બધા મારા સારાપણાનો ફાયદો જ ઉઠાવે છે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
પાંદડીના ઘર મહીં જીવી રહ્યો છું, પુષ્પ છું, ધીમે ધીમે ખીલી રહ્યો છું.
આ ગણિતના દાખલાની જેમ રોજે, થોડું થોડું હું મને શીખી રહ્યો છું.
   -અનિલ ચાવડા
દુનિયામાં સૌથી વધુ ન સમજાતી કોઈ બાબત હોય તો એ સંબંધ છે,કારણ કે સંબંધ બદલાતા રહે છે. કોઈ સંબંધ ક્યારેય એકસરખો નથી રહેતો. ગાઢ હોય એ સંબંધ ગમે ત્યારે પતલો પડી જાય છે અને જેની કોઈ અપેક્ષા ન રાખી હોય એવી વ્યક્તિ ક્યારેક અચાનક પડખે આવીને ઊભી રહી જાય છે. જેના ઉપર વિશ્વાસ હોય કે આ માણસ ખરા ટાઈમે ઊભો રહેશે એ પાણીમાં બેસી જતો હોય છે અને ક્યારેક ડૂબેલો સંબંધ તરવરીને તાજો થઈ જાય છે.
વિશ્વનું સર્જન થયું ત્યારથી એક વાત કહેવાતી અને સંભળાતી આવી છે કે માણસ મતલબી છે, બધા જ લોકો સ્વાર્થનાં સગાં છે,કામ હોય ત્યારે કાલાવાલા કરી કામ કઢાવી જાય છે અને આપણને જરૂર હોય ત્યારે ફરકતાં પણ નથી. દુનિયાના દરેક માણસને ક્યારેક તો એવું થતું જ હોય છે કે બધા લોકો મારા સારાપણાનો ફાયદો ઉઠાવે છે. ક્યારેક માણસ પોતાને જ મૂરખ લાગે છે કે હું જ મૂરખો છું કે બધાને મદદ કરવા દોડયો જાઉં છું. માણસને એવા પણ વિચાર આવતા રહે છે કે હવે મારેય સ્વાર્થી થઈ જવું છે. કામ લાગે એવા જ સંબંધો રાખવા છે. કોઈ પાછળ ખોટા તણાવું નથી.
અલબત્ત, માણસની પ્રકૃતિ એમ ઝટ બદલાતી નથી. સારો માણસ હોય એ સારો જ રહે છે. ખરાબ માણસ પણ દરેક બાબતમાં ખરાબ રહી શકતો નથી. માણસ સરવાળે તો માણસ જ હોય છે, આપણે તેના ઉપર સારા કે ખરાબનું લેબલ લગાડી દઈએ છીએ અને મોટાભાગે આ લેબલ સાચાં નથી હોતાં. આપણે આપણા કાટલાથી માણસને માપતા રહીએ છીએ, અને એ હિસાબે સંબંધો બાંધતા રહીએ છીએ.
એક માણસ તકલીફમાં હતો. ક્યાંય ચેન પડતું ન હતું. તેને થયું કે મારા લોકો મને ઉપયોગી થશે. તે વારાફરતી બધાની પાસે ગયો પણ કોઈએ મદદ ન કરી. લોકો ઉપરથી તેનો વિશ્વાસ ઊઠતો જતો હતો. એવામાં તેને એક એવો માણસ મળ્યો જેને તે ખરાબ અને નક્કામો સમજતો હતો. તેણે કહ્યું કે ચિંતા ન કર, બધું થઈ જશે. આ માણસે તેને મદદ કરી. તકલીફમાં હતો એ માણસે તેને કહ્યું કે, માફ કરજે યાર, પણ હું તને આખી જિંદગી ખરાબ જ સમજતો રહ્યો અને જેને હું સારા સમજતો હતો એ બધા જ ખરાબ નીકળ્યા. પેલા માણસે હસીને કહ્યું કે તું ત્યારેય ખોટો હતો અને અત્યારે પણ ખોટો છે, તું મારા વિશે સાચો ન હતો તો તું જેને હવે ખરાબ સમજે છે એના વિશે પણ સાચો નથી. એવું નથી કે કોઈએ તને મદદ કરવી નહીં હોય પણ બનવાજોગ છે કે એ ન કરી શક્યા હોય. હું પણ આજે તને ઉપયોગી થયો છું અને શક્ય છે કે કાલે ઉપયોગી ન પણ થઈ શકું. સાચી વાત એ છે કે કોઈ પણ માણસ વિશે કોઈ ધારણા બાંધી લેવી ન જોઈએ.
આપણે માણસને તેની આજની પરિસ્થિતિમાં જોઈ કે સ્વીકારી નથી શકતા. આપણે ઓલવેઝ તેને ગઈકાલના કે આવતીકાલના આધાર ઉપર માપીએ છીએ. માણસ માટે આપણે જુદાં જુદાં લેબલો હાથમાં લઈને જ ફરતા હોઈએ છીએ અને એક નાનકડી વાતમાં નિર્ણય કરીને ફટ દઈને લેબલ ચીપકાવી દઈએ છીએ. સારો, ખરાબ, ઉદાર, દયાળુ, નાલાયક, લુચ્ચો, બદમાશ, સ્વાર્થી,લેભાગુ અને બીજાં કેટલાંય લેબલો હાથવગાં જ હોય છે. કોઈ આપણો ફોન ન ઉપાડે તો પણ આપણે તરત જ એવું કહી દઈએ છીએ કે હવે એ મોટો માણસ થઈ ગયો છે, આપણો ફોન શા માટે ઉપાડે? કામ હતું ત્યારે દસ દસ ફોન કરતો
હતો અને હવે તેની પાસે આપણો ફોન ઉપાડવાની ફુરસદ નથી. લગાવી દીધું સ્વાર્થીનું લેબલ. અડધા કલાક પછી એ જ માણસનો સામેથી ફોન આવે કે હું ડ્રાઈવ કરતો હતો એટલે ફોન ઊંચકી શક્યો ન હતો, તમારે શું કામ હતું ? તરત જ આપણે જૂનું લેબલ ઉખેડીને નવું લેબલ મારી દેશું કે એ તો સારો માણસ છે હોં. સાચી વાત એ છે કે માણસને ક્યારેય માપવાનો પ્રયાસ જ ન કરવો જોઈએ, કારણ કે એ સમય આવ્યે મપાઈ જ જતો હોય છે.
તમારા વિશે પણ કોઈને કેવું લાગશે એની ચિંતા ન કરો. તમારાથી જેટલું થઈ શકે એટલું કરો પછી જેને જે માનવું હોય એ એના પર છોડી દો. એવું ન વિચારો કે લોકો તમારો ફાયદો કે ગેરફાયદો ઉઠાવે છે. કોઈ કાયમ તમને સારા જ કહે એવી અપેક્ષા પણ ન રાખો, કારણ કે સંબંધ, સમય અને સંજોગ બદલાતા રહે છે. સારા હોવું એટલે જે તે પરિસ્થિતિમાં આપણી ક્ષમતા જેટલું સારું કરવું. દરેક વખતે ક્ષમતા સરખી ન હોય. ઘણી વખત આપણે ઇચ્છતા હોવા છતાં કોઈનું સારું કરી શકતા નથી. આવા સમયે પોતાની જાતને દોષ પણ ન દેવો. એક મિત્રએ બીજા મિત્ર પાસે મદદ માગી. બીજો મિત્ર મદદ કરી શકે તેમ ન હતો. તેણે કહ્યું કે મારી પરિસ્થિતિ જ અત્યારે એવી છે કે હું તારા માટે કંઈ કરી શકું એમ નથી. હું તો તારા માટે માત્ર ભગવાન પાસે પ્રાર્થના કરી શકું છું. આ વાત સાંભળીને પેલા મિત્રએ કહ્યું કે એ પણ ક્યાં ઓછું છે. પણ ના, આપણે તો બદલો જોઈતો હોય છે. વળતર કે બદલો મળે એ માટે કોઈ સંબંધ ન બાંધો, કારણ કે એ ખોટો પડવાના સૌથી વધુ ચાન્સીસ છે.
જરૂરી નથી કે તમે જેનું સારું કર્યું હોય એ જ તમારું સારું કરે, એવું બધાની જિંદગીમાં બન્યું જ હોય છે કે આપણે ધાર્યું ન હોય એ બાજુથી કોઈ મદદ મળી રહે છે અને કોઈ નવી દિશા મળી જાય છે. આપણે બસ એટલું જ ધ્યાન રાખવાનું હોય છે કે આપણે સારા બની રહીએ. કોઈ આપણા વિશે શું ધારશે એની ચિંતા ન કરીએ અને કોઈના વિશે ધારણા ન બાંધી લઈએ અને હાથમાં લઈને ફરીએ છીએ એ બધાં લેબલ ફગાવી દઈએ.
છેલ્લો સીન :
જે બધામાં અવિશ્વાસ રાખે છે તેના પર બહુ ઓછા લોકો વિશ્વાસ કરે છે.  -થીઓગ્નિસ.
(‘સંદેશ’, તા. 24મી માર્ચ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ચિંતનની પળે કોલમ)
 kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *