કોઈ માણસ કાયમ માટે એકસરખો નથી રહેતો
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારામાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.
– ગની
દહીંવાલા
દહીંવાલા
ઘડિયાળ અને તારીખિયું એ વાતની ગવાહી આપે છે કે બધું જ સતત
બદલાતું રહે છે. કંઈ જ સ્થિર અને કાયમી નથી. પ્રકૃતિ રંગ બદલતી
રહે છે. મેઘધનુષ થોડાક સમય પછી ઓગળી જાય છે અને
વાવાઝોડાનું આયુષ્ય પણ લાંબું નથી હોતું. ગુલાબની સાથે કાંટા પણ
ખીલવાના જ છે અને ગુલાબની પાંદડીઓ પણ ખરવાની જ છે.
સતત બદલાતું રહેવું એ સૃષ્ટિ, પ્રકૃતિ અને જિંદગીનો ઉથાપી ન
શકાય એવો નિયમ છે.
બધું જ બદલાતું હોય તો પછી માણસ કેવી રીતે કાયમ માટે
એકસરખો રહી શકે? સમયની સાથે માત્ર ઉંમર નથી વધતી પણ
ઘણું બધું વધે છે. ઉંમરની સાથે બધું વધે જ એવું જરૂરી નથી. ઘણું
બધું ઘટે પણ છે. ઓટ અને ભરતી એ માત્ર દરિયાનો નિયમ
નથી,જિંદગીનો પણ એ જ નિયમ છે. સવાલ એ હોય છે કે ભરતી
અને ઓટમાં તમે તમારી વિશાળતા કેટલી જીવંત રાખો છો? ઓટથી
દરિયાની પહોળાઈ કદાચ થોડીક ઘટતી હશે પણ દરિયો એની
ગહરાઈ ગુમાવતો નથી. તો પછી માણસ કેમ એના ખરાબ
સમયમાં’ગ્રેસ’ ગુમાવી દેતો હોય છે?
પ્રેમ પત્ર અને ડિવોર્સ પેપરમાં સહી એકસરખી જ હોય છે. ઘણી
વખત તો પેન પણ એ જ હોય છે, માત્ર આંગળીઓનું કંપન અને
દિલની ધડકન થોડીક બદલાયેલી હોય છે. જેને પ્રેમ કર્યો હોય એ જ
અચાનક ઝેર જેવા લાગવા માંડે છે. સોગંદ, ખાતરી, ભરોસો,વિશ્વાસ
અને બીજું ઘણું બધું અચાનક જ દફન થઈ જાય છે અને નફરત,
અવિશ્વાસ, રોષ અને બદલાની ભાવના ઊગી નીકળે છે. જે લોકો
સમયની સાથે ચાલી નથી શકતા એ પાછળ રહી જાય છે. પરિવર્તન
ન સ્વીકારીએ તો પતન નિશ્ચિત છે. સવાલ એ હોય છે કે બદલાયેલી
પરિસ્થિતિમાં તમે કેવા રહો છો?
એક ઝેન સાધુ હતા. ગામના પાદરમાં નાનકડું ઝૂંપડું બનાવીને સાધુ
રહેતા હતા. એ ગામમાં એક કુંવારી છોકરી ગર્ભવતી થઈ ગઈ. આખા
ગામમાં દેકારો મચી ગયો. છોકરી સાથે કોણે કુકર્મ કર્યું? આખી વાત
ગામના પંચ સુધી પહોંચી. ન્યાય કરવા માટે પંચ બોલાવાયું.
ગર્ભવતી છોકરીને પંચ સમક્ષ હાજર કરવામાં આવી. છોકરીને
પૂછવામાં આવ્યું કે તારા પેટમાં જે બાળક છે એ કોનું છે? કોણે તારી
સાથે આવું કર્યું? તું એ પાપીનું નામ આપ એટલે અમે તેને સજા
કરીએ.
પંચ સમક્ષ એ છોકરીએ કહ્યું કે, મારા પેટમાં જે બાળક છે એ ગામના
પાદરમાં રહેતા ઝેન સાધુનું છે. આખું ગામ ભેગું થઈ ગયું.
ઉશ્કેરાયેલા બધા જ લોકો ઝેન સાધુના ઝૂંપડે પહોંચ્યા. ઝેન સાધુને
માર માર્યો અને ઝૂંપડું સળગાવી દીધું. સાધુનો ગામ નિકાલ કર્યો.
સાધુ કંઈ જ ન બોલ્યા. ન તો છોકરીના આક્ષેપનો વિરોધ કર્યો કે ન
તો તેની વાતની સંમતિ આપી. ઘવાયેલા શરીરે અને લંગડાતી ચાલે
એ ગામ છોડી ગયા અને જંગલમાં જઈ નવું ઝૂંપડું બાંધી રહેવા
લાગ્યા.
સમય પસાર થયો. છોકરીએ બાળકને જન્મ આપ્યો. અચાનક જ એક
દિવસ છોકરી પંચ સમક્ષ આવી અને કહ્યું કે, આ બાળક તો મારા
પ્રેમી એવા ગામના યુવાનનું છે. અમે બંને સમાજથી ડરી ગયાં હતાં.
આ બાળક કોઈનું કુકર્મ નથી. પણ અમારા નિર્દોષ પ્રેમનું પરિણામ
છે. મને અને મારા પ્રેમીને અમારી ભૂલ સમજાઈ છે. હું પંચને વિનંતી
કરું છું કે અમારા બંનેનાં લગ્ન કરાવી દે અને મારા બાળકને પિતાનું
નામ અને પ્રેમ અપાવે.
પંચે બંનેનાં લગ્ન તો કરાવી દીધાં પણ સાથોસાથ પંચને એવું થયું કે
આપણે પેલા નિર્દોષ સાધુને કોઈ ભૂલ વગર સજા આપી એનું શું?
જેનો કોઈ વાંક ન હતો એને આપણે માર માર્યો અને તેનું ઘર
સળગાવી દીધું. ગામના બધા જ લોકો જંગલમાં જઈ ઝેન સાધુને
મળ્યા. સાધુની માફી માંગી. ગામમાં પાછા પધારવા આજીજી કરી
અને વાજતે ગાજતે ગામમાં લઈ આવ્યા.
પંચના એક માણસે સાધુને પૂછયું કે તમે કેમ કંઈ ન બોલ્યા? તમને
ગુસ્સો ન આવ્યો? તમારી સાથે અન્યાય થયો તો પણ તમે ચૂપ
રહ્યા? સાધુએ હસીને કહ્યું કે, એ તો સમય હતો જે બદલાયો હતો પણ
હું સમય સાથે શા માટે બદલું? આ એ જ લોકો છે જે મને અત્યારે
વાજતે ગાજતે ગામમાં લઈ જાય છે અને એ બધા પણ આ જ
ગામના લોકો હતા જેણે મને માર મારીને ગામમાંથી કાઢી મૂક્યો હતો.
સમયના એવા ઘણા સવાલો હોય છે જેના જવાબ માત્ર સમય જ
આપી શકે. તમે એના જવાબ આપવા જાવ તો પણ કોઈ સાચા ન
માને. મહત્ત્વનું એ જ હોય છે કે તમે સાચા હોવા જોઈએ. સમયની
સાથે બધું બદલાય છે એ સાચું પણ તમે કેવા રહો છો એ મહત્ત્વનું
હોય છે. ઘણા લોકો સમયની સાથે વળી જતાં હોય છે અને પછી
સીધા થઈ શકતા નથી. ગરમીમાં લોખંડનો સળિયો વળી જાય છે
પણ ઠંડીમાં એ પાછો સીધો થઈ શકતો નથી. ગરમી તો આવે ને
જાય, તમે ઝૂકી કે વળી ન જવા જોઈએ.
સમયની સાથે બદલવું જોઈએ એ સાચું પણ આપણી જાત તો હોય
એવી જ રાખવી જોઈએ. ગમે તે થાય મારા અમુક ગુણો અને અમુક
નિર્ણયો સાથે હું કોઈ સમાધાન નહીં કરું. એ વાત સાચી કે જિંદગીને
વહેવા દેવી જોઈએ પણ સાથોસાથ એ વહેણનો અંત ક્યાં છે એ પણ
વિચારતા રહેવું જોઈએ. ઝરણું વહીને તળાવ કે નદીને મળે તો જ
તેની સાર્થકતા છે, તેનું વહેણ ગટરમાં ન જવું જોઈએ. કેટલું બદલવું,
ક્યારે બદલવું અને શું બદલવું એ જ અંતે તમારી ઓળખ બનવાનું
છે.
સમય સાથે સમજણ વધવી જોઈએ. આપણી તકલીફ એ હોય છે કે
જ્યાં બદલાવાનું હોય ત્યાં આપણે બદલાતાં નથી અને જ્યાં
બદલાવાનું ન હોય ત્યાં આપણે બહુ ઝડપથી બદલાઈ જતાં હોઈએ
છીએ. માત્ર થોડાક સ્વાર્થ અને થોડીક લાલચમાં આપણે આપણું
સ્વાભિમાન અને આપણું અસ્તિત્વ સુધ્ધાં નેવે મૂકી દઈએ છીએ.
યાદ રાખો, જે લોકો વારંવાર બદલાઈ જતાં હોય છે એ બહુ ઝડપથી
બટકી જાય છે.
સાચા બદલાવનો સ્વીકાર કરો અને ખોટા બદલાવ સામે સ્થિર અને
સક્ષમ રહો. જતું કરવું એ પણ એક જાતનો બદલાવ જ છે. આશ્ચર્યની
વાત એ છે કે માણસ તેની ખરાબ પરિસ્થિતિ કરતાં સારી
પરિસ્થિતિમાં વધુ બદલાઈ જાય છે. થોડીક સંપત્તિ વધે કે થોડોક
હોદ્દો ઊંચો જાય એટલે માણસમાં ગુમાન આવી જાય છે. હવે હું
પહેલાં જેવો નથી, હવે હું મોટો માણસ થઈ ગયો છું. મારું સ્થાન ઊંચું
છે. ઘણા લોકોનું સ્થાન જેમ ઊંચું જાય તેમ એની જાત નીચી પડતી
જતી હોય છે. સ્થિતિ બદલાય એટલે રહેણીકરણી થોડીક બદલાય એ
સ્વાભાવિક છે. પણ બેઝિકલી માણસ જેવો હોય એવો જ રહેવો
જોઈએ. નવું અપનાવો પણ જૂનું જે સારું છે એને ગુમાવી ન દો,
કારણ કે જે જૂનું છે એ પરખાયેલું અને નીવડેલું છે, નવું છે એ તો
હજુ ઓળખાવવાનું બાકી છે.
તમારી વ્યક્તિનો બદલાવ પણ તમે એક હદ સુધી સ્વીકારો.
માણસથી ક્યારેક ભૂલ થતી હોય છે, માણસ ક્યારેક માર્ગ ચૂકી જતો
હોય છે, જો એવું થાય અને એ પાછો પોતાના માર્ગે આવે તો એને
અપનાવો. જે પોતાનું હોય છે એ પોતાનું જ રહે છે. એક વખત જે
છૂટી જાય તેને કાયમ માટે અળગું ન થવા દો. અલબત્ત, જતું
કરવાની એક હદ હોય છે. એ હદ આપણે જ નક્કી કરવાની હોય છે કે
ક્યાં સુધી જતું કરવું. આપણી જતું કરવાની વૃત્તિ પણ મુર્ખામીમાં ન
ખપવી જોઈએ.
આપણે ધ્યાન એ જ રાખવાનું હોય છે કે ગમે એવી પરિસ્થિતિમાં
આપણે જેવા છીએ એવા જ રહીએ. ઘણાં લોકો ફ્રીઝ થઈ જતા હોય
છે. એ ઓગળી શકતા નથી. સમય મુજબ ઓગળવું પણ જોઈએ.
તમારામાં આવતાં પરિવર્તનોને તમે ધ્યાનથી જોઈ શકો છો?તમને
એ વસ્તુ સમજાય છે કે તમારામાં જે પરિવર્તનો આવે છે એ વાજબી
છે કે ગેરવાજબી? યોગ્ય છે કે અયોગ્ય? તમારા બેસ્ટ જજ તમે જ
બની શકો અને તમે તમારી સાથે જ ખોટો ન્યાય ન કરી બેસો એની
કાળજી તમારે જ રાખવાની હોય છે, કારણ કે સરવાળે બધાં
પરિણામો આપણે જ ભોગવવાનાં હોય છે. કોઈ માણસ કાયમ
એકસરખો રહેતો નથી, રહી શકતો પણ નથી. છતાં આપણાં અમુક
મૂલ્યો, સિદ્ધાંતો, આદર્શો, ગુણો અને જેનું આપણને ગૌરવ હોય એવી
ગરિમા ક્યારેય ગુમાવવી ન જોઈએ. આપણું ખરું મૂલ્ય અંતે તો
આપણે જ નક્કી કરતાં હોઈએ છીએ. તમે નક્કી કરો કે તમારે કેવા
રહેવું છે?
છેલ્લો સીન :
વાંકી વળી ગયેલી સોટીને સીધી કરવા માટે આપણે તેને ઊલટી
દિશામાં વાળવી પડે છે. -ડેવિડ હાર્ડિમેન
kkantu@gmail.com