મિનિમલિઝમ : જીવવા માટે
આખરે કેટલું જોઈએ?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
અત્યારના આધુનિક સમયમાં હવે રોટી, કપડાં અને મકાન
જ પાયાની જરૂરિયાતો નથી રહી. મોબાઇલ, વાઇફાઇ, કાર
કે ટુ વ્હીલર સહિત ઘણું બધું મસ્ટ થઇ ગયું છે.
જોકે, છતાં પણ દુનિયાના અનેક લોકો મિનિમલિઝમ
એટલે કે જરૂર હોય એટલું જ ખરીદવામાં અને વાપરવામાં માને છે
———–
એક સમય હતો જ્યારે જિંદગી માટે એવું કહેવાતું હતું કે, માણસને આખરે જોઇએ કેટલું? રોટી, કપડાં અને મકાન મળી જાય એટલે બસ. હવે સમય બદલાઈ ગયો છે. હવેના સમયમાં બેઝિક જરૂરિયાત માત્ર રોટી, કપડાં અને મકાન નથી, એ સિવાય પણ ઘણું બધું છે. માણસને મોબાઇલ વગર ચાલતું નથી. કાર કે ટુ વ્હીલર પર વ્યક્તિદીઠ થઇ ગયા છે. મોજમજા અને આનંદપ્રમોદનાં સાધનો વધી ગયાં છે. નવી જનરેશન જિંદગીને ભરપૂર જીવી લેવામાં માને છે. હવે માંગો એ મોબાઇલની ક્લિક પર મળી રહે છે. રોટી, કપડાં અને મકાનની વાત કરીએ તો એમાંયે કેટલી બધી વેરાઇટીઝ આવી ગઇ છે. લોકોને હવે માત્ર દાલ-રોટી નથી જોઇતી, ચાઇનીઝ, ઇટાલિયન, મેક્સિકન, થાઇ, ઇન્ટરકોન્ટિનેન્ટલ સહિત દુનિયાભરની વાનગીઓ ખાવી છે. કપડાં પણ બે-ચાર જોડીથી ચાલતું નથી. આખો વોર્ડરોબ ભરેલો હોવો જોઇએ. રોજ નવી ફેશન આવે છે અને નવી જનરેશન દરેક પ્રસંગ માટે ઓનલાઇન કપડાં ખરીદે લે છે. વાત રહી મકાનની, તો દરેક માણસનું એવું સપનું હોય છે કે, મારું પણ એક ભવ્ય ઘર હોય. સારો ફ્લેટ હોય એને બંગલો લેવાનો વિચાર આવે છે, જેની પાસે બંગલો છે એને ફાર્મ હાઉસ જોઇએ છે. જેની જેવી ત્રેવડ. એમાં કંઇ ખોટું પણ નથી. દરેકને પોતાના માટે સપનાં હોવાનાં જ છે. હોવાં પણ જોઇએ. એ ન હોય તો પછી જિંદગીનો મતલબ શું છે. હવે માણસને ફરવા ગયા વગર પણ ચાલતું નથી. દર વર્ષે મિનિમમ એક ફોરેન ટૂર અને બને એટલી લોકલ ટૂર કરવાનું લોકો વિચારતા રહે છે. જેન ઝી કમાઓ અને વાપરોના સિદ્ધાંતમાં માને છે. ભેગું કરીને શું કરવું છે એવો વિચાર કરનારાઓની સંખ્યા વધી રહી છે. બચતનો કન્સેપ્ટ ઘટી રહ્યો છે. બધાને જેટલું ભોગવી શકાય એટલું ભોગવી લેવું છે.
નવી જનરેશન બધાં જ નાણાં ઉડાડવામાં અને મોજ કરવામાં માને છે એવું બિલકુલ નથી. એક મોટો વર્ગ એવો છે જે મિનિમલિઝમને ફોલો કરી રહ્યો છે. આપણા દેશ અને સમગ્ર દુનિયામાં આજકાલ મિનિમલિઝમની વાતો જોરશોરથી ચાલી રહી છે. મિનિમલિઝમનો સીધો અને સરળ અર્થ થાય છે, ન્યૂનતમવાદ. ખપ પૂરતું જ વાપરવાની અને સાથોસાથ જિંદગી સરસ રીતે જીવવાની કળા. મિનિમલિઝમ એક વિચારધારાની સાથે અદ્ભુત જીવનશૈલી છે. દુનિયામાં અત્યારે કન્ઝ્યુમરિઝમ વધી રહ્યું છે. રોજેરોજ નવી નવી વસ્તુઓ બજારમાં ઠલવાતી રહી છે. લોકો પાસે એ વસ્તુ હોય તો પણ લેતા હોય છે. મોબાઇલનું નવું મોડલ આવે એટલે કેટલાક લોકો બદલાવી નાખે છે. વ્હીકલનું પણ એવું જ છે. દેખાડા અને ઠઠારામાં માનનારો પણ એક મોટો વર્ગ છે.
મિનિમલિઝમનો મતલબ એવો બિલકુલ નથી કે લોભ, કંજૂસાઇ કે કરકસર કરવી. તેનો મતલબ એ છે કે, જોઇએ એટલું જ લેવું અને વાપરવું. કારણ વગરનો ખડકલો કરવો નહીં. આપણે ક્યારેય એ વસ્તુ ચેક કરીએ છીએ કે, આપણા ઘરમાં નક્કામો સામાન કેટલો છે? ઘરમાં સમયે સમયે નવી ચીજવસ્તુઓ આવતી જાય છે અને જે હોય એ પડી રહે છે. દરેકના ઘરમાં એવી અસંખ્ય ચીજો હશે જેનો લાંબા સમયથી ઉપયોગ થયો નહીં હોય. ઘણી વખત તો માણસ ભૂલી જાય છે કે, એના ઘરમાં શું પડ્યું છે. માણસથી કંઇ છૂટતું નથી. મિનિમલિઝમ એવું કહે છે કે, નક્કામું હોય એ જેને કામનું હોય એને આપી દો. કાઢી નાખો. એનાથી એક અલગ પ્રકારની જ સ્વચ્છતા અને પવિત્રતાનો અહેસાસ થશે. આજના સમયમાં ઉપભોકતાવાદનો અતિરેક થઇ રહ્યો છે. લોકોના મગજમાં એવું ઠસાવવામાં આવી રહ્યું છે કે, જો તમારી પાસે લેટેસ્ટ ચીજો નહીં હોય તો તમે આઉટડેટેડ ગણાશો. વધુ પડતી ખરીદી અને કારણ વગરની લાલસા માણસમાં એંગ્ઝાઇટી પેદા કરે છે. સોશિયલ મીડિયા પર પરફેક્ટ લાઇફ બતાવવાની નકલી હોડ ચાલી રહી છે. લોકો એનો ભોગ બની રહ્યા છે. મિનિમલિઝમ સાદગી સાથે શાંતિ આપે છે. જરૂર હોય એટલું બિલકુલ વાપરો પણ નક્કામી ખરીદી કરવાનું ટાળો. જો ધ્યાન નહીં રાખો તો ક્યારે શોપોહોલિક થઇ જશો એનો અંદાજ પણ નહીં આવે.
મિનિમલિઝમ માત્ર ચીજવસ્તુઓ પૂરતું જ મર્યાદિત નથી. તમારા ગેઝેટ પણ ચેક કરજો. તમારા મોબાઇલમાં એવી કેટલી એપ્લિકેશન છે જેનો તમે લાંબા સમયથી ઉપયોગ જ નથી કર્યો? કેટલા ફોટા અને કેટલા વીડિયા વર્ષોથી એમ ને એમ પડ્યા છે. હવે લોકો ફોટા પાડતી વખતે પણ મલ્ટી ક્લિક કરે છે. એક સાથે ચાર-પાંચ ફોટા પાડે છે. એ બધા ફોટો ઓલમોસ્ટ સરખા જ હોય છે. ફોટા પાડીને પછી આપણે ભાગ્યે જ જૂના ફોટા જોતા હોઇએ છીએ. મોબાઇલની ગેલેરીમાં પણ કામ પૂરતું જ રાખો. નક્કામું હોય એને હટાવી દો. મિનિમલિઝમનો સિદ્ધાંત એવું કહે છે કે, તમને આ વાત સામાન્ય લાગશે, પણ તમે કરશો પછી બહુ સારું લાગશે. સૌથી મોટો ફાયદો એ થશે કે, બહુ મોટી માનસિક સ્પષ્ટતા થશે. ક્લેરિટી આવશે. જે સમય બચશે તેમાં ક્રિએટિવ કામ કરી શકશો. લોકો મોબાઇલમાં સમય વેડફી રહ્યા છે. સોશિયલ મીડિયામાં રીલ્સના કારણે માત્ર સમય જ નથી વેડફાતો, મગજ પણ બગડે છે.
મિનિમલિઝમથી આર્થિક ફાયદો પણ થવાનો છે. ખોટા ખર્ચા નહીં કરીએ એટલે બચત થવાની છે. લોકો અત્યારે ક્રેડિટ કાર્ડ પર કે ઇએમઆઇ પર બધું ખરીદવા લાગ્યા છે. એના કારણે નાણાં ચૂકવવાનું એક માનસિક પ્રેશર રહે છે. ગણતરીઓ રાખવી પડે છે. અણધાર્યો કોઇ ખર્ચ આવી જાય તો પણ મુશ્કેલી પેદા થઇ જાય છે. માણસ હોટલમાં જાય ત્યારે પણ ઘણું બધું મંગાવી લે છે. પૂરું ખાઇ શકાતું નથી. સારું ખાવ, મોંઘું ખાવ તેની સામે વાંધો ન હોય, પણ જરૂર પૂરતું જ ખાવ.
મિનિમલિઝમ વિશે નેવુ-નેવુનો નિયમ પણ સમજવા જેવો છે. તમારા ઘરમાં ચેક કરજો. જે વસ્તુ તમે નેવુ દિવસથી વાપરી નથી અને હવે પછીના નેવું દિવસ વાપરવાની કોઇ શક્યતા નથી એને કાઢી નાખો, વેચી દો અથવા તો દાન કરી દો. બીજો નિયમ એ છે કે, નવો એક શર્ટ લો તો જૂનો એક શર્ટ કાઢી નાખો. આવું માત્ર કપડામાં જ નહીં, દરેક ચીજવસ્તુમાં કરો. કંઇ ખરીદવાનું મન થાય તો એટલિસ્ટ 48 કલાક એ ઇચ્છા રોકી રાખો, એ પછી તમને કદાચ એ ખરીદવાનું જ મન નહીં થાય. મોબાઇલમાંથી નક્કામા ઇ-મેલ્સ, વોટ્સએપ મેસેજીસ, એપ્લિકેશન્સ, ડુપ્લિકેટ ફોટોઝ વગેરે ડિલીટ કરી નાખો. મિનિમલિઝમ એ કોઇ સજા નથી, એ બંધનોથી મુક્તિનો ઉત્સવ છે.
છેલ્લે એક મહત્ત્વની વાત, મિનિમલિઝમ માત્ર ઘરમાં કે ગેઝેટમાં જ નથી અપનાવવાનું, પણ દિલ, મન અને જિંદગીમાં પણ અપનાવવાનું છે. વાત સંબંધની હોય કે વિચારોની હોય, એમાં પણ મિનિમલિઝમ ખૂબ જરૂરી છે. સંબંધો પણ એટલા જ રાખો જેટલા જરૂરી હોય. જે સંબંધ સાચા અને સાત્ત્વિક હોય એ સંબંધોનું જતન કરો અને જે નક્કામા, સ્વાર્થી કે કામ પૂરતા હોય એનાથી મુક્તિ મેળવો. ટોક્સિક રિલેશન્સ જિંદગીને ઝેરી બનાવી દે છે. એ સાથે જ વિચારોમાં પણ મિનિમલિઝમ અપનાવવા જેવું છે. મોટાભાગના લોકો ઓવરથિંકિંગના કારણે ટેન્શનમાં રહેતા હોય છે. જે ચાલ્યું ગયું છે, જે થઇ ગયું છે અને જે વીતી ગયું છે એના વિચારો કરીને દુ:ખી થતા રહે છે. કેટલાક લોકો ભવિષ્યની ચિંતામાંથી મુક્ત થતા નથી. મિનિમલિઝમ એ જ કહે છે કે, નક્કામા વિચારો પણ ન કરો. વર્તમાનમાં જ જીવો. સરવાળે જિંદગીને હળવી અને નક્કામી બાબતોથી દૂર રાખો. અહીં પર્વતારોહકની વાત યાદ રાખવા જેવી છે. પર્વતારોહી જેમ જેમ ઊંચે જાય છે એમ એમ પોતાનો સામાન ઘટાડતો જાય છે. આ વાત જિંદગીને પણ એટલી જ લાગુ પડે છે. ભેગું કરવાની વૃત્તિ માનસિકતાને પણ વિકૃત કરે છે. જરૂરિયાતને કંટ્રોલ નહીં કરો તો એ વધતી જ રહેવાની છે, એનો કોઇ અંત નથી. એક વાત યાદ રાખો, ચીજવસ્તુઓ આપણા માટે છે, આપણે ચીજવસ્તુઓ માટે નથી. આજના સમયમાં મિનિમલિઝમનો સિદ્ધાંત માનવા અને અપનાવવા જેવો છે. કોશિશ કરી જોજો, સારું લાગશે.
————
પેશ-એ-ખિદમત
ખુશી યાદ આઈ ન ગમ યાદ આયે,
મોહબ્બત કે નાજ ઓ નિયમ યાદ આયે,
બુરોં કા બહુત નામ જપતી હૈ દુનિયા,
જો અચ્છે જિયાદા થે કમ યાદ આયે.
– સિકંદર અલી વજ્દ
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 24 જૂન 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
