કેટલાંક મૌન ‘સાઇલન્ટ કિલર’ જેવાં હોય છે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
ઇસ તરહ તાજ્જુબ સે મુઝે આપ ન દેખેં,
હાલાત બદલ દેતે હૈં, હાલાત કે તેવર.
-સલાહુદ્દીન નૈયર
શબ્દ ભેદી હોય છે. શબ્દ ક્યારેક ડર પહેરીને આવે છે તો ક્યારેક ચિંતા ઓઢીને આવે છે. દરેક શબ્દનું એક પોત હોય છે. શબ્દ ક્યારેક હળવો થઈ જાય છે અને ક્યારેક ભારેખમ. એક જ વાત જ્યારે એકના મોઢે સાંભળીએ ત્યારે આશ્વાસન લાગે છે અને એ જ વાત જ્યારે બીજાના મોઢે સાંભળીએ ત્યારે આફત બની જાય છે. માણસ શબ્દનો કેવી રીતે ઉપયોગ કરે છે તેના ઉપરથી તેની મેચ્યોરિટીનું માપ નીકળતું હોય છે. કોઈ બોલે તો એવું લાગે કે બસ બોલતાં જ રહે અને કોઈનો એક શબ્દ પણ અસહ્ય લાગતો હોય છે.
શબ્દનું સૌંદર્ય હોય છે. આ સૌંદર્યને પંપાળતા રહેવું પડે છે. શબ્દને જો સાચવીને વાપરતા ન આવડે તો શબ્દને પણ કાટ લાગી જાય છે. શબ્દ બોદા થઈ જાય છે. શબ્દમાં અસર પેદા કરવા માટે શબ્દને સંવેદનામાં ઝબોળવા પડે છે. એક માણસ સાધુ પાસે ગયો. સાધુને કહ્યું કે, મારા શબ્દો કઈ રીતે સાકાર બને? સાધુએ કહ્યું કે એ તો તું શબ્દને કેવો આકાર આપે છે તેના ઉપર આધાર રાખે છે. શબ્દને શણગારવા પડે છે. તમે જેનાથી શબ્દોને મઢો એવા શબ્દો વર્તાય છે. ફૂલનો શણગાર કરશો તો કોમળતા બક્ષશે અને જો કાંટા જડશો તો કોઈને ઈજા પહોંચાડશે. કેટલાક લોકો શબ્દોની ધાર જ કાઢતા રહે છે. આજે તો એને મોઢામોઢ સંભળાવી દેવું છે. શબ્દો ચોપડાવી દેવાની ચીજ નથી, શબ્દો સ્પર્શવાની વસ્તુ છે.
શબ્દો જીવંત છે. શબ્દોમાં ધબકાર છે. શબ્દોમાં શ્વાસ છે. જીવંત માણસમાં જ શબ્દો સજીવન રહે છે. શબ્દોની કબર બનાવવી કે શબ્દોનો બગીચો એ માણસના હાથની વાત હોય છે. શબ્દો સાવચેતીથી વાપરવા જોઈએ. શબ્દો માણસને ચીરી નાખે છે અને શબ્દો જ માણસને સીવી નાખે છે. શબ્દોની તીક્ષ્ણતા આકરી હોય છે. જોકે, મૌન તો ઘણી વાર શબ્દોથી પણ તેજ, ધારદાર, ઘાતક, જીવલેણ અને તીક્ષ્ણ બની જતું હોય છે. મૌન છે એ શબ્દોની સમાધિ જેવું હોવું જોઈએ. મૌન શબ્દોને સુંવાળા બનાવે તેવું હોવું જોઈએ. મૌન પછી નીકળતા શબ્દો સ્મૂધ, સાત્ત્વિક અને સંવેદનશીલ હોવા જોઈએ. શબ્દ ત્યારે જ સિદ્ધ થાય જો મૌન સાધના જેવું હોય.
અબોલા એ મૌન નથી. અબોલા શબ્દો પર ગુજારાતો અત્યાચાર છે. અબોલા શબ્દનું ગળું ઘોંટી તેને તરફડાવીને મારી નાંખવાનું ગુનાઈત કૃત્ય છે. આપણું મૌન જ્યારે મારકણું બની જાય ત્યારે સમજવું કે આપણે શબ્દોની ઇજ્જત લૂંટી લીધી છે. મૌનનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવો જોખમી છે. આજની સાર્વત્રિક સમસ્યા એ ‘અબોલા’ છે. ઘણા લોકો ગુસ્સો ઠાલવવા કે વેર વાળવા મૌનનો સહારો લેતા હોય છે. દરેક માણસે ક્યારેક ને ક્યારેક આ શસ્ત્ર વાપર્યું હોય છે. પ્રેમીઓ વચ્ચે કે દંપતીઓ વચ્ચે આજે દીવાલ ઊભી કરનારું સૌથી મોટું કોઈ પરિબળ હોય તો એ અબોલા છે. અબોલા સહન ન થઈ શકે એવા હોય છે. અબોલા માણસને હિંસક બનાવી દે છે.
કેટલાંક પતિ-પત્નીઓ એકબીજાં સામે મોઢું ચડાવીને ફરતાં હોય છે. એક જ પથારી હોય છે, બે વ્યક્તિ નજીક હોય છે,એકબીજાના શ્વાસ પણ સંભળાતા હોય છે પણ અબોલાએ બંનેને જોજનો દૂર કરી દીધાં હોય છે. એક દીવાલ રચાઈ જતી હોય છે, જે ઓગળતી નથી અને આપણે તેમાં માથાં પછાડીને અંદર ને અંદર ઘૂંટાતા રહીએ છીએ. એક પતિ-પત્ની હતાં. બંનેએ લવ મેરેજ કર્યાં હતાં. કોઈ મુદ્દે ઝઘડો થયો અને બંને બોલતાં બંધ થઈ ગયાં. કોણ શરૂઆત કરે એ મુદ્દે ઘણી વાર અબોલા લંબાઈ જતા હોય છે. જેટલા દૂર જઈએ એટલું નજીક આવતા વાર લાગતી હોય છે. નજર મળે તોયે ચકમક ઝરતી હોય છે. આખરે પત્નીએ કહ્યું કે, આમ જો તો. આપણે દોઢ દિવસથી બોલ્યાં નથી. યાદ કર, પ્રેમમાં હતાં ત્યારે એકબીજાંનો અવાજ સાંભળવા તરસતાં હતાં. મોકા શોધતાં હતાં કે ક્યારે તારા મોઢે કંઈક સાંભળું. કંઈક વાત કર. આપણે અબોલા માટે નથી મળ્યાં. તારું મૌન મને પાંજરા જેવું લાગે છે. હું તરફડું છું. તારા શબ્દોથી મને મુક્ત કરી દે. કંઈક બોલ. અરે, નારાજ હોય તો ગુસ્સો કરી લે પણ ચૂપ ન બેસ. ગુસ્સે થઈશ તો હું તને શાંત કરી દઈશ પણ આમ શાંત થઈ જઈશ તો હું પણ સંકોચાઈ જઈશ. ઘણી વખત મૌન ઓગળી જાય પછી માણસ વરસતો હોય છે. ભીંજાતો હોય છે. લથબથ થતો હોય છે. તમારી વ્યક્તિ નારાજ હોય ત્યારે પ્રયાસ કરી જોજો.
મૌન ક્યારેક ‘જનરેશન ગેપ’ વધારી દેતું હોય છે. ઘણાં મા-બાપ સંતાનો સામે મૌન રહી સંતાનોને સતાવતાં રહે છે. આવું મૌન સત્યાગ્રહ નહીં પણ હઠાગ્રહ હોય છે. તમારી પાસે જવાબ જોઈતો હોય ત્યારે તમે મૌન રહો એ અપમાનનો જ એક પ્રકાર છે. જો સંતાનો તમારી સામે સાચી વાત ન કહી શકે તો સમજજો કે ક્યાંક તમારો પણ દોષ છે. તમારા મૌન ઉપર તમે ક્યારેય બિલોરી કાચ માંડયો છે? મૌનનું પોસ્ટમોર્ટમ કર્યું છે? કરી જોજો. તો જ તમને સમજાશે કે તમે શબ્દની કતલ કરી છે કે શબ્દએ આત્મહત્યા કરી છે?
શબ્દ ર્તાર્ષિકક હોવા જોઈએ અને મૌન ર્માર્ષિમક હોવું જોઈએ. એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે મને બોલવાનું શીખતાં બે વર્ષ થયાં હતાં અને મૌન રહેતા હું પચાસ વર્ષેય પૂરું શીખી શક્યો નથી. મૌનમાં અસર હોય તો મૌન શબ્દો કરતાં પણ સચોટ રીતે કામ કરે છે. મૌનમાં નજાકત હોવી જોઈએ. સવાલ એ હોય છે કે આપણે મૌનની ભાષા કેટલી ઉકેલી શકીએ છીએ. ભાષા ઉકેલવા માટે એ પણ જરૂરી હોય છે કે મૌન કેવું છે?
પ્રેમમાં હોઈએ ત્યારે મૌન માદક હોય છે. એક શબ્દ બોલ્યા વિના પણ સંવાદ રચાતો હોય છે. કોઈ કંઈ બોલે નહીં તો પણ ઘણું કહેવાતું હોય છે, ઘણું બોલાતું હોય છે, ઘણું સંભળાતું હોય છે. મૌન સોળે કળાએ ખીલી ગયું હોય છે. તેનું કારણ એ જ હોય છે કે બંનેના મનમાં હળવાશ હોય છે. ઘણી વખત શબ્દો ન મળે ત્યારે મૌન વાચાળ થઈ જતું હોય છે. દીકરીની વિદાય વખતે બાપ કંઈ બોલી ન શકે ત્યારે શબ્દો આંખમાં બાઝી ઓગળવા લાગતા હોય છે. પ્રેમી દૂર જતો હોય ત્યારે મૌન હૃદયના ધબકારામાં ગાજતું હોય છે. કોઈ સાંભરી આવે ત્યારે કંઈ બોલી શકાતું નથી અને મૌન કલ્પાંત કરતું રહે છે.
ઘણી વખત કંઈક કહેવું હોય છે, પણ શબ્દો સ્ફુરતા નથી. આવું મૌન અકળાવનારું હોય છે. મૌનને પણ ઘણી વખત ‘વેણ’ઉપડતી હોય છે. આખી દુનિયાએ મૌનનો મહિમા ગાયો છે. છતાં એક હકીકત એ પણ છે કે જો તમને સારી રીતે સંવાદ કરતા આવડતો હોય તો મૌનની કંઈ જરૂર જ નથી. ઘણી વખત શબ્દો જ શાતા આપતા હોય છે. સરવાળે વાત એ જ હોય છે કે તમે શું કહો છો અને કેવી રીતે કહો છો. કહેતાં ન આવડે તો એવું પણ બને કે આપણે કહીએ કંઈ અને આપણી જ વ્યક્તિ સમજે કંઈક. આપણે જે અર્થમાં કહીએ છીએ એ જ મતલબમાં આપણી વ્યક્તિને પહોંચતું હોય છે ખરું? મૌન માણવાની ચીજ છે,મારવાની નહીં. ચૂપ હોવ ત્યારે વિચારી જો જો કે તમારું મૌન કેવું છે? સાઇલન્ટ કિલર તો નથીને?
છેલ્લો સીન :
માણસે બે જ વાર શરમાવવા જેવું છે, બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું. -શેખ સાદી
(‘સંદેશ’, તા. 13 ઓકટોબર,2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: