દરેક સલાહ સાચી હોય એ જરાયે જરૂરી નથી
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
હું લખું કે તું લખે કે આ લખે કે તે લખે, પણ હવાની સ્લેટ પરનો શબ્દ વંચાતો નથી,
ભેદભીનું મૌન એ લિપી વિનાનું વાક્ય છે, ને ઘણાંથી એક પણ અક્ષર ઉકેલાતો નથી.
–કિરણ ચૌહાણ
જિંદગી ઘણી વખત માણસ સામે દ્વિધા લઈને આવે છે. માણસ નક્કી કરી શકતો નથી કે શું કરું? જિંદગી ઘણી વખત એવા મુકામ પર આવી જાય છે જ્યાંથી આગળ એક કરતાં વધુ માર્ગો હોય છે. જિંદગીના માર્ગો પર માઈલ સ્ટોન કે નોટિસ બોર્ડ હોતાં નથી. ક્યાંય એવું લખેલું નથી હોતું કે આ માર્ગ સાચો છે કે આ માર્ગ ખોટો છે. મંઝિલે પહોંચ્યા પછી જ ખબર પડતી હોય છે કે માર્ગ વાજબી હતો કે ગેરવાજબી.
મૂંઝવણમાં હોય ત્યારે માણસ શું કરે છે? કોઈની સલાહ લે છે. પોતે જેને ડાહ્યા, સમજુ, અનુભવી, પરિપક્વ કે બુદ્ધિશાળી સમજતા હોય તેને જઈને પૂછે છે કે મારે શું કરવું? પોતાની વ્યક્તિને, મિત્રને, ક્લીગને કે સ્વજનને મળી એડવાઈઝ લે છે. સલાહ લેવામાં કંઈ જ ખોટું નથી. દરેક માણસ ક્યારેક તો કોઈની સલાહ લેતો જ હોય છે. સૌથી મોટો સવાલ એ હોય છે કે તમે કોની સલાહ લ્યો છો અને કોની સલાહ માનો છો?
એક યુવાનને સંગીતમાં રુચિ હતી. સંગીતનો અભ્યાસ કરી એ મ્યુઝિકને જ કરિયર બનાવવા ઇચ્છતો હતો. તેણે એક વડીલની સલાહ માંગી. હું મ્યુઝિક જોઈન કરું કે નહીં? એ વડીલે સલાહ આપી કે મ્યુઝિકમાં તો કેટલી બધી અનસર્ટેનિટી છે. કમ્પિટિશન પણ ખૂબ છે. દરેક માણસ સફળ ન થઈ શકે. એના કરતાં નોકરી મળે એવું કંઈક ભણ. એ વડીલ યુવાનનું બૂરું ઇચ્છતા ન હતા પણ યુવાનનાં સપનાં ઉપર ભરોસો પણ નહોતા કરતા. અમુક માર્ગો ચોક્કસ હોય છે. બીકોમ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકો. એમબીએ કરી માર્કેટિંગ કે ફાઈનાન્સ ક્ષેત્રમાં જઈ શકો. સાયન્સ લઈને ડોક્ટર બની શકો. ઘણાં ક્ષેત્રો એવાં છે જ્યાં ફક્ત સ્કિલ અને આર્ટ જ કામ લાગે છે. નવા મુકામ અજાણ્યા રસ્તે જ મળતા હોય છે.
આ જ યુવાન એક બીજા સમજુ માણસ પાસે ગયો. તેને પૂછયું કે હું મ્યુઝિકમાં જાઉં કે નહીં? તેણે કહ્યું કે હું તને હા કે ના નહીં કહું પણ તને જરાક જુદી વાત કરીશ. માણસ જ્યારે એના સપનાની દિશામાં આગળ વધતો હોય ત્યારે લોકો તેને જાતજાતની સલાહ આપતાં હોય છે. ઘણા લોકો ખોટી સલાહ આપે છે. ખોટી સલાહ આપનારા તમારા માટે ખોટું વિચારતા હોતા નથી પણ ઘણી વખત એ તમારા સપનાંને સમજતાં નથી. તમારાં સપનાં તમારે જ સાકાર કરવાનાં હોય છે. સપનું જેમ મોટું હોય એમ ચેલેન્જીસ પણ મોટી અને વધુ હોવાની. તને તારી માથે ભરોસો છે? જો હા હોય તો આગળ વધ અને જો ના હોય તો ભરોસો શા માટે નથી એના વિશે વિચાર કર.
સલાહ ક્યારેય એકસરખી નહીં હોવાની. જેટલા લોકોને મળશો એટલી સલાહ મળશે. હા, ઘણી સલાહ મળતી આવતી હશે પણ સલાહમાં બહુમતી ન ચાલે. પાંચમાંથી ત્રણ એક સલાહ આપે અને બાકીના બે બીજી સલાહ આપે તો બીજી સલાહ ખોટી હોય એવું માની ન લેવાય. ઘણી વખત માણસ વધુ લોકો કહેતા હોય એ વાત સાચી માની લેતા હોય છે અને એ રીતે ડિસિઝન લઈ લેતા હોય છે. જેટલા વધુ લોકોની સલાહ લેશો એટલી ગૂંચવણ વધવાની છે.
એક યુવાન ફિલોસોફર પાસે ગયો. તેણે કહ્યું કે તમે બધાને સલાહ આપો છો તે કયા આધારે આપો છો? ફિલોસોફરે કહ્યું કે પહેલી વાત તો એ કે હું કોઈને સલાહ આપતો નથી. હું એ જ વાત કરું છું જેના વિશે મારા પોતાના વિચારો અને માન્યતાઓ છે. એ બધાં માટે સાચી હોય એ જરૂરી નથી. એક માણસ જે રીતે સફળ થાય એ જ રીતે બીજો માણસ સફળ થાય એ જરૂરી નથી. એ યુવાને ફિલોસોફરને બીજો સવાલ કર્યો કે દરેક માણસની સલાહ જુદી જુદી કેમ હોય છે? ફિલોસોફરે કહ્યું કે દરેક માણસ પોતાની રીતે જિંદગી જીવે છે. અનુભવોના આધારે માન્યતાઓ બાંધે છે, એને જે અનુભવો થયા હોય એ જ સાચા માની લે છે. દરેક માટે દરેક બાબત સાચી કે ખોટી નથી હોતી. જે બાબત મારા માટે સાચી છે એ બીજા માટે ખોટી હોઈ શકે છે અને જે બીજા માટે ખોટી હોય એ મારા માટે સાચી હોઈ શકે છે. જ્યારે તમે કોઈની સલાહ લેવા જાવ ત્યારે એ પોતાના અનુભવોના આધારે જ તમને સલાહ આપશે. કોઈ તમને સલાહ આપે ત્યારે એ પણ વિચારો કે એ માણસ તમને એવી સલાહ શા માટે આપે છે? તેનું બેકગ્રાઉન્ડ શું છે? એને એવા કયા અનુભવ થયા છે કે એ તમને આવી સલાહ આપે છે? એને જેવા અનુભવ થયા છે એવા જ અનુભવ તમને થાય એવું જરૂરી છે ખરું?
નોકરી બાબતે લોકો સલાહ માંગતાં રહે છે. ખાસ તો જે માણસ નોકરી કરી ચૂક્યા હોય એના અનુભવો પૂછે છે. એક યુવાનને એક કંપનીમાં નોકરી મળે તેમ હતી. એ જ કંપનીમાં અગાઉ નોકરી કરી ચૂકેલી વ્યક્તિની તેણે સલાહ લીધી. પેલા માણસે કહ્યું કે એ કંપનીનો બોસ છે, એ બહુ ખરાબ માણસ છે. એક નંબરનો તોછડો છે. કોઇને કંઈ સમજતો નથી. એ માણસ પાસેથી કોઈ આશા રાખવા જેવું નથી. યુવાન પાસે બીજી ચોઈસ ન હતી એટલે એણે એ જોબ જોઈન કરી લીધી. તેણે નક્કી કર્યું કે હું ખૂબ મહેનત કરીશ, મને લાગે છે કે હું સફળ થઈશ.
બન્યું એવું કે એ યુવાનને બોસ સાથે સારું ફાવી ગયું. તેને તો એ બોસમાં કંઈ પ્રોબ્લેમ ન લાગ્યો. એની ગાઈડલાઈન મુજબ એ કામ કરી આપતો. એ યુવાને એક દિવસ બોસને પૂછયું કે તમારા વિશે લોકો નેગેટિવ કેમ બોલે છે? બોસે કહ્યું કે એટલા માટે કે હું તેના પ્રત્યે નેગેટિવ હતો. હું શા માટે નેગેટિવ હતો એ તેઓ ક્યારેય વિચારતા નથી. આપણે અહીં કામ કરીએ છીએ. હું પણ કામ કરું છું. જે લોકોને કામ નથી કરવું એને મારી સાથે બનવાનું નહીં. ઘણા લોકો ખુશામતથી, ભલામણથી અને જુદી જુદી રીતે ટકવા મથતાં હોય છે, એ પોતાના માર્ગે નિષ્ફળ જાય ત્યારે બીજાને દોષ દેતા ફરે છે. સાચી વાત એ જ હોય છે કે તમારે જે કરવાનું હોય એ કરતાં રહો તો કોઈ જ વાંધો આવતો નથી. ઘણાંને બીજાના ખભે બેસીને મંઝિલે પહોંચવું હોય છે. એવા લોકો પોતે તો મંઝિલે નથી પહોંચતા પણ જેના ખભે બેઠા હોય એને પણ મંઝિલે પહોંચવા દેતા નથી.
દરેકનાં સપનાં પોતાનાં હોય છે અને એ હંમેશાં બીજાથી જુદા હોય છે. માણસ જ્યાં સુધી જોખમ નથી ઉઠાવતો ત્યાં સુધી એને ખબર જ નથી પડતી કે એ શું કરી શકે છે. દરેક માણસે તકેદારી રાખવી જોઈએ કે કોઈ સલાહ એનું મનોબળ નબળું ન પાડે. માણસ જેમ જેમ પોતાનાં સપનાં તરફ કદમ ભરે છે એમ એમ ઘણાં એવું ઠોકી બેસાડવાનો પ્રયાસ કરશે કે તમે જે કરવા જઈ રહ્યા છો એ મુશ્કેલ છે, એ અઘરું છે, એ અશક્ય છે. આવી સલાહ ઘણી વખત આપણી આસપાસ નેગેટિવિટીનું એક પાંજરું રચી દેતાં હોય છે અને આપણને એ ખબર જ નથી પડતી કે આપણે ક્યારે એ પાંજરામાં પુરાઈ ગયા.
જે વાત, જે સલાહ, જે પરિબળ, જે પરિસ્થિતિ આપણને રોકતી હોય એનાથી દૂર રહેવું. તમારાં સપનાં તમે જ જોયાં હોય છે. એ સપનાં તમે કોઈને બતાવવા જશો તો એ એની રીતે જોવાનાં છે અને એની રીતે મૂલવવાનાં છે. તમારી જે દૃષ્ટિ હોય એ જ દૃષ્ટિ તેની હોય એ જરૂરી નથી. માણસનો બેસ્ટ સલાહકાર પોતે જ હોય છે. આપણું દિલ જ આપણને જવાબ આપતું હોય છે. તમને સાચી દિશા તમે જ આપી શકો. મહાત્મા ગાંધીજીએ ક્યારેય કોઈને પૂછયું ન હતું કે હું સત્યાગ્રહ કરું કે નહીં? ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વૈજ્ઞાનિકે કોઈને પૂછયું હોય કે હું આ શોધ કરું કે નહીં? તમને યોગ્ય લાગે એ નિર્ણય લ્યો. તમારાથી સાચી સલાહ તમને બીજું કોઈ આપી શકવાનું નથી.
છેલ્લો સીન :
સફળતાના માત્ર વિચારો જ કરવા કરતાં કામ કરીને નિષ્ફળ જવું લાખ દરજ્જે સારું છે. -રોડેલિયો હન્ટર.
(‘સંદેશ’, તા. 6 ઓકટોબર,2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com