એ કેમ આવું કરે છે, એ મને સમજાતું નથી

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
હાથ ખુલ્લા હોય તો પણ કોઈ ના પામી શકેછે ખરેખર બંધ મુઠ્ઠીની કરામત જિંદગી,
લાભ લે ઇન્સાન એનોછે ખુદાઈ હાથમાંચાર દી‘ તો ચાર દી‘, પણ છે હકૂમત જિંદગી.
-‘શૂન્ય‘ પાલનપુરી

માણસ દિવસે ને દિવસે વધુ સુખી થતો જાય છે કે દુઃખી? સુખી અને ખુશ થવા માટે આપણી પાસે સેંકડો કારણ છે છતાં પણ આપણે કેમ વધુ ને વધુ ઉદાસ, નિરાશ અને હતાશ થતાં જઈએ છીએ? દરેકના ચહેરા ઉપર એક અજાણ્યો અજંપો છવાયેલો રહે છે. બધાંનાં મોઢે એક પ્રશ્ન સાંભળવા મળે છે કે કોણ જાણે ક્યારે શાંતિ મળશે? કામ પૂરું જ થતું નથી, જવાબદારી ઘટતી જ નથી. જંજાળમાંથી જેમ બહાર નીકળવા જઈએ એમ વધુ ને વધુ અંદર ખૂંપતા જઈએ છીએ. ક્યાંય મજા નથી આવતી. ખુશ થવા માટે બહાનાં શોધીએ છીએ, પ્લાનિંગ્સ કરીએ છીએ, ખર્ચ પણ કરવામાં બાકી રાખતા નથી, છતાં મજા કેમ નથી આવતી?
જેમ જેમ સાધનો અને સુવિધા વધતાં જાય છે તેમ તેમ એ વાત વધુ ને વધુ સાબિત થઈ રહી છે કે સાધનો, સુવિધા કે સંપત્તિ સુખ આપતાં નથી. સુખ અને ખુશી જો અંદર નહીં હોય તો એ બહારથી ક્યારેય મળવાનાં નથી. માણસ બહારથી ભરાયેલો રહે છે પણ અંદરથી ખાલી થતો જાય છે. ચાલીસ વર્ષથી સાઇકિયાટ્રિસ્ટની પ્રેક્ટિસ કરતા એક તબીબે હમણાં સરસ વાત કરી. તેણે કહ્યું કે લોકોનાં માનસ સાથે મારે ચાર દાયકાનો સંબંધ છે. દરેક દાયકો નવા નવા પ્રશ્નો લઈને આવે છે. નવા પ્રશ્નો આવે એમાં વાંધો હોઈ ન શકે પણ જૂના પ્રશ્નો ઘટતા નથી, એ તો ત્યાંના ત્યાં જ છે અને નવા નવા ઉમેરાતા જાય છે.
તેમણે કહ્યું કે અગાઉના સમયમાં જવાબદારીઓ પૂરી કરવાનું લોકોને ટેન્શન હતું. ખર્ચનું ટેન્શન હતું. હવે એ નથી. હવેના પ્રશ્નો સંબંધો આધારિત છે. રિલેશનશિપ એ આજે માનસિક તણાવ માટે સૌથી મોટું કારણ બની ગઈ છે. દરેકને પોતાના સંબંધો સામે સવાલ છે. કોઈ કોઈને ફ્રીડમ આપતું નથી અને બધાંને ફ્રીડમ જોઈએ છે. રિલેશનશિપમાં કમિટમેન્ટનું તત્ત્વ પાતળું અને ફિક્કું પડી જાય છે. જ્યાંથી મળે ત્યાંથી મજા કરવી છે, મજા અને આનંદ માટે લોકો ભટકી રહ્યા છે અને તેને એ ખબર જ નથી રહેતી કે એ દિશા જ ભૂલી ગયા છે.
મારા સંબંધો સતર્ક, સાર્થક અને સુદૃઢ છે એવો ખ્યાલ જીવતો રાખવા માણસ ભ્રમ ઊભા કરતો થઈ ગયો છે. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહી માણસ એવું સમજવા લાગ્યો છે કે તેના રિલેશન લાઈવ છે. હસતાં ફોટા અપલોડ કરીને એ બધાને બતાવવા મથે છે કે હું મજામાં છું. રીઅલ સ્ટેટસ કોઈ અપલોડ કરતું નથી. પાર્ટીઝ અને ફનના ફોટા વોલ ઉપર ચીપકતા રહે છે અને દિલની દીવાલો જર્જરિત થતી રહે છે. લોકો ઓનલાઈન આપઘાત કરતાં થઈ ગયા છે. ‘મન’ વગરના ‘ફન’નું પ્રમાણ વધતું જ જાય છે. લોકો તો હવે પોતાના લોકોનું સ્ટેટસ એ ચેક કરવા માટે કરવા લાગ્યા છે કે એ શું કરે છે? કોની સાથે ફરે છે?કોઈ સાથે મજા કરે એ આપણાથી સહન નથી થતું. હું નથી ને એ જલસા કરે છે. મને જેની સાથે ફાવતું નથી એની સાથે એ ફરે છે. ફોન અને નેટની મદદથી આપણે જાસૂસી કરવા લાગ્યા છીએ. તને મારા માટે ટાઈમ નથી અને બીજું બધું કરવા માટે પૂરતો સમય છે. ફરિયાદો વધતી જાય છે અને સંબંધો ઘટતાં જાય છે.
આપણે બંધાયેલા રહી શકતા નથી અને છૂટા પડી ગયા પછી મુક્ત થઈ શકતા નથી. એક કપલની વાત છે. બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. બંનેએ નક્કી કર્યું કે હવે આપણે એકબીજાંની જિંદગીમાં દખલ નહીં કરીએ. એ પછી પણ બંને એકબીજાંના સ્ટેટસ દરરોજ ચેક કરતાં રહે છે. એ વિશે ચર્ચા કરતાં રહે છે, ફરિયાદ કરતાં રહે છે અને ગુસ્સો વધી જાય ત્યારે આડીટેડી કમેન્ટ્સ પણ કરતાં રહે છે.
પ્રેમની વ્યાખ્યાઓ બદલાતી જાય છે. લાગણીનો મતલબ ચેન્જ થઈ ગયો છે. કેર, ઇમોશન, સેન્ટિમેટ, અફેક્શન જેવા શબ્દોનો યુઝ વધી ગયો છે પણ હવે જીવવાનું ઘટી ગયું છે. રિલેશનશિપ બદલાતી રહે છે. એની સાથે ફાવતું નથી એટલે બ્રેકઅપ કર્યું. ફાઈન, કંઈ ખોટું નથી. નવી જનરેશનમાં સૌથી સારી વાત હોય તો એ જ છે કે એ સંબંધોની બાબતમાં ઓનેસ્ટ છે. ન ફાવે તો છુટ્ટાં. પણ બે-ત્રણ રિલેશનશિપ પછી પોતાના સંબંધો ઉપર જ શંકા જાગવા માંડે છે. આ પણ એવો જ નીકળશે તો? એ પણ બીજી છોકરીઓ જેવી હશે તો? સંબંધો પણ જ્યારે ટ્રાયલ અને એરર પર આવીને ઊભા રહી જાય છે ત્યારે જોખમો મોટાં ને મોટાં થતાં જાય છે. ભરોસા વગરનો સંબંધ ટકતો નથી અને ભરોસો શોધ્યે પણ મળતો નથી.
પોતાની વ્યક્તિ પર શંકાના કારણે લોકો પોતાના ઉપરથી વિશ્વાસ ગુમાવતા જાય છે. એ સાયકિયાટ્રિસ્ટે કહ્યું કે મારી પાસે એક છોકરી આવી હતી. તે લવમેરેજ કરવા જઈ રહી હતી પણ સતત ડરતી હતી કે અમારું સરખું નહીં ચાલે તો? તેને પૂછયું કે તને કેમ એવું લાગે છે? તો એણે કહ્યું કે ઘણાં કારણો છે. એક તો મારાં મમ્મી-ડેડીને બનતું જ નથી. એ લોકોને જોઉં છું તો એમ થાય છે કે આવા દાંપત્યનો કોઈ અર્થ ખરો? બંને એકબીજાંને પ્રેમ ન કરે તો કંઈ નહીં પણ એકબીજાંને હેટ કરે છે. આજુબાજુમાં નજર ફેરવું છું તો પણ બધી જગ્યાએ પ્રોબ્લેમેટિક રિલેશન જ અસ્તિત્વમાં છે. મારે પણ અગાઉ એક બ્રેકઅપ થઈ ગયું છે. હવે જેની સાથે લવમેરેજ કરવાની છું એને દોઢ વર્ષથી ઓળખું છું પણ હું તેને હજુ પૂરેપૂરો ઓળખી શકી નથી. ડર લાગે છે કે અમારું બરાબર નહીં ચાલે તો? શું અમારા રિલેશન પણ બીજા જેવા જ થઈ જશે.
જે રિલેશનશિપ હજુ આકાર જ નથી પામી એના પાયા આટલા નબળા હોય તો શું થાય? એ છોકરીને કહ્યું કે તું કમિટેડ છે? તો તેણે જવાબ આપ્યો કે હા. તો પછી શંકા ન કર. પહેલાં તો તારે તારી જાતને ભરોસો આપવો પડશે કે અમારા સંબંધો સારા રહેશે. બધા જ લોકો સરખા નથી હોતા. જેમ તારે સંબંધ ટકાવવો છે એમ તારા લવરે પણ સંબંધ ટકાવવો હશે. કોઈ શોર્ટ પિરિયડ માટે કંઈ નથી કરતું. તકલીફ ત્યારે થાય છે જ્યારે બંનેને એકબીજાં પર ભરોસો હોતો નથી.
કમ્યુનિકેશન ઘટતું જાય છે અને ઝઘડા વધતાં જાય છે. પતિ પત્ની ફરવા, ફિલ્મ જોવા, હોટેલમાં જમવા અને ફોરેન ટૂરમાં જાય છે પણ સાથે બેસીને શાંતિથી વાત કરતાં નથી. વિચારોમાં જરાયે ચેન્જ આવે તો માર્ક કરતાં નથી કે તું કેમ અચાનક આવું વિચારવા માંડી? તને શું વિચાર આવે છે? કેમ આજે તું મજામાં નથી? આપણી નજર સામે જ જો આપણી વ્યક્તિ ડિપ્રેશનમાં સરી જાય તો તેનું એક કારણ આપણે ખુદ હોઈએ છીએ. તમારી વ્યક્તિમાં આવતા બદલાવને તમે પકડી શકો છો?માત્ર પકડવાથી નહીં પણ તેનાં કારણોમાં ઊંડા ઊતરીને તેને મદદ કરવાનો પ્રયત્ન કરો છો? તું હવે પહેલાં જેવી નથી રહી કે તું હવે અગાઉ હતો એવો નથી રહ્યો એવું આપણે બધાં કહીએ છીએ પણ એવું વિચારીએ છીએ ખરાં કે એ હવે અગાઉ જેવો કેમ નથી રહ્યો અથવા તો એ હવે કેમ જુદી લાગે છે? માણસમાં કોઈ બદલાવ રાતોરાત નથી આવતો, ધીમે ધીમે માણસ બદલાતો જતો હોય છે. જો પહેલેથી જ આપણું ધ્યાન હશે તો આપણી વ્યક્તિ હંમેશાં હતી એવી ને એવી રહે છે. જરાક ચેક કરજો,તમારી વ્યક્તિ એવી ને એવી છે કે નહીં? ન હોય તો એક વાત યાદ રાખજો કે ક્યારેય કંઈ એટલું મોડું નથી હોતું કે પાછું ન વળી શકાય. ઘણી વખત તો આપણે જ પ્રેમ કરવાનું ભૂલી ગયા હોઈએ છીએ.             
છેલ્લો સીન :
જંગલના સિંહને જબરદસ્તીથી વશ કરી શકાય છે, પણ ગમે તેટલી જબરદસ્તીથી એક ફૂલ ઉગાડી શકાતું નથી. જબરદસ્તીથી તમે કોઈને વશ કરી શકો, પ્રેમ નહીં. -અજ્ઞાત
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 08 ડિસેમ્બર,2013. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *