સાચા પડવાની વેદના અને ખોટા પડવાનું સુખ!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
મન ઘણી વાર અકારણ ઉદાસ પણ લાગેનર્યા એકાંતનો ખુદનેય ભાર પણ લાગે,
દુઃખી હૃદય! તને પાછું ભલા થયું છે શુંકોઈ ન હોય અને આસપાસ પણ લાગે!
રશીદ મીર.

જિંદગી અલગ અલગ પડાવ અને મુકામ કરીને આગળ વધતી હોય છે. જિંદગી ક્યારેક દોડે છે, ક્યારેક ખટકે છે, ક્યારેક છટકે છે, ક્યારેક ભટકે છે અને ક્યારેક અટકે છે. આપણી આંખોએ કેટલાં બધાં દૃશ્યો જોયાં હોય છે, આપણા કાને કેટલા બધા અવાજો સાંભળ્યા હોય છે,શ્વાસે જાતજાતની હવા ભરી હોય છે. રંગ બદલતા રહેવું એ જિંદગીની ફિતરત છે. જિંદગીના રસ્તા મુજબ માણસે દિલનાં ગિયર બદલતાં રહેવાં પડે છે. આખી દુનિયા જાણે છે કે આપણે ઇચ્છીએ એમ ક્યારેય થવાનું નથી છતાં બધા જ લોકો એવું ઇચ્છતા હોય છે કે હું ઇચ્છું એમ થાય. દરેક બાબતમાં આપણે સાચા પડવું હોય છે. આમ છતાં, માણસ ક્યારેક એવું ઇચ્છતો હોય છે કે હું આમાં ખોટો પડું! ક્યારેક એ ભગવાનને પ્રાર્થના કરતો હોય છે કે, હે ભગવાન! મહેરબાની કરીને તું મને ખોટો પાડજે! મારે સાચા નથી પડવું! મને તો જ સારું લાગશે જો હું ખોટો પડીશ!
આપણી કોઈ સલાહ માંગે ત્યારે આપણે શું ઇચ્છતા હોઈએ છીએ? આપણી પ્રિય વ્યક્તિ હોય ત્યારે આપણે એવું જ ઇચ્છીએ છીએ કે એ આપણે કહીએ એમ કરે. એ વ્યક્તિ આપણી સલાહ અવગણીને એનું ધાર્યું જ કરે ત્યારે આપણે શું ઇચ્છીએ છીએ? એ ખોટો પડે એવું કે આપણે ખોટા પડીએ એવું? સરવાળે તો એક ખોટો પડવાનો છે અને એક સાચો. પરિણામ આવી જાય પછી આપણે કેવા રહીએ છીએ અને શું કરીએ છીએ તેના પરથી જ આપણા સંબંધની સાર્થકતા નક્કી થતી હોય છે. મોટા ભાગે માણસ એવું જ કહેતો રહે છે કે હું તો તને ના પાડતો હતો, છતાં તેં તારું ધાર્યું જ કર્યું, હવે ભોગવ. સમજો નહીં તો શું થાય? તારે કોઇનું માનવું તો છે નહીં!
એક માણસની વાત છે. તેનો પરિવાર સુખી અને સંપન્ન હતો. પતિ-પત્ની અને એકની એક દીકરી. દીકરીને બહુ જતનપૂર્વક ઉછેરી હતી. એની ઇચ્છા અને તેના નિર્ણયોમાં ક્યારેય જરૂર કરતાં વધારે દખલગીરી કરી ન હતી. ભણવામાં હોશિયાર દીકરી પણ ડાહી હતી. મા-બાપને શું ગમશે અને શું નહીં ગમે તેની પૂરતી ખેવના રાખતી હતી. દરેક વખતે માણસ પોતાના લોકોને ગમે એવું જ કરી શકતો નથી. એક દિવસ દીકરીએ કહ્યું કે તેને સાથે ભણતા એક છોકરા સાથે પ્રેમ છે અને તેની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. મા-બાપે એ છોકરાની તપાસ કરાવી. દીકરી માટે બંને જેવું ઇચ્છતાં હતાં એવો એ છોકરો હતો નહીં. દીકરી માટે વેલ સેટલ્ડ છોકરો અને સુખી સંપન્ન પરિવાર મળે તેવી બંનેની ઇચ્છા હતી. એ છોકરો તો સામાન્ય પરિવારનો હતો. ડાહ્યો હતો પણ દીકરી સુખી રહી શકે એવું તેની પાસે ખાસ કંઈ ન હતું. દેખાવમાં પણ દીકરી માટે કલ્પના કરી હતી એવો એ છોકરો ન હતો.
પિતાએ દીકરીને કહ્યું કે, અમને નથી લાગતું કે તું એ છોકરા સાથે સુખી રહી શકે. તારા માટે અમે ઘણું જુદું વિચારી રાખ્યું છે. તું એની સાથે લગ્ન ન કરે તો સારું. દીકરીએ કહી દીધું કે, સોરી પપ્પા, લગ્ન તો હું તેની સાથે જ કરીશ. પિતાએ બહુ પ્રેમથી કહ્યું કે તારા ઉપર ક્યારેય કોઈ બાબતે જબરજસ્તી કરી નથી, આ વખતે પણ નહીં કરીએ. છતાં અમને જે લાગે છે એ કહીએ છીએ કે તું એની સાથે સુખી નહીં થાય. ફાઇનલ ડિસિઝન તારું હશે. દીકરીએ પોતાની ઇચ્છા મુજબ કર્યું અને મા-બાપે કરવા પણ દીધું. એ માણસ ત્યારથી રોજ ભગવાનને પ્રાર્થના કરે છે કે, મને ખોટો પાડજે. મારે સાચા નથી પડવું. દરરોજ એ દીકરીની ચિંતામાં પીડાતો હતો. મારી દીકરી ખુશ હશેને? અમે ના પાડી હતી એટલે ક્યાંક એવું તો એ નહીં કરતી હોય કે મજામાં ન હોવા છતાં અમને સાચી વાત ન કરે!
દ્વિધામાં રહેતા આ માણસને એક વખત તેના મિત્રએ ચિંતાનું કારણ પૂછયું. તેણે મિત્રને બધી સાચી વાત કરી અને કહ્યું કે મને એવું જ થાય છે કે હું ખોટો પડું તો સારું. મિત્રએ કહ્યું કે, સૌથી પહેલાં તો તું તારા મનમાં સાચા પડવાનો જે ડર છે એ કાઢી નાખ. હવે બીજી વાત, માન કે તું સાચો પડે તો શું? સાચો પડે તો શું કરવું એ વાત તેણે મિત્રને સમજાવી.
બીજા દિવસે પિતાએ તેની દીકરીને ઘરે બોલાવી. પિતાએ પૂછયું તું, ખુશ છે? સુખી છે? મજામાં છે? દીકરીએ ભાવુક થઇને પિતાની સામે જોયું અને પૂછયું કે કેમ તમે આવું પૂછો છો? મેં તમને ક્યાં કોઈ ફરિયાદ કરી છે? પિતાએ દીકરીનો હાથ પકડીને કહ્યું કે અમે તારા દરેક નિર્ણયનો આદર કર્યો છે. હું કહેતો રહ્યો છું કે તું એની સાથે સુખી નહીં થાય પણ હું ઇચ્છું છું કે તું એની સાથે સુખી થાય. હવે હું એટલું જ કહું છું કે, ભલે જે થવાનું હોય એ થાય. અમે દરેક સ્થિતિમાં તારી સાથે છીએ. તારા સુખમાં, તારા દુઃખમાં, તારી ખુશીમાં, તારા ગમમાં, તારા ચડાવમાં, તારા ઉતારમાં, તારા હાસ્યમાં અને તારા રુદનમાં પણ અમે તારી સાથે છીએ. કોઈ વાતનું ઓછું ન લાવતી. એટલું યાદ રાખજે કે બે વ્યક્તિ એવી છે જે તને ખૂબ જ પ્રેમ કરે છે.
દીકરીની આંખમાંથી એક આંસુ ટપકીને પિતાના હાથ પર પડયું. દીકરીએ કહ્યું કે હવે હું સુખી છું, હવે હું ખુશ છું. મારા પતિ સાથે તો હું સારી રીતે જીવું જ છું પણ હું તમને દુઃખી અને ડિસ્ટર્બ જોઈ શકતી ન હતી. મારું સુખ તમારી સાથે પણ જોડાયેલું છે. મારા માટે એટલું પૂરતું છે કે તમે મારી સાથે છો, મારાથી ખુશ છો! સાચા પડવાનું કે ખોટા પડવાનું કોઈ મહત્ત્વ નથી કે કોઈ મતલબ નથી,મતલબ આપણે કેવા છીએ એ હોય છે. મને એક કમી હતી એ પણ તમે પૂરી કરી દીધી.
આપણી વ્યક્તિ આપણે ઇચ્છીએ એમ જ કરે એ જરૂરી નથી. તમે જેને પ્રેમ કરતા હોવ એને પ્રેમ કરતા રહો. દરેક સ્થિતિમાં, દરેક સંજોગમાં, દરેક હાલતમાં તમે હોવ એ જ રહો તો તમારી વ્યક્તિને ક્યારેય એના નિર્ણયનો ભાર નહીં લાગે. તમારી વ્યક્તિ ખોટી પડે તો તેની સાથે રહો, કારણ કે એને ત્યારે તમારી સૌથી વધુ જરૂર હોય છે. તમે વિશ્વાસ આપો કે બધી જ દિશાઓ બંધ થઈ જાય તો પણ એટલી ખાતરી રાખજે કે એક દિશા તારા માટે ખુલ્લી છે.
આપણે દરેક વખતે સાચા જ હોઇએ અને સાચા જ પડીએ એવું જરૂરી નથી. હા, તમારા વિચાર, તમારો મત, તમારું મંતવ્ય ચોક્કસ વ્યક્ત કરો પણ તમારો નિર્ણય તમારી વ્યક્તિ પર ઠોકી ન બેસાડો. પોતાની વ્યક્તિના નિર્ણયનું સન્માન કરવું એ પણ પ્રેમ અને સંબંધનો જ એક ભાગ છે. સંબંધમાં કંઈ જ દેખાડી દેવાનું કે જોઈ લેવાનું હોતું નથી.
જિંદગીમાં સંબંધની સૌથી મોટી કસોટી ત્યારે જ થતી હોય છે કે આપણે આપણી વ્યક્તિની ભૂલ કેવી રીતે સ્વીકારીએ છીએ? ભૂલ કરનારને એના હાલ અને એનાં નસીબ પર છોડી દેવાનું સાવ સહેલું છે. ભૂલ કરનારને એની ભૂલ ભોગવવાનો અફસોસ નહીં હોય પણ તમે જો તેની સાથે નહીં હોવ તો એનો અફસોસ વધારે હશે. આપણે ખોટા પડીએ ત્યારે આપણી વ્યક્તિને સ્વીકારવાનું વધુ અઘરું હોય છે!
એક મિત્રની વાત છે. તેની બહેને લવમેરેજ કર્યાં. ભાઇને બહેનની પસંદ ગમતી ન હતી. ભાઇએ કહી દીધું કે આપણા સંબંધ પૂરા. તને તારી જિંદગી મુબારક. હા, એટલું કહું છું કે જે દિવસે દુઃખી થાય એ દિવસે આવતી રે’જે. તારા ભાઇના ઘરના દરવાજા ખુલ્લા હશે. બહેને પોતાના પ્રિય પાત્ર સાથે લગ્ન કરી લીધાં. એ સુખી હતી. કોઈ દુઃખ ન હતું. વર્ષો વીતી ગયાં. ભાઇએ બોલાવી જ નહીં. એક દિવસે બહેને પત્ર લખ્યો. તેણે લખ્યું કે ભાઈ, તું બહુ યાદ આવે છે. આખરે તારી સાથે મોટી થઈ છું, તારી સાથે રમી છું, તેં બહુ લાડકી રાખી છે. જતી વખતે પણ તેં એવું જ કહ્યું હતું કે દુઃખી થા તો આવતી રહેજે. પણ ભાઈ, હું દુઃખી નથી. દુઃખી ન હોઉં તો મારે ક્યારેય નહીં આવવાનું? તું તો એવું જ ઇચ્છતો હતો ને કે હું સુખી હોઉં? હું સુખી છું, તો પણ તું કેમ નારાજ છે? આ પત્ર પણ એટલું કહેવા જ લખાઈ ગયો છે કે ભાઈ હું સુખી છું, પ્લીઝ, તું દુઃખી ન રહેતો!
સાચા પડીએ કે ખોટા, આપણું વર્તન, હૂંફ, શબ્દો અને સંગાથ ન બદલે એ જ સાચો સંબંધ. વિચારી જોજો, તમને ક્યારે એવું થયું છે કે હું ખોટો પડું તો સારો? અને હા, એટલું પણ વિચારજો કે તમે એના માટે હતા એવા જ છો ખરાં? ન હોવ તો માત્ર એટલું કહી દો કે આઈ એમ ઓલવેઝ ધેર ફોર યુ…
છેલ્લો સીન :
ઉદારતા વધુ આપવામાં નહીં, પરંતુ સમયસર આપવામાં રહેલી છે. -અજ્ઞાત
(‘સંદેશ’, તા. 1 સપ્ટેમ્બર,2013. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “

  1. Lekh vanchi ne aankh bhini thai gayi. Gai kale putra sathe thayela sanvad yaad aavi gaya. Have mari aankh khuli gayi che. Teni khusi mate banatu badhu j karis. Thanks……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *