EMOTIONAL MATURITY
મન થાય એમ કરી
નાખવામાં મોટું જોખમ છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
લાગણીઓ, સંવેદનાઓ અને મનને છૂટો દોર આપી શકાતો નથી.
એ જ વ્યક્તિ સુખ, શાંતિ અને આરામથી જીવી શકે છે
જે પોતાની જાતને કાબુમાં રાખી શકે છે. આપણે દરવખતે
મન થાય એમ કરી નાખતા નથી.
ઘણી વખત મન થાય એમ કરી પણ શકતા નથી.
———–
માણસ બહુ અધીરો અને ઉતાવળો થઇ ગયો છે. નાની નાની વાતોમાં માણસનું મગજ છટકી જાય છે. માણસની લાગણીઓ, ભાવનાઓ અને સંવેદનાઓ એના કંટ્રોલમાં રહેતી નથી. જેમ જેમ સમય જાય છે એમ એમ માણસમાં ઇમોશનલ મેચ્યોરિટી એટલે કે ભાવનાત્મક પરિપકવતામાં ઘટાડો થઇ રહ્યો છે. આ અંગે હમણાં થયેલા એક રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, ઇમોશનલ મેચ્યોરિટીના અભાવના કારણે માણસ દુ:ખી, હેરાન, પરેશાન અને આકુળ વ્યાકુળ થઇ રહ્યો છે. યંગ જનરેશન વધુ બેચેન બનતી જાય છે. સંબંધોમાં ગેપ આવતો જાય છે અને માણસ એકલો પડતો જાય છે. આ રિસર્ચ થયા બાદ એનો પણ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો કે, આવું થાય છે એનું કારણ શું છે? માણસ આખરે કેમ અધીરો અને આકરો થઇ રહ્યો છે? એના તારણોમાં જે બહાર આવ્યું એ પણ બહુ રસપ્રદ છે. માણસ ઇન્સ્ટન્ટ વર્લ્ડમાં જીવવા લાગ્યો છે. એને બધું ઝડપથી જોઇએ છે. ટેક્નોલોજીના કારણે આપણને એક ક્લિક પર બધું મળવા લાગ્યું છે. જે કંઇ માંગો એ ફટ દઇને ઘરના બારણે હાજર થઇ જાય છે. સોશિયલ મીડિયા અને રીલ્સના કારણે મનોરંજન પણ ફાસ્ટ મળવા લાગ્યું છે. ઇન્ટરનેટની સ્પીડમાં વધારો થતો જાય છે એટલે બધું આખના પલકારામાં ડાઉનલોડ થવા લાગ્યું છે. એના કારણે માણસથી કંઇ જ ધીમું સહન થતું નથી. લિફ્ટ આવવામાં વાર લાગે તો પણ માણસ બહાવરો થઇ જાય છે. ટ્રાફિક જંકશન પર રેડ લાઇટ તેને અકળાવે છે. વાસ્તવિક જીવનમાં કે સંબંધોમાં જ્યારે કોઇ મામલે વાર લાગે છે ત્યારે માણસ છંછેડાય જાય છે. ધીરજનો મહિમા ઘટવા લાગ્યો છે. કોઇને એ વાત સમજાતી જ નથી કે, ઉતાવળે આંબા ન પાકે.
ઇમોશનલ મેચ્યોરિટીમાં ઘટાડો થવાનું સૌથી મોટું કારણ મોબાઇલનો વધુ પડતો ઉપયોગ છે. લોકોનો સ્ક્રીન ટાઇમ સતત વધી રહ્યો છે. લોકો ચારથી આઠ કલાક મોબાઇલમાં વ્યસ્ત રહે છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઇન્ડિયન સાયકોલોજીના એક રિસર્ચ મુજબ જે લોકો ચાર કલાકથી વધુ સમય સોશિયલ મીડિયા વાપરે છે તેનો ઇમોશનલ ઇન્ટેલિજન્સનો સ્કોર ઓછું સોશિયલ મીડિયા વાપરનારાની સરખામણીમાં ઘણો ઓછો જોવા મળ્યો હતો. તેના આધારે એવું કહેવાયું હતું કે, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ સેલ્ફ રેગ્યુલેશન, ઇમોશનલ મેચ્યોરિટી અને સોશિયલ સ્કીલ્સને નબળી પાડે છે. ફેસ ટુ ફેસ સંવાદનો અભાવ વર્તાઇ રહ્યો છે. લોકો આંખમાં આંખ મિલાવીને વાત કરતા નથી. વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવતો માણસ વાસ્તવિક લાઇફ મેનેજ કરી શકતો નથી.
માણસને બધું જોઇએ છે અને બહુ ઝડપથી જોઇએ છે. એક મનોવૈજ્ઞાનિક સંશોધન કહે છે કે, માણસ હવે બહુ આસાનીથી ‘એમિગ્ડલા હાઇજેક’નો ભોગ બનવા લાગ્યો છે. એમિગ્ડલા હાઇજેક એટલે જ્યારે આપણું મગજ કોઇ તણાવ, ડર કે ગુસ્સાની સ્થિતિમાં અત્યંત તીવ્ર અને ઉગ્ર પ્રતિક્રિયા આપે છે ત્યારે મગજ વિચારવાની સામાન્ય શક્તિ ગુમાવી બેસે છે. આપણા મગજમાં એમિગ્ડલા નામનો એક નાનો ભાગ હોય છે. એ આપણી ગુસ્સો, ડર, તણાવ જેવી લાગણીઓનું સંચાલન કરે છે. મગજનો એક બીજો ભાગ પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ લોજિકલ વિચારવાનું અને નિર્ણય લેવાનું કામ કરે છે. જ્યારે માણસ અત્યંત તણાવ અનુભવે ત્યારે એમિગ્ડલા મગજના લોજિકલ ભાગ પ્રિફ્રન્ટલ કોર્ટેક્સને બાયપાસ કરીને આખા મગજને કંટ્રોલ કરી લે છે. એના કારણે માણસનો ગુસ્સો પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. માણસ જોરજોરથી રાડો પાડવા લાગે છે, મનમાં આવે એ બોલે છે. જરાયે વિચાર્યા વગર તાત્કાલિક પ્રતિક્રિયા આપે છે. એ સમયે માણસની ધબકારા વધી જાય છે. હાથમાં પરસેવો વળી જાય છે અને જો વધુ ઉગ્ર થઇ જાય તો એ કંઇ પણ કરી બેસે છે. માણસથી એવું બધું થતા થઇ જાય છે પણ એના પરિણામો ભયંકર હોય છે. માણસને પોતાની ભૂલનું ભાન થાય પછી પસ્તાવા સિવાય બીજું કંઇ બચતું નથી.
એના એક-બે કિસ્સા પણ જાણવા જેવા છે. એક યુવાન એક ઓફિસમાં કામ કરતો હતો. એક કામમાં તેનાથી ભૂલ થઇ ગઇ. તેના બોસે તેને ખખડાવ્યો. એ યુવાનનો મગજ છટક્યો. તે બોસની સામે બોલવા લાગ્યો. માણસ છીએ, ક્યારેક ભૂલ થઇ પણ જાય. આ કંઇ એવડી ભૂલ નથી. કંઇ મોટું આભ ફાટી પડ્યું નથી. તમે ભૂલ બતાવો એ હજુયે બરાબર છે, આમ રાડો પાડવાની કંઇ જરૂર નથી. બીજા જ દિવસે એ યુવાનને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. એ યુવાન થોડીક શાંતિ રાખીને કહી શક્યો હોત કે, સાચી વાત છે, મારીથી ભૂલ થઇ ગઇ છે, હું બીજી વખત ધ્યાન રાખીશ. આટલું વિચારવાની એની શક્તિ જ નહોતી. એક બીજો કિસ્સો પણ જાણવા જેવો છે. એક યુવાનને એક છોકરી સાથે પ્રેમ હતો. છોકરીને પ્રપોઝ કર્યું. છોકરીએ પણ પ્રેમનો સ્વીકાર કર્યો. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું પણ એક સમયે એક ઘટના બની. છોકરાએ તેને મળવા આવવા કહ્યું. છોકરીએ કહ્યું કે, આજે મારાથી આવી શકાય એમ નથી. પ્રેમિકાએ ના પાડી એ સાથે જ પ્રેમીનો મગજ છટક્યો. એ રાડો પાડીનો જેમ તેમ બોલવા લાગ્યો. બીજા જ દિવસે છોકરીએ તેની સાથે બ્રેકઅપ કરી નાખ્યું. જે પોતાની જાતને સંભાળી નથી શકતો એની સાથે જિંદગી કેવી રીતે વિતાવી શકાય? અત્યારની જનરેશન મા-બાપ કંઇ કહે તો પણ સહન કરી શકતી નથી. એને એવો વિચાર જ નથી આવતો કે, મા-બાપ જે કંઇ કહેતા હશે એ મારા સારા માટે હશે.
તમે ક્યારેય વિચાર કર્યો છે કે, તમારી ઇમોશનલ મેચ્યોરિટી કેવી અને કેટલી છે? તમે દરેક પરિસ્થિતિને બરાબર સમજીને શાંતિથી વિચારી શકો છો? મનોવૈજ્ઞાનિકો સાવચેત કરતા કહે છે કે, તમારા બિહિવિયર પર નજર રાખો. તમારી સાથે કંઇ બને ત્યારે એ જ ક્ષણે જવાબ આપવાની ઉતાવળ ન કરો. બહુ ગુસ્સો આવે કે ડર લાગે ત્યારે એકથી છ ગણવાનું સૂચન પણ કરવામાં આવે છે. એટલા સમયમાં મગજનો લોજિકલ ભાગ ફરીથી સક્રિય થઇ જાય છે. ગુસ્સો, ડર, બેચેની કે તણાવ લાગે ત્યારે ઊંડો શ્વાસ લો અને મનને શાંત પાડવાનો પ્રયાસ કરો. તણાવમાં સતત વધારો થતો હોય તો સ્ક્રીન ટાઇમ ઘટાડો. પ્રકૃતિના સાંનિધ્યમાં પહોંચો. કંઇ જ કર્યા વગર શાંતિથી બેસો. તમારી આસપાસ જે થતું હોય તેને નિહાળો, જે અવાજો આવતા હોય તેને માણો. માઇન્ડફૂલનેસને અપનાવો. નિયમિત ધ્યાન, યોગ અને શાંત રહેવાનું શરૂ કરો. બીજી પણ થોડીક ટેક્નિક અપનાવવા જેવી છે. એક છે, સ્ટોપ ટેક્નિક. ગુસ્સાની સ્થિતિમાં અટકી જાવ. કંઇ જ ન કરો. કોઇ પ્રતિભાવ કે જવાબ ન આપો. બીજી ટેક્નિક ચેન્જ ધ પ્લેસની છે. ગુસ્સા તણાવની સ્થિતિમાં સ્થળ બદલી નાખો. જ્યાં તમે હોવ ત્યાંથી દૂર ચાલ્યા જાવ. થોડુંક ચાલી આવો. મગજ ફાટ ફાટ થતું હોય ત્યારે ઠંડુ પાણી પીવાની સલાહ પણ આપવામાં આવે છે. તેનાથી શરીરનું તાપમાન અને ધબકારા સામાન્ય થાય છે. બીજી એક મહત્ત્વની વાત એ છે કે, ટ્રિગર્સને ઓળખો. તમને કઇ વાતથી સૌથી વધારે ગુસ્સો આવે છે કે તણાવ પેદા થાય છે એની નોંધ રાખો. એ પરિસ્થિતિ સર્જાય ત્યારે શાંતિથી તેનો સામનો કરવાની માનસિક તૈયારી રાખો. નક્કી કરો કે, એવું ફરી થાય તો મારે કોઇ રિએકશન આપવું નથી. પૂરતી ઊંઘ અને યોગ્ય આહાર પણ ખૂબ જરૂરી છે. યંગ જનરેશન જે રીતે ફાસ્ટફૂડ ખાઇ રહ્યા છે તેની વિપરીત અસરો શારીરિક અને માનસિક બંને રીતે થાય છે. મિત્રોને મળતા રહો. તમારા મનમાં અને તમારી જિંદગીમાં જે ચાલી રહ્યું છે એની મિત્રોને ખુલ્લા દિલે વાત કરો. અમુક સમયે ડિજિટલ ડિટોક્સ પણ જરૂરી છે. એક વાત યાદ રાખવી જેવી છે કે, ઇમોશનલ મેચ્યોરિટી જ જિંદગીને જીવવા જેવી બનાવશે.
————–
પેશ-એ-ખિદમત
ભરી હૈ દિલ મેં જો હસરત કહૂં તો કિસ સે કહૂં,
સુને હૈ કૌન મુસીબત કહૂં કો કિસ સે કહૂં,
જો દોસ્ત હો તો કહૂં તુઝ સે દોસ્તી કી બાત,
તુઝે તો મુઝ સે અદાવત કહૂં તો કિસ સે કહૂં.
-બહાદૂર શાહ જફર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 18 નવેમ્બર 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
