તમારે સુખી થવું હોય તો પહેલાં સારા બનો

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
કર્મ તેરે અચ્છે હૈ, તો કિસ્મત તેરી દાસી હૈ.
દિલ તેરા અચ્છા હૈ તો ઘરમેં મથુરા કાશી હૈ.
-અજ્ઞાત
સુખી થવાની સૌથી મોટી શરત શું છે? એક તો પોતાની જાતને સુખી માનવી અને બે સારા હોવું. જે પોતાને સુખી નથી માનતા એ દુઃખ શોધતા ફરે છે. એને દુઃખી હોવા માટે પણ કોઈ કારણ કે બહાનું જોઈતું હોય છે. દુઃખી થવા માટે નાનકડું કારણ પણ પૂરતું છે. કોઈ કારણ ન મળે તો છેવટે માણસ એમ કહે છે કે વાતાવરણ કેવું ભંગાર છે, મજા જ નથી આવતી. આવા લોકોને ઠંડી, ગરમી કે વરસાદ કંઈ જ માફક નથી આવતું.
બે મિત્રો હતા. એક મિત્રની લાઈફમાં એક ઘટના બની હતી. તેને એક માણસ છેતરી ગયો હતો. દરરોજ એ વાતને યાદ કરીને એ દુઃખી થતો હતો. રોજ એકની એક વાત સાંભળીને મિત્ર પણ કંટાળી ગયો હતો. તેને સમજાતું ન હતું કે આને કેમ કહું કે તું આ વાત મગજમાંથી કાઢ. આખરે તેને એક ઉપાય મળી આવ્યો. મિત્રને કહ્યું કે, ચાલ, તને આજે એક જોક કહું. મિત્રએ જોક કહ્યો. બીજો મિત્ર ખૂબ હસ્યો. બીજા દિવસે ફરીથી એ જ જોક કહ્યો. તેનો મિત્ર થોડું હસ્યો. સતત એક અઠવાડિયા સુધી એકનો એક જોક કહેતો રહ્યો. મિત્ર હસવાને બદલે ગુસ્સે થઈ ગયો. આ શું તું દરરોજ એકનો એક જોક કહે છે. આખરે તેના મિત્રએ કહ્યું કે, આપણે એકને એક જોક સાંભળીને દરરોજ ખુશ નથી થતા તો પછી એકને એક દુઃખ વાગોળીને દુઃખી કેમ થતાં રહીએ છીએ? તું રોજ દુઃખી થાય છે એ મારાથી નથી જોવાતું. જે ભૂલવા યોગ્ય હોય એ ભૂલી જવું જોઈએ.
માણસ સુખી રહેવા માટે અને સારો બનવા માટે જ સર્જાયો હોય છે. સુખ એ માણસને જ સદે છે જે સારો છે. હવે તો વૈજ્ઞાનિક રીતે પણ એ સાબિત થયું છે કે સ્વાર્થી અને અપ્રામાણિક માણસોને કુદરત પણ બચાવતી નથી. ‘નેચર’ નામના મેગેઝિનમાં હમણાં બે સાયન્ટિસ્ટે કહેલું સંશોધન એ વાતે ઉજાગર કરે છે કે માત્ર માણસો જ નહીં, દરેક જીવોમાં જે સારા છે એ સુખી છે અને ઈશ્વર પણ આવા જીવોની મદદે આવે છે.
મિશિગન સ્ટેટ યુનિર્વસિટીના માઇક્રોબાયોલોજી અને મોલેક્યુલર જિનેટિક્સના પ્રોફેસર ક્રિસ્ટોફ અડામીએ વર્ષો સુધી કરેલા સંશોધન પછી એવું તારણ આપ્યું કે જે સારા નથી મતલબ કે સ્વાર્થી અને અપ્રામાણિક છે તેને કુદરત સજા આપે છે. હા,પહેલાં એવું લાગે કે સ્વાર્થી અને અપ્રામાણિક જીવો સફળ થાય છે પણ સરવાળે કુદરત તેને સજા આપે જ છે. દરેક ધર્મશાસ્ત્રો છેલ્લે તો એવું જ કહે છે કે જેવાં કર્મો કરો એવાં ફળ મળે છે. ‘પોએટિક જસ્ટિસ’ નો સિદ્ધાંત પણ ઘણાં લોકો ટાંકતા રહે છે. ખરેખર કુદરત બધું જોતી હોય છે? એનો કોઈ આધાર નથી પણ કંઈક તો એવું હોય છે અને ક્યારેક તો દરેકને એવું ફીલ થતું જ હોય છે કે કુદરત જેવું કંઈક છે.
વૈજ્ઞાનિકોના આ સંશોધનને જરાક જુદી રીતે પણ જોવા અને સમજવા જેવું છે. સંશોધન કહે છે કે સ્વાર્થી અને અપ્રામાણિક માણસોને કુદરત બચાવતી નથી. તેનો બીજો મતલબ એવો પણ કાઢી શકાય કે જે પ્રામાણિક અને સારા છે તેને કુદરત મદદ કરે છે. સુપ્રસિદ્ધ લેખક પાઉલો કોએલો તેના પુસ્તક ‘અલ કેમિસ્ટ’માં લખે છે કે જ્યારે માણસ કોઈ ઉમદા કે શુભ હેતુથી કોઈ કાર્ય શરૂ કરે છે ત્યારે સમગ્ર કાયનાત તેની મદદે આવે છે. સુખી માણસ ઓલવેઝ સારો અને શાંત હોવાનો. સંતના ચહેરા ઉપર શાંતિ પથરાયેલી હોય છે. શેતાનના ચહેરા પર હંમેશાં ઉચાટ અને ઉદ્વેગ જ રહેવાનો. આમ તો માણસનું મોઢું જ કહી દેતું હોય છે કે એ માણસ કેવો છે. ઘણા માણસોને જોઈને જ એવું લાગે કે આ ભરોસાપાત્ર નથી અને કેટલાંક લોકો કોઈ કારણ વગર સારા, સમજુ અને શાણા લાગતા હોય છે. દરેક માણસની સમાજમાં એક છાપ હોય છે. આ છાપ એમ ને એમ નથી બનતી, એનું વર્તન અને કર્મો જ એના કપાળે સારા કે ખરાબ, નિર્દોષ કે બદમાશ, હસમુખ કે હલકટ, ઉમદા કે ઉદ્ધતની છાપ અંકિત કરી દેતું હોય છે.
જે માણસ દિલથી સારું ઇચ્છે છે અને સારું કહે છે એનું સારું જ થાય છે. આપણે આપણી નજર સામે એવા અનેક કિસ્સા જોતા હોઈએ છીએ કે સારાને સારો બદલો મળ્યો હોય. એક નજીકના મિત્ર સાથે બનેલી સાવ સાચી એક ઘટના છે. એ મિત્ર પ્રોફેસર છે. મૂળે ખેડૂતનો દીકરો. ગામડામાં જન્મ્યો. ભણવામાં હોશિયાર. સારી રીતે ભણી એક મોટા શહેરમાં પ્રોફેસર થયો. સારો પગાર હતો. પત્ની પણ નોકરી કરતી હતી. પૈસે ટકે બંને ખૂબ સુખી. સંસ્કારો પણ સારા મળ્યા હતા.
આ મિત્રને બે ભાઈઓ. મોટા ભાઈ પિતાની સાથે ખેતી કરે. તેનાથી નાનો એક નાની પણ સારી જોબ કરતો. એ બંને પણ સુખી અને ખુશ હતા. પિતાને કુલ ત્રણ ખેતર હતાં. બાપ-દીકરો જ્યાં ખેતી કરતા હતા એ ખેતર નદી કાંઠે હતું અને સારો પાક આપતું હતું. બીજા ખેતરમાં કૂવાના પાણીથી પાક થતો હતો. ત્રીજું ખેતર એવું હતું જ્યાં બહુ કંઈ પાકતું ન હતું. નહોતી નદી કે નહોતો કૂવો. વરસાદના આધારે જ ખેતી ચાલતી હતી. પિતા વૃદ્ધ થયા એટલે ત્રણેય દીકરાને બોલાવીને કહ્યું કે, હવે મારું કંઈ નક્કી નહીં. મારા જીવતાજીવ તમને ત્રણેયને તમારા ભાગ આપી દેવાની ઇચ્છા છે.
પ્રોફેસર દીકરો સમજુ હતો. તેણે કહ્યું કે નદીકાંઠે જે ખેતર છે એ જે ભાઈ ખેતી કરે છે એને આપી દો. કૂવાવાળું ખેતર બીજી નોકરી કરતાં ભાઈને આપો. જે ખેતરમાં ભાગ્યે જ પાક થાય છે એ મને આપી દો. મારે સારી આવક છે એટલે મને વાંધો નથી. બીજા બે ભાઈઓ કંઈ બોલ્યા નહીં. પિતા એમ માની લે એવા ન હતા. એ કુદરતી ન્યાયને માનતા હતા. તેણે પ્રોફેસર દીકરાની વાત નકારી કાઢી. પિતાએ કહ્યું કે આપણે ચિઠ્ઠી નાખીએ. તમે ત્રણેય ચિઠ્ઠી ઉપાડો. જેના ભાગે જે ખેતર આવે એ એનું. પ્રોફેસર દીકરાએ ભગવાનને મનોમન પ્રાર્થના કરી કે મને નબળું ખેતર મળે.
પિતાએ ત્રણેય ખેતરનાં નામ સાથે ત્રણ ચિઠ્ઠી બનાવી. જમીન પર ફેંકી. ત્રણેય દીકરાઓને કહ્યું કે એકએક ચિઠ્ઠી ઉપાડો. પ્રોફેસર દીકરાએ સૌથી છેલ્લે ચિઠ્ઠી ઉપાડી. ચિઠ્ઠી વાંચીને એ ખુશ થઈ ગયો. તેણે ઇચ્છયું હતું એમ જ સૌથી સમૃદ્ધ ખેતર ખેતી કરતા ભાઈના ભાગે આવ્યું હતું અને સૌથી નબળું પોતાને ભાગે. તેણે ભગવાનનો આભાર માન્યો. થોડાં વર્ષો વીત્યાં. બાકીના બે ભાઈઓના ખેતરમાં સારો પાક થતો. સારી આવક થતી. જ્યારે પ્રોફેસર મિત્રનું ખેતર દિવસે ને દિવસે બગડતું ગયું. એક દિવસ એવો આવ્યો કે એમાં કંઈ જ ઊગતું ન હતું. જો કે પ્રોફેસર મિત્રને કોઈ રંજ ન હતો. એ તો પોતાના ભાઈઓને સુખી જોઈને ખુશ થતો હતો.
એક દિવસ સવારે ઊઠીને છાપું ખોલ્યું તો પ્રોફેસર મિત્રની આંખ પહોળી થઈ ગઈ. એનું ખેતર હતું ત્યાંથી એક નેશનલ હાઈવે બનાવવાનો નિર્ણય લેવાયો હતો. એ રોડ બે મોટાં શહેરને જોડતો હતો. આ રોડ બનવાની જાહેરાત થતાં જ પ્રોફેસર મિત્રના ખેતરની જમીનના ભાવ રાતોરાત દસ ગણાં થઈ ગયા. દરેક કામમાં સાથ આપતી પત્નીએ આખરે કહ્યું કે તમે સારા છો અને ભાઈઓનું સારું જ ઇચ્છો છો તેનું કુદરતે ફળ આપ્યું છે.
સારા સાથે સારું જ થાય છે. આપણને ભલે ઘણી વખત એવું લાગતું હોય કે સારાના ભાગે સહન કરવાનું જ આવે છે પણ એવું હોતું નથી. આપણે વડીલોના મોઢે ઘણી વખત એવું સાંભળ્યું છે કે ભોળાનો ભગવાન હોય છે. સારા હોય એ જ ભોળા હોય. બદમાશ ક્યારેય ભોળા હોતા નથી. દરેક માણસ બેઝિકલી તો સારો જ હોય છે પણ તેના વિચારો, તેનું વર્તન અને તેનાં કાર્યો તેને આડા રવાડે ચડાવતાં હોય છે. આપણને ઘણી વખત એવું પણ લાગતું હોય છે કે જે બદમાશ છે, ખોટું કરે છે એ બધા જ જલસા કરે છે. જલસા કરનાર ખરેખર સુખી હોય એ જરૂરી નથી. આમ તો કોઈ શું કરે છે એની ચિંતા કે ચર્ચામાં પડવાની પણ જરૂર નથી. હું સારો છું અને મારે સારા રહેવું છે એવું નક્કી કરો. કુદરત તમારી સાથે જ રહેશે.
છેલ્લો સીન :
વસ્તુઓ, સંજોગો કે પરિસ્થિતિ ક્યારેય બદલાતી નથી, આપણે તો ફક્ત તેને મૂલવવાની દૃષ્ટિમાં જ ફેરફાર કરવાનો હોય છે. -અજ્ઞાત.
(‘સંદેશ’, તા. 18 ઓગસ્ટ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “

Leave a Reply

%d bloggers like this: