તું હતો તો દુનિયા કંઇક જુદી જ હતી
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
રોજ આવે છે એ જ ચકલી છે, માત્ર બારી જ એણે બદલી છે.
એ જ દૃશ્યો છે ‘ખલીલ’ આજે, મેં ફક્ત મારી નજર બદલી છે.
-ખલીલ ધનતેજવી
માણસને સૌથી વધુ ઝંખના શેની હોય છે? માણસની. પોતાની વ્યક્તિ વગર માણસ અધૂરો છે. માણસ બધા વગર રહી શકે છે પણ માણસ વગર રહી શકતો નથી. તમને કોની ગેરહાજરી સતત સાલે છે?ગેરહાજરી બે પ્રકારની હોય છે. એક તો કોઈ હોય જ નહીં અને સતત ગેરહાજરી વર્તાય. બીજું કોઈ હોય અને ચાલ્યું જાય એ પછી વર્તાતી ગેરહાજરી. બીજા પ્રકારની ગેરહાજરી વધુ આકરી છે, કારણ કે હાજરીમાં આપણી વ્યક્તિ કંઈક છોડી ગઈ હોય છે. થોડીક યાદો,થોડીક ઘટના, થોડાંક સપનાં, થોડાક શબ્દો, થોડુંક સાંનિધ્ય, થોડોક સ્પર્શ અને અઢળક આત્મીયતા.
સતત કંઈક યાદ આવતું રહે છે, સતત કંઈક પડઘાતું રહે છે, અજાણ્યો ખાલીપો આપણને ગૂંગળાવતો રહે છે, એક અસ્તિત્વ સતત મોટું થતું રહે છે અને પછી છમ્મ થઈને ગૂમ થઈ જાય છે. બાકી રહે છે ફક્ત ગેરહાજરી, ઉદાસી, ઝૂરાપો અને શૂન્યાવકાશ. સુખ હોય જ નહીં તો દુઃખ એટલું આકરું લાગતું નથી, પણ સુખના ગયા પછીનું દુઃખ વધુ આકરું હોય છે. માણસનું પણ એવું જ છે. હોય ત્યારે એ બહુ જ સહજ અને સાહજિક લાગે છે, ગયા પછી જ એનો અહેસાસ થાય છે. માણસની હાજરીનું મહત્ત્વ તેની ગેરહાજરીથી જ વર્તાતું હોય છે. કોઈ જાય છે ત્યારે જાણે આખું ઘર સાથે લેતું જાય છે. કોઈ જાય ત્યારે આખું શહેર સાથે લેતું જાય છે. એના વગર બધું જ ખાલીખમ લાગે છે, પોતાનું અસ્તિત્વ પણ ભ્રમ લાગે છે.
તારા વગર મારું જાણે કોઈ જ અસ્તિત્વ નથી. તું નથી તો હું ક્યાં હોવ છું? મને તો એવું લાગે છે કે અસ્તિત્વ તારું નથી હોતું કે અસ્તિત્વ મારું નથી હોતું, અસ્તિત્વ તો આપણું હોય છે. હવે મને સમજાય છે કે પાનખરમાં બગીચો કેમ ઉદાસ લાગે છે. હા, એવું કહેવાય છે કે દરેક પાનખર પછી વસંત આવે છે, પણ એ પહેલાં કેટલું તૂટવાનું, કેટલું ખરવાનું અને કેટલું ઝૂરવાનું હોય છે? ખરી પડેલાં પાંદડાંનો ખાલીપો ડાળથી કેમ સહન થતો હશે? ઓટના સમયે દરિયાને ભરતીનો વિરહ સાલતો હશે? ચંદ્રને અમાસ અઘરી લાગતી હશે? માળીને ફૂલની ગેરહાજરી વર્તાતી હશે? એ પતંગિયાનું શું જે ડાળીએ ડાળીએ ફૂલ શોધતું હશે અને માત્ર કાંટાઓની હાજરી મળતી હશે? તારા વગર હવા પણ સૂકી લાગે છે, હવામાં ભીનાશ હતી કે તું? પાણી આગને ઠારે છે, પણ આંસુ આગને વધુ દાહક બનાવી દે છે. એક વ્યક્તિ ન હોય ત્યારે કેટલું બધું ચાલ્યું જતું હોય છે!
એક અંધ છોકરી હતી. દુનિયા જોવાનું એના નસીબમાં ન હતું. તેની સાથે વાત કરવાવાળું કોઈ ન હતું. તેને એવું જ લાગતું કે દુનિયા બ્લેક છે, કંઈ છે જ નહીં, બધું ખાલી જ છે. એ બીમાર પડી. તેને લાગવા માંડયું કે હવે હું મરી જઈશ. તબિયત લથડતી ગઈ. બીમારી ગંભીર ન હતી, પણ માનસિકતા કમજોર હતી. જિજીવિષા તો એને હોય જેની પાસે જીવવાનો કોઈ મતલબ હોય. એનું હાલવા, ચાલવાનું બંધ થઈ ગયું. ગામની બહાર આવેલી એક હોસ્પિટલમાં એને દાખલ કરી દેવાઈ. તેને એવું લાગવા માંડયું કે હવે હું ક્યારેય અહીંથી બહાર જ નહીં નીકળું.
હોસ્પિટલના રૂમમાં બે પથારી હતી. થોડા દિવસોમાં એક યુવાન દર્દીને એ રૂમમાં દાખલ કરાયો. તેની બીમારી ગંભીર હતી. ધીમે ધીમે બંને વચ્ચે દોસ્તી થઈ. એક દિવસ છોકરીએ પૂછયું કે, હોસ્પિટલની રૂમની બહારનું દૃશ્ય કેવું છે? છોકરાએ વર્ણન કર્યું કે બારીની બહારનું વાતાવરણ અદ્ભુત છે. તું જોઈ શકતી હોત તો તને ખબર પડત કે રૂમની બહારનું દૃશ્ય કેટલું આહ્લાદક છે. બહાર બગીચો છે. બગીચામાં ફૂલ છે. થોડાંક બાળકો હીંચકે છે. એક માળી બગીચાની માવજત કરે છે. દરરોજ એ બગીચાની સુંદરતાની વાતો કરવા લાગ્યો. આજે બગીચામાં એક ગુલાબી ફૂલ ઊગ્યું છે. પાંદડાંનો રંગ અસલ તારા કુમળા હોઠ જેવો છે. છોકરી હોઠને અડી. ગુલાબી રંગ કેવો હોય એની એને ખબર ન હતી. પહેલી વખત તેને એવું લાગ્યું કે ગુલાબી રંગ દિલને ઠંડક આપે એવો હોતો હશે.
દરરોજ નવું વિવરણ થતું અને છોકરીની કલ્પનાઓ ખીલવા લાગતી. એ ઊભી થઈ શકતી ન હતી. છોકરાએ હાથ પકડીને કહ્યું કે,એવી કલ્પના કર કે હું તને બગીચામાં ફરવા લઈ ગયો છું. આપણે બાંકડે બેઠાં છીએ. થોડાંક પતંગિયાં ઊડાઊડ કરે છે અને ફૂલની સુગંધ પ્રસરે છે. છોકરીને થયું જાણે કોઈ અજાણી સુગંધથી આખો રૂમ ભરાઈ ગયો છે.
એક દિવસ છોકરાએ કહ્યું કે, જો વરસાદ પડે છે. એક મેઘધનુષ રચાયું છે. જુદા જુદા રંગ છે. જિંદગી જેવા રંગ. અલગ અલગ રંગ. ધીમે ધીમે છોકરીને જિંદગી જીવવા જેવી લાગી. મરવાનો ડર ચાલ્યો ગયો. છોકરીની તબિયત સુધરતી હતી. બરાબર એ જ સમયે છોકરાની બીમારીએ ઊથલો માર્યો. તેને સમજાઈ ગયું કે હવે વધુ સમય નથી. એક રાતે એ ઊભો થયો, છોકરીના કપાળ પર હળવું ચુંબન કર્યું. છોકરી ઊંઘમાંથી જાગી ગઈ. પૂછયું કે, શું થયું? છોકરાએ સામો સવાલ કર્યો કે, જિંદગી સુંદર છેને? છોકરીએ કહ્યું, હા, ખૂબ સુંદર છે. છોકરાએ પૂછયું, તું થાકીશ નહીંને? હારીશ નહીંને? છોકરીએ કહ્યું, ના. હવે ક્યારેય નહીં થાકું. છોકરો પોતાની પથારીમાં જઈને સૂઈ ગયો.
સવારે ડોક્ટરે આવીને છોકરીને કહ્યું કે, તારી સાથે જે યુવાન હતો એ ગુજરી ગયો. હવે એ નથી. છોકરી ધીમે ધીમે ઊભી થઈ. છોકરાના માથા પર હાથ મૂક્યો. જિંદગીથી દૂર જતાં પહેલાં તું મને જિંદગીની નજીક મૂકતો ગયો. એ દોસ્ત તારામાં કંઈક ખૂબી હતી. હું જીવીશ અને તને મારામાં કાયમ જીવતો રાખીશ.
હવે બારીની બહારના દૃશ્યનું વર્ણન કરવાવાળું કોઈ જ ન હતું. થોડા દિવસોમાં એક બીજો યુવાન એ જ રૂમમાં દાખલ કરાયો. હવે કોઈ હતું પણ જે ચાલ્યો ગયો એ યુવાન ન હતો. આમ છતાં છોકરીથી એક દિવસ પુછાઈ ગયું કે, બારીની બહારનું દૃશ્ય કેવું છે?યુવાને બારીની બહાર નજર કરી અને કહ્યું કે, બહારનું વાતાવરણ એકદમ ડરામણું છે, ભયાવહ છે, બહાર માત્ર ખીણ છે ખીણ,સુંદરતાનું કોઈ તત્ત્વ નથી. નરક કદાચ હશે તો આના જેટલું ખરાબ નહીં હોય. ખીણની દીવાલોમાં ચામાચીડિયા લટકે છે. છોકરીએ બૂમ પાડી બસ, હવે એક શબ્દ ન બોલીશ. બારીની બહાર જે દૃશ્ય હોય તે પણ મારી આંધળી આંખોમાં જે દૃશ્ય છે એને તું બરબાદ ન કર. બગીચો, ફૂલ, પતંગિયાં, મેઘધનુષ અને હીંચકે ઝૂલતાં બાળકો. આ દૃશ્યો જ સાચાં છે.
હવે પછી તું ક્યારેય મારી સાથે વાત ન કરીશ. છોકરીએ કહી દીધું. છોકરાએ કહ્યું કે, નહીં કરું પણ મારી પહેલાંના દર્દીએ એક પત્ર મૂકી રાખ્યો છે, એ સાંભળી લે. પત્રમાં લખ્યું હતું, પ્રિય તું, હવે હું નથી. હું તો જવાનો જ હતો. મેં રચેલાં દૃશ્યો કદાચ ખોટાં પડી ગયાં હશે. જિંદગીને તો આપણે માનીએ એવી હોય છે. મારું માનજે, તું જીવજે. મારાં દૃશ્યોને તારામાં જીવતાં રાખીને. હું ઉપર તારી રાહ જોઈશ અને તું જેટલી મોડી આવીશ એટલું મને ગમશે. હું સમજીશ કે તું જીવે છે અને મને તારામાં જીવાડે છે. મારે જીવવું છે. મને જીવાડીશને તારામાં? બારીની બહાર ફરીથી મેઘધનુષ રચાયું છે, એક ફૂલ ખીલે છે, એક પતંગિયું ઊડે છે અને તું જીવે છે. તને જિંદગી મુબારક! તારો દોસ્ત. છોકરીએ કહ્યું, હા, જિંદગી સુંદર છે, બધું જ છે, મેઘધનુષ, ફૂલ, પતંગિયાં બસ તું નથી.
કોઈની ગેરહાજરીમાં તમને કયાં દૃશ્ય અધૂરાં લાગે છે? ઘર કેટલું ખાલી લાગે છે? શહેર કેટલું સૂનું લાગે છે? કયો દોસ્ત, કયો સાથી, કયો સ્વજન અને કયો સંગાથી તમારા માટે મહત્ત્વનો છે? જેની સાથે મજા આવતી હોય એની સાથે જીવી લો. કોઈ ફરિયાદ વગર, કોઈ અધૂરપ વગર, કોઈ ચિંતા વગર એની હાજરીને માણો. નાની નાની ખુશીઓ ચાલી જાય પછી જ એ સમજાતું હોય છે એ ખુશી કેટલી મોટી હતી! માત્ર એટલું વિચારો કે જે વ્યક્તિ આજે તમારી સાથે છે એ ન હોય તો જિંદગી કેટલી ખાલી થઈ જાય! દુનિયામાં કંઈ જ અને કોઈ જ કાયમી નથી, આજે જેટલું જીવી લેશો એટલું જ સાથે રહેવાનું છે. તમને ગમતી વ્યક્તિની આંખમાં આંખ પરોવીને કહેજો કે તું છે તો બધું જ છે, તું નથી તો કંઈ નથી. તું નથી તો હું પણ નથી. આપણે છીએ તો તું છે અને હું છું.
છેલ્લો સીન :
ભૂતકાળમાં મેં જે આંસુ પાડયાં હતાં એ અત્યારે યાદ કરું છું તો હસવું આવે છે, પરંતુ મને એ ખબર નહોતી કે ભૂતકાળમાં આપણે જે હસ્યાં હતાં એ યાદ કરવાથી આંસુ આવી જશે. -અજ્ઞાત
(‘સંદેશ’, તા. 8 સપ્ટેમ્બર,2013. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
very nice post sir…..