જીવનના રંગ

  કૃષ્ણકાંત ઉનડકટ
જે જિંદગી રંગીન છે એ જ જિંદગી સંગીન છે. જિંદગી રંગ બદલતી રહે છે. આનંદનો પણ એક રંગ છે અને ઉદાસીનો પણ અનોખો રંગ છે. દરેક માનસિકતા અને અવસ્થાનો રંગ આપણા ચહેરા પર ઝળકે છે. દરેક રંગને દિલથી જીવવાનું નામ જ જિંદગી છે. જિંદગીના રંગોથી ક્યારેય મોં ન ફેરવો, પછી એ રંગ સફેદ હોય, કાળો હોય કે ગુલાબી!
આજે રંગોનું પર્વ છે. હવામાં આજે રંગોના મેઘધનુષ્ય રચાશે અને વિખરાશે. જિંદગીનું પણ એવું જ છે, રંગો રચાય છે, રંગો બદલાય છે અને રંગો વિખરાય છે. રંગ એ જ શીખવે છે કે કોઈ રંગ કાયમી નથી. આજે જે લીલું છે એ કાલે પીળું પણ હોઈ શકે છે. અને કાલે પીળું હોય એ પરમ દિવસે ગુલાબી પણ થઈ શકે છે. માણસે જિંદગીના દરેક રંગ જીવવાના હોય છે. ધુળેટીના પર્વનો મર્મ જ એ છે કે દરેક રંગને પૂરી તીવ્રતાથી જીવી લો.
પ્રકૃતિ પણ સવારથી સાંજ અને રાતથી પ્રભાત સુધીમાં કેટલા રંગો બદલે છે ? આકાશ એ કુદરતનું કેનવાસ છે. ક્યારેય વાદળો રંગોળી પૂરે છે તો ક્યારેક સંધ્યા સોળે કળાએ ખીલી ઊઠે છે. ખેતરમાં ઊગતો પાક રંગ બદલતો રહે છે. દરિયાનો રંગ કિનારે કિનારે જુદો જુદો હોય છે. વનરાજી લીલોતરી ઓઢે છે. રણની રેતીનો પોતાનો રંગ છે, પહાડોના પણ રંગ હોય છે અને પથ્થરો પણ રંગીન હોય છે.
માણસના શરીરમાં પણ કેટલા બધા રંગ હોય છે? નસ લીલી હોય છે પણ દોડતું રક્ત લાલ હોય છે. ધોળી આંખમાં કાળી કીકી છે અને નખમાં ગુલાબી ઝાંય છે. મચ્છર કરડે તોયે ચામડીનો રંગ બદલાઈ જાય છે, તો પછી જિંદગીની થપાટો અને જિંદગીના વહાલ સાથે જીવનના રંગ તો બદલાવાના જ છેને ?
ચલો, રંગની વાત જરાક જુદી રીતે જોઈએ! તમે તમારા વર્તનમાં રંગ અનુભવો છો કે નહીં ? અનુભવતા જ હશો. એટલે જ કોઈ ગુસ્સે થાય ત્યારે આપણે કહીએ છીએ કે એ વખતે તો એનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો. આપણે એવું પણ કહીએ છીએ કે એ પકડાયો ત્યારે એના ચહેરાનો રંગ જોવા જેવો હતો, ધોળી પૂણી જેવો થઈ ગયો હતો. એમ તો ખુશ હોઈએ ત્યારે એવું પણ ક્યાં નથી કહેતા કે એનો ચહેરો કેવો ગુલાબી ગુલાબી લાગે છે.
રંગ જીવનને વરાઇટીઝ આપે છે. દરેકનો પોતાનો એક અંગત રંગ હોય છે. કયો કલર તમારો ફેવરિટ છે? સાઇકોલોજી તો એવું કહે છે કે માણસને કયો રંગ પસંદ છે તેના પરથી તેની પ્રકૃતિ જાણી શકાય છે. સફેદ રંગ શાંતિનો છે, જોકે આ સફેદ રંગનું રાજકારણીઓએ અપહરણ કરી લીધું છે. કોઈ રંગને આપણે લકી માનીએ છીએ અને કોઈને અનલકી. ક્રોધનો રંગ લાલ છે અને પ્રેમનો રંગ ગુલાબી. પાણી, આંસુ અને પરસેવાનો રંગ એક જ છે કે જુદો જુદો? ઝાકળનાં બિંદુ કેમ આપણને આંસુના રંગ કરતાં હળવા લાગે છે? હર્ષનાં આંસુ અને દુઃખનાં આંસુમાં શું ફેર હોય છે? આ પ્રશ્નના જવાબમાં એક ફિલોસોફરે કહ્યું છે કે હર્ષનાં આંસુમાં ગુલાબી ઝાંય હોય છે અને દુઃખનાં આંસુની ઝાંય કદાચ કાળી હોય છે.
અલબત્ત, કાળા રંગનું પણ પોતાનું સૌંદર્ય છે. એટલે જ કહેવાય છે કે બ્લેક ઈઝ બ્યુટીફૂલ . સાચી વાત તો એ છે કે આપણને જે ગમતો હોય એ રંગ બ્યુટીફૂલ જ લાગે છે. તમારા ઘરની દીવાલનો રંગ કેવો છે? તમારા મોબાઈલનો રંગ વ્હાઇટ છે કે બ્લેક ? આપણને કોઈ રંગ ગમે છે તો એ શા માટે ગમે છે ? એનો કોઈ જવાબ નથી હોતો. બસ એ રંગ ગમતો હોય છે. લેડીઝના રંગ અને જેન્ટ્સના રંગો જુદા જુદા હોય છે? હા, જોઈ જોજો. લેડીઝના રંગોમાં કદાચ જેન્ટ્સના રંગો કરતાં વધુ વૈવિધ્ય છે.
બાળક જન્મે ત્યારે એ ગુલાબી હોય છે અને મોટું થઈને એ પણ માણસના રંગે રંગાઈ જાય છે. ડાકુનો રંગ જોજો, મોટા ભાગે એ બ્લેક કે ડાર્ક જ હશે. સંત કે પાદરીના શરીરે સફેદી જ હોય. શહીદીનો રંગ કેસરી છે. સાધુનો રંગ ભગવો છે અને ગરિમાનો રંગ ગરવો છે. ગરીબીનો એક રંગ છે અને અમીરીનો બીજો. સંપત્તિ સાથે માણસનો રંગ પણ બદલાય છે. રૂપિયો કાળો પણ હોય છે અને ધોળો પણ. એ કઈ રીતે આવે છે તેના પરથી તેનો રંગ નક્કી થતો હોય છે. જિંદગીનું પણ એવું જ છે. તમે કેવી રીતે જીવો છો તેના ઉપરથી જિંદગીનો રંગ નક્કી થતો હોય છે. તમે રંગીન મિજાજી છો કે ગમગીન મિજાજી?
અધ્યાત્મ કહે છે કે જિંદગીને પાણી જેવી બનાવો, પાણી જે રંગમાં ભળે એ રંગનું થઈ જાય છે. જિંદગીમાં પણ જે રંગ આવે તે રંગને જાણી અને માણી લેવાનો હોય છે. ખોરાકનો પણ અનોખો રંગ હોય છે. સ્વાસ્થ્યની વાતો કરનાર કહે છે કે તમારી થાળીમાં દરેક રંગનું ફૂડ હોવું જોઈએ. લાલ ટામેટાં, લીલી કાકડી, સફેદ ડુંગળી, પીળી દાળ, સફેદ ભાત અને બીજા કેટલા બધા રંગો આપણે આરોગીએ છીએ? આયુર્વેદ કહે છે કે, આરોગ્ય માટે વિવિધરંગી ખોરાક આરોગો.
જિંદગીનું પણ એનાથી અલગ નથી. બધા જ રંગો અપનાવો, સ્વીકાર સહજ હોવો જોઈએ. તમે જિંદગીના બધા રંગો બરાબર જીવો છોને ? કોઈ રંગથી થાકી નથી જતાને ? હવાનો રંગ નથી હોતો પણ શ્વાસને સુગંધ હોય છે. આવો, આજે રંગોના પર્વે એવો નિર્ણય કરીએ કે હું જિંદગીના દરેક રંગને પૂરી ઉત્કટતાથી જીવીશ.
હેવ એ કલરફુલ લાઇફ… હેપ્પી ધુળેટી!
 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *