તમને કઈ વાતની ઇનસિક્યોરિટી લાગે છે?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કૈંક સંબંધો સદા એમ જ અહીં સચવાય છે,
ફાવવા-ફવડાવવામાં ભેદ વરતાતો નથી,
કોઇ પણ ઘટના પરત્વે થઇ ગયો છું બેફિકર,
આજકાલ સાલું, પડીકે જીવ બંધાતો નથી.
-કિરણ ચૌહાણ
દરેક માણસ કોઈ ને કોઈ ઇનસિક્યોરિટી ફીલ કરે છે. એક અજાણ્યો ડર આપણા સહુની અંદર સળવળતો રહે છે. આમ થશે તો? તેમ થશે તો? એવા વિચારે માણસ ધ્રૂજી જાય છે. આખી દુનિયા જાણે છે કે કંઈ જ સલામત નથી છતાં બધાં લોકો ‘સેઇફ ઝોન’ રચવા મથતાં રહે છે. માણસને દરેક વાતની સેફ્ટી જોઈએ છે. ગેરંટી અને વોરંટી માટે માણસ તડપતો રહે છે. જે છે એ કોઈને ગુમાવવું મંજૂર નથી. આખી દુનિયાના લોકો એવું કહેતાં ફરે છે કે કાલની કોઈને ખબર નથી, છતાં લોકો વર્ષોનું પ્લાનિંગ કરતાં રહે છે. હા, પ્લાનિંગ કરવું જ જોઈએ, એમાં કશું જ ખોટું નથી. ઊલટું સારું છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે પ્લાનિંગ કર્યા પછીય ડર્યા રાખીએ છીએ કે બધું પ્લાનિંગ મુજબ નહીં ચાલે તો?
તમને કઈ વાતની ઇનસિક્યોરિટી લાગે છે? મારી જોબ ચાલી જશે તો? મારો ધંધો પડી ભાંગશે તો? હું આર્િથક રીતે તૂટી જઈશ તો? ઓચિંતા જ કોઈ મોટો ખર્ચ આવી જશે તો? મારે જે એચિવ કરવું છે એ નહીં કરી શકું તો? આ બધી અસલામતી તો છે જ, પણ સૌથી મોટી ઇનસિક્યોરિટી હોય તો એ ઇમોશનલ ઇનસિક્યોરિટી છે. મારી વ્યક્તિ મારી નહીં રહે તો? એને બીજા કોઈની સાથે સંબંધ બંધાશે તો? એ મને છોડી દેશે તો?
સંબંધોનો વીમો ઊતરતો નથી. ઘર બળવાનો ડર લાગતો હોય તો ફાયર ઇન્સ્યોરન્સ લઈ શકાય. દિલ બળતું હોય તો? ચીજવસ્તુની ચોરી સામે પણ વીમો મળે છે, પણ આપણી વ્યક્તિ જ ચાલી જાય તો? આપણી વ્યક્તિ મજાકમાં પણ એમ બોલે કે ‘આઈ હેટ યુ’ તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. સંબંધોની અસલામતી માણસને શંકાશીલ બનાવી દે છે. એ પોતાની વ્યક્તિનો મોબાઇલ ચેક કરતા રહે છે. એણે કોને ફોન કર્યા? કોનો મેસેજ આવ્યો? ફોન ચેક કરી લીધા પણ શંકા સમાપ્ત તો થતી જ નથી. એ ફોન કર્યા પછી નંબર ડીલીટ કરી નાખતો હશે તો? શંકા માણસને કોરી ખાય છે. જે છીનવાઈ જવાનો ડર હોય એની સાથે પણ એ જીવી તો શકતો જ હોતો નથી.
એક માણસને એની પત્ની ઉપર શંકા જ રહેતી હતી. બન્યું હતું એવું કે લગ્ન વખતે બંનેએ એકબીજાને બધી સાચી વાત કરી દેવાનું કહ્યું. પતિએ કહ્યું કે મારે કોલેજમાં ગર્લફ્રેન્ડ હતી, પણ લવ-બવ જેવું કંઈ ન હતું. અમે એકબીજા સાથે હરતાં-ફરતાં પણ ક્યારેય બેમાંથી કોઈએ પ્રપોઝ કર્યું જ ન હતું. પત્નીએ પણ કહ્યું કે મારી સાથે પણ એક છોકરો ભણતો હતો. હું એને બહુ ગમતી હતી. એક દિવસ તેણે મને પ્રપોઝ કર્યું કે આઈ લવ યુ. ડુ યુ લવ મી? મેં તેને કહ્યું કે તારી લાગણીની કદર કરું છું. તું સારો માણસ છે, પણ હું તને પ્રેમ કરતી નથી. મારું ફેમિલી રૂઢિચુસ્ત છે. આપણી જ્ઞાાતિ પણ અલગ છે. આપણા વચ્ચે સંબંધ શક્ય બનવાના નથી. મારે મારા ઘરના લોકોનાં દિલને ઠેસ પહોંચાડવી નથી અને હું એવું પણ નથી ઇચ્છતી કે તને પણ ભવિષ્યમાં કોઈ તકલીફ થાય. એ પછી તેણે કહ્યું કે, ફાઇન પણ આપણે સારા દોસ્ત તો બની શકીએને? અમે હંમેશાં દોસ્ત રહ્યાં. બહુ જ સારા ફ્રેન્ડ્સ. એ એની બધી જ અંગત વાત કરતો અને હું મારી. એનાં લગ્ન થઈ ગયાં છે. એ છોકરી જોવા જતો ત્યારે પણ મને કહેતો. તેની પત્ની સારી છે. એ બંને ખુશ છે. તેનાં લગ્ન પછી મેં તેનાથી દૂરી વધારી દીધી. બસ, આ વાતે પતિના મનમાં શંકા ધરી ગઈ. મારી પત્ની હજુ એ વ્યક્તિના ટચમાં હશે તો?
ધીમે ધીમે એ શંકા એટલી તીવ્ર બની ગઈ કે એને ચેન પડતું ન હતું. આખરે તેણે એક ડિટેક્ટિવને કામ સોંપ્યું કે મારી પત્ની શું કરે છે તેના પર વોચ રાખો. ડિટેક્ટિવે એક મહિના સુધી વોચ રાખી. કંઈ જ ડાઉટફુલ ન મળ્યું. મહિના પછી તેના પતિને કહ્યું તો એ માનવા તૈયાર જ ન હતો. ઊલટું એ તો ડિટેક્ટિવ ઉપર શંકા કરવા લાગ્યો. આ માણસ સાચું જ બોલતો હોય એની શું ખાતરી? મારી પત્ની કે એના મિત્રએ તેને રૂપિયા ખવડાવીને મનાવી તો લીધો નહીં હોયને? ડિટેક્ટિવે અંતે કહ્યું કે પ્રોબ્લેમ તમારી પત્નીમાં નહીં,તમારામાં છે!
શંકા ઘૂૂસી જાય પછી કોઈ પણ ભરોસો કે ખાતરી પણ કામ કરતી નથી. એક સાઇકિયાટ્રિસ્ટ મિત્રએ કરેલી આ વાત છે. એક યુવતી તેની પાસે આવી. તેની સમસ્યા વિચિત્ર હતી. તેણે કહ્યું કે મારા હસબન્ડ મને ખૂબ પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે કે એમને સતત ભય રહે છે કે હું કંઈ આડુંતેડું કરીશ તો? એ મને મોબાઇલ રાખવા નથી દેતો. ઘરમાં લેન્ડલાઇન ફોન પણ નથી રાખ્યો. ઘણી વખત સંતાઈને મારા પર વોચ રાખે છે. હું પણ મારા પતિને ખૂબ પ્રેમ કરું છું. મને બીજા કોઈ સાથે કંઈ જ નથી. મને એટલું કહો કે હું શું કરું તો એને એવું ફીલ થાય કે હું તેની જ છું અને તેની જ રહેવાની છું. મારાથી તો એની પીડા પણ સહન નથી થતી. મેં એને કેટલીય વાર સમજાવ્યું છે કે તું કોઈ ચિંતા ન કર, જરાયે ન ડર, પણ એ ડરતો જ રહે છે. સાઇકિયાટ્રિસ્ટે કહ્યું કે તમારે એને બદલવો છે, પણ એને જ ન બદલવું હોય તો? તમે એને જ બદલી શકો જેને પોતાને બદલવું હોય!
એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે દુનિયામાં ડરવા જેવું કશું જ હોતું નથી, બધું માત્ર સમજવા જેવું હોય છે. સમજવાનું એટલું જ છે કે અસલામતિના ભયથી કંઈ જ સલામત થઈ જવાનું નથી. સંબંધની સિક્યોરિટી માત્ર ને માત્ર વિશ્વાસ અને શ્રદ્ધા જ છે. સંબંધ એવી વસ્તુ નથી કે તેના પર તાળું મારી શકાય. મુક્તિ જ તમને નજીક રાખે છે. જિંદગીમાં કોઈ વાતથી ડરો નહીં. ભય તમને નબળા બનાવશે, શંકાશીલ બનાવશે. જે ખેલાડી એવા ભયે મેદાનમાં ઊતરે કે હું હારી જઈશ તો? એ ભાગ્યે જ જીતે છે. જેને પોતાની જીત ઉપર જ ભરોસો નથી એ કેવી રીતે જીતવાનો છે? હું જીતવાનો જ છું એવું જે વિચારે છે એ જ જીતે છે.
તમારે શાંતિ અને સુખ જોઈએ છે? તો તમારા મનમાંથી તમામ પ્રકારના ડર દૂર કરી નાખો. જો કોઈ પણ પ્રકારનો ભય તમારા મનમાં હશે તો તમે કોઈ જ જોખમ ઉઠાવી શકશો નહીં. દુનિયાનું કોઈ તત્ત્વ આપણા કંટ્રોલમાં નથી, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. સવાલ એ છે કે તમે તમારા કંટ્રોલમાં છો ખરાં? તમારા જ ભય ઉપર તમારો કાબૂ નહીં હોય તો તમે સતત ડરતાં જ રહેવાના.
જિંદગીમાં શીખવા જેવી કોઈ ચીજ હોય તો એ અસલામતીને મેનેજ કરતા શીખવાનું છે. વાત કરિયરની, જોબની કે ધંધાની હોય ત્યારે જોખમ લેવામાં પણ ન ડરો. આપણે એક વખત ‘સેઇફ ઝોન’માં આવી જઈએ પછી જોખમ સૌથી વધુ વધી જાય છે, કારણ કે આપણે જોખમ લેતાં જ ડરવા લાગીએ છીએ. બધું બરાબર તો ચાલે છે પછી શું કામ ઉપાધિ વહોરી લેવી? આવી નોકરી છોડીને થોડાક ફાયદા માટે શા માટે જોખમ લેવું? યાદ રાખો, જોખમ તો ગમે ત્યારે અને ગમે તેવું ઊભું થવાનું છે. આજના સમયમાં જોખમ ન લેવામાં સૌથી મોટું જોખમ છે. માણસની જેમ ઉંમર વધે એમ એ જોખમ લેવાનું ટાળે છે. જોખમ લેવા માટે કોઈ ઉંમર મોટી હોતી નથી. તમે કોઈ પણ વાતની અસલામતી અનુભવતા રહેશો ત્યાં સુધી એને હાંસલ નહીં કરી શકો અને એને એન્જોય પણ નહીં કરી શકો. ઇમોશનલી, મેન્ટલી, સોશિયલી અને ઈકોનોમિકલી સિક્યોર રહેવું છે? તો તમામ પ્રકારની ઇનસિક્યોરિટી હટાવી દો, કારણ કે ઇનસિક્યોરિટી હશે ત્યાં સુધી તમે કોઈ કામ કે કોઈ નિર્ણય સ્વસ્થતાથી નહીં કરી શકો. તમારા ડરને જીતી લો, બાકીનું બીજું બધું બહુ આસાન થઈ જશે.
છેલ્લો સીન :
જેવી રીતે વરસાદ આવે તે પહેલાં છત્રી ખોલવાનો કોઇ અર્થ નથી, તેવી જ રીતે કાલ્પનિક અસલામતી માટે અગાઉથી ચિંતા કરવાનો કોઇ મતલબ નથી. -એલિસ રાઇસ.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 27 જુલાઇ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com