કેટલીક સંવેદના અને સપનાં અધૂરાં જ રહી જતાં હોય છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કેટલીક સંવેદના અને સપનાં
અધૂરાં જ રહી જતાં હોય છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


મળ્યું’તું કોઈ એક જ વાર, તે પણ અડધી ક્ષણ માટે,
મિલન બસ એટલું કાફી હતું એના સ્મરણ માટે!
તમે આકાશ થઈ કાયમ ટકી રહેશો આ દુનિયામાં,
તમારી દૃષ્ટિની તૈયારી હો જો વિસ્તરણ માટે.
– કિરણસિંહ ચૌહાણ



જિંદગી દરેક ક્ષણે ધબકતી નથી. ક્યારેક માત્ર શ્વાસ ચાલતા હોય છે. આયખું લંબાતું હોય છે. અસ્તિત્ત્વ અવળે માર્ગે વળી ગયું હોય છે. કેટલાંક સપનાઓ આંખોમાં આંજી રાખ્યાં હોય છે. કેટલીક કલ્પનાઓને દિલમાં સંઘરી રાખી હોય છે. એક દિવસ આવશે અને આ સપનું સાકાર થશે. મારી સંવેદનાઓ સોળે કળાએ ખીલશે. જિંદગી જીવવાની મજા આવે એવી ક્ષણો હશે. આપણે શમણાઓનાં બીજ વાવીએ છીએ. કૂંપળ પણ ફૂટે છે. ફૂલની રાહ જોઇને બેઠા હોઇએ અને અચાનક આખો છોડ જ મૂરઝાઇ જાય છે. સપનાં તૂટે પછી એની કરચો લાંબો સમય ચૂભતી રહે છે. ક્યારેક એ આંખોના ખૂણા ભીના કરી નાખે છે. દિલમાં કંઇ વેરાતું હોય એવો અહેસાસ થાય છે. કેટલીક ઘટનાઓ જીવવાના બદલે જીરવવી પડે એવી થઇ જાય છે. ક્યારેક કુદરત સામે જ સવાલ થાય છે કે, તેં મારી સાથે આવું કેમ કર્યું? મારો શું વાંક હતો? ક્યારેક એવું લાગે છે કે, કોઇની નજર લાગી ગઇ. અચાનક કોઇ હાથ છૂટી જાય છે. જેને ખૂબ પ્રેમ કર્યો હોય એ જ સામે પડે છે, શંકા અને સવાલો કરે છે. દોસ્તી ક્યારેક દગો આપી દે છે. જેને સર્વસ્વ સમજતા હોઇએ એ જ સહન ન થઇ શકે એવું વર્તન કરે છે. આપણને સમજાય જ નહીં કે, આ શું થઇ રહ્યું છે? આખા જગત પરથી ભરોસો ઊઠી જાય છે. પોતાની જાત સામે પણ સવાલો પેદા થાય છે કે, મેં આ માટે બધું કર્યું હતું? શું વિચાર્યું હતું અને શું થઇ ગયું.
એક સાવ સાચો કિસ્સો છે. એક છોકરો અને છોકરી હતાં. બંને કોલેજમાં સાથે ભણતાં હતાં. છોકરો ભણવામાં ખૂબ હોશિયાર હતો. એ છોકરીને સ્ટડીમાં મદદ કરતો હતો. ધીમે ધીમે બંનેને વચ્ચે પ્રેમ પાંગર્યો. છોકરી ધનવાન પરિવારની દીકરી હતી. છોકરાની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. છોકરાએ એક સમયે તેને લગ્ન માટેની વાત કરી. છોકરીને થયું કે, આની પાસે ખાસ કંઇ છે નહીં. હું આની સાથે સુખી નહીં થાવ. છોકરી ફરી ગઇ. તેણે કહ્યું કે, તને મારી સાથે પ્રેમબ્રેમ જેવું કંઇ નથી. તેં તો મારી મિલકત જોઇને મને પ્રેમ કર્યો છે. આપણે આ સંબંધમાં આગળ વધી ન શકીએ. આ વાત સાંભળીને છોકરાને આઘાત લાગ્યો. તેણે કહ્યું કે, તેં ના પાડી દીધી હોત તો મને કંઇ વાંધો નહોતો, પણ એવો આક્ષેપ તો નહોતો કરવો કે, મેં તારી મિલકત જોઇને તને પ્રેમ કર્યો છે. સંબંધ નહોતો રાખવો તો કોઇ સારું બહાનું આગળ ધરી દેવું’તુંને. હું પ્રેમથી દૂર થઇ જાત. આ ઘટના એ યુવાન આખી જિંદગી ભૂલી ન શક્યો. તેણે જોયેલું સપનું અધૂરું તો રહ્યું, પણ જે રીતે તેનો અંત આવ્યો એ આઘાતજનક હતો.
જિંદગી ક્યારેક આપણને એવા મુકામે લાવીને મૂકી દે છે જ્યારે આપણને થાય કે આ ક્યાં આવી ગયા? આવું તો ક્યારેય કલ્પનામાં પણ વિચાયું નહોતું. જિંદગી અચાનક ત્રણસો ને સાઠ ડિગ્રી ટર્ન લઇ લે છે અને આપણી મતિ મૂંઝાઇ જાય છે. એક પતિ-પત્ની હતાં. બંનેના અરેન્જ મેરેજ હતા. બંને એટલાં સરસ રીતે રહેતાં હતાં કે, તેને જોઇને બધાની આંખો ઠરે. હસબન્ડને એમ લાગતું હતું કે, આના જેવી પત્ની આપીને ઇશ્વરે મારા પર કૃપા કરી છે. પત્નીને પણ એવું જ લાગતું કે, મારી વ્યક્તિ વર્લ્ડ બેસ્ટ છે. બંને સરસ રીતે જીવતાં હતાં. જિંદગીમાં કોઇ જ પ્રોબ્લેમ નહોતો. બંને એક વખત ફરવા ગયાં. પતિ કાર ડ્રાઇવ કરતો હતો. કાર અચાનક જ સામે આવી ગયેલી ટ્રક સાથે અથડાઇ. પત્નીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. પતિ બેહોશ થઇ ગયો. ભાન આવ્યું ત્યારે એને ખબર પડી કે, પત્ની હવે આ દુનિયામાં નથી. તેને એ જ ક્ષણે વિચાર આવ્યો કે, આના કરતાં તો ભાનમાં આવ્યો જ ન હોત તો સારું હતું. પત્ની ચાલી ગઇ એની પીડા હતી અને પોતાનાથી એક્સિડન્ટ થયો એનું ગિલ્ટ હતું. એ યુવાનને પછી જિંદગીનો મોહ જ ઊતરી ગયો. કામ કરતો હતો, પણ બધું જ કરવા ખાતર કરતો હતો. તેને એક જ સવાલ થતો કે, હવે કોના માટે જીવવું? કોના માટે બધું કરવું? એક વખત એ એક સંત પાસે ગયો. તેણે સંતને સવાલ કર્યો કે, જિંદગીમાં આવું કેમ થતું હશે? સંતે કહ્યું, એનાં કારણો તો કોઇને ખબર નથી, પણ મને એટલી ખબર છે કે, જિંદગીમાં ક્યારેક આવું થતું હોય છે. કેટલાક આઘાતો સહન કરવા પડતા હોય છે. જિંદગીમાં કંઇ ન થવાનું થાય એ પછી પણ જિંદગી ચાલતી હોય છે. પીડામાંથી બહાર નીકળી જવું પડે છે. જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી એને જીવી જાણવી પડે છે. અફસોસ કરવાનો કે કોઇને દોષ દેવાનો કોઇ અર્થ હોતો નથી.
આપણી આજુબાજુમાં, ક્યારેક નજીકના લોકોમાં એવી ઘટના બનતી હોય છે, જે જાણીને આપણને ડિસ્ટર્બ થઇ જઇએ છીએ. આપણા મોઢેથી એવા શબ્દો સરી પડે છે કે, કુદરત દુશ્મનની સાથે પણ આવું ન કરે. એક વ્યક્તિએ એવું કહ્યું હતું કે, પોતાની નજીકની વ્યક્તિનું મોત તો માણસ વહેલો કે મોડો સહન કરી લે છે. એનું કારણ એ છે કે, એની પાસે બીજો કોઇ વિકલ્પ જ નથી હોતો. પોતાની વ્યક્તિએ આપેલો આઘાત માણસ સહન કરી શકતો નથી. દર વખતે કોઇ દુર્ઘટના જ બને એવું જરૂરી નથી. ક્યારેક જિંદગી જ રસ્તાઓ અલગ કરી દે છે. જિંદગીમાં ક્યારેક એવી ઘટના પણ બને છે જેમાં વાંક કોઇનો હોતો નથી. સમયનો ખેલ હોય છે, જે જોવો પડતો હોય છે.
એક યુવતીની આ વાત છે. એ કોલેજમાં હતી ત્યારે તેને એક છોકરા સાથે પ્રેમ થયો. બંને ખૂબ જ સંવેદનશીલ હતાં. ભવિષ્યનાં સપનાં જોતાં હતાં. બંને એવી વાત કરતાં હતાં કે, આપણને એક સરસ મજાની અને પરાણે વહાલી લાગે એવી દીકરી હશે. આપણી સરસ જિંદગી હશે. ભવિષ્યનાં અનેક સપનાંઓ બંનેએ આંખોમાં આંજી રાખ્યાં હતાં. સમય આવ્યો ત્યારે એ યુવતીએ ઘરે માતા-પિતાને વાત કરી. કાસ્ટ જુદી છે, આ લગ્ન શક્ય જ નથી, એવો જવાબ મળ્યો. સામા પક્ષે છોકરાના ઘરે પણ એવું જ થયું. બંનેના પરિવારે ના પાડી દીધી. આખરે બંનેએ નક્કી કર્યું કે, આપણા મેરેજથી કોઇ ખુશ નથી. બધાને દુ:ખી કરીને આપણે સુખી નહીં થઇએ. બહેતર એ જ છે કે, આપણે બંને જુદાં પડી જઇએ. બંને જુદાં પડી ગયાં. બંનેનાં અલગ અલગ જગ્યાએ લગ્ન થઇ ગયાં. બંને સુખી હતાં. અધૂરું રહી ગયેલું સપનું ક્યારેક વેદના આપી જતું હતું. એ યુવતીને એક દીકરો હતો. દીકરી નહોતી. વર્ષો વીતી ગયાં. દીકરો પણ મોટો થઇ ગયો. જુદાં પડ્યાં પછી એ જૂના પ્રેમીને ક્યારેય મળી નહીં. બંનેએ પોતાના રસ્તાઓ જ અલગ કરી દીધા હતા. વર્ષો બાદ એક દિવસ તેને ખબર પડી કે, એ જેને પ્રેમ કરતી હતી એનું મૃત્યુ થયું છે. ખબર નહીં કેમ પણ એને તેના સ્વજનોને મળવા જવાનું મન થયું. તપાસ કરી તો ખબર પડી કે, એની પત્નીનું પણ પહેલાં અવસાન થઇ ગયું હતું. એને માત્ર એક દીકરી જ છે. એ યુવતી એ છોકરી પાસે તેના પિતાના મૃત્યુનો દિલાસો આપવા ગઇ. એ છોકરીને મળી. તેને કહ્યું કે, હું તારા પપ્પાની કોલેજના સમયની મિત્ર છું. એ છોકરીને કંઇ જ ખબર નહોતી. પપ્પાની દોસ્ત હતી એ ખબર પડી એટલે એ છોકરી બહુ જ આત્મીયતાથી તેને મળી. ખૂબ જ સુંદર અને સરળ છોકરીને જોઇને એ યુવતીને એવો વિચાર આવી ગયો કે, અમારી દીકરી આવી જ હોત? વિચાર તો આવી જ દીકરીનો કર્યો હતો. એની આંખો થોડી ભીની થઇ ગઇ. દીકરીએ પૂછ્યું, આંટી શું થયું? કંઇ નહીં એટલું બોલીને દીકરીને હગ કરીને એ ત્યાંથી નીકળી ગઇ. ક્ષુબ્ધ અને સુષુપ્ત થઇ ગયેલી સંવેદનાઓ પણ ક્યારેક સજીવન થઇ જતી હોય છે. જિંદગીમાં ક્યારેક ન કલ્પેલો સમય પણ જીવવો પડતો હોય છે. એને ગ્રેસફુલી જીવી જાણવો જોઇએ. આપણું કંઇ ચાલે એમ ન હોય ત્યારે એ સ્વીકારીને આગળ વધવું પડે છે. જિંદગીના બધા ખેલ સમજવાના પ્રયાસ પણ ન કરવા જોઇએ, કારણ કે જિંદગીના કેટલાક ખેલ ક્યારેય સમજાતા જ નથી.


છેલ્લો સીન :
જિંદગી ઘણી વખત આપણી સામે આયનો ધરે છે અને કહે છે કે, જોઇ લે કે તું કેવો કે કેવી છે? જે માણસ પોતાને ઓળખવામાં જ થાપ ખાઇ જાય છે એ કંઇ પણ કરે છે. સાચા ખોટાનું જેને ભાન નથી એ પોતે સુખી થતા નથી અને બીજાને પણ શાંતિ લેવા દેતા નથી. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 26 એપ્રિલ 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *