તમે શું માનો છો, દુનિયા કેવી છે?
ચિંતનની પળે- કૃષ્ણકાંત ઉનડકટ
ચો-તરફ તડકો બની ફેલાય છે, એક ટહુકો છે, બધે સંભળાય છે,
વાદળાં વરસે છે મુશળધારથી, એક સરખા ક્યાં કોઈ ભીંજાય છે!
– અંજુમ ઉઝયાનવી
દુનિયા વિશે દરેકની પોતાની એક માન્યતા હોય છે, કારણ કે દરેકની પોતાની એક દુનિયા હોય છે. દરેક વ્યક્તિ આ દુનિયાને પોતાનાં ચશ્માંથી જુએ છે. કોઈને દુનિયા જીવવા જેવી અને કોઈને મરવા જેવી લાગે છે. દરેક પાસે દુનિયાને સમજવાની પોતાની રીત હોય છે. માણસ આખી જિંદગી દુનિયાને સમજવાનો પ્રયત્ન કરતો રહે છે. દુનિયાને સમજવામાં પોતે જ ઘણી વખત ખોટો પડતો રહે છે. બધું જ સાવ હું માનું છું એવું નથી, ક્યાંક થોડુંક જુદું પણ છે. દુનિયા વિશે આપણે જ આપણી વ્યાખ્યાઓ ઘડતા રહીએ છીએ અને અનુભવો પછી વ્યાખ્યાઓ બદલતાં પણ રહીએ છીએ.
એક માણસે કહ્યું કે, હું દુનિયા વિશે કંઈક જુદું માનતો હતો. હવે મને લાગે છે કે દુનિયા વિશેની મારી માન્યતા ખોટી હતી. આ વાત સાંભળીને એક વિદ્વાને કહ્યું કે આજે તું દુનિયાને જેવી માને છે એ માન્યતા સોએ સો ટકા સાચી છે? હકીકત એવી છે કે આપણને જ્યારે સારા અનુભવ થાય ત્યારે આપણને દુનિયા સારી લાગે છે અને ખરાબ અનુભવ થાય ત્યારે દુનિયા નાલાયક લાગે છે.
આપણને પ્રેમ મળે ત્યારે આખી દુનિયા પ્રેમ કરવા જેવી લાગે છે. બધું જ સારૂં અને સૌંદર્યથી છલોછલ લાગે છે. બધાંને પ્રેમ કરવાનું મન થાય છે. આપણી સાથે કોઈ રમત કરે, બદમાશી કરે, દગો કરે કે બેવફાઈ કરે ત્યારે આપણને આખી દુનિયા બદમાશ, હરામી, નાલાયક, સ્વાર્થી અને ખતરનાક લાગે છે. આપણને જેવા અનુભવો થાય તેના પરથી આપણે દુનિયા સામે ટકવાના નિયમો બનાવીએ છીએ. સીધી આંગળીએ ઘી નીકળે જ નહીં, અહીં તો જેવા સાથે તેવા જ બનવું પડે, બહુ સારા થવા જઈએ તો દુનિયા આપણો ઉપયોગ કરીને ફેંકી દે, બધા જ સ્વાર્થનાં સગાં છે, બધાંને પોતાની જ પડી છે, જ્યાં સુધી સારૂં હોય ત્યાં સુધી બધાં હોય છે, જેવો ખરાબ સમય આવ્યો કે તરત જ બધા ગુમ થઈ જાય છે, કોઈનો ભરોસો કરવા જેવી દુનિયા જ નથી, કોણ ક્યારે શું કરે એ કહેવાય નહીં, બધાં આપણી પાછળ રમત જ રમતાં હોય છે અને પાડી દેવાનો મોકો જ શોધતા હોય છે.
આખી દુનિયાને આપણે શંકાની નજરથી જ જોવા લાગીએ છીએ! કોઈ સારી વાત કરે તો પણ આપણે કહીએ છીએ કે એ ભાઈ, તું કઈ દુનિયામાં જીવે છે? ધ્યાન રાખજે હોં, બહુ સારા થવામાં માલ નથી. કોઈ સારો માણસ તેની ભલમનસાઈને કારણે છેતરાય ત્યારે લોકો કહે છે કે એક નંબરનો મૂરખ છે મૂરખ. કોઈ એમ નથી કહેતું કે ના યાર, તેં તો સારા ઈરાદાથી બધું કર્યું હતું, તારી સાથે ખરાબ થયું તેમાં તારો કોઈ વાંક નથી.
દુનિયામાં માણસને સારા અનુભવો વધારે થાય છે કે ખરાબ? ઓનેસ્ટલી વિચાર કરો તો લાગશે કે માણસને સારા અનુભવો જ વધારે થતાં હોય છે. ખરાબ અનુભવો તો બે-ચાર જ થતાં હોય છે, પણ આ અનુભવોને કારણે આપણે આખી દુનિયાને ખરાબ માની લેતાં હોય છીએ. એક મિત્ર દગો કરે એટલે આપણે બધાં મિત્રો ઉપર ડાઉટ કરીએ છીએ. બીજા મિત્રએ સો વાર સારૂં કર્યું હોય તો પણ આપણે તેને ગણકારતા નથી. તમે ક્યારેય ચિંતનની પળે વિચાર્યું છે કે તમે કયા અનુભવને આધારે દુનિયા વિશેની તમારી માન્યતા ઘડી છે?
સરવાળે દુનિયા આપણે જેવું માનતા હોય એવી જ હોય છે, સવાલ એ જ હોય છે કે આપણે દુનિયાને કેવી માનીએ છીએ. દુનિયા તો સારી છે, આપણે તેને આપણી મરજી મુજબ માની લેતા હોય છીએ. કોઈ સારી વ્યક્તિ મળે ત્યારે આપણને એવું થાય છે કે આવા લોકોને કારણે જ દુનિયા ટકી છે. તમે એવા માણસ છો કે તમને મળીને કોઈને એવું લાગે કે તમારા જેવા લોકોથી જ દુનિયા ટકી છે?કોઈ સારો માણસ મળે ત્યારે આપણે એવું કહીએ છીએ કે બહુ ભોળો અને સીધોસાદો માણસ છે, કોઈ ખરાબ માણસ મળે ત્યારે આપણે એવું શા માટે કહીએ છીએ કે આખી દુનિયા આવી જ છે! આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણે કેવા છીએ?
એક ગામના પાદરમાં એક સાધુ અને એક શિષ્ય રહેતા હતા. એક વખત એક માણસ આશ્રમમાં આવ્યો. તેણે સાધુને પૂછયું કે આ ગામમાં કેવા લોકો રહે છે? આ ગામ વસવાટ કરવા જેવું છે? તમે મને કહો કે આ ગામના લોકો સારા છે કે ખરાબ?
સાધુએ એ માણસને સામો સવાલ કર્યો કે ભાઈ તું જે ગામમાંથી આવે છે એ ગામના લોકો કેવા હતા? પેલા માણસે કહ્યું કે હું જે ગામમાંથી આવું છું એ ગામના લોકો તો એકદમ નાલાયક, બદમાશ, લુચ્ચા અને સ્વાર્થી હતા. આ વાત સાંભળીને સાધુએ કહ્યું કે આ ગામના લોકો પણ એવા જ છે, એકદમ નાલાયક, બદમાશ, સ્વાર્થી અને લુચ્ચા. ગામમાં એકેય સારો માણસ છે જ નહીં. આ ગામ રહેવા જેવું જ નથી. સાધુની વાત સાંભળીને પેલો માણસ ગામ સામે નજર નાખ્યા વિના જ બારોબાર ચાલ્યો ગયો.
થોડા દિવસો પછી બીજો એક માણસ આશ્રમમાં આવ્યો. એ માણસે પૂછયું કે આ ગામ વસવાટ કરવા જેવું છે? આ ગામના લોકો કેવા છે? સાધુએ એને પણ સામો સવાલ કર્યો કે ભાઈ તું જે ગામમાંથી આવે છે એ ગામના લોકો કેવા હતા? એ માણસે જવાબ આપ્યો કે હું જે ગામમાંથી આવું છું એ ગામના લોકો તો બહુ જ ભલા, સારા, સજ્જન અને દયાળુ હતા. એ માણસની વાત સાંભળીને સાધુએ કહ્યું કે આ ગામના માણસો પણ એવા જ છે, ભલા, સારા, સજ્જન અને દયાળુ. આ ગામ ખરેખર બહુ જ સારૂં અને રહેવા જેવું છે. સાધુની વાત સાંભળી એ માણસે ગામ તરફ ડગલાં ભર્યાં.
સાધુના એ બેવડાં જવાબ સાંભળી શિષ્યને આશ્ચર્ય થયું. શિષ્યએ સાધુને સવાલ કર્યો કે તમે બે માણસને અલગ અલગ જવાબ શા માટે આપ્યા? સાધુએ કહ્યું કે અંતે તો માણસને એ પોતે જેવો હોય એવું જ બધું લાગે છે. તને ખબર છે એ બંને માણસો એક જ ગામમાંથી આવતા હતા! ગામ, શહેર, દુનિયા અને લોકો સરવાળે તો તમે જેવું માનતા હો એવા જ હોય છે. આપણો વાંધો એ હોય છે કે આપણે આપણા વિશે કંઈ વિચારતા નથી અને દુનિયા વિશે ખયાલો બાંધી લઈએ છીએ.
દુનિયા સારી જ છે અને સતત સારી જ થતી જાય છે. દુનિયા તો યુગોથી એની એ જ છે. એ જ ધરતી છે, એ જ આકાશ છે, એ જ નદીઓ છે, એ જ દરિયો છે, એ જ પર્વતો છે, બધું એનું એ જ છે. સારા માણસો અગાઉ પણ હતા અને અત્યારે પણ છે. રાક્ષસો અને જાસૂસો સતયુગમાં પણ હતા અને થોડાક એવા લોકો અત્યારે પણ છે. એનાથી દુનિયા ખરાબ થઈ જતી નથી.
દુનિયા વિશે કોઈ ધારણાઓ બાંધી ન લ્યો. ધારણા બાંધવી હોય તો પોતાના વિશે બાંધો. માન્યતા ઘડવી હોય તો પોતાના વિશે ઘડો. માત્ર એટલું યાદ રાખો કે તમે જેવી માન્યતા ઘડશો એવું જ તમને બધું લાગશે. બધું જ સુંદર છે, જો તમે સારા હો તો! કન્ડિશન એપ્લાય્ડ! બાય ધ વે, તમે શું માનો છો? આ દુનિયા કેવી છે?
છેલ્લો સીન
દુનિયા અરીસા જેવી છે, જેમાં આપણું પ્રતિબિંબ દેખાય છે. જો આપણે હસીએ તો તે પણ હસે છે, જો આપણે રડીએ તો તે પણ રડે છે, જો આપણે મોઢું મચકોડીએ તો એ પણ મચકોડે છે.
– સ્વેટ માર્ડન
kkantu@gmail.com
Very Nice….Interesting,,
Simple language and easy to understand