લખવાનું તો ગયું, લોકો ટાઇપ કરવાનું પણ ભૂલી જવાના છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

લખવાનું તો ગયું, લોકો ટાઇપ
કરવાનું પણ ભૂલી જવાના છે


દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

ટેક્નોલોજીમાં જે રીતે પરિવર્તન આવી રહ્યાં છે એ
એવું કહે છે કે, લોકો મોબાઇલ કે લેપટોપમાં ટાઇપ અથવા તો કી-ઇન
કરવાનું પણ ભૂલી જવાના છે. હવે બધું કામ બોલીને જ થઈ જવાનું છે.
તમે પેનથી છેલ્લે ક્યારે લખ્યું હતું?

———–

યાદ કરો, છેલ્લે ક્યારે તમે પેનથી કંઇ લખ્યું હતું? પેનનો ઉપયોગ હવે મોટાભાગે સહી કરવા પૂરતો જ થાય છે. એક સમયે દરેકના ખીસામાં પેન કે બોલપેન અવશ્ય રહેતી. કેટલીક બ્રાન્ડેડ પેન તો લોકો શર્ટના ખીસામાં દેખાય એ રીતે રાખતા હતા. હવે પેનનાં આવાં દર્શન પણ દુર્લભ થઇ ગયાં છે. લોકો હવે મોબાઇલ કે લેપટોપ પર લખે છે. કંઇ પણ કામ હોય તો સૌથી પહેલો ઉપયોગ મોબાઇલનો થાય છે. લખવાનું કે હિસાબ કરવાનું મોટું કામ હોય તો લોકો લેપટોપ વાપરે છે. લોકોને કી-ઇન કરવાની સારી એવી ફાવટ આવી ગઇ છે. લોકો કી-બોર્ડમાં જોયા વગર પણ ટાઇપ કરી શકે છે. કીપેડવાળા ફોન હતા ત્યારે લોકો વાતો કરતાં કરતાં પણ ટાઇપ કરી શકતા હતા. સ્માર્ટ ફોન આવ્યા પછી સ્મૂધલી ટચ કરીને લખી શકાય છે. પેનથી લખવાનું હવે બધાને બોરિંગ લાગે છે. હજુ આપણે ત્યાં એક્ઝામ્સમાં પેપર લખવાનાં હોય છે. સ્ટુડન્ટ્સ ત્રણ કલાકની પરીક્ષામાં પેપર લખીને હાંફી જાય છે. પરીક્ષા માટે પણ લખવાની પ્રેક્ટિસ કરતા રહેવું પડે છે. ઘણા સમયથી એવી આગાહીઓ થઇ રહી છે કે, એક સમય એવો આવશે જ્યારે લોકો લખવાનું જ ભૂલી જશે. પેન પકડવાની રીત પણ શીખવી પડશે. હવે તો તેનાથી પણ આગળની વાત થઇ રહી છે. નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે, આગામી સમયમાં લોકો ટાઇપ એટલે કે કી-ઇન કરવાનું પણ ભૂલી જવાના છે. એનું કારણ એ છે કે, મોટાભાગનાં કામ બોલીને જ થઇ જવાનાં છે. આમ તો અત્યારે ઓલરેડી એવું શરૂ થઇ જ ગયું છે.
વોટ્સએપ પર લોકોને હવે મેસેજ લખવાનો કંટાળો આવે છે. લખવા કરતાં વોઇસ મેસેજ કરવા લોકોને સરળ લાગે છે. સ્પીકરના નિશાન પર ક્લિક કરીને જે કહેવું હોય એ બોલીને સેન્ડ કરી દે છે. વોઇસ મેસેજનો ફાયદો એ પણ છે કે, એનાથી આત્મીયતા ફીલ થાય છે. જે વ્યક્તિ વાત કરતી હોય તેનો અવાજ સાંભળવા મળે છે. બોલનારના ટોન પરથી તેની ફીલિંગ પણ અનુભવાય છે. કોઇ ગુસ્સામાં બોલતું હોય છે તો કોઇ અત્યંત સલુકાઇથી જે કહેવું હોય એ કહે છે. પોતાની પ્રિય વ્યક્તિનો અવાજ સાંભળીને પણ મજા આવે છે. ટેક્નોલોજી જે રીતે આગળ વધી રહી છે એ જોતાં લખવાનું પણ હવે આર્ટની કેટેગરીમાં આવી જવાનું છે. એક સમય એવો આવશે જ્યારે લોકો કહેશે કે, એને તો હાથેથી લખતા આવડે છે. એક સમયે સારા અક્ષરોની બોલબાલા હતી. હવે લખવાની જ બોલબાલા થઇ જવાની છે. અલબત્ત, એમાં કંઇ ખોટું નથી. યંગ જનરેશન કહે છે કે, લખવાની ઝંઝટ શા માટે કરવી જોઇએ? બોલીને જે કહેવું હોય એ કહી દેવાનું.
માનવ સભ્યતાના ઇતિહાસમાં કમ્યુનિકેશનનું મહત્ત્વ પહેલેથી રહ્યું છે. પ્રાચીન સમયમાં લોકો ગુફાઓ અને દીવાલોમાં ચિત્રો બનાવીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા હતા. એ પછી ભાષાની શોધ થઇ. તેના પગલે પેપર અને પેનનો આવિષ્કાર થયો. સદીઓ સુધી લોકો હાથેથી લખતા રહ્યા હતા. આ રાઇટિંગ યુગ હતો. કમ્પ્યૂટર, લેપટોપ અને સ્માર્ટ ફોનના આગમનથી રાઇટિંગ યુગની સાથે ટાઇપિંગ યુગ શરૂ થયો. ટેક્નોલોજીની ક્રાંતિ સાથે કલમની જગ્યા કી-બોર્ડે લઇ લીધી. હવે ટાઇપિંગ યુગ પણ ધીમે ધીમે સમાપ્ત થવા તરફ આગળ વધી રહ્યો છે. હવે પછીનો સમય વોઇસ ટાઇપિંગનો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેટિક સ્પીચ રેકગ્નિશન જે રીતે કામ કરી રહ્યાં છે એ જોઇને એવી આગાહીઓ કરવામાં આવે છે કે, નજીકના ભવિષ્યમાં દસ્તાવેજોથી માંડીને પુસ્તકો પણ લખીને નહીં, પણ બોલીને તૈયાર થવા લાગશે.
બોલવાથી થતા કામના કારણે લખવાની ઝડપ પણ વધવાની છે. સામાન્ય સંજોગોમાં માણસ એક મિનિટમાં 30થી 40 શબ્દો ટાઇપ કરે છે. પ્રોફેશનલ ટાઇપિસ્ટની સ્પીડ સરેરાશ એક મિનિટમાં 60થી 70 શબ્દોની હોય છે. તેની સરખામણીમાં માણસની બોલવાની સ્પીડ એક મિનિટના 150થી 180 શબ્દોની હોય છે. મતલબ કે માણસ જે ઝડપે વિચારે છે અને બોલે છે તેની સ્પીડ ટાઇપિંગ કરતાં ચાર ગણી વધારે હોય છે. ટાઇપિંગ કરવાને બદલે બોલવામાં ઓછો શ્રમ પડે છે. લાંબો સમય ટાઇપિંગ કરવાથી કાર્પેલ ટનલ સિન્ડ્રોમ અને આંગળીઓ તથા કાંડાના સાંધાઓમાં દુખાવા જેવી બીમારી થઇ શકે છે. ખોળામાં લેપટોપ રાખીને લખવામાં નમીને લખવું પડે છે. એનાથી ગરદન અને કરોડરજ્જુની સમસ્યા થઇ શકે છે. વોઇસ ટાઇપિંગમાં આવી કોઇ ચિંતા રહેતી નથી.
વોઇસ ટાઇપિંગનો બીજો એક ફાયદો પણ છે. આપણે ટાઇપ કરતા હોઇએ ત્યારે વિચારોનો ફ્લો ઘણી વખત અવરોધાય છે. એક તો કી-બોર્ડ તરફ જોઇને લખવું પડે છે, સાથે સ્ક્રીન પર પણ જોવું પડે છે. એમાંયે જો સ્પેલિંગની ભૂલ થઇ તો સુધારવામાં ધ્યાન ભટકી જાય છે. વોઇસ ટાઇપિંગમાં આંખો મીંચીને પણ બોલીને લખી શકાય છે. એનાથી ક્રિએટિવિટી ખીલે છે એવું કહેવામાં આવે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું હતું. તેમાં વોઇસ ટાઇપિંગના આ બધા ફાયદાઓ ગણાવવામાં આવ્યા હતા. માર્કેટ રિસર્ચ ફ્યૂચરના મોબાઇલ ઇન્ટરએક્શન સરવેમાં એવું બહાર આવ્યું છે કે, સ્માર્ટ ફોન વાપરતા 91 ટકા લોકો કોઇ ને કોઇ સ્વરૂપે વોઇસ કમાન્ડ કે વોઇસ-ટુ-ટેક્સ્ટ સાથે જોડાયેલા રહે છે. તમે માર્ક કરજો, તમે પણ મોબાઇલમાં બોલીને કંઇક તો કરતા જ હશો. છેલ્લે સીરી, બીક્સબી કે એલેક્સા સાથે કન્વર્ઝેશન કરતા હશો.
આપણા દેશમાં થયેલા એક સરવેમાં એવું બહાર આવ્યું છે કે, ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોમાં 76 ટકા લોકો વોઇસ ટેક્નોલોજીથી પરિચિત છે. ગામડામાં જ્યાં લોકોને ટાઇપ કરતા નથી આવડતું કે નથી ફાવતું ત્યાં વોઇસ ટેક્નોલોજી કારગત નીવડી રહી છે. એવા પણ કિસ્સા છે જેમાં લોકોને લખતા જ આવડતું નથી, એ લોકો માટે તો બોલીને લખી શકવાની ટેક્નોલોજી આશીર્વાદરૂપ બની રહી છે. હવે એઆઇ ટૂલ ચમત્કાર સર્જી રહ્યાં છે. બોલીને ધાર્યું કામ કરી શકાય એ માટે સ્પેશિયલાઇઝ્ડ ટૂલ્સ બની રહ્યાં છે. ડોક્ટરો માટે એક એવું સ્પેશિયલ ટૂલ છે જે ડોક્ટર થોડુંક બોલે ત્યાં પેશન્ટની આખી મેડિકલ હિસ્ટ્રી લખી દે છે, હિસ્ટ્રી અપડેટ કરતું રહે છે અને ડોક્ટરના સામાન્ય ઇશારે પ્રિસ્ક્રિપ્શન પણ તૈયાર કરી આપે છે. ડોક્ટરે એક શબ્દ પણ લખવો પડતો નથી. લિગલ સેક્ટરની વાત કરીએ તો એક સમયે દલીલોની નોંધ રાખવા માટે સ્ટેનો રાખવામાં આવતા હતા. હવે એવા સોફ્ટવેર આવી ગયા છે કે, વકીલો દલીલ કરતા હોય ત્યારે જ એનું સીધું ટાઇપ થતું રહે. આ રિઅલ ટાઇમ વોઇસ ટાઇપિંગથી ફટાફટ કામ થઇ જાય છે. જજ લોકો પણ લખવાને બદલે બોલીને જજમેન્ટ આપવા લાગ્યા છે. વોઇસ ટાઇપિંગનું કામ અત્યારે એ હદે પરફેક્ટ થઇ ગયું છે કે, કદાચ આપણે એકાદ શબ્દ ખોટો બોલીએ તો સોફ્ટવેર એની મેળે જ કરેક્શન કરી દે છે. જોડણી એ અત્યારની જનરેશન માટે સૌથી મોટું ટેન્શન છે. ગુજરાતીની જોડણી ઘણાને આવડતી નથી. હવે જોડણી શીખવાની પણ ચિંતા નથી. વોઇસ ટાઇપિંગમાં આપોઆપ રાઇટ સ્પેલિંગ શોધાઇ જાય છે.
વાત તો ત્યાં સુધીની થઇ રહી છે કે, ભવિષ્યના ગેજેટમાં કી-બોર્ડ જ નહીં હોય. લેપટોપની પણ જરૂર નહીં પડે. એવાં ચશ્માં આવી ગયાં છે જેની સ્વિચ ઓન કરતાં જ તમે જે બોલશો એ તમારે જ્યાં લખવું હશે ત્યાં લખાઇ જશે. તમારી કારનું એસી કે ઘરનું કોઇ પણ ગેજેટ એક શબ્દ બોલતાં જ કામ કરતું થઇ જશે.
વોઇસ ટાઇપિંગના ફાયદાઓ છે એમ તેનાં કેટલાંક જોખમો પણ છે. સૌથી મહત્ત્વનો ઇશ્યૂ તો પ્રાઇવસીનો છે. આપણે જે કંઇ ઓનલાઇન કરીએ છીએ એ ક્યાંક ને ક્યાંક સચવાતું હોય છે. એનો દુરુપયોગ થઇ શકે છે. હેકર્સ પાસે એવી ટ્રિક્સ છે કે, આપણે જે બોલીએ એ બીજે ક્યાંક પણ ટાઇપ થતું હોઈ શકે છે. એ સિવાય બીજો ખતરો વોઇસ ક્લોનિંગનો છે. તમારા અવાજ જેવો જ અવાજ તૈયાર કરીને સાઇબર ક્રિમિનલ્સ તમારા નામે કંઇ પણ કરી શકે છે. જે હોય તે પણ ભવિષ્ય વોઇસ ટાઇપિંગનું છે એ વાત નક્કી છે. ભવિષ્યમાં કોઇને એવું કહેશો કે, અમે તો કમ્પ્યૂટર કે લેપટોપ પર કી-ઇન કરીને ટાઇપ કરતા હતા, તો તેઓ આશ્ચર્ય સાથે બોલી જશે, ખરેખર? સમય બદલાય છે એની સાથે બધું બદલાતું રહેતું હોય છે. ટેક્નોલોજી રોજેરોજ નવા સ્વરૂપ ધારણ કરી રહી છે. બનવા જોગ છે કે, ભવિષ્યમાં એવી ટેક્નોલોજી પણ આવી જાય કે, બોલવાની પણ જરૂર ન રહે, તમે વિચારો અને ટાઇપ થઇ જાય. કુછ ભી હો સકતા હૈ!


———-

પેશ-એ-ખિદમત
તભી તો મૈં મોહબ્બત કા હવાલાતી નહીં હોતા,
યહાં અપને સિવા કોઇ મુલાકાતી નહીં હોતા,
બિછડને કા ઇરાદા હૈ તો મુઝસે મશવરા કર લો,
મોહબ્બત મેં કોઇ ભી ફૈસલા જાતી નહીં હોતા.
– અફઝલ ખાન


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 22 જુલાઇ 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *