મેં તો ગુમાવ્યું છે,
તેં પણ કંઈક ખોયું છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એ જીરવી નથી શકતો એકાંતને,
સ્વયં સાથે આ દુશ્મનાવટ નથી?
તું પોતાને રોકીને ઊભો છે બસ!
જગતમાં બીજી કંઈ રુકાવટ નથી.
– હેમંત પુણેકર
છેડો ફાટી ગયા પછી પણ બધું વહી નથી જતું, થોડુંક કંઇક રહી પણ જતું હોય છે. પ્રેમ, લાગણી, હૂંફ અને વાત્સલ્યમાં ગણિતના નિયમો લાગુ નથી પડતા. આ સંબંધોનો હિસાબકિતાબ સાવ જુદો જ હોય છે. કોઇ સ્વાર્થ વગર માણસ ઘણું બધું કરતો હોય છે. કોઇ ગણતરી હોતી નથી. બસ એક જ ઇરાદો હોય છે કે, મને જેના પર લાગણી છે એ વ્યક્તિ ખુશ રહે. તેના ચહેરા પર આનંદ વર્તાય. આપણી વ્યક્તિ ખુશ થાય એમાં જ આપણી ખુશી હોય છે. જેની ખુશી માટે આપણે કંઇ પણ કરવા તૈયાર હોઇએ એ જ જ્યારે આપણી સાથે બદમાશી કરે કે અપ્રામાણિકતા દાખવે ત્યારે પેઇન થવાનું જ છે. સૌથી વધુ વેદના માણસને પોતાની નજીકની વ્યક્તિ જ આપતી હોય છે. દૂરની વ્યક્તિ કંઇક કરે ત્યારે આપણે એને જમાનો એવો જ છે એવું કહીને ઠીક છે માં ખપાવી દઇએ છીએ. ચોટ જ્યારે પોતાની વ્યક્તિ આપે ત્યારે દિલમાં એવું દર્દ ઊઠે છે જે ઘડીકમાં શમતું નથી. એવો વિચાર આવી જાય છે કે, આના માટે હું બધું કરતો હતો? એણે મારી આવી જ કદર કરી? કંઇ બોલતા કે કરતા પહેલાં એને મારી લાગણીનો જરાયે વિચાર નહીં આવ્યો હોય? માણસને સંબંધો પરથી ભરોસો ઊઠી જાય છે. દુનિયા સ્વાર્થી છે એવું માણસને એમ જ નથી લાગતું. એની પાછળ પોતાના લોકોએ જ આપેલા ઘાની વેદના હોય છે. કેટલીક વાતો યાદ આવે ત્યારે જૂના ઘાવ ફરીથી દૂઝવા લાગતા હોય છે. આપણે કેટલીક વાતો યાદ રાખવી કે યાદ કરવી હોતી નથી, પણ એ કોઇ ને કોઇ રીતે યાદ આવી જાય છે. ચહેરા પર ઉદાસી છવાઇ જાય છે અને દિલ પર ચાસ પડે છે. કેટલાક ઘાવ કોઇને દેખાતા નથી. કેટલીક ઘટનાઓ માત્ર આપણા પર જ વીતતી હોય છે.
ઘણી વખત માણસ એવું પણ કરતો હોય છે, જે બીજા લોકોની સમજ બહાર હોય છે. આપણને એમ થાય કે, આ માણસ શા માટે હાથે કરીને મૂરખ બને છે? એક સાવ સાચો કિસ્સો છે. એક છોકરો અને એક છોકરી પ્રેમમાં હતા. બંનેને સારું બનતું હતું. છોકરો આર્થિક રીતે ઠીકઠાક હતો. છોકરી અમીર ઘરની હતી. છોકરીને ધીમે ધીમે એવું લાગવા માંડ્યું કે, આ માણસ સારો છે, પણ એની પાસે ખાસ કંઇ છે નહીં. હું તેની સાથે સુખી થાઉં એવું લાગતું નથી. લગ્નની વાત આવી ત્યારે એ છોકરીએ એવું કહી દીધું કે, મારાં મા-બાપ નથી માનતાં. હું એમની વિરુદ્ધ ન જઇ શકું. હકીકતે એ છોકરીએ પોતાનાં મા-બાપને વાત જ કરી નહોતી. મા-બાપે ધનવાન ઘરનો છોકરો શોધીને તેને પરણાવી દીધી. થોડો સમય ગયો. છોકરીનો જે પ્રેમી હતો તેણે ધંધામાં નસીબ અજમાવ્યું. તેનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. જોતજોતાંમાં તો તેની પાસે ઘણી સંપત્તિ થઇ ગઇ. સામા પક્ષે તેની જૂની પ્રેમિકાના પતિના ધંધામાં મોટી ખોટ ગઇ. હાલત એવી થઇ ગઇ કે, ઘરનું માંડ માંડ પૂરું થતું હતું. એક વખત એવું થયું કે, છોકરીને રૂપિયાની જરૂર પડી. તેણે પોતાના જૂના પ્રેમી પાસે રૂપિયા માંગ્યા. પેલાએ પ્રેમથી આપ્યા. ધીમે ધીમે એવું થઇ ગયું કે, જૂની પ્રેમિકા નિયમિત રીતે પોતાના જૂના દોસ્ત પાસેથી રૂપિયા લેવા લાગી. પેલા આપતો રહ્યો. એક વખત એ યુવાનના મિત્રએ કહ્યું, તું આ શું કરે છે? એ તારો ઉપયોગ કરે છે. એક તો તને છોડીને એ બીજાને પરણી ગઇ અને હવે જ્યારે તારી જરૂર છે ત્યારે તને ખંખેરી રહી છે. એ યુવાને કહ્યું કે, મને ખબર છે. એણે જે કર્યું હોય એ ભલે કર્યું. એ મારી લાઇફમાં હતી ત્યારે હું એવું જ વિચારતો હતો કે એને જિંદગીમાં કોઇ તકલીફ પડવા નહીં દઉં. એ ભલે મારી નથી, પણ એની તકલીફ હું આજેય જોઇ નથી શકતો. તેના મિત્રએ કહ્યું, તારી આ વાત મને સમજાતી નથી. એ યુવાને કહ્યું, દરેક વાત સમજાય એવું જરૂરી પણ નથી. દરેક વાતને સમજવાની કોશિશ પણ ન કરવી જોઇએ. દરેક વાતમાં એવી ગણતરી ન હોય કે, એણે શું કર્યું અને હું શું કરું. એ એક વખત મને છોડીને ચાલી ગઇ હતી. હવે ફરીથી ચાલી જાય તો પણ મને વાંધો નથી. હું તો માત્ર મારું દિલ કહે એ જ કરું છું. કેટલીક વાતોના કોઇ લોજિક હોતા નથી. એ બસ થતાં હોય છે. કોઇને વાજબી લાગે કે ન લાગે, એનાથી પણ કોઇ ફેર પડતો હોતો નથી.
સંબંધો ટર્ન લેતા હોય છે. આપણને ન સમજાય એ રીતે ઘણી વખત હાથ છૂટી જતો હોય છે. સાથ છૂટે પછી ક્યારેક એવો વિચાર પણ આવી જાય છે કે, શું મેળવી લીધું? એક પતિ-પત્ની હતાં. બંનેના ડિવોર્સ થયા. છૂટા પડતી વખતે પતિએ કહ્યું, મેં તો ગુમાવ્યું છે પણ તેંય કંઇક ખોયું છે. પત્નીએ કહ્યું, શું ગુમાવ્યું, શું મેળવ્યું, શું ખોયું અને કોણે ખોયું એના જવાબો ઘણી વખત સમય જ આપતો હોય છે. કદાચ એવું પણ લાગે કે, જે કર્યું એ ન કર્યું હોત તો સારું હતું. કેટલાક નિર્ણયો કર્યા પછી આપણને એવું સમજાતું હોય છે કે, જે કર્યું એ ભૂલ હતી. ભૂલોને ભૂલી જવાની કે માફ કરી દેવાની બહુ વાતો થાય છે, પણ કેટલીક ભૂલો નથી ભુલાતી કે નથી માફ થઇ શકતી, એ ભૂલો તો ભોગવવાની જ હોય છે. માફ તો ત્યારે કરીએને જો કોઇએ ભૂલ કરી હોય. આપણે જ કરેલી ભૂલનું શું કરવું? આપણને ઘણી વખત સમજાય છે કે, ખોટું થઇ ગયું. આવું કરવાની જરૂર નહોતી. એમાં પણ એવું વિચારીને જ છેલ્લે મન મનાવવું પડે છે કે, થઇ ગયું તો થઇ ગયું. હવે શું?
માણસનો સૌથી મોટો પ્રોબ્લેમ એ હોય છે કે, એની પાસે જે હોય એની એને કદર નથી હોતી. એ ન હોય ત્યારે એને સમજાય છે કે, એ વ્યક્તિ મારી જિંદગીમાં કેટલી ઇમ્પોર્ટન્ટ હતી કે એ મારા માટે કેટલો મહત્ત્વનો હતો. માણસ ઘણી વખત વધુ મેળવવામાં હોય એ પણ ગુમાવતા હોય છે. એક યુવાનની આ સાચી વાત છે. એના મેરેજ એક સીધી સાદી છોકરી સાથે થયા હતા. બંને સરસ રીતે રહેતાં હતાં. એ યુવાન જ્યાં કામ કરતો હતો ત્યાં એક છોકરી પણ જોબ કરતી હતી. એ છોકરીને આ યુવાન ગમવા લાગ્યો હતો. મેળ પડ્યો ત્યારે એ છોકરીએ પ્રપોઝ કર્યું. તારી પત્ની તો સાવ દેશી છે. એની સાથે ડિવોર્સ લઇ લે. આપણે બંને પ્રેમથી રહીશું. છોકરીના પ્રેમના પ્રસ્તાવને છોકરાએ ઠૂકરાવી દીધો. તેણે કહ્યું કે, મારી પત્ની સીધી સાદી છે. બહુ ભોળી છે. મને એટલી ખબર છે કે, એ મને સંપૂર્ણપણે વફાદાર છે. હું એના માટે સર્વસ્વ છું. સાચું કહું, એ પણ મારા માટે સર્વસ્વ છે. હું એને છોડવાનો વિચાર પણ ન કરી શકું. મારા માટે વફાદારી અને પ્રામાણિકતા જ સર્વસ્વ છે. મને જે જોઇએ છે એ મળી ગયું છે. મને હવે કંઇ નથી જોઇતું.
આપણે જો આપણી વ્યક્તિ પાસેથી પ્રેમ, લાગણી, વફાદારી અને ઇમાનદારીની અપેક્ષા રાખતા હોઇએ તો આપણી પણ એને એ જ આપવાની અને એની સાથે એવા જ રહેવાની તૈયારી હોવી જોઇએ. આપણે સારું જોઇતું હોય તો સારા રહેવું પણ પડે. પ્રોબ્લેમ ત્યારે થતો હોય છે, જ્યારે આપણે સારાની આશા રાખીએ અને આપણે પોતે ખરાબ રીતે વર્તીએ. સંબંધોમાં માણસ એક હદ સુધી બધું ચલાવી લે છે. જ્યારે એવું લાગે કે હવે હદ થાય છે ત્યારે માણસ નક્કી કરી લે છે કે, હવે આ પાર કે પેલે પાર. જિંદગી સારી રીતે જીવવા માટે સંબંધ શ્રેષ્ઠ હોય એ જરૂરી છે. જીવવાની મજા તો જ આવશે જો સાથે જીવવાવાળું કોઇ પોતાનું હશે. એક એવી વ્યક્તિ જેની સાથે હસી શકાય, બોલી શકાય, મજાક કરી શકાય અને જરૂર પડ્યે રડી પણ શકાય. જેની પાસે કોઇ શરમ કે સંકોચ ન હોય, જે ક્યારેય આપણને જજ કરવાની ન હોય એવી વ્યક્તિનું આપણી લાઇફમાં હોવું એ સારા નસીબની નિશાની છે.
છેલ્લો સીન :
માણસને એ ખબર હોવી જોઇએ કે, જિંદગીમાં શું સાચવવાનું છે અને કોની કાળજી રાખવાની છે. જેના સંબંધો સધ્ધર છે એ માણસ જ દરેક પરિસ્થિતિમાં સક્ષમ રહી શકે છે. ટકવા માટે સંબંધ જેવો બીજો કોઈ ટેકો નથી. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 01 ફેબ્રુઆરી 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
