Full of Life હોવું એટલે શું?

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
દુઃખ એય સુખ સમાન હતું કોણ માનશે? મૃગજળમાં જળનું સ્થાન હતું કોણ માનશે?
કોનું ગજું કે નાવનું સાગરમાં નામ લે! તોફાન ખુદ સુકાન હતું કોણ માનશે?
– વ્રજ માતરી
જિંદગી ક્યારેક સાવ સહેલી લાગે છે અને ક્યારેક ખૂબ જ અઘરી. જિંદગી ક્યારેક સપનું લાગે છે અને ક્યારેક હકીક્ત. જિંદગી ક્યારેક કોયડો છે અને ક્યારેક ઉકેલ. જિંદગી ક્યારેક ગીત લાગે છે અને ક્યારેક ગઝલ. જિંદગીની મજા જ એ છે કે એ એકસરખી નથી. જો જિંદગી કાયમ એકસરખી જ હોત તો જીવવાની કોઈ મજા જ ન હોત. જિંદગીની વ્યાખ્યાઓ સમય અને ઉંમર સાથે બદલાતી રહે છે. માન્યતાઓ બદલાય છે, ધારણાઓ બદલાય છે, શક્યતાઓ બદલાય છે, આશાઓ બદલાય છે, અપેક્ષાઓ બદલાય છે, કારણ કે શ્વાસ બદલાતા રહે છે. શ્વાસ એ જ શીખવાડે છે કે શ્વાસ ભરવાનો છે અને છોડવાનો છે. છોડીને પાછો ભરવાનો છે. દરેક વખતે શ્વાસ સાથે સુગંધ જ હોય એ જરૂરી નથી. હવા એ જ રહે છે પણ વાતાવરણ બદલાતું રહે છે. સતત બદલાવ એ જિંદગીની ખાસિયત છે.
કુદરતની દરેક રચનાઓ જુઓ. કંઈ જ સ્થિર નથી. બધું જ ગતિશીલ છે. તો પછી જિંદગી કેવી રીતે સ્થિર રહેવાની છે? સૂર્ય આવે છે અને જાય છે. ચાંદનીની રોશનીમાં ચડ-ઊતર થતી રહે છે. દરિયામાં ભરતી અને ઓટ છે. ઋતુઓ બદલાતી રહે છે. આકાશના રંગો બદલાતા રહે છે. ઊગવું અને આથમવું એ પ્રકૃતિનો નિયમ છે. ખીલવું અને મૂરઝાવું એ સૃષ્ટિનો સિદ્ધાંત છે. એક વ્યક્તિ સંત પાસે ગઈ. તેણે કહ્યું કે
બધું જ ધીમે ધીમે વિસર્જન પામે છે. સંતે કહ્યું કે ના એવું નથી. તમે શું જુઓ છો તેના પર સર્જન કે વિસર્જનનો આધાર છે. મને તો એવું લાગે છે કે બધું જ સર્જન થતું રહે છે. તમે વિસર્જનને શા માટે જુઓ છો? સર્જનને જુઓ ને! ઉંમર એ મોતની નહીં પણ જિંદગીની નજીક લઈ જવી જોઈએ. ઉંમરની સાથે સમજણ વધે છે એવું મનાય છે, એવી જ રીતે ઉંમરની સાથે જિંદગી ખીલવી જોઈએ. સૂરજ રોજ ઊગે છે, ફૂલ રોજ ખીલે છે, ભૂખ રોજ લાગે છે અને શ્વાસ સતત ચાલે છે. જિંદગીમાં સતત નવીનતા જ હોય છે. આપણે માત્ર જૂનું પકડી રાખીએ છીએ એટલે જ આપણને બધું જૂનું, નક્કામું, ઉદાસ અને કંટાળાજનક લાગે છે.
‘ફુલ ઓફ લાઈફ’ હોવું એટલે શું? બધાને જિંદગી ભરપૂર જોઈએ છે, બધું જ છલોછલ હોય એવું ગમે છે. પણ બધું એકસરખું રહેતું નથી. ઘટતું અને વધતું રહે છે. માણસ ઓલવેઝ બે એકસ્ટ્રીમ વચ્ચે જીવે છે. એક તરફ સુખ છે અને બીજી તરફ દુઃખ છે. એક તરફ ઉત્સાહ છે અને બીજી તરફ ઉદાસી છે. એક તરફ પ્રશ્ન છે અને બીજી તરફ જવાબ છે. આ બધાની વચ્ચે એકધારું અને એકસરખું જીવવું એટલે જ ફુલ ઓફ લાઈફ હોવું.
એક વિદ્યાર્થીને સવાલ પુછાયો કે પરીક્ષામાં સૌથી ગમે એવું શું હોય છે? વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે પરીક્ષામાં એકેય સવાલ એવા નથી હોતા જેના જવાબ ન હોય. હા, ઘણાયે જવાબ આપણને આવડતાં નથી હોતા એ વાત અલગ છે, પણ જવાબ હોય તો છે જ. જિંદગીનું પણ આવું જ છે. જવાબ વગરના પ્રશ્નો નથી હોતા, ઉકેલ વગરની સમસ્યા નથી હોતી. આપણને જવાબ ન આવડતો હોય કે જવાબ ન મળતો હોય તો એને શોધવાનો હોય છે. નાપાસ એ જ થાય છે જેને જવાબ નથી મળતો. જવાબ ન મળે એમાં વાંક પરીક્ષાનો નથી. જિંદગીના જવાબ શોધતા આવડે તો કોઈ સમય અઘરો કે આકરો લાગતો નથી.
જિંદગી એટલે સુખને સાર્થક કરવું અને દુઃખને જીરવવું. જિંદગીમાં દુઃખ, સમસ્યા, મૂંઝવણ, ઉપાધિ, ચિંતા અને અડચણો તો આવવાની જ છે. આ બધું પણ જિંદગીનો જ એક ભાગ છે. તમે તેનાથી ભાગી ન શકો. ભાગવા જશો તો વધુ દુઃખી થશો. જિંદગી એટલે દરેક ક્ષણની પૂર્ણ અનુભૂતિ. સુખની પણ અને દુઃખની પણ. ફૂલની પણ અને કાંટાની પણ. હાસ્યની પણ અને આંસુની પણ. આહની પણ અને વાહની પણ. અપની પણ અને ડાઉનની પણ. જે દુઃખને સહન કરી શકે છે એ જ સુખને મહેસૂસ કરી શકે છે. પ્રશ્નની મજા જવાબમાં છે. તમે પ્રશ્નથી થાકી જશો તો જવાબ મળશે જ નહીં.
જિંદગીમાં ક્યારેક ભીડ છે તો ક્યારેક એકલતા. એક ફિલોસોફરે કહ્યું છે કે, કંઈ જ ખાલી હોતું નથી. બધું જ ભરેલું હોય છે. આપણે જ બધું ખાલી માની લેતા હોય છે. શૂન્યવકાશમાં પણ સન્નાટો ભરેલો હોય છે. મૌન શાંતિથી છલોછલ હોય છે. એકલતામાં માણસ સૌથી વધુ પોતાની નજીક હોય છે. દુઃખી વ્યક્તિ એ જ છે જે દુઃખથી ભાગે છે. માણસ સુખથી તો ભાગતો નથી તો, પછી દુઃખથી શા માટે ભાગવું જોઈએ? આપણે જેને દુઃખ કહીએ છીએ એ પણ જિંદગીનો જ એક ભાગ છે. દુઃખ એટલે લાગે છે કે આપણે આપણાં મનને માત્ર સુખ માટે જ તૈયાર કર્યું હોય છે. ખરાબ સમય આવે ત્યારે કેટલાં લોકો એવું સમજી શકે છે કે આવો સમય બહુ સ્વાભાવિક છે. આ સમય પણ ચાલ્યો જવાનો છે. પણ માણસ થથરી જાય છે. સમય જવાની રાહ જ નથી જોઈ શકતો. માણસને દુઃખ ઝડપથી ખંખેરી નાખવું છે અને સુખને કાયમ પકડી રાખવું છે. આવી ઇચ્છા રાખવી એમાં કંઈ ખોટું નથી. દુઃખને ખંખેરી નાખવા દુઃખને સમજવાની જરૂર છે, દુઃખથી ભાગવાની નહીં, કારણ કે તમે એનાથી ભાગી તો શકવાના જ નથી. આજના માણસની સૌથી મોટી તકલીફ એ છે કે એ સુખમાં સુખી થઈ શકતો નથી અને દુઃખમાં બહુ ઝડપથી અને વધુ પડતો દુઃખી થઈ જાય છે.
એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે, હમણાં ખરાબ સમય ચાલે છે. હમણાં હું દુઃખી છું. મિત્રએ કહ્યું કે આ સમય ન હતો અને આ દુઃખ ન હતું ત્યારે તો તેં ક્યારેય મને એવું કહ્યું નથી કે હમણાં સમય સારો ચાલે છે. હમણાં હું સુખી છું. આપણે દુઃખની જ કેમ નોંધ લઈએ છીએ? હવે આ દુઃખ જાય ત્યારે તો કહેજે કે હવે હું સુખી છું. આપણે સુખી હોઈએ છીએ ત્યારે આપણે સુખ ફિલ કરીએ છીએ? આપણે સુખને સ્વાભાવિક ગણી લેતા હોઈએ છીએ. દુઃખને અસ્વાભાવિક ગણીએ છીએ એટલે જ દુઃખ આકરું લાગે છે. દુઃખને પણ સ્વાભાવિક જ ગણવું જોઈએ. સુખને પણ ફિલ કરવું જોઈએ. ઘરની બારીમાંથી પડતી સવાર આપણને નવી લાગતી નથી એટલે આપણે હિલ સ્ટેશન પર જઈને સવાર માણવાની ઇચ્છા રાખીએ છીએ અને ત્યાં જઈ નથી શકતા એટલે દુઃખી થઈએ છીએ.
એક માણસ હિલ સ્ટેશને ફરવા ગયો. ખૂબ જ સુંદર વાતાવરણ હતું. આ સ્થળે રહેનાર વ્યક્તિ કેટલી સુખી હશે? એવા વિચારો તેને આવતા હતા. ત્યાંની એક સ્થાનિક વ્યક્તિને પૂછયું કે તમારે કેટલું સારું? રોજ હિલ સ્ટેશન પર જ રહેવાનું! પેલા માણસે કહ્યું કે અમને તો કંઈ જ નવું નથી લાગતું. રોજનું થયું છે. એ માણસે કહ્યું કે દોસ્ત એ જ સમજવાનું છે. નવું તો હોય છે જ આપણને લાગતું નથી. સૌંદર્ય તો હોય જ છે પણ દરરોજ સૌંદર્ય હોય એટલે આપણને સુંદરતાનો અહેસાસ થતો નથી. લોકો અહીં ફરવા આવીને આનંદ માણી જાય છે પણ તું અહીં રહીને પણ આનંદ માણી નથી શકતો. આવું જ જિંદગીનું અને સુખનું હોય છે. સુખ તો હોય જ છે આપણને તેની ખબર હોતી નથી. ઘણી વખત તો જે સુખ હોય એને જ આપણે દુઃખ માની લેતા હોઈએ છીએ. માણસને પકડવું હોય છે સુખને અને એ પકડી રાખે છે દુઃખને. હાય દુઃખ આવ્યું એમ માની એમાં જ ખૂંપેલો રહે છે. દુઃખને છોડતો જ નથી, જડબેસલાક પકડી રાખે છે અને પોતે માનતો રહે છે કે હું દુઃખી છું. પોતાને દુઃખી માનતો રહે છે અને લોકોને કહેતો ફરે છે કે હું દુઃખી છું. મને આ ચિંતા છે, મને આનું ટેન્શન છે. દુઃખને છોડી દો અને જ્યાં સુધી છે ત્યાં સુધી એની પણ સાથે રહો. ‘ફુલ ઓફ લાઈફ’ એટલે જિંદગીની તમામ ક્ષણોને મહેસૂસ કરવી, દરેક ક્ષણની અનુભૂતિ કરવી અને દરેક ક્ષણને માણવી. સુખ તો નજીક જ હોય છે, ઘણી વખત તો આપણે તેનાથી ભાગતા હોઈએ છીએ. દુઃખને એટલી બધી ગંભીરતાથી લઈએ છીએ કે આપણે આપણને સુખી માનવા તૈયાર જ નથી હોતા, બાકી સુખ ગેરહાજર હોતું જ નથી, માત્ર આપણે હાજર નથી હોતા!
છેલ્લો સીનઃ

માણસના જીવનનો મોટો ભાગ એ જ વિચારમાં ને વિચારમાં વીતી જાય છે કે હું જીવનને નાશ પામતા કેવી રીતે બચાવીશ? તેના પરિણામે જ જીવન નષ્ટ થઈ જાય છે અને આપણા જીવતા રહેવાના પ્લાનિંગમાં જ રચ્યાપચ્યા રહીએ છીએ. જીવતાં હોતા જ નથી.– ઈમર્સન
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *