ન શીખવા જેવું બધું આવડી જતું હોય છે!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
ખરેખર! એ જ પંખીથી નથી છૂટતો કદી માળો,
કે જેની પાંખમાં આકાશનો અહેસાસ ઓછો છે.
– ફિગાર વસોવાળા

સારું શીખવું પડતું હોય છે અને ખરાબ આપોઆપ આવડી જતું હોય છે. સુવાક્યો યાદ રાખવાં પડે છે અને ગાળ કોઈ શીખવાડતું નથી,છતાં આવડી જતી હોય છે! માણસે સારા રહેવું હોય તો ખરાબથી દૂર રહેવું પડે છે. જિંદગીમાં શીખવાનું એ જ હોય છે કે આપણને ખબર હોય કે શું શીખવા જેવું નથી. માણસ બેઝિકલી સારો જ હોય છે, જ્યાં સુધી બુરાઈને એ પોતાનામાં પ્રવેશવા ન દે ત્યાં સુધી તેની સારાઈ ટકી રહી છે. સારા ન બનો તો કંઈ નહીં, ખરાબથી દૂર રહો તો તમે સારા જ છો. આપણી મુશ્કેલી એ છે કે આપણે ન કરવા જેવું કરીએ છીએ એટલે કરવા જેવું રહી જાય છે!
માણસનો સ્વભાવ છે કે જેની ના પાડવામાં આવે એવું એ પહેલા કરે છે. માણસને પરચો ન મળે ત્યાં સુધી એ સમજતો નથી. એક બાળક હતું. ઘરમાં સળગતા દીવા પાસે જાય ત્યારે તેની માતા તેને કહેતી કે દીવા નજીક ન જા, દાઝી જઈશ. બાળકને એટલી સમજ ન હતી કે દાઝી જવું એટલે શું? તેને સતત કુતૂહલ થતું કે દીવાને અડીએ તો શું થાય? એક દિવસ એ દીવાને અડયો અને દાઝ્યો, પછી કાયમ આગથી દૂર રહેતો. આપણને ત્યારે જ ખબર પડે છે જ્યારે આપણે ઠોકર ખાઈએ છીએ. ઠોકર ખાઈને પણ સમજી જતી વ્યક્તિ શાણી છે, પણ આપણે તો એકની એક ભૂલ વારંવાર કરીએ છીએ!
કોને ખબર નથી કે ગુસ્સો કરવો ખરાબ છે? છતાં દરેક વ્યક્તિ નાની અમથી વાતમાં ગુસ્સે થઈ જાય છે. અશાંત રહેવા માટે પ્રયત્ન કરવા પડતા નથી અને શાંતિ માટે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા કે શિબિરોમાં જવું પડે છે. જિંદગી તો સરળ જ હોય છે, આપણે જ તેને ગૂંચવી નાખતા હોઈએ છીએ. સરળ દાખલાને અઘરો કરી દઈએ છીએ અને પછી કહીએ છીએ કે મને આનો ઉકેલ મળતો નથી!
આપણે ભૂલો કરીએ છીએ અને પછી નામ આપીએ છીએ સંજોગોનું અને નસીબનું. વાંક આપણો હોય તો પણ આપણે દોષનો ટોપલો કોઈના માથે ઢોળવાનું ચાલુ રાખીએ છીએ. માણસને બધું જ બહુ સરળતાથી મેળવી લેવું છે, ટૂંકા રસ્તે મંઝીલે પહોંચવું છે,આપણે શોર્ટકટ્સ શોધતા રહીએ છીએ. લાંચ લેનાર માણસને ક્યારેય એવો વિચાર નથી આવતો કે લાંચ લેતા પકડાઈશ તો શું થશે? એ સતત એવું જ વિચારતો હોય છે કે શું ધ્યાન રાખું તો લાંચ લેતા ન પકડાઉં? માણસે એટલું બધું દૂર જવું ન જોઈએ કે જ્યાંથી એ ઇચ્છે તો પણ પાછો ન ફરી શકે. આપણે કેટલું બધું ન શીખવાનું શીખી લેતા હોઈએ છીએ? એક બાળક શાળામાં શિક્ષકના મોઢે ખોટું બોલ્યો. શિક્ષકે થોડાક સવાલો પૂછયા તો પકડાઈ ગયો. આખરે શિક્ષકે તેને સવાલ કર્યો કે “તને ખોટું બોલતા કોણે શીખવ્યું?” બાળકે જવાબ આપ્યો કે “કોઈએ નહીં, એ તો હું મારી રીતે વિચારીને જ બોલ્યો હતો.” શિક્ષકે પછી કહ્યું કે, “તને જેટલું શીખવાડાય એટલું જ શીખ અને તને અમારી પાસે સારું શીખવા જ મોકલ્યો છે. અમે તો તને સારું જ શીખવ્યું, તારે શું શીખવું એ તારે નક્કી કરવાનું છે.”
જિંદગીમાં આપણે કેટલું બધું નકામું શીખતા હોઈએ છીએ? એક પ્રોફેસરે કોલેજમાં વિદ્યાર્થીઓને કહ્યું કે ‘લર્ન કરવું’ એ સારી વાત છે, પણ તેનાથી મોટી વાત ‘અનલર્ન’ કરતા શીખવાની છે! હા, આપણે દરેક વસ્તુ ભૂંસી કે ભૂલી શકતા નથી, પણ આપણે ઇચ્છીએ તો ખંખેરી જરૂર શકાય. આપણે કહીએ છીએ કે સંઘરેલો સાપ પણ કામ લાગે પણ સાપ કયારેય સંઘરાય નહીં, કારણ કે સંઘરેલો સાપ ક્યારેક ડંશ પણ મારી દે! જે કરવા જેવું હોય એ જ કરવું જોઈએ.
એક યુવાન ગુરુ પાસે બાણવિદ્યા શીખવા ગયો. ગુરુ તેને તીર અને કમાન ગોઠવીને પણછ ખેંચવાનું કહે. એ યુવાન ખોટી આંગળીથી તીર ખેંચે અને દરેક વખતે તીર નિશાન ચૂકી જાય. છેવટે ગુરુએ કહ્યું કે આ તું જે તારી રીતે કરે છે એ ખોટું છે, તું એ ભૂલ સુધારી લે. અમે મોટા ભાગે સફળ કેમ જવું એ શીખવાડતા જ નથી પણ નિષ્ફળ કેમ ન જવું એ જ શીખવાડતા હોઈએ છીએ. તમે તમારી ખામીઓને સુધારી લો તો તમે સફળ થવાના જ છો.
સારું તો આપણને સતત શીખવવામાં આવે છે. કેમ સુખી થવું તે વાત વારંવાર આપણી સામે આવે છે, પણ આપણે તેને ગણકારતા નથી. ખોટું ન બોલવું, ગુસ્સો ન કરવો, સ્વાર્થ ન રાખવો, વેરઝેર આફત જ નોતરે છે. કોઈનું બૂરું ન ઇચ્છવું, કોઈને નફરત ન કરવી, કોઈને દગો ન કરવો, કોઈનો વિશ્વાસ ન તોડવો, આમાંથી કઈ વાત આપણને ખબર નથી? બધી જ વાત આપણને બચપણથી શીખવવામાં આવે છે, પણ આપણે કેટલું શીખીએ છીએ? આપણે એવું જ કરીએ છીએ જે આપણને કોઈએ શીખવ્યું હોતું નથી. આપણી જાતે જ આપણે બધું શીખતા હોઈએ છીએ તો પછી પરિણામ ભોગવવાનો વારો આવે ત્યારે બીજાને દોષ શા માટે દેવાનો?આપણાં સુખ અને દુઃખનું કારણ આપણે જ હોઈએ છીએ. આપણને ગમે એવું શીખવાડવામાં આવે પણ સરવાળે તો આપણે જે શીખવું હોય એ જ આપણે શીખતા હોઈએ છીએ. તમે નક્કી કરો કે તમારે શું શીખવું છે! તમારે સારું શીખવું હશે તો કોઈ તમને રોકી નહીં શકે અને તમારે બૂરું જ શીખવું હશે તો કોઈ તમને અટકાવી નહીં શકે.
આપણે આખી જિંદગી આપણી જ વ્યક્તિની દુખતી રગ શોધતા રહીએ છીએ અને પછી એ દબાવતા રહીએ છીએ. આપણને કેમ સુખની રગ શોધવાની ઇચ્છા થતી નથી? કોઈને દુઃખી જોવા ઇચ્છતી વ્યક્તિ ક્યારેય સુખી થતી નથી! દરેક વ્યક્તિને ખબર હોય છે કે એનું સુખ શેમાં છે, પણ એને જે ખબર હોય છે એ કરી શકતો નથી.
તમે શું શીખો છો તેના ઉપરથી જ નક્કી થતું હોય છે કે તમે કેવા છો. તમે કેવા છો એ સમજવું હોય તો તમે એ જાણી લો કે લોકો તમારી ગેરહાજરીમાં તમારા વિશે શું બોલે છે? જોકે આપણે લોકો આપણી હાજરીમાં જે બોલે છે એને જ સાચું માની લઈએ છીએ. આપણે એવું જ કરીએ છીએ જેને આપણે સાચું માનતા હોઈએ છીએ. આપણે જે સાચું માનીએ છીએ એ ખરેખર સાચું છે કે નહીં તે સમજવાની પણ આપણે દરકાર કરતા નથી. આપણે જ નક્કી કરી લઈએ છીએ કે આમ જ હોય, આ જ રીત સાચી છે. ખોટી વાત આપણને બહુ ઝડપથી સાચી લાગતી હોય છે. આપણે કહીએ અને સાંભળીએ છીએ કે દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે… દુનિયા ઝૂકી એટલે આપણે આપણી જાતને સાચી માની લેતા હોઈએ છીએ. આપણી ઝુકાવવાની રીત સાચી છે કે ખોટી એ વિચારવાની આપણે તસ્દી લેતા નથી.
ઘણી સફળતા પણ ભ્રામક હોય છે. સાચા રસ્તે અને ખરી મહેનતે મળતી સફળતા જ સુખ અને શાંતિ આપે છે. તમારો માર્ગ તમે નક્કી કરો, પણ એ માર્ગ સાચો છે તેની પહેલાં ખાતરી કરો. શું કરવું છે એ નક્કી કરતા પહેલાં શું નથી કરવું એ નક્કી કરો, એ પછી તમે જે કરશો એ સાચું અને સારું જ હશે.
આપણી જાતે જ આપણે બધું શીખતા હોઈએ છીએ તો પછી પરિણામ ભોગવવાનો વારો આવે ત્યારે બીજાને દોષ શા માટે દેવાનો?આપણાં સુખ અને દુઃખનું કારણ આપણે જ હોઈએ છીએ. આપણને ગમે એવું શીખવાડવામાં આવે પણ સરવાળે તો આપણે જે શીખવું હોય એ જ આપણે શીખતા હોઈએ છીએ. તમે નક્કી કરો કે તમારે શું શીખવું છે! તમારે સારું શીખવું હશે તો કોઈ તમને રોકી નહીં શકે અને તમારે બૂરું જ શીખવું હશે તો કોઈ તમને અટકાવી નહીં શકે
છેલ્લો સીન :
આદતોને જો રોકવામાં ન આવે તો તે બહુ ઝડપથી ટેવ બની જાય છે. –સંત ઓગસ્ટિન
kkantu@gmail.com
 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *