આપણને આપણી શરમ નડે છે?

 Krishnkant Unadkat : Chintan ni pale
વલણ  હું  એક્સરખું રાખું છું, આશા-નિરાશામાં,
બરાબર ભાગ લઉં છું, જિંદગીના સૌ તમાશામાં.
– અમૃત‘ઘાયલ’

     આબરૂ એક એવી ચીજ છે, જેની માણસ સૌથી વધુ દરકાર કરે છે. ઘણીવખત માણસના મોઢે એવું સાંભળવા મળે છે કે, મને મારી આબરૂની પડી છે હોં! માણસ આખી જિંદગી આબરૂ ઓઢીને ફરતો હોય છે અને આબરૂ કોઈ સંજોગોમાં ન ખરડાય એની પૂરેપૂરી તકેદારી રાખતો હોય છે. સવાલ એટલો જ હોય છે કે, ઓઢેલી આબરૂની અંદર જે માણસ છે એ કેવો છે?
     માણસને આખી દુનિયાની શરમ નડે છે, પણ પોતાની શરમ કેટલી નડે છે? જાહેરમાં કોઈ હરક્ત કરતાં બચતો માણસ કોઈ જોતું ન હોય ત્યારે એ જ હરકત કરતાં જરાયે અચકાતો, ખચકાતો કે શરમાતો નથી! માણસને બહારની જેટલી પડી હોય છે એટલી પોતાની અંદરની કેમ પડી હોતી નથી? લોકોને આખી દુનિયાની નજરમાં સારું રહેવું હોય છે, પણ માણસની પોતાની નજરનું શું? શું માણસને પોતાને જ પોતાની બે આંખની શરમ નહીં નડતી હોય?
     કોને ખબર પડવાની છે? અહીં આપણને કોણ ઓળખે છે? આવું વિચારીને ઘણાં લોકો છાનાખૂણે છાનગપતિયાં કરતાં રહે છે. કોઈ જોતું હોય ત્યારે જાહેરમાં થૂંકતા શરમાનારો માણસ કોઈ ન જોતું હોય ત્યારે આરામથી પાનની પિચકારી દીવાલ પર મારી દે છે! આવી હરક્તો વખતે એવું નથી લાગતું કે આપણે આપણી સાથે જ ‘ડબલ સ્ટાન્ડર્ડ’નું જીવન જીવી રહ્યા છે.
     એક ગુનેગાર પકડાઈ ગયો પછી તેણે કહ્યું કે, હું તો કોઈને મોઢું બતાવવા જેવો ન રહ્યો! આ માણસને એવો સવાલ કર્યો કે, કેમ તું રોજ સવારે તારૂં મોઢું અરીસામાં જોતો નહોતો? તારું પ્રતિબિંબ જોઈને તને ક્યારેય એવું ન થયું કે હું આ માણસને શું મોઢું બતાવું છું? અથવા તો આ માણસને જ મોઢું નહીં બતાવી શકું ત્યારે મને શું થશે? જે માણસને પોતાના મોઢાની શરમ નડતી હોતી નથી તે બધા લોકોથી પોતાનું મોઢું છુપાવતો હોય છે! અંધારામાં ભલે કોઈ ન જોતું હોય પણ આપણી જાત તો આપણને જોતી જ હોય છે. તમારી જાતે તમને ક્યારેય એવું નથી કહ્યું કે, આવું કરતા કંઈ શરમ નથી આવતી?
     તમારે જો જાહેરમાં સારું દેખાવવું હોય તો ખાનગીમાં પણ સારા રહો. ખાનગીમાં સારા ન રહેનારા માણસે એક વાત યાદ રાખવા જેવી છે કે હું જાહેરમાં જે ઓઢીને ફરું છું એ આબરૂ નથી પણ છળકપટનું એક મ્હોરું છે. મ્હોરું ગમે એવું હોય તો પણ એ કોઈને કોઈ દિવસે ઉતરી જ જવાનું છે. મ્હોરું એટલે ઓરજિનાલીટીનો અભાવ. માણસ પોતાના ચહેરા ઉપર ઊગી નીકળેલા ખીલની જેટલી ચિંતા કરે છે એટલી ઉપાધિ પોતાના દામન પર લાગેલા ડાઘની નથી કરતો! સારા હોવું અને સારા દેખાવું એ બંને જુદી જુદી ક્રિયા છે. તમે સારા જ હશો તો તમારે સારા દેખાવવા મહેનત નહીં કરવી પડે.
     પોતાની જાત સાથે છેતરિંપડી કરવી સૌથી સહેલી છે. એટલે જ માણસ આખી જિંદગી રમત રમતો રહે છે. ઘણા માણસો આખી દુનિયા સાથે રમત જીતી ગયા હોય છે પણ પોતાની જાત સાથે જ હારી ગયેલા હોય છે. માણસ ખોટો હોય ત્યારે બીજાને ભલે ખબર ન પડે, પણ પોતાને તો ખબર જ હોય છે કે હું ખોટ્ટો છું. આવું થાય ત્યારે જો માણસનું દિલ ન ડંખે તો માનવું કે આપણામાં માણસાઈ નામનું તત્વ સૂકાઈ ગયું છે. બહારથી ગલગોટા જેવા દેખાતા કેટલાંય લોકો અંદરથી ચીમળાયેલા હોય છે!
ડાર્વિનનો સિદ્ધાંત કહે છે કે, માણસ પશુમાંથી ધીમે ધીમે માણસ થયો છે. આપણને માણસજાતની ઉત્ક્રાંતિની ખબર છે પણ આપણી જાતની ઉત્ક્રાંતિનું શું? હજુ ઘણાં લોકોમાં હિંસક પશુ જીવે છે. આવા લોકોને ક્યારેય એમ કેમ નહીં થતું હોય કે મારે હજુ ઉત્ક્રાંતિ કરવાની છે. મારામાંજ જીવતા પશુને હજુ મારે માણસ બનાવવાનો છે!
     બે મિત્રો હતા. બંને એક જ ઓફિસમાં એક જ સરખી પોસ્ટ ઉપર કામ કરે. એક મિત્ર કરપ્ટ હતો. બીજો ઓનેસ્ટ. અપ્રામાણિક મિત્રને લાંચ લેવામાં કોઈની શરમ ન નડે! પ્રામાણિક મિત્ર કોઈ દિવસ ખોટું ન કરે. એકવખત બંને મિત્રોને એક મોટું કામ કરવાનું થયું. આ કામ પતાવવા માટે મોટી રકમ લાંચમાં મળે એમ હતી. લાંચિયા મિત્રએ કહ્યું કે, લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરવા આવે છે તો લઈ લે ને! આખી દુનિયા આમ જ ચાલે છે. તું ભગતનો ભગત જ રહી જવાનો અને પાછલી જિંદગીમાં ભૂખે મરવાનો! પ્રામાણિક મિત્રએ કહ્યું કે, ના. તું જે કરતો હોય એ કર, પણ મારે કંઈ કરવું નથી. લાંચિયા મિત્રએ પૂછ્યું કે, કેમ? મિત્રએ કહ્યું કે, યાર! મને મારી પોતાની જ શરમ નડે છે. મારું દિલ મને ના પાડે છે. મારી જાત મને કહે છે કે તારાથી આવું ન થાય! બસ, એટલે જ હું આવું કંઈ કરતો નથી.
     લાંચિયા મિત્રએ પોરસાઈને કહ્યું, હું આટલા વખતથી આવું બધું કરું છું, કોઈને ખબર પડી? પ્રામાણિક મિત્રે હસીને કહ્યું કે, તારી વાત સાચી છે, તું શું કરે છે એ કોઈને ખબર નથી પડતી, કરુણતા એ વાતની છે દોસ્ત કે કોઈને તો ખબર નથી પડતી પણ તનેય ખબર નથી પડતી!
     તમારી જાતને તમારી નજરમાંથી ઊતરવા ન દો. બહુ ઓછા લોકો પોતાની નજર સામે જ ટટ્ટાર ઊભા હોય છે. પોતાની જાત સાથે પ્રામાણિકતાપૂર્વક જીવવું સાવ સહેલું છે, અને જે સાવ સહેલું હોય છે એ જ સૌથી અઘરું છે. જિંદગી ઉપર કોઈ બોજ કે ભાર જ નહીં હોય તો એ હટાવવાની ચિંતા જ નથી રહેતી, આવા લોકો કાયમ હળવા, હસતા અને જીવતા હોય છે!

છેલ્લો સીન:
જે માણસ સ્વામી બનવાની ઉતાવળ કરે છે, તેની ગુલામ બનવાની શક્યતાઓ વધી જાય છે.-ઓરિસન સ્વેટમાર્ડન

Krishnkant Unadkat

Krishnkant Unadkat

4 thoughts on “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *