તારું અને મારું સપનું એક છે કે જુદું જુદું?

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
પાનખરમાં ને વસંતમાં ફેર શું એ જાણવા,
તમને અડકીને પછી ખુદને અડયો છું હું મને.
-ખલીલ ધનતેજવી
માણસ સપનાંઓમાં જીવતો હોય છે. એવાં સપનાં જે સાર્થક કરવાં એ જિંદગી અને અસ્તિત્વને દાવ પર લગાડી દે છે. સુખનું સપનું, સફળતાનું સપનું, સંબંધનું સપનું, સ્નેહનું સપનું અને સહવાસનું સપનું. ઇચ્છાઓ, તમન્નાઓ, અપેક્ષાઓ અને આશાઓ સપનાં બનીને આપણી આંખમાં અને આપણા આયખામાં તરવરતાં રહે છે. બધાં એક એવા દિવસની રાહ જોતા હોય છે જ્યારે એનાં સપનાં હકીકતમાં પરિણમે. સપનાં વગરની જિંદગીનો કોઈ મતલબ હોતો નથી. જ્યાં સુધી સપનાં છે ત્યાં સુધી જ જિજીવિષા છે, જે દિવસે માણસ સપનાં જોવાનું બંધ કરી દે છે એ દિવસથી એના અંતનો આરંભ થઈ જાય છે.
અંત માત્ર મોતથી નથી આવતો. ઘણાં જીવતા લોકો પણ જીવન વગરના હોય છે. શ્વાસ ચાલવો એ જ જિંદગી નથી. જિંદગી એટલે ધબકવું, જિંદગી એટલે જાગતાં રહેવું અને જિંદગી એટલે સપનાં જોતાં રહેવું. ઊંઘમાં આવતાં સપનાંઓ પર આપણો અંકુશ નથી હોતો, એ તો છુટ્ટા ઘોડા જેવાં હોય છે. જાગતી આંખે જોવાતાં સપનાંની લગામ આપણા હાથમાં હોય છે. બંધ આંખે જોવાતાં સપનાં સાચાં હોતાં નથી અને ખુલ્લી આંખે જોવાતાં સપનાં ઘણી વખત સાચાં પડતાં નથી. સપનાં સાચાં પડવાં અને સપનાં સાચાં ન પડવાં પાછળ ઘણાં કારણો હોય છે. બે વ્યક્તિનું સપનું જ્યારે એક હોય ત્યારે એ સાકાર થવાના ચાન્સીસ સેંકડો ગણા વધી જાય છે.
એક પતિ-પત્ની હતાં. પતિ સાયન્ટિસ્ટ હતો અને પત્ની હાઉસવાઈફ હતી. આ કપલે ઘર ખરીદ્યું. ગામની બહાર ઘર બનાવવાની મકસદ એક જ હતી કે વૈજ્ઞાનિક પતિ ઘરના એક રૂમમાં લેબોરેટરી બનાવી તેને જે શોધ કરવી હતી એ કરી શકે. ઘરમાં રહેવા ગયાં ત્યારે પતિએ કહ્યું કે આ ઘરમાં મારું એક સપનું છે. મારી શોધ પૂરી થાય એ દિવસે આપણે બંને ઘરના બગીચામાં બેસી મારી શોધનું સેલિબ્રેશન કરીએ. આપણે બે જ હોઈએ અને સુંદર ફૂલો હોય. નવા ઘરમાં બગીચાનું તો અસ્તિત્વ જ ન હતું. ખુલ્લી જમીન જ હતી.
પતિ-પત્ની નવા ઘરમાં રહેવા લાગ્યાં. પતિ ધૂની હતો. એ તો એક વાર લેબોરેટરીમાં ઘૂસ્યો એટલે ઘૂસ્યો. રાત-દિવસ એની શોધમાં જ મશગૂલ રહે. લેબોરેટરીની બહાર જ ન નીકળે. રોજ નવા નવા પ્રયોગો કરે પણ સફળતા ન મળે. આમ ને આમ એક વર્ષ થઈ ગયું. એક દિવસ અચાનક જ એની શોધ પૂરી થઈ ગઈ. એનો પ્રયોગ સફળ થયો. એની ખુશીનો પાર ન હતો. એ નાચવા લાગ્યો. લેબોરેટરીની બહાર નીકળી એણે પત્નીને તેડી લીધી. એક વર્ષ પછી એ ઘરની બહાર નીકળતો હતો.
ઘરની બહાર નીકળ્યો તો આંગણામાં સુંદર બગીચો લહેરાતો હતો. રંગબેરંગી ફૂલો ઊગેલાં હતાં. ચાંદનીના પ્રકાશમાં બગીચો સ્વર્ગ જેવો લાગતો હતો. પતિએ આશ્ચર્ય સાથે કહ્યું કે આટલો સુંદર બગીચો! પત્નીએ કહ્યું કે તારું સપનું હતું ને કે તને તારી શોધમાં સફળતા મળે ત્યારે બગીચામાં બેસીને એનું સેલિબ્રેશન કરીશું. જો બગીચો તૈયાર છે. તું દરરોજ તારી શોધમાં વ્યસ્ત હતો ત્યારે હું તારી માટે બગીચો બનાવતી હતી. તારી શોધ પૂરી થાત અને બગીચો ન હોત તો તારું સપનું અધૂરું રહી જાતને?પતિએ કહ્યું કે શોધ ભલે મેં કરી હોય પણ સપનું તેં સિદ્ધ કર્યું છે. બે વ્યક્તિનું સપનું એક હોય તો જ સપનું સાર્થક થાય છે. મારી શોધ તને અર્પણ કરું છું, તું મને આ બગીચો અર્પણ કરી દે. જો આપણાં સપનાં કેવાં ખીલી અને મહેકી રહ્યાં છે.
એક ફિલોસોફરે સરસ વાત કરી છે. તેણે કહ્યું કે તમારે જો બધાંથી આગળ ચાલવું હોય તો એકલા ચાલો પણ જો તમારે બહુ દૂર સુધી ચાલવું હોય તો બધાંને સાથે લઈને ચાલો. એકલા ચાલીને કદાચ આગળ તો નીકળી જવાય પણ આગળ ગયા પછીય આપણે એકલા જ હોય છીએ. એકલો માણસ થાકી જાય છે અને ઘણી વખત રસ્તા પર ફસડાઈ પણ જાય છે. આવા સમયે જો કોઈ ઊભા કરવાવાળું કે ખભો થપથપાવવાવાળું કોઈ હોય તો સપનાં અધૂરાં છૂટતાં નથી. સફળ થયેલી કંપનીઓ અને મિશન્સ વિશે થયેલો એક અભ્યાસ એવું કહે છે કે એ જ કંપની કે એ જ મિશન સફળ થાય છે જ્યારે તેમાં જોડાયેલા બધાનાં સપનાં એક હોય. અલગ અલગ સપનાંઓ આંધી જ સર્જે. હોડીમાં બધાં એક તરફ હલેસાં મારતાં હોય તો જ હોડી આગળ વધે. બધાં લોકો પોતાની મરજી મુજબ આડેધડ અને ઊંધાં-ચત્તાં હલેસાં મારવા લાગે તો હોડી આગળ તો ન વધે પણ હોડી ડૂબવાના ચાન્સીસ વધી જાય છે.
સપનું માત્ર સફળતાનું નથી હોતું. સપનું સુખનું પણ હોય છે. પોતાની વ્યક્તિ સાથે જીવવાનું દરેક વ્યક્તિનું પોતાનું સપનું હોય છે. હું મારી પત્ની કે મારા પતિ સાથે આવી રીતે રહીશ, અમારું સરસ ઘર હશે, સુંદર સંસાર હશે, આવા વિચાર દરેકને આવ્યા હોય છે અને આવતા જ હોય છે. દરેકને સારી જિંદગી જીવવી હોય છે પણ જીવી શકાતી નથી. તેનું સૌથી મોટું કારણ એ જ હોય છે કે દરેકને પોતાનું સપનું પોતાની રીતે અને પોતાની શરતે સાકાર કરવું હોય છે. જબરદસ્તીથી આપણું સપનું કોઈનું સપનું બનાવી શકાતું નથી. તારું સપનું અને મારું સપનું જુદું છે. એમાં આપણું સપનું ક્યાંથી બનવાનું છે? આપણે સપનાંમાં બાંધછોડ કરતા નથી.
દરેક વખતે બે વ્યક્તિનું સપનું એક જ હોય એવું બનતું નથી. આવા સમયે શું કરવું? એક પતિ-પત્ની હતાં. બંનેનાં સપનાં અલગ હતાં. બંને સમજુ હતાં. એક વખત સાથે બેસીને વાત કરી કે આપણાં સપનાં એક નથી. આપણું ગાડું ક્યાંથી આગળ ચાલવાનું છે? એ સમયે પત્નીએ કહ્યું કે એક ઇલાજ છે. આપણે એકબીજાંનાં સપનાંનું સન્માન કરીએ. એકબીજાંનાં સપનાં ભલે જુદાં જુદાં હોય પણ એકબીજાંનાં સપનાં સાકાર થવાની શુભકામના તો રાખી શકીએને? હું તારાં સપનાં માટે સજાગ રહીશ અને તું મારાં સપનાં માટે જાગૃત રહેજે. એકબીજાંનું સપનું સાકાર કરવાનું એક સપનું આપણે બંને સાથે ન જોઈ શકીએ? આવું થઈ શકતું હોય તો કેવું સારું? આજના સમયમાં તો આ સપનું જ શ્રેષ્ઠ છે.
પણ ના, આપણને એકબીજાંના સપનાની કદર નથી. આપણે તો એકબીજાં પર પોતાનું સપનું ઠોકી બેસાડવું હોય છે. મારું સપનું તારા સપનાથી જુદું જ કેવી રીતે હોઈ શકે? તારું સપનું જુદું હોય તો એને બદલી નાખ. તેં મને પ્રેમ કર્યો છે. તેં મારી સાથે લગ્ન કર્યાં છે. તું મારા માટે આટલું ન કરી શકે? શું મારા કરતાં પણ તારા માટે તારું સપનું વધુ મહત્ત્વનું છે? ઇમોશનલ બ્લેકમેઇલિંગ કરીને પણ આપણે આપણાં સપનાં આપણી વ્યક્તિ પર ઠોકી બેસાડતાં હોઈએ છીએ. રિલેશનશિપ બ્રેક થવાનાં કારણો ઘણી વખત સમજાતાં હોતાં નથી. મોટા ભાગે સપનાં બ્રેક થાય છે ત્યારે સંબંધ બ્રેક થતો હોય છે. સપનાં ઓર્કેસ્ટ્રા જેવાં હોવાં જોઈએ. વાજિંત્ર ભલે જુદાં જુદાં હોય પણ સૂર એક નીકળવો જોઈએ. સૂર એકસરખા નીકળવાની પહેલી અને એકમાત્ર શરત એ હોય છે કે બધાં સાથે મળીને સૂરને સમજે અને સૂરને છેડે. તમારા સૂર તમારી વ્યક્તિ સાથે મળે છે? સપનું એક હોવું જોઈએ, પછી એ બંનેએ સાથે જોયેલું હોય કે બંનેનું સપનું અલગ અલગ હોય. અલગ અલગ હોય તો બંનેએ એક સપનું એ જોવાનું કે બંનેનાં સપનાં સાકાર થાય. માત્ર એકનું જ સપનું સાકાર થશે તો કદાચ સફળતા મળી જશે પણ સુખ નહીં મળે. સાચું સુખ તો સહિયારા સપનામાં જ છે.
છેલ્લો સીન:
બદલાયા વગર આગળ વધી શકાતું નથી. બદલાવું પડે છે, કારણ કે આપણે જેવા બનવું હોય છે એ સ્વરૂપે ભગવાન આપણને જન્મ નથી આપતો. -અજ્ઞાત
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 15 ડિસેમ્બર,2013. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *