શોપિંગ મેન્ટાલિટી : સ્ત્રીઓ એન્જોય
કરે છે, પુરૂષોને કેટલો ફેર પડે છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
દીવાળી આવે છે. દરેક પાસે પોતાનું શોપિંગ લિસ્ટ છે.
લેડીઝ અને જેન્ટસની ખરીદી માટેની મેન્ટાલિટી
બહુ જુદી હોય છે. પુરૂષો માટે ખરીદી એ
જરૂરીયાત છે, સ્ત્રીઓ ખરીદીને ફૂલ ટુ એન્જોય કરે છે.
પુરૂષો ‘બાય’ કરે છે, સ્ત્રીઓ ‘શોપ’ કરે છે.
આ અંગેની વાતો ખૂબ જ રસપ્રદ છે
———–
દીવાળી ઢૂકડી આવી ગઇ છે. ફેટસ્ટિવ મૂડ બરાબર જામી રહ્યો છે. દરેક પાસે પોતાનું શોપિંગ લિસ્ટ છે. તમે પણ આ દીવાળી પર કંઇક તો નવું લેવાનું નક્કી કર્યું જ હશે. બીજું કંઇ નહીં તો પણ તહેવારના દિવસે નવા કપડાં પહેરવાની માનસિકતા તો પહેલેથી આપણામાં હોય જ છે. ખરીદીની વાત નીકળે ત્યારે લેડીઝના ચહેરા પર રોનક આવી જાય છે. પુરૂષ માટે ખરીદી કરવી શોખ કે મજાનું કામ નથી. મોટા ભાગના પુરૂષો કરવી પડે એટલે ખરીદી કરે છે. પુરૂષોને ખરીદી કરવાનો કંટાળો આવે છે. સ્ત્રીઓ શોપિંગને ફૂલ ટુ એન્જોય કરે છે. તમને ખબર છે, સમગ્ર વિશ્વમાં જે કંઇ ખરીદી થાય છે, એમાં 80થી 85 ટકા ખરીદીનો નિર્ણય સ્ત્રીઓ જ કરે છે. ઘર માટે, પરિવારના સભ્યો માટે, સગા સબંધીઓ માટે અને વહેવાર કરવા માટે મોટા ભાગની ખરીદી સ્ત્રીઓ જ કરતી હોય છે. એવા અનેક કિસ્સાઓ છે જેમાં પતિ માટે કપડાં સહિતની તમામ ચીજો પણ પત્ની જ ખરીદતી હોય. પુરૂષ અને સ્ત્રીની શોપિંગ સાયકોલોજી તદ્ન જુદી હોય છે. તેની પાછળ છોકરા અને છોકરીના ઉછેરથી માંડીને મગજની રચના જવાબદાર હોય છે. છોકરીઓ નાની હોય ત્યારથી એ બાબતે અવેર હોય છે કે, એને શું સારું લાગે છે. ક્યો કલર શોભે છે. કોઇ એની ચોઇસના વખાણ કરે એ પણ એને ગમે છે. છોકરા નાના હોય ત્યારે એને બહુ ફેર પડતો નથી. એ તો એને જે આપો એ પહેરી લે છે. ડ્રેસ પહેર્યા પછી તેને કેરી કરવામાં પણ છોકરીઓ અવેર હોય છે. છોકરીઓના પહેરવેશ સાથે એની સ્ટાઇલ જોડાયેલી હોય છે. એ જ છોકરીઓને સુંદરતા બક્ષે છે. છોકરીઓ પાસે ખરીદીની ચોઇસ પણ અઢળક હોય છે. પુરૂષો માટે લિમિટેડ ચોઇસ હોય છે. પેન્ટ, શર્ટ, ટીશર્ટ, ચંપલ, બૂટ, પાકીટ જેવી થોડીક વસ્તુઓ પુરૂષોના ભાગે આવે છે. બે વસ્તુ એવી છે જે ખરીદવી પુરૂષોને બહુ ગમે છે અને ખરીદતા પહેલા તેના વિશે ઘણું રિસર્ચ પણ કરે છે, એક છે ઘડીયાળ અને બીજો છે મોબાઇલ અથવા બીજા કોઇ ગેઝેટ્સ. મોબાઇલ ખરીદતા પહેલા એની બ્રાંડ તો જોશે જ એ ઉપરાંત મેમરીથી માંડીને કેમેરાની કેપેસિટી સુધીનું બધું માર્ક કરશે. એક અભ્યાસ બાદ એવું બહાર આવ્યું છે કે, ખરીદી એ પુરૂષ માટે એક કામ કે મિશન છે. સ્ત્રીઓ માટે ખરીદી એ એક અનુભવ છે, એક અહેસાસ છે અને એક આનંદ છે. સ્ત્રી ખરીદીમાં ઓતપ્રોત થઇ જાય છે. એ દસ વસ્તુ કે નમૂના જોઇને ખરીદે છે. જે ગમે એને અલગ કઢાવે છે અને તેમાંથી પસંદ કરે છે. પુરૂષોને એક વાર કંઇ ગમી ગયું એટલે એ વધુ ઝંઝટ વગર ખરીદી લે છે.
સવાલ એ છે કે, આખરે શોપિંગ બાબતે બંનેની મેન્ટાલિટીમાં ફેર કેમ છે? એ વિશે માનસશાસ્ત્રીઓનું કહેવું છે કે, એનું કારણ ઉત્ક્રાંતિ સાથે જોડાયેલું છે. તેના માટે શિકારી વિરૂદ્ધ સંગ્રહનો કન્સેપ્ટ આપવામાં આવે છે. પ્રાચીન સમયમાં પુરૂષ શિકારી હતો. એનું કામ પેટ ભરવા માટે શિકાર કરવાનું જ હતું. પુરૂષ જંગલમાં જતો, લક્ષ્ય નક્કી કરતો, શિકાર કરતો અને જે મળે એ લઇને સીધો ઘરે આવી જતો. આજે ખરીદીમાં પણ પુરૂષો આ જ પેટર્નને ફોલો કરે છે. એને શું ખરીદવાનું છે એ પહેલેથી નક્કી હોય છે. એ દુકાને કે મોલમાં જાય છે. જે જોઇએ એ ખરીદી લે છે અને સીધો ઘરે આવી જાય છે. આદિકાળમાં સ્ત્રીઓનો મુખ્ય રોલ પુરૂષ જે શિકાર કરીને લાવતો તેને સાફ કરીને રાંધવાનું, શાકભાજી, કંદમૂળ અને ફળો શોધવાના, ક્યું મીઠું છે અને ક્યું ખરાબ છે એનું ધ્યાન રાખવું અને ભવિષ્યમાં કામ લાગે એ માટે જતનપૂર્વક સાચવી રાખવાનું કામ સ્ત્રીઓનું હતું. સ્ત્રીઓ આજે પણ એ જ પેર્ટન અપનાવે છે. એ ખરીદી માટે જાય છે. બધું જોવે છે. પસંદ કરે છે અને પછી ખરીદીને ઘરે લાવે છે. ઘરે લાવ્યા પછી પણ તેને સાચવવાના પૂરા પ્રબંધ કરે છે. સ્ત્રીઓ પોતાના કપડાં પણ સરસ રીતે પેક કરીને રાખશે. હવે તો એના માટે જાતજાતની કોથળીઓ અને બોક્સિસ પણ મળવા લાગ્યા છે.
શોપિંગ બાબતે બીજો એક અભ્યાસ પણ સરસ વાત કરે છે. પુરૂષો માટે ખરીદીમાં જરૂરીયાત જ મુખ્ય હેતુ છે. પસંદગી અને ખરીદીમાં પુરૂષ ઓછો સમય બગાડે છે અને ઝડપી નિર્ણય લે છે. જો બ્રાંડ કે દુકાન નક્કી હશે તો સીધો ત્યાં જ જશે. સ્ત્રીઓ એક્લપ્લોર કરશે. કંઇ નવું શરૂ થયું હોય તો ત્યાં જોવા પણ જશે કે શું નવું આવ્યું છે. સ્ત્રીઓ માટેની ફેશન પર રોજેરોજ બદલતી રહે છે. એને લેટેસ્ટ ટ્રેન્ડ શું છે એ જાણવું પણ ગમે છે. એ કિંમતની સરખામણી કરે છે. કેટલાંક કિસ્સામાં એવું પણ બને છે કે, ખરીદવી હોય બીજી વસ્તુ અને ખરીદી લાવે કંઇક બીજું જ. ચંપલ લેવા મોલમાં ગઇ હોય અને ડ્રેસ ખરીદી લાવે એવું સ્ત્રીના કેસમાં વધુ શક્ય છે. ડિસ્કાઉન્ટ કે ફ્રી ગિફ્ટ લેડિઝને વધુ આકર્ષે છે. પોતે ઘર માટે એક કંપનીના વોશિંગ પાવડર વાપરતી હોય પણ જો બીજી કંપનીના વોશિંગ પાવડરમાં સાથે કંઇક ફ્રી હોય તો એ ખરીદી લેશે. એને કિંમત સાથે સીધો મતલબ હોય છે. એક સાયકોલોજિકલ સ્ટડી એવું કહે છે કે, મોલમાં ઘૂસ્યા પછી પુરૂષનો પાથ એટલે કે માર્ગ સીધો હોય છે. પુરૂષ માટે એન્ટ્રી, વસ્તુ, ખરીદી, બીલિંગ કાઉન્ટર અને એક્ઝિટ હોય છે. સ્ત્રીનો પાથ વાંકોચૂંકો હોય છે. એ ખરીદી કરતા પહેલા બધું જુવે છે. જે ખરીદી કરવાની હોય એ કરી લીધી હોય પછી પણ એ ચક્કર મારે છે અને નવું શું છે એ જુવે છે.
વ્હાર્ટન સ્કૂલ ઓફ બિઝનેસે એક સરવે કર્યા બાદ કહ્યું હતું કે, મેન બાય વૂમન શોપ. પુરૂષો તો માત્ર બાય કરે છે, શોપિંગ તો સ્ત્રીઓ જ કરે છે. બીજો એક સરવે એવું કહે છે કે, પુરૂષો શોપિંગ શરૂ કર્યાની 26મી મિનિટમાં કંટાળવા લાગે છે. સ્ત્રીઓ કલાકો સુધી શોપિંગ કરી શકે છે. એમાંય જો એને ગમતું શોપિંગ હોય તો એને જરાયે કંટાળો આવતો નથી, ઉલટું આનંદ આવે છે. ઘરમાં કોઇ પ્રસંગ હોય કે કોઇ તહેવાર હોય ત્યારે સ્ત્રીઓ માટે શોપિંગ એ પ્રસંગનો જ એક હિસ્સો બની રહે છે. એક બીજી વાત પણ કહેવામાં આવે છે કે, તમારે જો કોઇ ચીજ પુરૂષને વેચવી હોય તો તેને તેની ઉપયોગિતા સમજાવો. એ જ વસ્તુ કોઇ સ્ત્રીને વેચવી હોય તો સુંદર મજાની કલ્પનાશીલ વાર્તા બનાવો, તેમાં ઇમોશન્સ ભેળવો અને પછી સ્ત્રીને અહેસાસ કરાવો કે તેના વ્યક્તિત્ત્વમાં એ અનેકગણો વધારો કરી દેશે.
હવે ઓનલાઇન શોપિંગનો જમાનો છે. તેમાં પણ બંનેની ખરીદીની સ્ટાઇલમાં બહુ ફેર જોવા મળે છે. પુરૂષોને જે બ્રાંડનો મોબાઇલ કે ઘડીયાળ લેવા હોય એનું સર્ચ સીધા કંપનીના નામ સાથે જ આપશે. સ્ત્રીઓ બધી જ બ્રાંડ ચેક કરશે. ભાવ કંપેર કરશે. ગમે એ કાર્ટમાં મૂકી દેશે. છેલ્લે બધું જોઇને ફાઇનલી એક વસ્તુ ખરીદવાનું નક્કી કરશે. ખરીદી દુકાનમાંથી હોય, મોલમાંથી હોય કે ઓનલાઇન હોય, એ વાતથી કોઇ ઇન્કાર કરી શકે એમ નથી કે, સ્ત્રીઓ શોપિંગમાં વધુ હોંશિયાર અને પાવરધી હોય છે. શોપિંગમાં સ્ત્રીનું ઇન્વોલમેન્ટ હન્ડ્રેડ પર્સન્ટ હોય છે. શોપિંગ કરનારા પુરૂષોને પણ એવું કહેવામાં આવે છે કે, સ્ત્રીઓ પાસેથી કંઇક શીખો, શોપિંગની મજા લો. ખરીદી તો કરવાની જ છે. મજા તો મફતમાં મળે છે. એ વાત જુદી છે કે, શોપિંગમાં સ્ત્રી જેટલી મજા માણતા પુરૂષોને ક્યારેય આવડવાનું નથી. સ્ત્રીઓ એ બાબતમાં બ્લેસ્ડ છે. દરેક વાતનો આનંદ લેતા તેને આવડે છે, એટલે જ સ્ત્રીઓ પુરૂષો કરતા વધુ જીવે છે.
———–
પેશ-એ-ખિદમત
હમ અક્સર ખેલ મેં હારે હૈં ઉસ સે ઇસ તરહ ભી,
વહીં પર ઢૂંઠતે થે વો જહાં હોતા નહીં થા,
નિકલતે થે હમારે બાત કે મતલબ હજારોં,
જો કહના ચાહેતે થે વો બયાં હોતા નહીં થા.
-આશુ મિશ્રા
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 21 ઓક્ટોબર 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
