખત આપણી કેર કરનારને
ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોઈએ છીએ. કોઈ આપણું ધ્યાન રાખે તેને આપણે એની ફરજ
અથવા તો આપણે અધિકાર માની લેતા હોઈએ છીએ. આપણને પ્રેમ કરતી હોય એવી
વ્યક્તિને પ્રેમ કરવો એ પણ સંબંધની આવશ્યકતા હોય છે.
 
એક યુવતીએ કહ્યું હતું કે મારો પતિ મને ખૂબ પ્રેમ કરે છે. મને ઉદાસ કે
નારાજ એ જોઈ શકતો નથી. તમને ખબર છે એ ડિસ્ટર્બ થાય નહીં એટલા માટે હું
નારાજ કે ઉદાસ થતી નથી. મારી ઉદાસી એનાથી જોવાતી નથી. હું તેની ફીલિંગ્સ
માટે પહેલાં આટલી ફેરફુલ ન હતી. એક પ્રસંગે મને બદલી નાખી.હું કંઈ પણ ભૂલ
કરું, ગમે તેમ બોલી નાખું, ગમે એવું વર્તન કરું તો પણ એ જતું કરી દે. એક
વખતે મારી ભૂલ હતી. મને મારી ભૂલનો અહેસાસ હતો. મારા પતિએ કહ્યું કે હશે,
જવા દે. મેં તેને પૂછ્યું કે કેમ તું બધી વાતે જતું કરી દે છે? મારા પતિએ
એટલું જ કહ્યું, તેનું કારણ એ છે કે હું તને બહુ પ્રેમ કરું છું. બસ, એ
સમયથી જ મેં નક્કી કર્યું કે હું પણ તેને ખૂબ પ્રેમ કરીશ.
 
માણસ ઘણી વખત દૂરના લોકોને રાજી કરવા માટે નજીકના લોકોને નારાજ કરતા
હોય છે. આવું કરીને આપણે આપણને જે પ્રેમ કરતાં હોય છે એને અન્યાય કરતા હોઈએ
છીએ. બધા પાછળ દોડવા જશો તો કદાચ કોઈના સુધી નહીં પહોંચો. એવું પણ બનવાની
શક્યતા છે કે બધા પાછળ દોડવામાં બીજા સુધી તો ન પહોંચીએ, પણ પોતાના લોકોથી
પણ દૂર થઈ જઈએ. તમે બધાને ખુશ ક્યારેય નથી કરી શકવાના, જેને ખુશ રાખવા જોઈએ
એને રાખી શકીએ તોપણ પૂરતું છે.
 
છેલ્લો સીન: 
મિત્રો બનાવો નહીં, તેને ઓળખો.  -ગાર્થ હન્રીક્સ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 04 નવેમ્બર 2015, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

E-mail : kkantu@gmail.com

 

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: